Saturday, April 28, 2018

વિશ્વનાં સમીકરણ બદલાઈ રહ્યાં છેઃ એડવાન્ટેજ ભારત?


વિશ્વનાં સમીકરણ બદલાઈ રહ્યાં છેઃ એડવાન્ટેજ ભારત?
---- વડાપ્રધાન મોદી ચીનના પ્રમુખ શી જીન પિંગને મળી રહ્યા છે. ઉત્તર કોરિયાના આપખૂદ પ્રમુખ કિમ જોંગ ચાલીને દક્ષિણ કોરિયાની સરહદ પાર કરે છે. કિમ જોંગ અને ચીની પ્રમુખ વચ્ચે થોડા સમય પહેલાં જ મુલાકાત થઈ ગઈ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે... આ ઘટનાક્રમમાં આડકતરી રીતે ભારતની ઘણી મોટી ભૂમિકા છે 

- અલકેશ પટેલ

આંતરરાષ્ટ્રીય કૂટનીતિ માટે 2018નું વર્ષ મહત્ત્વનું બની રહેવાનું છે. હજુ થોડા મહિના પહેલાં જે દેશો એકબીજા સામે મિસાઈલ તાકી રહ્યા હતા એ આજે હાથ મિલાવીને એકબીજાને ભેટી રહ્યા છે. હજુ થોડા મહિના પહેલાં જે પાડોશી દેશો સરહદ પરની હિલચાલને યુદ્ધની તૈયારી ગણતા હતા એ સરહદો પાર કરીને એકબીજાને ભેટી રહ્યા છે. હા, હું વાત કરું છું - ઉત્તર કોરિયા અને અમેરિકાની. હું વાત કરું છું – ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની. હું વાત કરું છું – ભારત અને ચીનની.
વાસ્તવમાં આ બધા ઘટનાક્રમને સમજવા માટે થોડા પાછળ જવું પડે. જે સમયે ઉત્તર કોરિયા એક પછી એક મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું હતું અને તેનો આપખૂદ શાસક કિમ જોંગ આખી દુનિયાને ડોળા બતાવી રહ્યો હતો ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયેલ અને પેલેસ્ટિનની મુલાકાત લઈ રહ્યા હતા. જે સમયે કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ એક-બીજાને મિસાઈલથી ફૂંકી મારવાની ભાષા બોલી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી જાપાન, વિયેતનામના સંપર્કમાં હતા. જે સમયે ઉત્તર કોરિયાના આક્રમક પરમાણુ પરીક્ષણોને કારણે પાડોશી દક્ષિણ કોરિયા અને જાપાનમાં ચિંતા અને ડરનો માહોલ હતો ત્યારે નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુ ઈ એફ)ની કૉન્ફરન્સમાં કી-નોટ પ્રવચન આપી રહ્યા હતા. જે સમયે ચીની ડ્રેગન ભારતને ડરાવવા માટે પાકિસ્તાનને પોતાના પડખામાં ભરાવી રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી મોટાભાગના મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આશિયાન સંગઠનના વડાઓને નવી દિલ્હીમાં 26 જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડમાં ભારતની લશ્કરી તાકાત અને સાંસ્કૃતિક વિવિધતા દર્શાવી રહ્યા હતા. જે સમયે ચીન ભારતની મુશ્કેલી વધારવા માટે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાંથી પસાર થતા ન્યૂસિલ્ક રૂટના આયોજનમાં વ્યસ્ત હતું ત્યારે નરેન્દ્ર મોદી નેપાળ માટે નવો વૉટર-વે ખોલવાની યોજના બનાવી ચૂક્યા હતા એટલું જ નહીં પરંતુ ફ્રાન્સ સાથે મળીને સમગ્ર આફ્રિકા ખંડમાં ખૂબ મોટા પાયે સૂર્યઊર્જાનું ઉત્પાદન કરવા માટેની મહત્ત્વાકાંક્ષી યોજનાનો પાયો નાખી દીધો હતો.
