Tuesday, April 28, 2020

પ્રાચીન ચીનમાં ભારત ત્રણ અલગ અલગ નામે ઓળખાતું


પુસ્તક સમીક્ષા – અલકેશ પટેલ

પ્રાચીન ચીનમાં ભારત ત્રણ અલગ અલગ નામે ઓળખાતું

ચીન હાલ ચર્ચામાં છે. અનેકને એવું લાગે છે કે ચીન સાથે વેપાર ન કરવો જોઇએ, તેનો આર્થિક બહિષ્કાર કરવો જોઇએ. પરંતુ આજે હું અહીં જે ઐતિહાસિક પુસ્તકની વાત કરવાનો છું તે અનુસાર તો ઇસવીસન પૂર્વેથી બંને દેશ વચ્ચે વેપારી સંબંધ છે. તો આ પુસ્તક એવી માહિતી પણ આપે છે કે હજારો વર્ષ પહેલાં ભારત અને ભારતીયોનો દુનિયામાં કેવો પ્રભાવ હતો! ચાલો આજે માણીએ ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ

n  અલકેશ પટેલ

હજુ હમણાં જ (23 એપ્રિલે) આપણે વિશ્વ પુસ્તક દિવસની ઊજવણી કરી. આમ તો એ દિવસે જ આ પુસ્તક પરિચયની કૉલમ શરૂ થવાની હતી, પરંતુ હું એ ચૂકી ગયો. ખેર, જાગ્યા ત્યાંથી સવાર...



ઇતિહાસ લખવાની – સાચવવાની અને યાદ રાખવાની બાબતમાં આપણે ખરેખર આળસુ છીએ. આપણે મોટેભાગે વિદેશીઓએ તેમની દૃષ્ટિએ લખેલો ઇતિહાસ જ જાણીએ છીએ. સ્વતંત્રતા પછી જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો તેમાં અર્બન નક્સલી જેવા ઇતિહાસકારોએ ચેડાં કરી દીધા અને વિદેશી ઇસ્લામિક આક્રમણખોરોને મહાન બતાવ્યા અને આપણા રાજા-મહારાજાઓને વામણા બતાવ્યા. આમછતાં, સાચો ઇતિહાસ અને સાચી ઐતિહાસિક હકીકતો કોઇકને કોઇક રીતે આપણને ઉપલબ્ધ થતી રહી છે. ગયા અઠવાડિયે આવું જ એક પુસ્તક મારા હાથમાં આવ્યું - ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ (India As Known To The Ancient World). આ પુસ્તકના લેખક છે ડૉ. ગૌરાંગનાથ બેનરજી. આ પુસ્તક આજથી 99 વર્ષ પહેલાં એટલે કે 1921માં પ્રકાશિત થયું હતું. માત્ર 90 પાનાના આ પુસ્તકમાં લેખક ડૉ. બેનરજીએ પોતાની ઐતિહાસિક જાણકારી ઉપરાંત કેટલાક પશ્ચિમી લેખકોનાં પુસ્તકો તેમજ લેખોનો આધાર લીધો છે. તેમાં ડૉ. એફ. હર્થનું 1885માં લખાયેલું પુસ્તક China and the Roman Orient મુખ્ય છે.

