Saturday, October 3, 2020

ભાગ-2: દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી



    દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક સમીક્ષા (ભાગ-2)

------------------------

ગઇકાલે (02-10-2020, શુક્રવાર) આ પુસ્તક પરિચયનો પહેલો ભાગ મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મૂક્યા પછી ઘણા વડીલો તથા મિત્રોએ ખૂબ આવકાર આપ્યો, એટલું જ નહીં પરંતુ આ પુસ્તક વિશે શક્ય તેટલું વધારે લખવા આગ્રહ કર્યો છે. એ દિશામાં ચોક્કસ હકારાત્મક વિચાર કરીશ.

----------------------------------------------

 

n  અલકેશ પટેલ

 

દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક પરિચયના પહેલા ભાગમાં ગઇકાલે આપણે શાહીન બાગ અને દિલ્હીનાં તોફાનો તરફ દોરી ગયેલા ઘટનાક્રમ વિશે વાત કરી. >> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html <<  હવે આજે જોઇએ કે, એ તોફાન કોણે કરાવ્યાં? તેમાં કોણ-કોણ સામેલ હતા? કોને કોને નુકસાન થયું? કોણે કોણે વરવી ભૂમિકા ભજવી?

ફેબ્રુઆરી 2020ના અંતમાં ત્રણ દિવસ સુધી દિલ્હીમાં તોફાન થતાં રહ્યાં. (1) આ તોફાન પૂર્વયોજિત હતાં. (2) આ તોફાન દેશ વિરોધી હતાં. (3) આ તોફાનના કાવતરામાં જેહાદીઓ તથા અર્બન નક્સલીઓ સામેલ હતા – એમ ત્રણ બાબત સ્પષ્ટ રીતે અને ભારપૂર્વક પ્રસ્થાપિત થાય છે.

નોંધપાત્ર બાબત એ છે કે, ત્રણે લેખકોએ આ તોફાનો અંગે પૂરતું સંશોધન કર્યું છે. લેખકો ઉપરાંત તેમની ટીમના સભ્યો અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યાં છે, અસરગ્રસ્તો સાથે વાત કરી છે, જેહાદી ટોળાનો ભોગ બનેલા પોલીસ અધિકારીઓનાં નિવેદન પણ આ પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે.

પુસ્તકમાં કુલ આઠ પ્રકરણ છે તથા પાંચ પરિશિષ્ઠ (Annexure) છે જેમાં તમામ દસ્તાવેજ અને પુરાવા આપવામાં આવ્યા છે. ત્રણે મહિલા લેખક પૈકી એક સુપ્રીમ કોર્ટનાં વકીલ તથા બે શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે તેથી તેમનું પ્રોફેશનાલિઝમ પુસ્તકમાં સ્પષ્ટ વર્તાય છે.

પ્રથમ પ્રકરણમાં દિલ્હીનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે આટલી સદીમાં દિલ્હીનો વિસ્તાર કેવી રીતે થયો અને ક્યાંથી-કોણ-ક્યારે આવીને વસ્યા તેની માહિતી મળે. સાથે ડેમોગ્રાફી વિશે જાણકારી મળે. શાહીન બાગ અને તેની સાથે સંકળાયેલી હિંસા અંગે લેખકોએ આ પ્રકરણમાં વિસ્તારથી લખ્યું છે. લેખકો બહુ સચોટ રીતે કહે છે કે, મુસ્લિમોના દેખાવોમાં અગાઉ કદી મહિલાઓ અગ્રસ્થાને રહેતી નહોતી. પરંતુ CAA-વિરોધી દેખાવો તથા ત્યારબાદ થયેલી હિંસામાં મુસ્લિમ મહિલાઓ પહેલી હરોળમાં હતી.

