Thursday, October 1, 2020

અયોધ્યા કેસઃ વધુ એક સત્યમેવ જયતે


--- અયોધ્યામાં રામ મંદિર સ્થળે 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ માટે અગાઉથી કાવતરું થયું હોવાની થીયરી વિશેષ અદાલતે ફગાવી દીધી, અને તે સાથે આ કેસમાં રામ સેવકો નિર્દોષ જાહેર થયા

 -- અલકેશ પટેલ

અયોધ્યા કેસમાં સત્યનો વધુ એક વખત વિજય થયો છે. રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિર ઉપર 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ કેસમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘના નેતાઓ સહિત તમામ વિરુદ્ધ કાવતરાની વાત સીબીઆઈની વિશેષ અદાલતે સ્વિકૃત રાખી નથી. બીજા શબ્દોમાં વિવાદી માળખાનો વિધ્વંસ એ કોઈ કાવતરું હતું એવું સીબીઆઈ પુરવાર કરી શકી નહોતી, અને તેથી કાવતરા કેસમાં ફસાવવામાં આવેલા રામ સેવકો નિર્દોષ છૂટ્યા.

કાવતરામાં ફસાવવામાં આવેલા રામ સેવકો?

હા, ફસાવવામાં આવેલા રામ સેવકો. જે તે સમયના સત્તાવાળાઓએ, જે તે સમયના રાજકીય પક્ષોએ એક સમુદાયના જેહાદી તત્વોને ખુશ રાખવા માટેનો આખો કેસ હતો, જે હવે પૂરો થયો. રામ જન્મભૂમિ સ્થળે તદ્દન ગેરકાયદે રીતે ઊભેલા માળખાના વિધ્વંસ કેસમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, સ્વ. અશોક સિંઘલ, સ્વ. બાળ ઠાકરે, સ્વ. ગિરિરાજ કિશોર, મહંત નૃત્યગોપાલ દાસ સહિત 49 રામ સેવકો વિરુદ્ધ કાવતરાનો કેસ કરી દીધો હતો. તેમાંથી હાલ 32 હયાત છે. તમામ નિર્દોષ છૂટ્યા.

આ કેસમાં સીબીઆઈએ 351 સાક્ષી તથા 600 દસ્તાવેજ રજૂ કર્યા હતા. તેમછતાં વિવાદી માળખાના વિધ્વંસ કાવતરું હતું એવું સાબિત ન થઈ શક્યું. યાદ રહે, છઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસે આ ઘટના બની ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. નરસિંહ રાવ અને કોંગ્રેસનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક કરું છું. કેમ કે આજે, ખાસ કરીને મે, 2014 પછી દેશમાં ગમે તે ખૂણામાં કોઈ નાની ઘટના બને તો પણ એ માટે સીધા નરેન્દ્ર મોદી તથા મોદી સરકારને જવાબદાર ઠેરવતાં તત્વો હજુ આજની તારીખે પણ ડિસેમ્બર 1992ની એ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા નથી. આવું શા માટે છે? – દરેકે જાતે તેનું વિશ્લેષણ કરીને સમજવું જોઇએ.

આપણી ન્યાય વ્યવસ્થા પણ દુનિયામાં અતિ વિશિષ્ઠ છે. આપણે ત્યાં 10-20-30 વર્ષ કેસ ચાલે એ સામાન્ય બાબત ગણાય છે. વિવાદી માળખાના વિધ્વંસના કેસનો ચુકાદો પણ 28 વર્ષે આવ્યો. આવું શા માટે અને કેવી રીતે થયું હશે? કોઇએ કદી એ સવાલ કર્યો છે? અથવા એ બાબતે વિચાર કર્યો છે?

