Wednesday, June 30, 2021

ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષના ઇતિહાસમાં 30 વર્ષ મારા પણ!


 

ગુજરાતી પત્રકારત્વના 200 વર્ષના ઇતિહાસમાં 30 વર્ષ મારા પણ!

📌અલકેશ પટેલ

 

ગુજરાતી પત્રકારત્વ આવતીકાલે પહેલી જુલાઈએ 200મા વર્ષમાં પ્રવેશે છે. 1822ની પહેલી જુલાઈએ મુંબઈ સમાચાર શરૂ થયું તેના 20 દિવસ પહેલાં એટલે કે 10મી જૂન 1822ના રોજ ફરદુનજી મર્ઝબાને આ અંગે જાહેરાત કરી હતી, જેનો એક અંશ નીચે આપ્યો છે, તે માણો...પછી આગળની વાત, મારી વાત, પત્રકારત્વની વાત કરીએ.

 

શરવે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની શેવામાં શેવક ફરેદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે જે એ શેવકે ગુજરાતી ભાશા મધે એક અઠવાડીઆનું (નીઉજ પેપર) એટલે અઠવાડીઆંનાં શમાચાર છાપવા ઠેડવેઉ છે તે તારીખ 1લી આવતા જુલાઇ મહીનાંની, શંવત 1878નાં આખાડ શુદી 12ને શોમવારેને દંનથી પહેલું શ્રી મુમબઈનાં શમાચારનું પતર પરેશ મધેથી એટલે જે છાપાનાં ઈઅંતર મધેથી બાહેર પડશે અને એ દનથી શદા દર અઠવાડીઆંનાં સોમવારે શ્રી મુમબઈનાં શમાચાર છપાએઆ કરશે, અને એ અઠવાડીઆંનાં પતરનું નામ શ્રી (મુમબઈના શમાચાર) રાખેઉં છે.

(સર્વે ગુજરાતી વાંચનારા શેઠ લોકોની સેવામાં સેવક ફરદુનજી મોબેદ મરજબાનજી અરજ અને જાહેર અને જાણીતું કરે છે કે એ સેવકે ગુજરાતી ભાષામાં એક અઠવાડિક (ન્યૂઝ પેપર) એટલે અઠવાડિક સમાચાર છાપવાનું ઠેરવ્યું છે તે તારીખ 1લી આવતા જુલાઈ મહિનાની, સંવત 1878ના અષાઢ સુદ 12ને સોમવારથી પહેલા શ્રી મુંબઈના સમાચારનો અંક પ્રેસમાંથી બહાર પડશે અને તે દિવસથી કાયમ દર અઠવાડિયે સોમવારે શ્રી મુંબઈ સમાચાર છપાશે, અને એ અઠવાડિક પેપરનું નામ શ્રી (મુંબઈ સમાચાર) રાખેલું છે. (ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ, લેખક- ડૉ. રતન માર્શલ)

 

મુંબઈ સમાચાર 199 વર્ષથી અવિરત ચાલી રહ્યું છે એ ગુજરાતી પત્રકારત્વની વિરલ ઘટના છે અને એ માટે મુંબઈ સમાચાર અખબાર અભિનંદનને પાત્ર છે.

200મા વર્ષમાં પ્રવેશી રહેલા ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં હું પણ ખાસા 30 કરતાં વધુ વર્ષથી તેનો એક ભાગ રહ્યો છું અને આ ક્ષેત્રના તમામ સારા-નરસા, ઉત્તમ-કનિષ્ઠ રૂપરંગ નજીકથી જોયાં છે. અને એટલે આજે આ લેખ દ્વારા ત્રણ દાયકાનું વિહંગાવલોકન જરૂરી લાગે છે.

