Wednesday, February 14, 2018

હું, રતનિયો અને સરકાર



#BlameOnGovernment-1
હું, રતનિયો અને સરકાર
--- અલકેશ પટેલ

હેડિંગમાં મુખ્ય ત્રણ પાત્ર છે – હું, રતનિયો અને સરકાર. ઘણા લોકો જાણતા હશે મૂળભૂત રીતે હું, તું અને રતનિયો – નામનું નાટક છે. તેના પરથી અહીં મેં હું, રતનિયો અને સરકાર કર્યું છે.

અહીં હું એટલે દેશના તમામ સામાન્ય નાગરિકો. રતનિયો એટલે મીડિયામાં બેઠેલા એવા લોકો જે લાલગેંગના એજન્ડા સાથે કામ કરે છે. અને સરકાર એટલે મોદી સરકાર... કેમકે હું અને રતનિયાને આજ સુધી આ દેશમાં બીજી કોઈ સરકારો હતી કે નહીં એની ખબર નથી... બસ મોદી સરકાર આવી ત્યારથી હું તેમજ રતનિયાઓને દેશમાં ગરીબી, બેકારી, ગંદકી, ત્રાસવાદ – બધું દેખાવા લાગ્યું છે... એક રીતે આ ઘણી સારી વાત છે કે આ બધું દેખાવા લાગ્યું છે... પણ આજની ચર્ચાનો મુદ્દો અલગ છે.

કેટલાક મિત્રો, કેટલાક સામાન્ય નાગરિકો તેમજ લાલગેંગનો એજન્ડા લઈને બેઠેલા કહેવાતા પત્રકારો છેલ્લા ઘણા વખતથી દેશની દરેક નાની-મોટી સમસ્યા માટે, ભારે વરસાદ જેવી કુદરતી આફતો માટે, મંદિર કે રેલવે સ્ટેશને થતી ધક્કામુક્કી અને તેને કારણે થતાં મૃત્યુ અંગે, કમોસમી વરસાદ અને ખેડૂતોની સ્થિતિ, પાણીની અછત અને બસની ગંદકી... આ બધા માટે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને જવાબદાર ઠેરવે છે..! એમાંય વળી લાલગેંગના ચપડગંજુઓ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ને પણ વચ્ચે લઈ આવે છે.

આ મિત્રો ઉપરાંત હું અને રતનિયાઓને આજે એટલો જ પ્રશ્ન પૂછવા માગું છું કે –
આપણે જવાબદાર નાગરિક ક્યારે બનીશું..? જો બસની સફાઈ જેવી બાબતે પણ આપણે નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીને જવાબદાર ઠેરવીશું તો પછી વહીવટીતંત્ર શું કરશે..?
અતિવૃષ્ટિ થાય અને મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં થોડા કલાક માટે પાણી ભરાઈ જાય તો એમાં નરેન્દ્ર મોદીનો શો વાંક..?
મુંબઈના કોઈ રેલવે સ્ટેશને લોકોની ભીડ અચાનક વધી જાય અને કોઈ તોફાની વ્યક્તિ અફવા ફેલાવીને લોકોને ગભરાવે અને તેને કારણે નાસભાગ થાય તેમાં લોકો મૃત્યુ પામે એમાં નરેન્દ્ર મોદી અને રેલવેપ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કેવી રીતે વાંકમાં આવે..?
નાગરિક તરીકે આપણે પોતે ક્યારે અને કેટલા જવાબદાર બનીશું..?
વહીવટીતંત્રના અધિકારીઓની કોઈ જવાબદારી ખરી કે નહીં..?
આવા અધિકારીઓને ઉચ્ચ હોદ્દા આપવામાં આવેલા છે અને એ માટે તગડા પગાર ચૂકવવામાં આવે છે... તો પછી ફરજ બજાવવામાં એ નિષ્ફળ જાય તો પણ સરકારનો વાંક..?

--- સાચી વાત એ છે કે વ્યક્તિગત રીતે પ્રામાણિક્તા, નિષ્ઠા સાવ તળિયે બેઠેલી છે. જે લોકોને એસટી બસોના સંચાલન અને જાળવણીનું કામ સોંપવામાં આવ્યું છે તેમને હોદ્દો આપવામાં આવ્યો છે અને એ માટે વેતન પણ ચૂકવવામાં આવે છે... પણ એ અધિકારીઓ ફરજ બજાવતા નથી. અહીં એસટી બસનો કિસ્સો એક માત્ર નમૂનાના ઉદાહરણ તરીકે લેવો... એ જ સ્થિતિ તમામ સરકારી વિભાગોની છે... પણ આ અપ્રમાણિક, ભ્રષ્ટ, સ્વાર્થી અધિકારીઓ દેશનું નુકસાન કરતા હોય તો એના માટે સીધેસીધા નરેન્દ્ર મોદી કે વિજય રૂપાણી જવાબદાર ન ગણી શકાય...

છતાં એ લોકોને જવાબદાર ઠેરવવા હોય તો સૌથી પહેલા તો એ સવાલ થવો જોઈએ કે શું આપણે જે તે અપ્રમાણિક અધિકારી, ભ્રષ્ટ અધિકારી, નિયમિતતા નહીં જાળવતા અધિકારી કે વિભાગો વિરૂદ્ધ સરકારમાં વિધિસર ફરિયાદ કરી છે ખરી..? જો આવી ફરિયાદો કરી હોય અને સરકાર કોઈ પગલાં ન લે તો સોશિયલ મીડિયા ઉપર મોદી-રૂપાણી વિરુદ્ધ લખીને વાહવાહ મેળવવામાં કોઈ વાંધો નથી... પણ પહેલાં અરીસામાં તો જૂઓ... તમે દેશ માટે શું કર્યું..? ક્યાંક કશું ખોટું થાય છે તો યોગ્ય રસ્તે, યોગ્ય રીતે, યોગ્ય સ્તરે રજૂઆત કરી છે ખરી..?

મૂળ મુદ્દો એ છે કે જો દરેક વાતની જવાબદારી નરેન્દ્ર મોદી – વિજય રૂપાણીની જ હોય તો પછી વહીવટીતંત્ર, અન્ય સરકારી વિભાગો, પોલીસતંત્ર... એ બધાની જરૂર જ ક્યાં છે..? કેમ ખરું ને વ્હાલા..? #AP/14/2/18

No comments:

Post a Comment