વાચક મિત્રો, એક ખાસ વાત અહીં જાણી લો કે, આ કાવતરા કેસમાં સીબીઆઈએ તમામ કથિત પુરાવા અને મોટાભાગના સાક્ષીઓને મે, 2014 પહેલાં રજૂ કરી દીધા હતા. આ તારીખનું શું મહત્ત્વ છે? આ તારીખનું મહત્ત્વ એ છે કે, મે, 2014 પહેલાં કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના વડપણ હેઠળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર હતી. તો એનો અર્થ શો થયો? એનો અર્થ એ થયો કે, મોદી સરકાર સત્તામાં આવી એ પહેલાં સીબીઆઈ ઉપર ભાજપ સરકારનું કોઈ નિયંત્રણ નહોતું. અહીં નિયંત્રણ શબ્દ ઇરાદાપૂર્વક વાપરું છું, કેમ કે 30 સપ્ટેમ્બરે આ ચુકાદો આવ્યો તેના બીજા કલાકથી કોંગ્રેસ, ડાબેરીઓ અને બીજા પક્ષો સીબીઆઈને નિશાન બનાવે છે, પણ તમારાથી અર્થાત દેશના નાગરિકોથી આ પક્ષો એ વાત સંતાડે છે કે સીબીઆઈ દ્વારા મોટાભાગના કેસની રજૂઆત તો—કોંગ્રેસના  શાસન દરમિયાન, ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાનપદના ગાળા દરમિયાન, સોનિયા ગાંધીના યુપીએ ચૅરમેનપદના ગાળા દરમિયાન કરી દેવામાં આવી હતી. તો પછી સીબીઆઈને બદનામ કરવાનો શો મતલબ?

પ્રશ્ન તો એ છે કે, કેસ 28 વર્ષ કેમ ચાલ્યો? શા માટે 2014 પહેલાં આ કેસનો ચુકાદો ન આવ્યો? કેસ વર્ષો સુધી લંબાયા કરે તેમાં કોને રસ હતો? અદાલતે સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને, તમામ પુરાવા ચકાસીને, તમામ સાક્ષીઓની ઊલટતપાસ લઇને પછી 28 વર્ષના લાં....બા ગાળા પછી ચુકાદો આપ્યો એ ચુકાદામાં હવે કોને વિશ્વાસ નથી? જેમને ચુકાદામાં વિશ્વાસ નથી તેમને ખરેખર તો અદાલતી પ્રક્રિયામાં વિશ્વાસ નથી એવો જ અર્થ થાય.

પણ બદમાશ ડાબેરીઓ અને બદમાશ મીડિયા અને એટલા જ શંકાસ્પદ રાજકીય પક્ષો સીબીઆઈ સામે આંગળી ચીંધી રહ્યા છે ત્યારે તમને એટલે કે દેશની પ્રજાને પ્રશ્ન થવો જોઇએ કે આ જ સીબીઆઈ પાંચ-પાંચ, છ-છ દાયકા સુધી અન્ય રાજકીય પક્ષોના તાબામાં હતી ત્યારે શું એ એજન્સી તમારા કહ્યા પ્રમાણે જ માત્ર ચાલતી હતી?

સાચી વાત તો એ છે કે, વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બર, 2020ના તેના ચુકાદામાં 2000 પાનાં ભરીને તમામ વાતો નોંધી છે. છ ડિસેમ્બરનો ઘટનાક્રમ નોંધ્યો છે, ત્યારબાદ એ જ દિવસે દાખલ કરવામાં આવેલી બે એફ.આઈ.આર. વિશે વાત કરી છે, કેસ સીબીઆઈને સોંપાયો અને તેની તપાસની પણ વાત કરી છે. અદાલતે જો આટલો બધો વિસ્તૃત ચુકાદો આપ્યો હોય તો પછી તેને સહર્ષ સ્વીકારીને વધાવી લેવામાં જ સૌનું હિત સમાયેલું છે.

ખેર, મુદ્દો એ છે કે, વિવાદી માળખાનો વિધ્વંસ કાવતરું નહોતું.

મુદ્દો એ છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર અસ્તિત્વમાં હતું એ સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાથી સાબિત થઈ ગયું છે.

મુદ્દો એ છે કે, રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓના નેતૃત્વ હેઠળ આખો રામભક્ત દેશ (અર્થાત દેશમાં જેટલા રામભક્ત હોય એ તમામ) રામ મંદિરની જગ્યા પરત લેવા માગતા હતા અને તેથી હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારપછી જે કંઈ થયું એ આપણે બધા જાણીએ છીએ.

પણ હવે, આપણા તમામ વયોવૃદ્ધ નેતાઓ, સાધુ-સંતો ઉપરાંત ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી—એ બધાં જ આરોપમુક્ત થયાં છે. સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આશા એવી રાખીએ કે, નવેમ્બર 2019ના રામજન્મભૂમિ ચુકાદા પછી જે રીતે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ધમકી આપી હતી એવી ધમકી હવે ફરી નહીં આપે...તો ચાલો...જય શ્રી રામ

No comments:

Post a Comment