Saturday, April 21, 2018

ઈસ દેશ કી સેહત કે લિયે કોંગ્રેસ તુ તો હાનીકારક હૈ


ઈસ દેશ કી સેહત કે લિયે કોંગ્રેસ તુ તો હાનીકારક હૈ

---------------------------------------------------------
2019ની લોકસભા ચૂંટણીનાં નગારાં સંભળાવા લાગ્યાં છે. બધા પક્ષ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસે પણ તૈયારી તો શરૂ કરી જ છે, પણ એની તૈયારી રચનાત્મક હોવાને બદલે ભાંગફોડવાળી વધારે છે. રાજકીય લડાઈ લડી લેવા કોંગ્રેસ મુક્ત છે, બલ્કે એણે એવી લડાઈ લડવી પણ જોઈએ... પરંતુ ભારે દુખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસનાં પગલાં ભારતના સામાજિક તાણાવાણાને વેરવિખેર કરી નાખશે એવું ગંભીર જોખમ રહેલું છે
---------------------------------------------------------

--- અલકેશ પટેલ

12 એપ્રિલે મોડી રાત્રે 11 વાગ્યા પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, તેમનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો એકાએક નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે એકત્ર થઈ ગયાં. એને તેમણે દુષ્કર્મ વિરુદ્ધ કૅન્ડલ માર્ચ નામ આપ્યું હતું. એક રીતે જોઈએ તો મુદ્દો તો સાચો જ હતો. બાળકી હોય કે પછી કિશોરી કે પછી કોઈ મોટી ઉંમરની મહિલા – પરંતુ સ્ત્રી જાતિ ઉપર કોઈપણ પ્રકારનો અત્યાચાર કે તેની સાથે દુષ્કર્મ થાય તો કોઈપણ સભ્ય સમાજને ચિંતા થવી જોઈએ. તો પછી સવાલ એ થાય કે કોંગ્રેસનું આ પગલું અયોગ્ય કેવી રીતે કહેવાય? તેનો જવાબ એ છે કે કોંગ્રેસે ઉત્તરપ્રદેશના ઉન્નાવ તથા જમ્મુ-કાશ્મીરના કથુઆની ઘટનાઓને માત્ર રાજકીય ચશ્મા પહેરીને જોઈ હતી અને તેના કરતાં વધારે ખતરનાક બાબત એ હતી કે આવી ઘટનાઓમાં કોંગ્રેસે ધર્મને ઘૂસાડીને ભારતમાં હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય વકરાવવાનું પાપ કર્યું હતું. કોંગ્રેસે એવો માહોલ ઊભો કરવા પ્રયાસ કર્યો કે ભાજપની સરકાર સત્તા ઉપર છે એટલે તમામ હિન્દુઓ છાકટા બની ગયા છે અને તે કારણે આખા દેશમાં હવે કોઈ મહિલા સલામત નથી. (મારી આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો 12 એપ્રિલે કૅન્ડલ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને આપેલા નિવેદનનો વીડિયો સાંભળી લેજો).
સત્તા વિહોણો બનેલો કોંગ્રેસ પક્ષ બેબાકળો થઈ ગયો છે. એટલું ઓછું હોય તેમ નરેન્દ્ર મોદી સરકાર એક પછી એક જે આર્થિક અને સામાજિક પગલાં લઈ રહી છે તેને કારણે કોંગ્રેસ અને ડાબેરીઓનું વજૂદ જોખમમાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેમની પરંપરાગત વોટબેંક સંકોચાઈ રહી છે. એ સંજોગોમાં રાજકીય પક્ષ તરીકે અસ્તિત્વ ટકાવી રાખવા કોંગ્રેસ પ્રયાસ કરે એમાં કશું ખોટું નથી, પરંતુ એણે જે માર્ગ અખત્યાર કર્યો છે એ ચોક્કસ ચિંતાજનક છે. ગુજરાતમાં ચૂંટણી પહેલાં પાટીદાર અનામતના નામે સામાજિક વિભાજનનો અખતરો કરી ચૂકેલા કોંગ્રેસ પક્ષે આવતા મહિને કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી પહેલાં ત્યાંના વગદાર લિંગાયત સમુદાયમાં ભાગલા પાડી દીધા છે. કર્ણાટક કોંગ્રેસે લિંગાયતને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાનો અત્યંત વરવો ખેલ ખેલીને હિન્દુ સમાજના બે જૂથ વચ્ચે ઝેરનાં બીજ રોપી દીધાં છે.
આ જ ગાળામાં ગુજરાતમાં દલિતોને લગતી બે ઘટનાને પણ કોંગ્રેસ તદ્દન ખોટી રીતે દલિત-હિન્દુ વૈમનસ્યની ઘટનાઓ હોય એ રીતે હજુ પણ રજૂ કરી રહી છે. કોંગ્રેસ તેમજ મીડિયા પણ જાણે છે કે દલિત યુવાનોને લગતી એ ઘટના અંગત કારણોનું પરિણામ હતી અને તેને હિન્દુ વિરુદ્ધ દલિત જેવા કાલ્પનિક મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી.