ઇન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ પુસ્તકમાં લેખક ડૉ. ગૌરાંગનાથ બેનરજીએ ઇ.સ.પૂર્વે નવમી સદીના આધાર લઇને તે સમયના ભારતના આંતરરાષ્ટ્રીય વેપારી સંબંધો, ભૌગોલિક સ્થિતિ, દુનિયાના દેશોમાં હિન્દુ ધર્મની અસર વગેરેની અછડતી માહિતી આપી છે. પણ આ અછડતી માહિતીની સાથે તેમણે જે રેફરન્સિસ (સંદર્ભો) આપ્યા છે તેના આધારે ઐતિહાસિક સંશોધનમાં રસ ધરાવનારને વધુ ઊંડાણપૂર્વક માહિતી મળી શકે.
પુસ્તકના પ્રારંભે  લેખકે ભારતના વેપારીઓના સંભવિત સૌપ્રથમ દરિયાઈ તેમજ રણ માર્ગે વેપાર માટેના પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે. મજાની વાત એ છે કે આ વર્ણન દરમિયાન પ્રાગૈતિહાસિક કાળના યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ અને વૈદિકકાળના ભારતના સંદર્ભ પણ ટાંક્યા છે (પાના નં. પાંચ). સોલોમનના સમયમાં છેક ઈ.પૂર્વે 900માં બેબીલોન ભારતથી ચોખાની આયાત કરતું એવી નોંધ પુસ્તકમાં મળે છે. ગ્રીસ અને ઇજિપ્ત સાથે પણ એ અરસામાં ભારતના વેપારી સંબંધ હતા.
લેખક નોંધે છે કે, યુરોપની પ્રજાને ભારત અને ભારતીયો વિશેની જાણકારી Pliny’s survey – geography and history of trade between Bharat and Egypt દ્વારા મળી હતી. પ્રાચીનકાળથી લઈને છેક 1960ના દાયકા સુધી ઉત્તરમાં તિબેટ ભારતના સંરક્ષણ માટે સૌથી અગત્યનું કેન્દ્ર હતું. ચીને તે આંચકીને પોતાના કબજા હેઠળ લીધું ત્યારપછી ચીની લશ્કરને ભારત સુધી આવવાનું સરળ બની ગયું હતું એ હજુ ઘણો નજીકનો ભૂતકાળ છે અને એ માટે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુની વધુ એક ગંભીર ભૂલ હતી એ આપણે જાણીએ છીએ.
આ પુસ્તકમાં વિવિધ પ્રજાતિની આવનજાવન, વેપાર, વગેરેની વાત કરવામાં આવી છે. તેમાં વિચરતી જાતિઓનો ઉલ્લેખ છે જે વિવિધ દેશમાં હુમલા કરતા અથવા પોતે જે વિસ્તારમાં હોય ત્યાં અન્ય લોકોના પ્રવેશ ઉપર તેમનો પ્રભાવ રહેતો.... પણ આ બધામાં સૌથી નોંધપાત્ર મુદ્દો એ ઉપસી આવે છે કે ઇ.સ. પૂર્વેના એ સમયગાળામાં પણ કોઈ ભારતીય રાજા કે પ્રજાએ બીજા ઉપર હુમલા કર્યા હોય એવું દેખાતું જ નથી.
નગર સંસ્કૃતિના વિકાસ અંગે લેખકે એક જગ્યાએ સુંદર વાક્ય લખ્યું છે. તે કહે છે, વેપારીઓએ ઊંચા પહાડી વિસ્તારો તેમજ વિશાળ રણમાં પ્રવાસ કરવો પડતો ત્યાં કુદરતે જ તેમને વચ્ચે વચ્ચે આરામ કરવા માટેની સુવિધા આપી હતી. આ સુવિધા એટલે કાં તો થોડી વનરાજી હોય અને તેનાથી થોડે દૂર પાણીની સુવિધા હોય. આ ઉપરાંત ક્યાંક મંદિર હોય ત્યાં વેપારીઓ રોકાણ કરતા. અને તેમના આ રોકાણ દરમિયાન એ જ સ્થળે સ્થાનિક લોકોની અવરજવરને કારણે વેપાર થતો.
મધ્યપૂર્વના દેશો ઉપરાંત ચીનમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે પડ્યો? લેખક કહે છે કે, પૂર્વ તુર્કસ્તાન ક્ષેત્ર આ બાબતે બ્રિજ-પુલ સાબિત થયો જેના મારફત ભારતીય સભ્યતા, સંસ્કાર તેમજ ધર્મ ચીન તેમજ મધ્ય એશિયામાં ફેલાયા અને એ રીતે મધ્ય એશિયાની પ્રજાઓના ચારિત્ર્ય તેમજ વર્તનમાં મોટા ક્રાંતિકારી પરિવર્તન આવ્યા.
ચીન અને તેનો ઇતિહાસ પ્રાચીન સમયથી રહસ્યમય હોવાનું આ પુસ્તકમાં નોંધાયું છે. લેખક કહે છે કે, ભૌગોલિક સ્થિતિને કારણે પ્રાચીન સમયથી અન્ય દેશોના લોકો ભાગ્યે જ ચીન સુધી પહોંચી શક્યા છે અને તે કારણે ચીન તેના ઉદ્દભવથી જે સંસ્કૃતિ-પરંપરા હતી તે જાળવી શક્યું. એક સદી જૂના આ પુસ્તકમાં પણ એ વાત નોંધવામાં આવી છે કે, ચીની શાસકો અને પ્રજા અન્ય દેશોના શાસકો અને પ્રજાની જેમ પ્રવાસ અને વેપાર માટે નહીં પરંતુ અન્ય ભૂમિનો કબજો કરવા માટે જ આગળ વધતા હતા અને પ્રયત્નશીલ રહેતા હતા. પુસ્તક એ વાતની પણ નોંધ લે છે કે, હજારો વર્ષ પહેલાં ચીને અન્ય દેશો સાથે વેપાર પણ શરતી રાખ્યો હતો. ચીનની તે સમયની રાજાશાહી વ્યવસ્થામાં સ્થાપિત અદાલતોની શરતો અનુસાર જ બીજા દેશો સાથે વેપાર થતો. એ ગાળામાં મુખ્ય ત્રણ દેશો સાથે ચીને વેપારી સંબંધ રાખ્યા હતા – અરેબિયા, પર્સિયા અને ભારત.
ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં બૌદ્ધ ધર્મ ભારતમાંથી ચીન પહોંચ્યો ત્યારે ચીનમાં ભારત ટીન-ડુ અથવા ટિન-શુ (T’ien-du OR T’ien-chu) તરીકે ઓળખાતો હતો. પરંતુ તેના કરતાં વધુ પ્રાચીન ચીનમાં ભારતની ઓળખ શિન-ડુ (Shin-du) તરીકે હતી. દેખીતી રીતે સંસ્કૃત શબ્દ સિંધુ (નદી) પરથી જ ભારતની ઓળખ સ્થાપિત હતી. આ નામ (શિન-ડુ) અને તે અંગેની નોંધ ઈ.સ. પૂર્વે 120માં ચીની નાગરિક જનરલ ચાંગ-કીને પશ્ચિમ એશિયાના પ્રવાસ બાદ લખી હતી, તેમ મધ્યયુગના સંશોધક ડૉ. બ્રેસેન્ડરે લખ્યું હતું. એ સમયગાળામાં અર્થાત ઈ.સ.પૂર્વે 120માં ભારત-ચીન વચ્ચે દરિયાઈ માર્ગે મોટા પાયે વેપાર થતો હશે એવું એક ચીની દસ્તાવેજ ઉપરથી સમજાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, - ટેટ્સ-ઇન (સિરીયા)ના નાગરિકોનો અઉ-શી (પાર્થિયા) તથા શિન-સુ (ભારત) સાથેના દરિયાઈ માર્ગે થતા વેપારમાંથી દસ ગણો નફો થતો.  (ડૉ. હર્થના પુસ્તક – ચાઇના એન્ડ ધ રોમ ઓરિએન્ટ) (એ પુસ્તકને ડિજિટલ કરવામાં આવ્યું છે અને તે ઑનલાઇન વાંચવા માટે ઉપલબ્ધ છે –
https://books.google.co.in/books/about/China_and_the_Roman_Orient.html?id=h9l8AAAAIAAJ&printsec=frontcover&source=kp_read_button&redir_esc=y#v=onepage&q&f=false ) એટલું જ નહીં પરંતુ આ બીજી લિંકમાં તો પુસ્તક ઑનલાઇન વાંચી શકાય, સાંભળી શકાય તેમજ ડાઉનલોડ (પીડીએફ, સાદી ટેક્સ્ટ, કિંડલ વગેરે ફોર્મેટમાં) પણ મેળવી શકાય છે –
આ પુસ્તકના 46મા પાના ઉપર એક ફકરો છે એ વાંચીને પ્રત્યેક ભારતીયને ગૌરવ થાય – તેમાં લેખક કહે છે કે, ભારતમાંથી બૌદ્ધવાદી વિચારધારા ચીનમાં દાખલ થઈ એ ચીનના નૈતિક વિકાસ માટે તેમજ હેન વેન માટે સૌથી અગત્યની ઘટના હતી, અને એથી આગળ વધીને ચીનના સમગ્ર ઇતિહાસ માટે એ નોંધપાત્ર ઘટના હતી. લેખક કહે છે કે, એક નોંધ એવી મળે છે કે, બૌદ્ધધર્મી ભારતીયો ઈ.સ.પૂર્વે 227 તથા ઈ.સ.પૂર્વે 122માં ચીનમાં પ્રવેશ્યા હતા અને તેઓ યારકંડથી પણ આગળ સુધી પહોંચ્યા હતા. એ સમયથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો નિયમિત રીતે સ્થપાયા હોવાના પુરાવા મળે છે. ત્યારપછી ઈ.સ. 61માં દેશમાં (ચીનમાં) વિદેશી જ્ઞાનનો પ્રવાહ વધ્યો અને તત્કાલીન રાજા મિંગ-શી એ બૌદ્ધ પુસ્તકો તેમજ સાધુઓને ચીન મોકલવા ભારતને વિનંતી કરી હતી.
એક નોંધ પ્રમાણે છઠ્ઠી સદીમાં દક્ષિણ ચીનના લેયોંગમાં 3000 ભારતીય નાગરિકો વસતા હતા. પરંતુ ઇ.સ. 714માં બૌદ્ધ સાધુઓની અવર જવર વધી ત્યારબાદ સ્થાનિક પ્રજામાં આક્રોશ વધતા ભારતીયો ઉપર હુમલા શરૂ થયા હતા. આવા હુમલાનું કારણ એ જ હોઈ શકે કે, સ્થાનિક વહીવટીતંત્રમાં ભારતીયોની ભરતી અને પ્રભાવ વધી રહ્યો હતો જેને કારણે સ્થાનિકોને જોખમ લાગ્યું હોય.
હિન્દુત્વનો પ્રભાવઃ હિંદ મહાસાગરની આસપાસના ચારે તરફના દેશોમાં – ઇન્ડોનેશિયામાં હિન્દુ મંદિરોનો ઉલ્લેખ આ પુસ્તકમાં છે. ભગવાન શિવ, ગણેશજી તથા વિષ્ણુના મંદિરો મોટી સંખ્યામાં હતા તેમ લેખક ડૉ. બેનરજી કહે છે. (આ વાતનું સમર્થન તો હું પોતે અને મારા જેવા લાખો ભારતીયો આપી શકે જેમણે થાઇલેન્ડની મુલાકાત લીધી હશે. થાઇલેન્ડમાં, ખાસ કરીને પતાયામાં આજની તારીખે તમામ વૈભવી હોટેલ, ઑફિસ બિલ્ડિંગ, બિઝનેસ હાઉસ, અન્ય મોટાં મકાનોની બહાર ભગવાન વિષ્ણુનું મંદિર અચૂક હોય જ) 