પત્રકારત્વ સંદર્ભે ઘણું સાચું-ખોટું રોમેન્ટિસિઝમ જોડાયેલું છે. રાજકારણના મુખ્ય મંચ ઉપર નરેન્દ્ર મોદીની એન્ટ્રી નહોતી થઈ ત્યાં સુધી સમાજનો એક ખૂબ મોટો વર્ગ પત્રકારત્વને – મીડિયાને દુનિયાનો તારણહાર માનતો હતો. નરેન્દ્ર મોદીએ એક સાથે અસંખ્ય-અસંખ્ય લોકોના મગજમાંથી એ ભ્રમ દૂર કરી દીધો કે મીડિયા તારણહાર છે. એવું નથી કે આ ભ્રમણા માત્ર નરેન્દ્ર મોદીએ દૂર કરી. હકીકતે એ પહેલાં પણ અનેક લોકો આ ભ્રમણા દૂર કરવા મથતા હતા, પરંતુ બધાનાં કદ એટલાં નાનાં પડતાં હતાં કે મીડિયા વિશેની ભ્રમણા દૂર થતી જ નહોતી. પણ હવે મારા સહિત દરેક પત્રકારે પક્ષીય વિચારધારાના આરોપથી બચવા ઘણું સાવધાન રહેવું પડે છે, કેમ કે મીડિયામાં માત્ર સત્ય આવે...એવી ધારણાઓ અને ભ્રમણાઓ ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. હા, એ ખરું કે, રાષ્ટ્રને ચાહનારા, રાષ્ટ્રને મહત્ત્વ આપનારા મારા જેવા પત્રકારો ઉપર સંઘી અથવા ભાજપી જેવા લેબલ લાગે ત્યારે એ માટે લેબલ લગાવનારાઓની રાષ્ટ્ર-વિરોધી માનસિકતા જવાબદાર ગણાય. કદાચ આ જ કારણે - તમે તો પત્રકાર છો, તમને તો બધી ખબર હોય... – એવા વાક્ય સાંભળવા ટેવાયેલા પત્રકારોએ આજે – તમે આવું શા માટે બોલો છો અથવા આવું શા માટે લખો છો એ અમને ખબર છે... એવું સામાન્ય નાગરિકોના મોંએ સાંભળવું પડે છે. આવું પતન કેમ થયું? દરેકે જાતે જ વિચારવું પડશે. મારી આ વાતથી ઘણા પત્રકાર મિત્રોનાં ભવાં ચડશે, પરંતુ વડીલો અને દોસ્તો- સડો છે એનો સ્વીકાર નહીં કરીએ અને એ સડો ઉઘાડો નહીં પાડીએ તો એ મટી જશે એવું માનવું ભૂલભરેલું છે, ખરુંને?

ખેર, હવે હું મારા વિશે વાતો કરતાં કરતાં 30 વર્ષના પત્રકારત્વના પ્રવાહને પણ રજૂ કરતો જઇશ. જાન્યુઆરી 1989માં ટ્રેઇની સબ-એડિટરથી શરૂ કરીને 2015-16માં એક્ઝિક્યુટિવ એડિટર જેવા ટોચના હોદ્દા સુધીની સફર છતાં આજે પણ મારી પેઢીના એવા ઘણા પત્રકાર-તંત્રીઓ છે જે મને ઓળખતા નથી. આવું શા માટે? તેનું મુખ્ય કારણ આ ક્ષેત્રમાં રહેલો ભેદભાવ છે. મીડિયામાં માત્ર જે લોકો રિપોર્ટિંગ કરે તે જ પત્રકાર- એવી સર્વસામાન્ય અવધારણા હંમેશાં રહી છે. મીડિયાની ઑફિસમાં ડેસ્ક ઉપર કામ કરનાર સબ-એડિટર કે સિનિયર સબ-એડિટર કે પછી ચીફ સબ-એડિટર પત્રકારત્વના વધારે ગુણ અને વધારે લાયકાત ધરાવતા હોય છે એ વાતની નથી મીડિયા સંસ્થાઓને પડી હોતી કે નથી પ્રજાને જાણ હોતી. તો પછી મને પણ અનેક લોકો ન ઓળખે એમાં નવાઈ શી?

15 જાન્યુઆરી, 1989નો એ દિવસ હતો... (વધુ આવતીકાલે...)

2 comments:

  1. Greatly informative article....!!!

    Many congratulation to you, too....Saahebji!!!!!

    ReplyDelete
  2. Greatly informative article....!!!

    Many congratulation to you too, Saahebji!!!

    ReplyDelete