Sunday, September 29, 2019

હિન્દુત્વ માટે ઓળખની કટોકટી ઊભી થઈ રહી છે



હિન્દુત્વ માટે ઓળખની કટોકટી ઊભી થઈ રહી છે
(01)
--- MyIndMakers વેબસાઇટમાં આજે (29-09-2019) વહેલી સવારે એક લેખ વાંચ્યો. વિદેશમાં વસતા ભારતીય હિન્દુ માતા-પિતાની વ્યથા વ્યક્ત કરતો એ લેખ વાંચીને ચિંતા તો થઈ, પણ સાથે ભયનું લખલખું પસાર થઈ ગયું કે...

--- અલકેશ પટેલ

અમને ડર લાગે છે કે અમારાં બાળકો આગળ જતાં ધર્માંતર કરી લેશે. અમને આવું એટલા માટે લાગે છે કે સ્કૂલમાં અન્ય ધર્મના વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મની, હિન્દુ દેવી-દેવતાઓની હાંસી ઉડાવે છે અને અમારાં બાળકો તેનો જવાબ નથી આપી શકતાં, ક્યારેક રડી પડે છે અને ઘરે આવે ત્યારે હતાશ હોય છે... (https://myind.net/Home/viewArticle/why-cant-my-child-defend-his-faith-a-hindu-american-father-asks)  
એ સાચું કે આપણે એટલે કે સનાતનીઓ હિન્દુત્વ ખતરામાં છે એવું બોલીને કદી ઉશ્કેરણી કરવાના નથી. એ પણ સાચું કે આપણે અન્ય ધર્મના લોકોને હિન્દુત્વમાં લાવવા કોઇપણ પદ્ધતિ (સામ, દામ, દંડ, ભેદ) નો ઉપયોગ નથી જ કરવાના. અરે, આપણી નજર સામે ધર્માંતર કરી દેનાર આપણા જ સમુદાયના લોકોને ઘરવાપસી કરાવવા માટે પણ આપણે હિંમત નથી કરતા. કદાચ આ જ કારણે આજે આપણે એવા ત્રિભેટે આવીને ઊભા છીએ કે આપણી સાચી ઓળખ કઈ છે એ જ મોટાભાગનાને ખબર નથી.
લેખની શરૂઆતમાં જે કંઈ કહ્યું તે વિદેશમાં વસતા ભારતીય વાલીઓની વ્યથાનો ચિતાર છે. અને વાસ્તવિકતા પણ છે. ભારતની અંદર, આપણી આસપાસ, આપણી શાળાઓમાં, આપણાં પુસ્તકોમાં હિન્દુત્વની હાંસી ઉડાવવામાં આવે છે છતાં આપણે તેનો મક્કમપણે જવાબ આપીને એવાં તત્વોને અટકાવી નથી શકતા, તો વિદેશી ધરતી ઉપર તો એ કેવી રીતે શક્ય બને?
અહીં ઉપર MyIndMakers ની જે લિંક આપી છે તેમાં હિન્દુ વાલીઓની વ્યથા તો છે, સાથે સાથે યહુદી બાળકનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. 10-12-15 વર્ષના હિન્દુ બાળકોની સરખામણીમાં યહુદી બાળકોને તેમના ધર્મ અને તેમની સંસ્કૃતિ વિશે વધારે જાણકારી છે, વધારે ગર્વ છે અને તેથી એ જ ઉંમરનો યહુદી બાળક અન્ય વિધર્મીઓનાં મોં બંધ કરી શકે છે, પણ હિન્દુ બાળકો એવું નથી કરી શકતાં, એટલું જ નહીં પરંતુ ડરી જાય છે અને ધીમે ધીમે હિન્દુ હોવા વિશે શરમ અનુભવવા લાગે છે અને સમય જતાં કદાચ ધર્માંતર પણ કરી લે છે.
મને લાગે છે કે ભગવદ્ ગીતા, આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, વીર સાવરકર, ડેવિડ ફ્રોલી, મારિયા રીથ, કેરોલિના ગોસ્વામી, બ્રેકિંગ ઈન્ડિયા, હિન્દુ મસ્જિદો, સિંહપુરુષ, મારી જન્મટીપ, અવેકનિંગ ભારતમાતા, બિઇંગ ડિફરન્ટ, અવેકન ભારત, આવરણ, હિન્દુ ટેરર  – આ બધાં વ્યક્તિત્વ તેમજ પુસ્તકો વિશેની માહિતી જ્યાં સુધી પ્રત્યેક હિન્દુના ઘરમાં નહીં પહોંચે અને જ્યાં સુધી આટલી બાબતો વિશે પ્રત્યેક પુખ્ત હિન્દુ નહીં જાણે ત્યાં સુધી સનાતન ઉપર જોખમ રહેશે, ત્યાં સુધી સનાતન અને હિન્દુત્વ મજાકનો વિષય બનતો રહેશે, ત્યાં સુધી હિન્દુ બાળકો ડર અને શરમના માર્યા પોતાને હિન્દુ કહેતાં ડરતા રહેશે અને છેવટે ધર્માંતરની દિશામાં ચાલ્યા જશે.
અહીં ઉપર જે વિષયો, વ્યક્તિઓ તેમજ પુસ્તકોની યાદી આપી – એ તમામને તે ઉપરાંત સાચા અર્થમાં હિન્દુત્વને બચાવવા માટે બીજા જે કંઈ પ્રયાસ થઈ રહ્યા છે (અર્થાત એવી વ્યક્તિઓ તથા પુસ્તકોની યાદી હજુ ઘણી લાંબી છે) એ બધાને આગળ વધારવા માટે મારે પણ પ્રયાસ કરવો જોઇએ. હિન્દુત્વના જે બંધ અને સરોવર હું જોઈ રહ્યો છું ત્યાંથી તેની પવિત્ર ધારાને ખોબલે ખોબલે આગળ વધારવાની આજથી શરૂઆત કરું છું. દુનિયાભરના લિબરલ બદમાશો દ્વારા હિન્દુત્વ ઉપર પ્રહાર થઈ રહ્યા હતા ત્યારે તે ખાળવા માટે અલકેશ તેં પોતે શું કર્યું હતું એવો સવાલ ભવિષ્યમાં મારા અંતરમાં ઊભો ન થાય એ માટે આ શ્રેણી શરૂ કરું છું. આશા એવી છે કે હું જે ખોબે ખોબે ઉલેચીને આપું તેને તમે બધા આગળ વધારીને ઝરણું બનાવશો અને એ ઝરણાંને બીજા લોકો આગળ વધારીને એવી ગંગા નદીનું સ્વરૂપ આપશે જે સનાતન હિન્દુત્વ માટે એવું જીવનદાયી બની રહેશે કે ભવિષ્યની પેઢીએ આ લેખની શરૂઆતમાં કહી એવી સ્થિતિનો સામનો જ નહીં કરવો પડે.#અલકેશ. (આસો સુદ એકમ, નવરાત્રી પ્રારંભ)



