Wednesday, September 18, 2019

#હાઉડી_મોદી નું મહત્ત્વ શું છે?


#હાઉડી_મોદી નું મહત્ત્વ શું છે?
n  22 સપ્ટેમ્બરને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના 50,000 નાગરિકોને સંબોધશે ત્યારે ત્યાં હાજર રહેવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. ટ્રમ્પ ખરેખર હાજર રહેશે કે નહીં એ તો એ દિવસે કાર્યક્રમ શરૂ થાય ત્યારે ખબર પડશે, પરંતુ અમેરિકન પ્રમુખની આટલી જાહેરાત જ ભારતીય નેતૃત્વની તાકાતનો પરિચય છે, કેવી રીતે?


n  અલકેશ પટેલ



વિશ્વના કેટલાક દેશોની રાજધાની હાલ કંઇક વિચિત્ર લાગણી અનુભવી રહી છે. પાકિસ્તાન અને ચીન ભારે બળતરા અનુભવી રહ્યા છે. અને આ તરફ ભારતમાં, ડાબેરીઓ સહિત વિરોધપક્ષો તેમજ કથિત લિબરલ મીડિયા કોઈ એક ઘટના અથવા કોઈ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે. આ તમામ જાતકોને આવાં લક્ષણો હોવાનું કારણ #હાઉડી_મોદી નામની એક જીઓ-પોલિટિકલ ઘટના છે, જે આગામી 22 તારીખે અમેરિકા મધ્યે આકાર લેવાની છે. આ ઘટનામાં એક ધ્રુવ-તારક તો હાજર હશે જ, પરંતુ બીજા શક્તિશાળી ધ્રુવ-તારકની એ સ્થળે પહોંચવાની સંભાવનાને પગલે ઉપરોક્ત જાતકોમાં ઉપર કહ્યા તે મુજબનાં લક્ષણો જોવા મળે છે. 
https://echhapu.com/2019/09/19/why-trumps-presence-in-howdy-modi-has-utmost-importance/

ખેર, હવે આ બધી ગોળ ગોળ વાતો છોડીને સીધા મુદ્દાની વાત ઉપર આવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટન પહોંચવાના છે, જ્યાં અન્ય કાર્યક્રમો ઉપરાંત ઉહાડી મોદી નામના કાર્યક્રમનું આયોજન થયું છે. તેમાં 50,000 ભારતીય મૂળના નાગરિકો એકત્ર થશે અને વડાપ્રધાન મોદી તેમને સંબોધશે.

આ કાર્યક્રમમાં હાજરી આપવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી દર્શાવી છે, એટલું જ નહીં એ અંગેની જાહેરાત પણ કરી દીધી છે. બસ આ જ કારણે વિશ્વના કેટલાક દેશોની રાજધાની હાલ કંઇક વિચિત્ર લાગણી અનુભવી રહી છે. પાકિસ્તાન અને ચીન ભારે બળતરા અનુભવી રહ્યા છે. અને આ તરફ ભારતમાં, ડાબેરીઓ સહિત વિરોધપક્ષો કોઈ એક ઘટના અથવા કોઈ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે. વિશ્વના કેટલાક દેશો ઉપરાંત પાકિસ્તાન અને ચીનની વાત તો સમજાઈ, પણ આ ભારતના વિપક્ષોની શું વાત છે? તો લો, તમને સમજાવું કે ભારતના વિપક્ષો એવી ઘટના અથવા એવા નિવેદનની રાહ જોઈ રહ્યા છે જેને કારણે કાંતો નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનના કાર્યક્રમમાં વિક્ષેપ પડે અથવા કમ સે કમ એ ભવ્ય સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર ન રહે! ભારતના વિપક્ષોની અને કેટલાક ચોક્કસ મીડિયાની આવી લાગણી હોય એ સ્વાભાવિક છે, કેમ કે જો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાય અને તેમાં પ્રમુખ ટ્રમ્પ હાજર રહે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નરેન્દ્ર મોદીનું કદ અનેકગણું વધી જાય તેમ છે. અને ભારતના એક રાષ્ટ્રવાદી નેતાનું કદ આ રીતે વધે એ વાત ભારતીય વિપક્ષો અને કથિત લિબરલ મીડિયા કેવી રીતે સહન કરી શકે!