હવે આ જે ઘટનાક્રમ કહ્યો તેના સંદર્ભમાં અહીં શરૂઆતમાં જે કંઈ કહ્યું તેને સરખાવો એટલે એ સમજવાનું અઘરું નહીં પડે કે છેલ્લા થોડા સમયમાં શા માટે બધું એકાએક બદલાવા લાગ્યું..!? સાચી વાત એ છે કે, નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા એ દિવસથી આખી દુનિયાને એક મંચ ઉપર લાવવા મથી રહ્યા છે. શપથવિધિમાં પાકિસ્તાન સહિત સાર્ક દેશોના વડાઓને નિમંત્રણ આપ્યું ત્યારથી જ તેમનો ઈરાદો અને લક્ષ્યાંક નક્કી હતા, પરંતુ છેલ્લા ચાર વર્ષ દરમિયાન અલગ અલગ દેશો પોતપોતાની ગણતરી મુજબ, પોતપોતાના સ્વાર્થ મુજબ વર્તન કરતા રહ્યા, જેને કારણે ભારતમાં તેમજ દુનિયામાં જૂજ લોકોને એવું લાગ્યું કે મોદી સરકારની કોઈ વિદેશ નીતિ નથી અને નરેન્દ્ર મોદી તો માત્ર દુનિયામાં ફર્યા કરે છે વગેરે વગેરે... પણ હવે ઓબ્જેક્ટિવલી વિચારવા બેસીએ તો મોદી સરકારની વિદેશ નીતિને કારણે જ આજે ચીન ઝૂક્યું છે અને વડાપ્રધાન મોદીને ખાસ નિમંત્રણ આપીને અનૌપચારિક શિખર બેઠક માટે બોલાવ્યા.
નરેન્દ્ર મોદીના ચાર વર્ષના પ્રયાસોનાં પરિણામો ઉપર નજર કરીએ તોઃ આફ્રિકા ખંડના મોટાભાગના દેશોએ ભારત સાથેના સંપર્ક વધારી દીધા છે જેને કારણે ચીનને આર્થિક ફટકો પડી શકે તેમ છે. એશિયામાં ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સિવાય ચીનના કોઈ ગાઢ મિત્રો નથી, જેની સામે મોદી સરકાર જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિત મોટાભાગના દેશોને એકસૂત્રમાં બાધવામાં સફળ રહી છે. મોદી સરકારે ચીન દ્વારા આયોજિત ન્યૂ સિલ્ક રૂટની કૉન્ફરન્સમાં ભાગ નહીં લઈને દુનિયા સમક્ષ ચીની ડ્રેગનના બદઈરાદાને ખુલ્લો પાડ્યો જેને પરિણામે હજુ થોડા દિવસ પહેલાં જ ઈંગ્લેન્ડને બાદ કરતાં મોટાભાગના યુરોપીય દેશોએ ચીનની વન બેલ્ટ, વન રૂટની ચાલમાં ફસાવાનો ઈનકાર કરી દીધો.
ટૂંકમાં વાત એ છે કે કોઈ જાતનો હોબાળો કર્યા વિના ભારત સરકારે છેલ્લા ચાર વર્ષમાં વિશ્વની ભૌગોલિક અને તેની સાથે સંકળાયેલી આર્થિક સ્થિતિ ઉપર એવો પ્રચંડ પ્રભાવ પાડ્યો છે કે થોડા મહિના પહેલાં સુધી એક-બીજા સામે બંદૂક તાકીને ઊભેલા દેશો હવે મિત્રતાનો હાથ લંબાવી રહ્યા છે. અને આ પરિવર્તનનું શ્રેય મોદી સરકારને જાય છે એ વાતમાં કોઈ આશંકા નથી. મોદી સરકારે ભૂતકાળની – ખાસ કરીને કોંગ્રેસી સરકારોની જેમ પેલેસ્ટિનને ખુશ કરવા ઈઝરાયેલ સાથે સંબંધ નહીં રાખવાની કે પછી ચીનને ખુશ રાખવા નેપાળ સાથે સંબંધ ગાઢ નહીં બનાવવાની નીતિ ફગાવી દઈને પેલેસ્ટિન-ઈઝરાયેલ બંનેને સાથે રાખ્યા છે, ચીન-નેપાળ બંને સાથે સંબંધ વિસ્તાર્યા છે, સાઉદી અરેબિયા-ઈરાન બંનેના વડા સાથે વડાપ્રધાન મોદી એક સરખી ઉષ્માથી સંબંધ કેળવી શક્યા છે. વૈશ્વિક સંબંધોનાં સમીકરણ બદલાઈ રહ્યાં છે અને તેમાં લાભ ભારતને છે.

No comments:

Post a Comment