Monday, April 30, 2018

મારું, તમારું, આપણા સૌનું જળઅભિયાન


મારું, તમારું, આપણા સૌનું જળઅભિયાન

---- આવતીકાલે 1 મે છે, ગુજરાતનો 58મો સ્થાપના દિવસ. આમ તો ગુજરાત સરકાર આ અભિયાન શરૂ કરી રહી છે, પણ તમે અને હું – આપણે સૌ આ અભિયાનને આપણું પોતાનું બનાવી લઈએ તો કેવું?

- અલકેશ પટેલ

પાણીની બચત કરવા માટે છેલ્લા ઓછામાં ઓછા પાંચ દાયકાથી આખી દુનિયામાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને એમાંય ત્રણેક દાયકાથી તો વારંવાર એવું સાંભળવા મળે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે થશે. અંગત રીતે મને એવું લાગે છે કે પાણીની બચતની ગંભીરતા સમજાવવા માટે વિશ્વયુદ્ધની વાત કરવામાં આવી હોઈ શકે, કેમકે વિશ્વયુદ્ધ થાય એવો આ મુદ્દો લાગતો નથી. માણસને વિકલ્પો શોધી લેતાં આવડે છે. દરિયાના પાણીને મીઠું બનાવવાના પ્રયોગો સફળ થયા છે. પણ... સવાલ એ છે કે આજે દરિયાનું પાણી મીઠું કરવા લાગીશું અને કાલે એ પાણી પણ ખૂટી પડશે તો..? અને એટલે જ કુદરતી રીતે આપણને જે વરસાદી પાણી મળે છે, પહાડી જંગલોમાંથી જે પાણી નદી-ઝરણાં મારફતે આપણા સુધી આવે છે, ઉત્તરધ્રુવમાંથી બરફ પીગળીને જે પાણી આપણા સુધી પહોંચે છે તેને આપણે શા માટે બચાવતા નથી..? આ બધું આપણને મફતમાં મળે છે એટલે જ ને..?
ખરેખર તો આપણે એ સમજવું જોઈએ કે જે કંઈ મફતમાં છે એ જ સૌથી વધારે મોંઘું છે. મફતમાં છે તેથી તેની આપણને કિમત નથી અને તેનો બેફામ ઉપયોગ કરીએ છીએ, પરિણામે તેનાથી વંચિત થવાનો, તેની અછત ભોગવવાનો વારો આવે છે.
ખેર, ગુજરાતમાં આવતીકાલથી જે જળઅભિયાન શરૂ થાય છે તેનો હિસ્સો બનવાની આપણા સૌની ફરજ છે. રાજ્યનો દરેકે દરેક નાગરિક વ્યક્તિગત રીતે આ જળઅભિયાનને પોતાની ફરજ બનાવી લે તો મને ખાતરી છે કે કાયમ માટે પાણીની અછતની સમસ્યામાંથી આપણે બહાર આવી શકીશું.
--- પાણીની બચત એ દરેક નાગરિકની ફરજ છેઃ
પાણીની અછત માટે સરકારને ગાળો આપવાથી કે વહીવટીતંત્રની ટીકા કરવાથી નહીં ચાલે. આપણે પોતે તેના ઉપાયમાં લાગી જવું પડશે. કેવી રીતે..? આપણા ઘરના કોઈપણ નળમાં પાણી લીકેજ થતું હોય તો એ બંધ કરવાની જવાબદારી આપણી છે, એમાં સરકાર કે વહીવટીતંત્ર કશું ન કરી શકે. સ્નાન સહિત અન્ય ક્રિયાઓ વખતે જરૂર જેટલું પાણી ઉપયોગમાં લેવાય અને તેનો બગાડ ન થાય એ જોવાની જવાબદારી વ્યક્તિગત છે, સરકારી નહીં.
--- મારે શું..? ની માનસિકતા છોડવી પડશેઃ