શાહીન બાગનું જે નાટક ચાલતું હતું ત્યારે આખા દેશે ટીવી ઉપર જોયું છે કે મહિલાઓ ચોવીસે કલાક ત્યાં બેસી રહેતી હતી અને તેમની સાથે નાનાં બાળકો પણ હતાં. ભારત માટે આ નવી પેટર્ન હતી અને લેખકોએ આશંકા વ્યક્ત કરી છે કે, દેખાવો-હિંસાનું આ મોડેલ ડાબેરી હિંસાખોર માનસિકતાનું મોડેલ છે. અને ડિસેમ્બરથી માર્ચ સુધી આખા દેશમાં જે CAA-વિરોધી વાતાવરણ હતું તેમાં આ હિંસક અર્બન નક્સલ ડાબેરીઓની હાજરી સતત વર્તાતી હતી.

બીજા પ્રકરણને શહેરી નક્સલવાદ અને જિહાદ- એવું શીર્ષક આપવામાં આવ્યું છે અને પ્રારંભમાં જ કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 2006માં –દેશ માટે નક્સલવાદ કેટલો જોખમી છે- એ વિશે કરેલું નિવેદન મૂક્યું છે. ભારતમાં ખાસ કરીને નક્સલી હિંસા તેમજ જેહાદી હિંસાને સમજવા માટે આ પ્રકરણ અત્યંત અગત્યનું છે.

ડાબેરી પક્ષોને, ડાબેરી વિચારકોને, ડાબેરી પ્રોફેસરોને, ડાબેરી શિક્ષકોને, ડાબેરી કલાકારોને, ડાબેરી મીડિયાકર્મીઓને- ભારત માટે હાડોહાડ ઈર્ષા છે. તેઓ ભારતને નફરત કરે છે. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ સંગઠનો કે હિન્દુવાદી પક્ષોને આ ડાબેરીઓ ધિક્કારે છે અને તેથી તેને ખતમ કરવા તેમજ બદનામ કરવા સતત પ્રયત્નશીલ રહે છે. ડાબેરી પક્ષોએ ભારતની વિરુદ્ધમાં તૈયાર કરેલી વ્યૂહરચનાને આ પુસ્તકના લેખકોએ આ બીજા પ્રકરણમાં ડાબેરીઓના જ દસ્તાવેજોનો હવાલો આપીને ખુલ્લી પાડી છે. દરેક રાષ્ટ્રવાદી નાગરિકે આ વાત વાંચવી, સમજવી જોઇએ અને દેશનું ભવિષ્ય બચાવવા માગતા હોવ તો ડાબેરી કાવતરાંથી ચેતી જવું જોઇએ.

ત્રીજા પ્રકરણમાં દિલ્હીમાં તોફાનો કરવા માટે અને તેમાંય ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન જ હિંસા થાય એ માટે કોણે-કોણે અને કેવી રીતે કાવતરું કર્યું તેની તબક્કાવાર વિગતો આપવામાં આવી છે. ડાબેરી અને જેહાદી તત્વો માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ તોફાનો થાય એ માટે કેવી રીતે આયોજન કરતા હતા તેની વિગતો આંખ ઉઘાડનારી અને ચિંતાજનક છે.

ચોથું પ્રકરણ આપણી યુવાપેઢી, વિદ્યાર્થી સમુદાય માટે વિશેષ અગત્યનું છે. આ પ્રકરણમાં લેખકો જેએનયુ, દિલ્હી યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિત દેશમાં ડાબેરીઓ અને લઘુતીઓના કબજા હેઠળની શૈક્ષણિક સંસ્થાઓમાં કેવી રીતે કટ્ટરવાદનાં બીજ રોપાય છે તેની વિગતો આપી છે. આ તમામ સ્થળે CAA-વિરોધી આંદોલન-દેખાવો અને ત્યારબાદ હિંસાના આયોજન કરવામાં આવ્યા હતા.