મેં શરૂઆતમાં કહ્યું છે તે અહીં સવિસ્તાર દોહરાવું છું. ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે ઉપસ્થિત રહેવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ શક્ય છે કે છેલ્લી ઘડીએ તેઓ હાજર ન પણ રહે. આવી સંભાવનાના કેટલાક કારણ છે. -- પહેલું કારણ ટ્રમ્પની પોતાની અનિશ્ચિતતા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત જોવા મળ્યું છે કે ડોનાલ્ડભાઈએ તેમનો નિર્ણય ફેરવી તોળ્યો હોય અથવા તેમાં કંઇક અસાધારણ ફેરફાર કરી દીધો હોય. – બીજું કારણ, અમેરિકાનું સ્થાનિક રાજકારણ છે. ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષમાંથી 2020ની પ્રમુખપદની ચૂંટણી માટે તુલસી ગબાર્ડ ઉમેદવારી કરવા તત્પર છે. તેઓ પ્રથમ હિન્દુ મહિલા છે જેઓ અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યાં છે. (અગાઉ 2016માં બૉબી જિંદાલે રિપબ્લિકન પક્ષમાંથી પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી. તેમના નામ પરથી મોટાભાગનાને એવી છાપ હતી કે તેઓ હિન્દુ છે, પરંતુ વાસ્તવમાં તેમણે ધર્માંતર કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો. અને તેથી તુલસી ગબાર્ડ ખરા અર્થમાં પ્રથમ હિન્દુ છે જે પ્રમુખપદની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યાં છે.)

હા, તો હવે ટ્રમ્પભાઈને વિપક્ષી હુમલા તેમજ ત્યાંના કથિત લિબરલ મીડિયાની આક્રમકતાનો સામનો કરવો પડે અને એ દરમિયાન તેમને લાગે કે ભારતીય સમુદાયના મતદારોને ખુશ કરવાની લ્હાયમાં તેમને અમેરિકન મૂળના મતદારોનું નુકસાન થઈ શકે છે, તો કદાચ હ્યુસ્ટનમાં મોદીની સભામાં હાજર રહેવાનું છેલ્લી ઘડીએ ટાળી પણ દે! (બીજી એક સંભાવના પણ તમને સૌને વ્યક્તિગત રીતે કાનમાં કહી દઉં કે, શક્ય છે કે કેટલાક ઇસ્લામિક દેશો સહિત દુનિયાના થોડા દેશ ડિપ્લોમૅટિક ચૅનલ દ્વારા ખાનગી રાહે પ્રમુખ ટ્રમ્પને સંદેશો મોકલાવીને હ્યુસ્ટનમાં હાઉડી મોદીમાં હાજર ન રહેવા વિનંતી કરી પણ શકે. હા, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આવું પણ શક્ય છે.)

એવું થાય તો ભારતના વિપક્ષો અને કથિત લિબરલ મીડિયા રાજીના રેડ થઈ જશે. ભલે થતા. પણ બધું આયોજન પ્રમાણે થાય અને હાઉડી મોદી કાર્યક્રમમાં શક્તિશાળી દેશના શક્તિશાળી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહે તો તેને કારણે જે જીઓ-પોલિટિકલ સમીકરણ રચાશે તે ભારત અને અમેરિકાના ઇતિહાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લાંબાગાળાની અસરો ઊભી કરશે.

હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પ હાજર રહેશે તો સૌથી પહેલાં તો પાકિસ્તાનની રહી-સહી હવા પણ નીકળી જશે. પ્રમુખ ટ્રમ્પ હાજર રહેશે તો 2020માં તેમની બીજી મુદત માટેની જીત લગભગ નિશ્ચિત થઈ જશે, પરિણામે ચીન પણ ઢીલું પડી શકે. આમેય છેલ્લાં થોડાં વર્ષથી તમામ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર નરેન્દ્ર મોદી મારફત ભારતને જે મહત્ત્વ મળી રહ્યું છે તેનાથી ચીને બૅકફૂટ ઉપર જવું પડ્યું છે તેમાં શંકા નથી. અને હવે પ્રમુખ ટ્રમ્પ પણ જો બીજી મુદત માટે ચૂંટાઈ આવે અને તેમાં હાઉડી મોદી ઘટના મદદરૂપ થાય તો ચીન માટે ડ્રેગનના ફૂંફાડા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં એકમાત્ર પાકિસ્તાનને ભારત પ્રત્યે દુશ્મનાવટ છે. ચીન ચાલાક છે. એ ફૂંકીને કરડવામાં માને છે. પરંતુ હાઉડી મોદી પછી (અર્થાત પ્રમુખ ટ્રમ્પની હાજરી પછી) ચીનના વલણમાં પણ પરિવર્તન આવી શકે છે. બાકીની દુનિયાના લગભગ તમામ દેશ ભારતની સાથે છે. ભારતની વૈશ્વિક તાકાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેનો અંદાજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનની સભામાં હાજરી આપવાની જાહેરાત કરી તેના પરથી મેળવી શકાય છે. #હાઉડી_મોદી નું આ જ તો મહત્ત્વ છે. #અલકેશ
https://echhapu.com/2019/09/19/why-trumps-presence-in-howdy-modi-has-utmost-importance/

No comments:

Post a Comment