Wednesday, April 1, 2020

વિવિધ દેશના કોરોના વાયરસની કૉન્ફરન્સ


Corona_ચૈત્ર સુદ આઠમ-01-04-2020_Wednesday


વિવિધ દેશના કોરોના વાયરસની કૉન્ફરન્સ


(તંત્રીની વિશેષ નોંધઃ – તાજેતરમાં એક તરફ કોરોના વાયરસને કારણે દુનિયામાં હાહાકાર મચેલો છે એવા સમયે વિવિધ દેશોના કોરોના વાયરસની પોતાની એક ગુપ્ત કૉન્ફરન્સ યોજાઈ ગઈ. અમારી વેબસાઈટ મજાકમસ્તી ડોટકૉમના ચતુર અને ચકોર સંવાદદાતા (સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવાદદાતાનું નામ અલકેશ પટેલ છે જાહેર નથી કરતા) ને આ ગુપ્ત કૉન્ફરન્સની માહિતી મળી હતી. કૉન્ફરન્સનું આયોજન સિસોદિયા ગલી, કેજરુદ્દીનનગર ખાતે થયું હતું. આ ગુપ્ત કૉન્ફરન્સમાં ગુપ્ત રીતે પહોંચેલા અમારા સંવાદદાતાએ સાંભળેલી વાતો અહીં નીચે શબ્દશઃ રજૂ કરીએ છીએ. ખબરદાર કોઇએ હસવાનું નથી)


સંવાદદાતા, મજાકમસ્તી ડૉટકૉમ

કોરોના વાયરસે એક તરફ આખા વિશ્વમાં હાહાકાર મચાવેલો છે એવા સમયે હજુ હમણાં થોડા કલાક પહેલાં જ દુનિયાના અલગ અલગ દેશના કોરોના વાયરસના પોતાના પ્રતિનિધિઓની એક ગુપ્ત કૉન્ફરન્સ યોજાઈ ગઈ. વાયરસ મુદ્દે વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેની પ્રાથમિક માહિતી મેળવવા અને ભવિષ્ય અંગે ચર્ચા કરવા કોરોનાના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. જોકે, સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વાયરસ પ્રતિનિધિઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનું પાલન કરીને એકબીજાની વચ્ચે ત્રણ-ત્રણ મીટર (નવથી દસ ફૂટ)નું અંતર રાખ્યું હતું, એટલું જ નહીં પરંતુ આ વાયરસ પ્રતિનિધિઓએ પોતે માસ્ક પહેરી રાખ્યા હતા અને હાથમાં ગ્લોવ્સ પણ ધારણ કર્યા હતા. વાતચીતની શરૂઆત તેના જન્મદાતા એવા ચીની કોરોનાએ કરી હતી. વાયરસ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી ગુપ્ત વાતચીત નીચે પ્રમાણે છેઃ

ચીની કોરોનાઃ હાય ગાય્ઝ, કેમ છો બધા? મેં આપેલી સૂચના પ્રમાણે કામ ચાલી રહ્યું છે ને? જૂઓ આજે આપણે માત્ર કયા દેશમાં શી સ્થિતિ છે એની જ વાત કરીને છૂટા પડીશું. તો ચાલો દરેક કોરોના વાયરસ પ્રતિનિધિ પોતપોતાના દેશનો અહેવાલ રજૂ કરે.

ઇરાની કોરોનાઃ જી જી, જેસા બોલા એસે હી ચલ રેલા હૈ. મૈં તો બહોત ફૈલ ગેલા હું. હમારે દેશ મેં તો સિર્ફ મેરી ઔર મેરી હી જ ચર્ચા હૈ. છોટે સે લેકર બુઢે તક સબ મેરા હી નામ લેતે રહેલે હૈ – કોરોના કોરોના કોરના...

ઇટલી કોરોનાઃ ગાય્ઝ, ડોન્ટ આસ્ક મી, આય એમ તો સો હેપ્પી. યુ નો!? અમારા તો એક મુર્ખા મેયરે જ મને ફેલાવવામાં મદદ કરી. (ખી ખી ખી ખી). અમારે ત્યાંથી કેટલાક મુર્ખ અમે એક્સપોર્ટ પણ કર્યા છે (એવું નિવેદન કરીને આ ઇટલી કોરોનાએ ભારત કોરોના તરફ જોઇને આંખ મીંચકારી હતી.)

આ જોઇને મુખ્ય કોરોના, આઇ મીન ચીની કોરોનાએ – અત્યારે બીજી કોઈ આડવાત નથી કરવાની – એમ કડક શબ્દોમાં જણાવીને જર્મન કોરોના તરફ ઇશારો કરી તેને પોતાની વાત રજૂ કરવા જણાવ્યું હતું.

જર્મન કોરોનાઃ હમમ, બાય એન્ડ લાર્જ મારા દેશમાં પણ મને ઘણી સફળતા મળી છે. પણ મને તો આની (એમ કહી સ્પેનિશ કોરોના તરફ આંગળી કરીને કહ્યું) બહુ ઇર્ષા આવે છે. એ બહુ ફેલાયો છે. મને એટલો ચાન્સ ન મળ્યો.