કોઈ જાહેર શૌચાલયમાં કે પછી અન્ય કોઈપણ જાહેર જગ્યાએ જો પાણીનો બગાડ થતો હોય, પાણીનું લીકેજ થતું હોય તો તેના પ્રત્યે સરકારી તંત્રનું, વહીવટીતંત્રનું ધ્યાન દોરવાની જવાબદારી પણ આપણી છે કેમકે સરકાર અને વહીવટીતંત્રનું કદ નાનું હોય છે, તેઓ સંખ્યામાં ઓછા હોય છે તેથી દરેક શેરીમાં, દરેક જાહેર સ્થળે અધિકારીઓ અને કર્મચારીઓ આવી બાબતોનું ધ્યાન રાખવા ચોવીસે કલાક બેસી ન રહ્યા હોય એવી સામાન્ય સમજ આપણામાં હોવી જોઈએ. વળી એ કર્મચારીઓ અને અધિકારીઓ બીજી અનેક પ્રકારની કામગીરીમાં રોકાયેલા હોવાથી બધે એક સાથે ધ્યાન આપવાનું શક્ય ન હોય એવું બને. અને એ જ કારણે કોઈ જાહેર સ્થળે પાણીનો બગાડ થતો હોય તો તંત્રનું ધ્યાન દોરવામાં આપણે સક્રિય થવું જોઈએ... મારે શું..? ની વૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
--- વરસાદી પાણીનો સંગ્રહઃ
આ સૌથી અગત્યનો મુદ્દો છે. વરસાદી પાણી સૌથી શુદ્ધ હોય છે અને તેનો સંગ્રહ કરવાની ટેવ આપણે આ વર્ષથી જ કેળવી લેવી જોઈએ. આ કોઈ અશક્ય બાબત નથી. હાઉસિંગ સોસાયટી હોય કે પોળ – દરેકે સાથે મળીને આવતીકાલથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું જોઈએ. વરસાદી પાણીને વહી જવા દેવાને બદલે તેને જમીનમાં ઉતારવાની ટેકનિક ઘણા દાયકાથી અમલમાં છે અને હવે છેક કટોકટીનો સમય આવી ગયો છે કે આપણે સૌ વરસાદી પાણીને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા આપણી સોસાયટી કે પોળ કે ઘરે લગાવી દઈએ.
આમાં કોઈ અતિશય મોટો ખર્ચ નથી. બધા સામૂહિક રીતે ભંડોળ ઊભું કરીને વરસાદી પાણી સંગ્રહની વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને આમ પણ આવી વ્યવસ્થા ઊભી કરવા માટે જે ખર્ચ થાય તે અત્યારે નહીં કરીએ તો પાણી વિનાની આવતીકાલ આપણને અનેકગણી મોંઘી પડશે...
પાણી વિના સ્થિતિ કેવી ગંભીર થઈ શકે તેમ છે - એ સમજાવવા માટે આંકડા અને ટકાવારી આપવાનું સહેલું છે. એ આંકડા અને ટકાવારીની જાહેર ચર્ચા કરવાનું પણ સહેલું છે... પરંતુ એવી ડાહીડાહી એકેડેમિક ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. સીધી અને સટ મૂળ વાત એ છે કે પાણી વિના કોઈને ચાલતું નથી અને ચાલવાનું નથી. જમીનની નીચે પાણીનું સ્તર ઘટી રહ્યું છે એ હકીકત છે. એ માટે ઉદ્યોગો અને ઠંડાપીણાંની કંપનીઓ તો જવાબદાર છે જ, પણ વ્યક્તિગત રીતે આપણે સૌ પણ ઓછા જવાબદાર નથી. આ બાબતમાં આજ સુધી જે કંઈ થયું એ ભલે થયું, પરંતુ શું આપણે દરેક નાગરિક વ્યક્તિગત રીતે નક્કી કરી શકીએ કે આવતીકાલથી પાણીની બચત માટે મારાથી જે કંઈ થઈ શકશે તે હું કરીશ..?

No comments:

Post a Comment