2 comments:

  1. સરસ શરૂઆત ખૂબ જરૂરી છે

    ReplyDelete
  2. ભારતની બહાર નીકળો એટલે બિન હિંદુ વિદેશીઓ હાલતા ને ચાલતા હિંદુ કે હિંદુત્વની ઠઠ્ઠા મશ્કરી કરી ખાસ કરીને આપણા બાળકોને ઉશ્કેરવાની કોશિશ કરે છે.. એમાં આપણા ને આપણા પડોશી દેશના મુસ્લિમો તો અવ્વલ નંબરે આવે. આપણાથી કોઈની સામે ફરિયાદ પણ ન કરી શકાય.

    આ સમયે આપણે વડિલપણું નિભાવીને આપણા બાળકોને હિંદુ ધર્મ વિશે સાચી સમજ આપી ઉશ્કેરાટ વગર આવા પરિબળોનો સામનો કેવી રીતે કરવો તે શીખવાડવું જોઈએ.

    જો એમાં ઊણા ઉતરીએ તો ધર્મ પરિવર્તન માટે માનસિક તૈયારી રાખવી.
    શું તમને એવું નથી લાગતું કે,
    "સમય જતાં આપણા હિંદુઓમાં જોઈએ તેવું ધર્મ ઝનૂન રહ્યું નથી...." 😞

    અલ્કેશભાઈ, તમે આ ગંભીર વિષય પર શૃંખલા લખવાની પહેલ કરી છે તે માટે ખૂબ શુભેચ્છાઓ.

    ReplyDelete