સ્પેન કોરોનાઃ ભઈ જર્મન તારી વાત તો સાચી. મને તો બાકી શું મજ્જા આવી ગઈ છે. મારો દેશ આમ તો ટચૂકડો અને વેલ્ફેર સ્ટેટ (એમ કહી તેણે ચીની કોરોના તરફ આંખ મીંચકારતા કહ્યું, તમે લાદી દીધેલી સામ્યવાદી વિચારધારાને કારણેસ્તો!) એટલે મોટાભાગના એય ને ઉંમરલાયક નિવૃત્ત લોકો સરકારી સહાય ઉપર જીવે. એમાં વળી પાછા દૂરના મિડલઇસ્ટમાંથી લોકો અમારે ત્યાં ધાડેધાડાં આવે અને યુ નો, અમારી તો સિક-યુલર સરકાર એટલે ત્યાંથી આવનારને તો રાખવા પડે. એટલે મને તો મજા આવી ગઈ, એક તરફ સિનિયર સિટિઝન્સ અને બીજી તરફ મિડલઇસ્ટ વાળા, બેયમાં મેં તો હાહાકાર જ મચાવી દીધો... ખી ખી ખી ખી.

ચીની કોરોનાઃ ઠીક છે, ઠીક છે. બીજા બધા પછી લેખિતમાં રિપોર્ટ સબમિટ કરી દેજો, પણ હાલ અમેરિકા અને ભારત પોતાની વાત કરે.

અમેરિકા કોરોનાઃ ફ્રેન્ડ્સ, આમ તો હું જ્યાં પહોંચ્યો તે અમેરિકા સૌથી શક્તિશાળી અને સૌથી વિકસિત દેશ. એટલે મને તો એમ જ હતું કે મારો ગજ નહીં વાગે. વળી, પ્રમુખ પણ જોરાવર એટલે હું સફળ નહીં થઉં એવો મને સખત ડર હતો. પણ આ મૂળ પ્રજા મુર્ખ એટલે હું ફાવી ગ્યો...ખી ખી ખી ખી. પ્રમુખને એમ કે વિકસિત દેશની સમજદાર પ્રજા જાતે સાચવી લેશે, પણ એ ખોટા પડ્યા. પ્રજા તો સમજી જ નહીં. અમેરિકન પ્રજા ભારતીયોની જેમ બચત-ફચત કરે નહીં એટલે ઘરે રહી ન શકે ને! અને તમને બધાને ખાનગીમાં કહી દઉં, આ ચીની કોરોનાના કઝિનો અમારા ન્યૂયોર્કમાં બહુ બધા છે, એટલે અમેરિકનો બચી કેવી રીતે શકે? ખી ખી ખી ખી ખી.

છેલ્લે ભારત કોરોનાનો વારો હતા. બધાની નજર તેના ઉપર હતી. ભારત કોરોનાના ચહેરા ઉપર ખુશી અને દુખ બંને લાગણી મિશ્ર દેખાતી હતી.

ભારત કોરોનાઃ હું શું કહું સાથીઓ !? મને જે દેશમાં મોકલવામાં આવ્યો એ દેશ ભારતમાં તો ત્યાંનો ચૉકીદાર એટલો બધો જાગૃત અને સતર્ક હતો કે મારા પહોંચતા પહેલાં જ મને ખતમ કરવાના પગલાં લઈ લીધા હતા. પણ આ તો સારું થયું કે અમારા લોકશાહી દેશમાં એનજીઓ વાળા અને સિક-યુલર મીડિયાવાળા છે તો મારું થોડું ઘણું ઉપજ્યું. કેટલાકે મજૂરોને ભડકાવ્યા અને ભીડભીડ કરી નાખી. આ મુદ્દાને લઇને કેટલાકે મારા સમર્થનમાં કોર્ટમાં કેસ ઠોકી દીધા અને પેલા ચૉકીદારને નોટિસ ફટકારાવી. અને મજા તો ત્યારે આવી જ્યારે અહીં આપણે જ્યાં ગુપ્ત રીતે ભેગા થયા છીએ ત્યાં કેજરુદ્દીનનગરમાં હજાર કરતાં વધારે લોકો ચૂપચાપ ભેગા થઈ ગયા અને પછી એમને બહાર કાઢ્યા તો એ બધાએ રસ્તા ઉપર થૂંકીને, છીંકો ખાઈને મને મસ્ત રીતે ફેલાવવામાં મદદ કરી..ખી ખી ખી ખી.

ગુપ્ત કૉન્ફરન્સનું સમાપન કરતાં ચીની કોરોનાએ કહ્યું – ઠીક છે. તમે બધા તમારું કામ કરતા રહેજો...અને હા ભાઈ ભારત કોરોના, સાંભળઃ તારે ત્યાં ચૉકીદાર બહુ સતર્ક છે પણ તું પેલા એનજીઓ વાળા, સિક-યુલર મીડિયાવાળાની મદદ લઇને કેજરુદ્દીનનગરમાં ફેલાતો રહેજે. (વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને એક કાલ્પનિક પ્રહસન. અલકેશ પટેલ. ચૈત્ર સુદ આઠમ)

2 comments:

  1. સમૃદ્ધ કલ્પનાશક્તિ.

    ReplyDelete
  2. અદ્ભુત કલ્પનાશક્તિ.

    ReplyDelete