Saturday, April 21, 2018

ઉન્નાવથી કથુઆઃ બદમાશ બુદ્ધિજીવીઓ અને બદમાશ મીડિયા


ઉન્નાવથી કથુઆઃ બદમાશ બુદ્ધિજીવીઓ

અને બદમાશ મીડિયા



--- ઉત્તરપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં દુષ્કર્મની ઘટનાઓએ કોંગ્રેસ, (કુ)બુદ્ધિજીવીઓ તેમજ મીડિયાના બેવડાં ધોરણ ખુલ્લા પડી ગયા



અલકેશ પટેલ



એક ભયંકર કાવતરું ચાલી રહ્યું છે આ દેશમાં. દેશને જ્ઞાતિવાદ-જાતિવાદ, ધર્મ અને પ્રાંતવાદમાં વિભાજિત કરવા કેટલાંક તત્વો સક્રિય છે. આ તત્વોમાં રાજકીય પક્ષો, સમાજના કેટલાક કહેવાતા અગ્રણી બુદ્ધિજીવી નાગરિકો તેમજ મીડિયા પોતે સામેલ છે. છેલ્લાં ચાર વર્ષમાં રાષ્ટ્રવાદી લાગણીમાં ઉછાળ આવવાને કારણે આ તત્વો તેમનું વજૂદ ગુમાવી રહ્યાં છે અને તેથી એ બધું પાછું મેળવવા દરરોજ એક કાવતરું ઘડાય છે અને અહીં જણાવી એ ટોળકી એક સાથે ભયાનક અપપ્રચારમાં લાગી પડે છે જેથી આવાં કાવતરાંને ઓળખી નહીં શકતા સામાન્ય નાગરિકો એ બધું સાચું માની લે અને દેશને, દેશની સરકારને, દેશના વહીવટીતંત્રને, દેશની પોલીસને ધિક્કારવા લાગે. આવી ટોળકીને સાથ આપે છે કોંગ્રેસ, આવી ટોળકીને સાથ આપે છે બુદ્ધિજીવી બદમાશો અને મીડિયાનો અમુક વર્ગ.

કેવી રીતે? વાતની શરૂઆત છેલ્લી બે ઘટનાઓથી કરીએ ઉન્નાવ અને કથુઆ. આમ તો એ છેલ્લી ન કહેવાય, પરંતુ તાજી ઘટનાઓ કહેવાય કેમકે કમનસીબે આવું સતત ચાલ્યા કરે છે. હકીકતે આ બંને તાજી ઘટનાઓ નથી, પરંતુ તેના વિશે એવી હવા ઊભી કરવામાં આવી છે કે જાણે બધું છેલ્લા એક અઠવાડિયાના ગાળામાં બની ગયું હોય અને હવે દેશ ખતરનાક સ્થિતિએ આવી પહોંચ્યો હોય! રાહુલ ગાંધીએ તો એ હદે નિવેદન કરી નાખ્યું કે દેશમાં હવે દરેકે દરેક સ્ત્રી અને બાળકી અસલામત છે અને ઘરની બહાર નીકળી શકે તેમ નથી!? (મારી આ વાતનો વિશ્વાસ ન આવતો હોય તો 12 એપ્રિલે રાત્રે 11 વાગ્યા પછી નવી દિલ્હીમાં કૅન્ડલ માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ મીડિયાને આપેલા નિવેદનનો વીડિયો સાંભળી લેજો).

ખેર, મુદ્દો એ છે કે સ્ત્રી જાતિ સાથેનો કોઈપણ અત્યાચાર એ અત્યાચાર છે. આવા અત્યાચારમાં ભોગ બનનાર બાળકી કે સ્ત્રી અને અત્યાચાર કરનાર પુરુષના કોઈ ધર્મ કે જાતિ નથી હોતા. અત્યાચાર એ અત્યાચાર કહેવાય અને આરોપી એ આરોપી જ કહેવાય. પરંતુ ઉપરની બંને ઘટનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને હિન્દુત્વને બદનામ કરવા માગતી ટોળીએ ચાલાકીથી ધર્મને ઘૂસાડી દીધો અને તેનું ધાર્યું પરિણામ આવ્યું. છેક યુએનમાં તેની નોંધ લેવાઈ અને યુએનના વડાએ નિવેદન કર્યું કે કથુઆની ઘટનામાં ભોગ બનેલી બાળકીને ન્યાય મળવો જોઈએ. દેશ વિરોધી ટોળકીનું આ જ તો કાવતરું કહેવાય, કે જમ્મુ-કાશ્મીરની એક ઘટના છેક યુએન સુધી પહોંચે છે અને તેની સામે એવી બીજી સેંકડો ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે.

