Monday, May 7, 2018

હવે નિર્ણય મુસ્લિમોએ કરવાનો છે


હવે નિર્ણય મુસ્લિમોએ કરવાનો છે
--- ભારતના ભાગલાના ખલનાયક મહંમદ અલી ઝીણાની તસવીર હજુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લાગેલી છે. રાષ્ટ્રવાદીઓએ તેને હટાવવાની માગણી કરી તો કેટલાય મુસ્લિમો ઝીણાની તરફેણમાં રસ્તા પર ઊતરી આવ્યા... શા માટે ભઈ?

-- અલકેશ પટેલ

આ દેશને અબ્દુલ કલામ ઉપર ગર્વ છે. આ દેશને અબ્દુલ હામીદ ઉપર ગર્વ છે. આ દેશને મુહમ્મદ ઉસ્માન ઉપર ગર્વ છે. આ દેશ મહંમદ રફીને દિલ ફાડીને પ્રેમ કરે છે. ભારતીય સૈન્ય સહિત તમામ સલામતી દળોમાં ભારત માટે શહીદી વહોરનાર એવા અનેક નામી-અનામી મુસ્લિમો માટે આ દેશના નાગરિકોએ આંસુ સાર્યાં છે... પરંતુ -
- પરંતુ... દેશના વિભાજનના ખલનાયક મહંમદ અલી ઝીણાએ 70 વર્ષે દેશને વધુ એક વખત વિભાજિત કર્યો છે. જોકે એક રીતે આ સારું જ થયું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એ એમ યુ) માં વિદ્યાર્થી સંગઠનના હૉલમાં ઝીણાની તસવીરનો જે વિવાદ થયો તેનાથી ભારતમાં હજુ પણ કયા કયા લોકો અને કેટલા લોકો દેશ વિરોધી માનસિકતા ધરાવે છે એ જાણવા મળ્યું.
સાચી વાત એ છે કે દેશના કેટલાક મુસ્લિમો અને તેમની તરફેણમાં સેક્યુલારિઝમની દુકાનો ચલાવતા કહેવાતા બુદ્ધિજીવીઓ, એજન્ડાધારી પત્રકારો તેમજ અધકચરું જ્ઞાન ધરાવતા બોલિવૂડિયા કલાકારો રાષ્ટ્રવાદની વાત આવે ત્યારે હંમેશાં એક વાક્ય બોલતા હોય છે કે મુસ્લિમો ભારતના જ છે અને તેમણે ભારતીયતા પુરવાર કરવાની જરૂર નથી... વગેરે વગેરે વગેરે... પણ હે સેક્યુલારિઝમના દુકાનદારો, કદી કોઈ તમામ મુસ્લિમોની વાત કરતું જ નથી. મોટાભાગના મુસ્લિમો ભારતીય છે એ બધા જાણે છે. ઘણી મોટી સંખ્યામાં મુસ્લિમો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) તેમજ ભાજપમાં જોડાયેલા છે એ પણ કોઈનાથી અજાણી વાત નથી.
તેમછતાં ઝીણા જેવી ઘટનાઓ બને ત્યારે અમુક ટકા મુસ્લિમોની ભારતીયતા અંગે પ્રશ્ન ઉપસ્થિત થવો સ્વાભાવિક છે. સ્વાભાવિક એટલા માટે કે ઝીણા ભારતમાં રહેવા નહોતા માગતા અને મુસ્લિમો માટે ધર્મ આધારિત અલગ દેશ ઈચ્છતા હતા. એ જ કારણે દેશનું વિભાજન કર્યું. એ વિભાજનને કારણે ખૂબ મોટાપાયે હિંસક તોફાનો થયાં હતાં જેમાં લાખો હિન્દુ અને શીખ નાગરિકોની કત્લેઆમ થઈ હતી. ઝીણાએ અલગ દેશ માગ્યો એ કારણે તો મૂળ ભારતનાં જેટલાં ક્ષેત્રો હાલ પાકિસ્તાનમાં છે ત્યાં ભારતીય સભ્યતા-સંસ્કૃતિ અને મંદિરોનો નાશ થઈ ગયો છે એ કોઈનાથી અજાણ્યું નથી. 1947માં પાકિસ્તાનમાં ત્યાંની કુલ વસ્તીના પ્રમાણમાં 20 ટકા હિન્દુ-શીખ હતા, આજે એ સંખ્યા ઘટીને એક ટકો થઈ ગઈ છે. તેની સામે ભારતમાં રહેલા મુસ્લિમોની સંખ્યામાં દિવસ-રાત વધારો થયો છે. તેમછતાં હજુ પણ એવાં તત્વો છે જે ભારતને અસહિષ્ણુ દેશ કહે છે..!!