પાંચમાં પ્રકરણમાં શાહીન બાગને કોમી ધ્રુવીકરણ તથા હિંસાના મોડેલ તરીકે કેવી રીતે ઉપયોગમાં લેવામાં આવ્યું તેનું ખૂબ વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અને તેમાં વિશેષ કરીને જેહાદી સંગઠનોની સાથે સાથે અર્બન નક્સલી મોડેલ કેવી રીતે મિક્સ કરવામાં આવ્યું તે જાણવા અને સમજવા જેવું છે. આ મોડેલ યોગ્ય રીતે જાણશો તો તમારા શહેર-વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિઓ થતી હશે તો તમને તરત ખ્યાલ આવી શકશે.

છઠ્ઠા પ્રકરણમાં 23-24-25 ફેબ્રુઆરી, 2020 દરમિયાન થયેલાં તોફાનોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. મુસ્લિમ મહિલાઓની આગેવાની હેઠળ જેહાદી ટોળાં કેવી રીતે સરકારી મિલકતો, પોલીસનાં વાહનો તેમજ પોલીસને ખુદને નિશાન બનાવી રહ્યાં હતાં તેનું વર્ણન કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને ધ્રુજાવી દે એવું છે.

આ પુસ્તક દ્વારા એક મહત્ત્વનો મુદ્દો પ્રથમ વખત ઉજાગર થાય છે કે, એજન્ડા ધરાવતા મીડિયા દ્વારા શાહીન બાગ સહિત દેશમાં ઠેરઠેર CAA-વિરોધી દેખાવોને શાંતિપૂર્ણ હોવાનું ખોટું વાજું વગાડવામાં આવતું હતું. પણ ડિસેમ્બર-2019થી ફેબ્રુઆરી-2020 સુધી હિંસાની 11 ઘટના બની હોવાની નોંધ અહીં પુસ્તકમાં છે. એ સિવાય 23થી 25 ફેબ્રુઆરીના ભયંકર તોફાનો તો અલગ!

સાતમા પ્રકરણમાં સમગ્ર ઘટનાક્રમનો સાર છે તથા આઠમા પ્રકરણમાં સાક્ષીઓના ઇન્ટર્વ્યુ તથા અન્ય અસરગ્રસ્તોના ઇન્ટર્વ્યુ છે.

સર્વગ્રાહી રીતે આ પુસ્તક એક એવો દસ્તાવેજ છે જે દરેક રાષ્ટ્રવાદી નાગરિકે વાંચવો જોઇએ અને ભવિષ્યમાં ડાબેરી-જેહાદી તત્વો દ્વારા ઊભા થનાર જોખમ સામે સાવધ થઈ જવું જોઇએ.#અલકેશપટેલ

પુસ્તકઃ દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી

લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા

પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.

કિમતઃ રૂપિયા 299/-

પૃષ્ઠ સંખ્યાઃ 175

(આ પુસ્તક હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ છે)

 

(આ લેખના પ્રથમ ભાગની લિંક >>> https://keshav2907.blogspot.com/2020/10/blog-post.html

2 comments:

  1. નમસ્તે અલકેશભાઈ,
    આપે આ પુસ્તક વાંચવા માટેની મારી ઉત્સુકતા વધારી દીધી છે. હિન્દીમાં આ પુસ્તક ઓર્ડર કરેલું છે હજી સુધી મળી શક્યું નથી.
    પુસ્તક રીવ્યુ વાંચીને લાગે છે કે આપ આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ આપના દ્વારા થાય તો આ પુસ્તકમાં આપેલી માહિતી વધુ લોકો સુધી પહોંચે...
    આશા છે કે આ બાબતે આપ યોગ્ય કરશો.

    ReplyDelete
  2. તાજેતરની આ ઘટનાનું નોખું સ્વરુપ અને વ્યૂહરચના અને તેના સૂચિતાર્થોના ઊંડા અભ્યાસ સાથે લખાથયેલ આ પુસ્તકનો ટૂંકમાં પણ સચોટ પરિચય આપતા લેખ માટે આભાર અને અભિનંદન.
    All right thinking Indians should read and be aware of the dangerous plans of leftists who seems to have shaken hands with Jihadis.

    ReplyDelete