Monday, May 28, 2018

વાંક તો સોએ સો ટકા મોદીસાહેબનો જ છે


વાંક તો સોએ સો ટકા મોદીસાહેબનો જ છે

--- પૂરા 67 વર્ષથી આ દેશની પ્રજા તમામ સુખ-સંપત્તિ સાથે આરામની જિંદગી પસાર કરી રહી હતી... મોદીસાહેબે આવીને જાતજાતનાં સપનાં બતાવ્યાં અને બધી માથાકૂટ શરૂ થઈ


-- અલકેશ પટેલ

વાંક તો મોદીસાહેબનો છે જ કે તેમણે આર્થિક રીતે સક્ષમ લોકોને રાંધણગૅસની સબસિડી છોડવા અપીલ કરી હતી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પછી આખા દેશમાં લગભગ દોઢ કરોડ કરતાં વધુ લોકોએ રાંધણગૅસ પરની સબસિડી છોડી દીધી જેને કારણે સરકારને દર મહિને લગભગ રૂપિયા 1000 કરોડ કરતાં વધુની બચત થાય છે જેનો ઉપયોગ જરૂરિયાતમંદ લોકો માટે થાય છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમને ખુલ્લામાં શૌચાલય માટે મજબૂર દેશના કરોડો લોકોની ચિંતા થઈ હતી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગયા વર્ષ સુધીમાં છ કરોડ શૌચાલયનું નિર્માણ થયું હતું અને આ વર્ષે બીજા બે કરોડ શૌચાલય નિર્માણનું લક્ષ્યાંક છે, જેને કારણે ખાસ કરીને મહિલાઓને ઘણી મોટી રાહત થઈ ગઈ છે.
વાંક તો મોદીસાહેબનો છે જ કે તેમને લાકડા અને કોલસાના ચુલા ઉપર કામ કરવા મજબૂર મહિલાઓની ચિતા થઈ. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજ્વલા યોજના શરૂ કરીને એવા 3.5 કરોડ કરતાં વધુ પરિવારમાં મફતમાં ગૅસ સિલિન્ડર પહોંચાડી દીધા છે જેને કારણે ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારની કરોડો મહિલાઓ કોલસા અને લાકડાના ધૂમાડાથી બચી ગઈ છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમણે દર વર્ષે એક કરોડ યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી. બાકી, એ વાત અલગ છે કે મુદ્રા યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષંમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આશરે 10 કરોડ લોકો કોઈપણ જાતની મુશ્કેલી વિના અંદાજે છ લાખ કરોડની લોન લઈને નાના મોટા વ્યવસાય દ્વારા પોતે રોજગારી મેળવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અન્ય લોકોને પણ રોજગારી આપી રહ્યા છે. (સ્રોત - https://www.mudra.org.in/ )
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેઓ સત્તા પર આવ્યા ત્યારે દેશના 18,000 કરતાં વધારે ગામડાં વીજળીથી વંચિતા હતાં. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનના ચાર વર્ષ પૂરા થાય તે પહેલાં જ તમામ 18,000 ગામોમાં વીજળી પહોંચાડી દીધી, અને હવે પ્રત્યેક ઘરમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
વાંક તો મોદીસાહેબનો જ છે કે તેમણે નોટબંધી કરીને રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો એકાએક બંધ કરી દીધી. બાકી, એ વાત અલગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પગલાને કારણે મોટાભાગનું બેનંબરી નાણું બેંન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગયું. અને જે લોકો પાસે નકલી ચલણી નોટો હતી એ બધા રાતા પાણીએ રોયા. સૌથી અગત્યની વાત એ બની કે ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા પાકિસ્તાનમાં ચાલતા નકલી નોટો છાપવાના ધંધા રાતોરાત બંધ થઈ ગયા.
અને GST? અરે એ તો સૌથી મોટો વાંક છે... જીએસટીને કારણે ભાવો નિયંત્રણમાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે વેપારીઓ, જે ઉદ્યોગકારો, જે નાની-મોટી દુકાનવાળા અને રેસ્ટોરંટ-હોટેલવાળા રોકડામાં વ્યવહારો કરીને ધોરાજી ચલાવતા હતા અને એક પણ પૈસાનો ટેક્સ નહોતા ભરતા એ બધાએ જીએસટીની અંદર આવી ગયા ત્યારથી ટેક્સ ભરવો પડે છે, બોલો..! દાયકાઓ સુધી બેનંબરી ધંધા કરીને ટેક્સ નહીં ભરનારાને હવે થોડો ટેક્સ ભરવો પડે છે તો આકરું પડે છે.
મોદીસાહેબના આવા અનેક વાંક તરફ ધ્યાન દોરી શકાય એમ છે. તેમનો સૌથી મોટો વાંક તો એ છે કે એ ખૂબ ઊંચા સ્વપ્ન જૂએ છે અને તેને પૂરા કરવા દિવસ-રાત મહેનત કરે છે. તેમના પ્રધાનમંડળને મહેનત કરવા પ્રોત્સાહન આપે છે અને દેશના અનેક લોકો તેમનામાંથી પ્રેરણા લે છે.
મોદીસાહેબના આ વાંક ને કારણે જ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું વજન ખૂબ વધી ગયું છે. એક માત્ર પાકિસ્તાનને બાદ કરતાં આખી દુનિયા ભારત સાથે કોઈને કોઈ ક્ષેત્રમાં સંબંધ વિસ્તારવા આતુર છે. ભારતે ફ્રાન્સની સાથે મળીને 23 દેશોનું એક જૂથ બનાવ્યું છે જે સૂર્ય ઊર્જાનો ઉપયોગ કરીને ગ્રીન એનર્જીની દિશામાં આગળ વધશે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ નામે આ યોજનાનો લાભ ભારત ઉપરાંત આફ્રિકાના ગરીબ દેશોને પણ મળશે. (સ્રોત - https://economictimes.indiatimes.com/news/politics-and-nation/india-france-come-together-to-reiterate-their-climate-commitment/articleshow/63255314.cms )
મોદીસાહેબના આવા બધા વાંક ધ્યાનમાં લઈશું તો કોઈ અંત જ નથી. ચાર વર્ષની યાદી ઘણી લાંબી છે. હજુ એક વર્ષ બાકી છે, ત્યારે સમયાંતરે આ વિષય ઉપર વાત કરતા રહીશું.

2 comments:

  1. જો મોદી ફરીથી ના જીતે તો આપણો જ વાંક

    ReplyDelete