ક્યારેક એ વાત સાચી લાગે કે મુસ્લિમોના રાષ્ટ્રપ્રેમ વિશે શંકા ન કરવી જોઈએ... પરંતુ યાદ આવે કે જન ગણ મન તેમજ વંદેમાતરમ્ ગાવાનું આવે ત્યારે મુસ્લિમોને વાંકું કેમ પડે છે? જે થોડા લોકો વાંકું પાડે એમને મુસ્લિમ સમાજના ઠેકેદારો જાહેરમાં ખખડાવી કેમ નાખતા નથી? જે થોડા લોકોને વાંકું પડે છે એમને સેક્યુલારિઝમના દુકાનદારો કેમ ઝાટકી કાઢતા નથી?
ક્યારેક એ વાત સાચી લાગે કે મુસ્લિમોના રાષ્ટ્રપ્રેમ વિશે શંકા ન કરવી જોઈએ... પરંતુ યાદ આવે કે હિન્દુઓએ પોતાના દેશમાં, પોતાના શહેરમાં રથયાત્રા કાઢવી હોય, દુર્ગાપૂજા કરવી હોય, ગણપતિ મહોત્સવ કરવો હોય ત્યારે મુસ્લિમોની સંખ્યા વધુ હોય એવા સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધ શા માટે આવી જાય છે? આવો પ્રતિબંધ આવે ત્યારે મુસ્લિમ સમાજના ઠેકેદારો અને સેક્યુલારિઝમના દુકાનદારોને હિન્દુઓની તરફેણમાં આગળ આવતાં આજ સુધી જોયા નથી.
આવા તો અનેક મુદ્દા છે જેના વિશે વિસ્તારથી વાત કરવામાં આવે તો આખો મામલો જ સંવેદનશીલ બની જાય... પરંતુ અહીં મારો એવો કોઈ ઈરાદો નથી. હું તો માત્ર જે સંવેદનશીલ મુસ્લિમો છે તેમના મનમાં એક વિચાર નાખવા માગું છું કે સમુદાય સામે આંગળી ચિંધાતી હોય ત્યારે તમે શું કદી વિચાર્યું છે ખરું કે આવું શા માટે થાય છે?
સેક્યુલારિઝમના દુકાનદારોને પણ એ જ રીતે વિચાર આપવા માગું છું કે, શું તમે કદી વિચાર્યું છે કે જે હિન્દુ સમુદાયને યહુદીઓ, પારસીઓ, ખ્રિસ્તીઓ કે પછી દુનિયાભરના બીજા કોઈપણ ધર્મના લોકો સાથે કોઈ વાંધો નથી અને બધાની સાથે વસુધૈવકુટુંબકમ્ ની ભાવનાથી રહે છે તો પછી મુસ્લિમો સાથે શા માટે તણાવ રહે છે?
આ મુદ્દો સમજવો અઘરો નથી. થોડા મુસ્લિમો હજુ પણ તેમની પાકિસ્તાન તરફી માનસિકતા છોડી શકતા નથી. થોડા મુસ્લિમો હજુ પણ ઝીણાને ગળામાં ભેરવીને ફરે છે. થોડા મુસ્લિમો હજુ પણ લાદેન - હાફીઝ સઈદને આદર્શ માને છે. થોડા મુસ્લિમો હજુ પણ સમાન નાગરિક કાયદા (કૉમન સિવિલ કોડ)નો વિરોધ કરે છે. થોડા મુસ્લિમો હજુ પણ પોતાની વિગતો આધાર કાર્ડ સાથે જોડવાનો વિરોધ કરે છે. થોડા મુસ્લિમો હજુ પણ વિદેશી એવા રોહિંગ્યાઓને ભારતમાં લાવવા રસ્તા પર ઊતરી આવે છે. અને તેની સામે એકપણ મુસ્લિમ અગ્રણી કે પછી સેક્યુલારિઝમના દુકાનદારોએ આજ સુધી કાશ્મીરી પંડિતોને તેમના વતનમાં પરત વસાવવા માટે આગળ આવીને કામ કર્યું નથી. હિન્દુઓની આસ્થાનું એકમાત્ર રામમંદિર પણ નહીં બનાવવા દેનાર લોકો આ દેશને અસહિષ્ણુ કહે ત્યારે કુદરતી ન્યાયના સિદ્ધાંતની કેટલી મોટી મજાક કહેવાય..!
ઈસ્લામમાં મૂર્તિપૂજા-વ્યક્તિપૂજાનો નિષેધ છે તો પછી ઝીણાના એક ફોટા માટે જીદ પકડનાર થોડા મુસ્લિમોના કાન જો રાષ્ટ્રવાદી મુસ્લિમો નહીં પકડે તો સમુદાય શંકાના ઘેરામાં રહે એ સ્વાભાવિક છે.

No comments:

Post a Comment