સાચી વાત એ છે કે, કોંગ્રેસ અને ડાબેરીઓને પેટમાં એ વાતનું દુખે છે કે 1) મોદી સરકાર તમામ બાબતો સાથે આધાર લિંક કરવા મક્કમ છે, જેને કારણે સાચા લોકો તેમજ નકલી ભૂતિયા નામો દ્વારા કૌભાંડ કરતા લોકો વચ્ચે ઓળખ થઈ શકે. 2) મોદી સરકાર લાખો સામાન્ય લોકોને મુદ્રા બેંક દ્વારા રોજગારી માટેની લોન આપી રહી છે. 3) મોદી સરકાર દેશના અન્ય દિગ્ગજ નેતાઓ જેવું જ માનપાન બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરને આપી રહી છે. 4) મોદી સરકારે ચાર વર્ષમાં 2014 પહેલાં જ્યાં વીજળી નહોતી એવાં 90 ટકા ગામોમાં વીજળી પહોંચાડી દીધી છે. 5) મોદી સરકારે શૌચાલયો બાંધવાનું ભગીરથ કામ હાથમાં લીધું છે અને મોટાભાગનાં રાજ્યોમાં જ્યાં ગરીબો માટે શૌચાલયની વ્યવસ્થા નહોતી ત્યાં આ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. 6) રસ્તા અને રેલવે સહિત માળખાકીય સુવિધાઓ એટલી બધી ઝડપથી વધી રહી છે કે હવે દેશના મોટાભાગના અંતરિયાળ વિસ્તારો રસ્તાથી જોડાઈ ગયા છે. 7) આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો દબદબો વધી રહ્યો છે જેને કારણે હવે પાકિસ્તાન અને ચીન જેવા બે-ત્રણ દેશને બાદ કરતાં બાકીના તમામ દેશ ભારત સાથે મૈત્રી કરવા તત્પર છે. વડાપ્રધાન મોદી ઈઝરાયેલ અને તેના કટ્ટર દુશ્મન પેલેસ્ટીન સાથે પણ સંબંધો ગાઢ બનાવવામાં સફળ થયા છે. 8) મેક ઈન ઈન્ડિયા યોજના હેઠળ હવે દેશમાં ઘણા મોટા પાયે શસ્ત્રોનું નિર્માણ શરૂ થયું છે જેનું દેખીતું ઉદાહરણ 12 એપ્રિલે ચેન્નઈમાં યોજાયેલો ડિફેન્સ એક્સ્પો છે (https://www.oneindia.com/india/defence-expo-2018-live-updates-modi-inaugurate-the-event-today-chennai-2676313.html). આ રીતે સુરક્ષા સાધનોના ઉત્પાદનથી ભારતની જરૂરિયાત તો સંતોષાસે, સાથે ભવિષ્યમાં નિકાસની સંભાવના હોવાથી દેશને પુષ્કળ આવક પણ થશે.
આ બધી  સ્થિતિ કોંગ્રેસના રાજકીય અસ્તિત્વ માટે સવાલ ઊભો કરી શકે તેવી છે અને એ કારણે કોંગ્રેસ બેચેન છે. કોંગ્રેસે એમ માની લીધું છે કે ભાજપની વોટબેંક મોટાભાગે હિન્દુઓની છે અને તેથી હિન્દુઓમાં વિભાજન કરાવી દેવામાં આવે તો ભાજપને હરાવી શકાય. પણ કોંગ્રેસની આ વિચારધારા અને રસ્તો ખોટો છે. અલબત્ત, જૂની પેઢીના લોકો જાણે છે કે કોંગ્રેસ માટે આ કંઈ નવી વાત નથી. તેનું રાજકીય અસ્તિત્વ પહેલેથી જ ભાગલાવાદી રહ્યું છે. દાયકાઓ સુધી અનામત અને ગરીબોના નામે ચૂંટણી જીતતો રહેલો કોંગ્રેસ પક્ષ છેલ્લા થોડાં દાયકાથી મુસ્લિમ તુષ્ટિકરણ કરીને ચૂંટણી જીતતો આવ્યો છે. પ્રદેશવાદ ભડકાવવામાં પણ હંમેશા કોંગ્રેસે કુટિલનીતિ અખત્યાર કરી છે. તાજેતરમાં જ કર્ણાટકના કોંગ્રેસના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ રાજ્યોને ફાળવવામાં આવતી કેન્દ્રીય સહાયનો ઉલ્લેખ કરીને એવું અતિશય વિભાજનકારી નિવેદન કર્યું હતું કે મોદી સરકાર ઉત્તર ભારતનાં રાજ્યોને વધારે સહાય કરે છે અને દક્ષિણના રાજ્યોને અન્યાય કરે છે. દેશનાં જ રાજ્યો વચ્ચે આવી અધમ કક્ષાની વિભાજનકારી વિચારણા અને નિવેદન તો કોંગ્રેસીઓ જ કરી શકે.
ભારતમાં રહેતા નાગરિકો કે પછી ભારત બહાર રહેતા ભારતીય મૂળના નાગરિકો જો તટસ્થપણે વિચારે તો ખ્યાલ આવશે કે વિપક્ષો દ્વારા જે હો-હા કરવામાં આવી રહી છે તેમાં સત્ય ઓછું અને અપપ્રચાર વધારે છે. દુનિયામાં કોઈ સરકાર ચાર વર્ષના ગાળામાં આમુલ પરિવર્તન લાવી ન શકે, અને તેમ છતાં કમનસીબે વિપક્ષો અને તેમાંય ખાસ કરીને કોંગ્રેસ દ્વારા દિવસ-રાત અવરોધક ઊંબાડિયા કરવામાં આવે છે તેનાથી પક્ષને ટૂંકા ગાળા માટે કદાચ રાજકીય લાભ મળી જશે, પરંતુ દેશના સામાજિક માળખાને જે નુકસાન થશે તેની ભરપાઈ દાયકાઓ સુધી નહીં થઈ શકે.

No comments:

Post a Comment