કોંગ્રેસ તો રાજકીય કારણોસર આવું કરે એ સમજી શકાય, પરંતુ કહેવાતા બુદ્ધિજીવીઓ અને મીડિયા જ્યારે આવું કરે ત્યારે દેશને અને સામાજિક માળખાને વધારે નુકસાન થાય છે કેમકે પ્રજાને રાજકારણીઓના ઈરાદાની તો ખબર હોય છે, પરંતુ બુદ્ધિજીવી બદમાશો તેમજ બદમાશ મીડિયાના બદ-ઈરાદાની ઘણાં વર્ષ સુધી ખબર પડતી નથી. આ બાબત સાબિત કરવા માટે જે ઉદાહરણો છે તે સ્વયંસ્પષ્ટ છે. હાલ પૂરતા આપણે કેરળ અને કર્ણાટકનાં ઉદાહરણ લઈએ. હમણાં જ અહેવાલ પ્રકાશિત થયો છે જે અનુસાર કેરળમાં ગયા વર્ષે એટલે 2017માં દુષ્કર્મની 3088 ઘટનાઓ બની હતી અને તેમાં ભોગ બનેલી સગીર છોકરીઓની સંખ્યા 1000 કરતાં વધારે હતી. એ જ રીતે કર્ણાટકમાં પણ હજારો કેસ બન્યા છે અને બની રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યાના સૌથી વધુ કેસ હાલ કર્ણાટકમાં બની રહ્યા છે. બંને રાજ્યમાં હત્યા અને તેમાંય ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા સરેરાશ એક અઠવાડિયા કે દર પંદર દિવસે થાય છે. લેખક કલબુર્ગીની હત્યા કર્ણાટકમાં જ થઈ હતી અને મહિલા પત્રકાર ગૌરી લંકેશની હત્યા પણ કર્ણાટકમાં થઈ હતી. કલબુર્ગીની હત્યાને ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા અને ગૌરી લંકેશની હત્યાને સાત મહિના થયા છતાં બંને કેસમાં કર્ણાટક પોલીસ હજુ હવાતિયાં મારે છે.

શું આ અહેવાલ તમને વાંચવા – જોવા – સાંભળવા મળ્યા?

નહીં મળે કેમકે એ ઘટનાઓ કેરળ તેમજ કર્ણાટકની છે જ્યાં ડાબેરીઓ તેમજ કોંગ્રેસની સરકારો છે. બેવડાં ધોરણ ધરાવતા મીડિયા અને બુદ્ધિજીવીઓને ડાબેરીઓ અને કોંગ્રેસના રાજ્યોમાં થતા તમામ પ્રકારના અપરાધની કોઈ ચિંતા નથી. એ લોકોનું ધ્યાન માત્ર ભાજપ શાસિત રાજ્યોમાં છે જ્યાં નાનામાં નાની ઘટનાને આ બદમાશ તત્વો મોટું સ્વરૂપ આપી દે છે. (અહીં એક ખાસ સ્પષ્ટતા એ થવી જોઈએ કે મહિલા પરના અત્યાચાર કે પછી અન્ય કોઈ અપરાધ ભાજપશાસિત રાજ્યોમાં થતા હોય તો તેનો બચાવ કરવાનો કોઈ આશય નથી પણ મુદ્દો માત્ર એટલો છે કે દરેક ઘટના પર દરેકને એક સરખી ચિંતા હોવી જોઈએ, પણ એવું થતું નથી.) અને એટલે જ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ દ્વારા જૂઠાણા ફેલાવવામાં આવે અને (કુ)બુદ્ધિજીવીઓ તેને આગળ વધારે અને મીડિયાનો અમુક વર્ગ એ જૂઠાણામાં સામેલ થાય ત્યારે ચિંતા થવી જોઈએ. ચિંતા એટલા માટે થવી જોઈએ કે સત્તાના રાજકારણ માટે માત્ર અને માત્ર હિન્દુ સમાજને બદનામ કરવા અને તેના દ્વારા દેશને બદનામ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

No comments:

Post a Comment