પ્રાચીન ભારતના ઇતિહાસની વાત થતી હોય અને અંગરકોર થોમ તથા અંગરકોર વાટનો ઉલ્લેખ ન આવે એ શક્ય જ નથી. આ પુસ્તકમાં તેના વિશે લેખકે અંગ્રેજો તેમજ ચીની ઇતિહાસકારોના સંદર્ભ ટાંકીને અંગરકોટ વિશે વિસ્તારથી લખ્યું છે.
પુસ્તકમાં બાવનમા પાના ઉપર ઉલ્લેખ છે કે ભારતમાં નિષ્ફળ રહેલો બૌદ્ધ સંપ્રદાય એશિયાના અન્ય દેશોમાં પહોંચ્યો અને ત્યાં પ્રારંભના વર્ષોમાં બ્રહ્માજીના મંદિરો બૌદ્ધ સાધુઓના વિહારધામ બન્યા હતા. એ જ રીતે કંબોડિયામાં છઠ્ઠીથી 13મી સદી સુધી હિન્દુઓનો પ્રભાવ ત્યાંના મકાનોની બાંધણી તેમજ સંસ્કૃત શિલાલેખો પરથી જાણી શકાય છે. એક સદી જૂના આ પુસ્તકમાં લેખક લખે છે કે, હિંદ મહાસાગર મારફત ભારતીયો આખી દુનિયા સાથે વેપાર કરતા, છેક પશ્ચિમના દેશો સુધી જતા, એ બધું સાચું પરંતુ અગત્યની વાત એ છે કે ભારતીઓએ કદી બીજા દેશને કબજે કરવાનો પ્રયાસ કર્યો હોય એવું ઇતિહાસમાં જોવા-જાણવા મળતું નથી, અને તેની સામે બીજા ઘણા દેશોએ ભારત ઉપર કબજો જમાવવાના પ્રયાસ કર્યા હોવાના દાખલા છે. (ઈન્ડિયા એઝ નોન ટુ ધ એન્સિયન્ટ વર્લ્ડ 1921, લેખક- ગૌરાંગનાથ બેનરજી. પાના નં. 58) – અહીં લેખક હકીકતે Dr. Weule ને ટાંકે છે)
પુસ્તકમાં જાવા ટાપુનું પણ ઘણું વર્ણન છે. તેમાં લેખક બૌદ્ધવાદ અંગેના બે સંશોધક ડૉ. એચ. કર્ન તથા ડૉ. જે. ગ્રોનેમનને ટાંકીને જણાવે છે કે, જાવામાં હિન્દુ અને બૌદ્ધ સ્થાપત્યો એક સરખા સમયે જોવા મળતા નથી. ઇ.સ. ની પાંચમી સદીમાં સમગ્ર જાવામાં ભગવાન વિષ્ણુની પૂજા થતી હશે કેમ કે એ સમયગાળામાં માત્ર તેમના જ મંદિરો ત્યાં જોવા મળે છે. આ સંશોધકોએ નોંધ્યું છે કે, પાંચમી સદીમાં ચીનના એક બૌદ્ધધર્મી ફા હિઆને જાવાની મુલાકાત લીધી હતી અને તેમની નોંધોમાં માત્ર હિન્દુઓનો જ ઉલ્લેખ જોવા મળે છે, હિઆનને કોઈ બૌદ્ધધર્મી મળ્યું હોય એમ લાગતું નથી. આ પુસ્તકમાં જાવા અંગે અલગ પ્રકરણ છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે આદિત્ય ધર્મ નામનો સુમાત્રા પ્રદેશનો બૌદ્ધધર્મી રાજા હતો તેણે સિવારાગ નામે હિન્દુ રાજાને હરાવીને પશ્ચિમ જાવામાં સત્તા કબજે કરી હતી.
લેખક દુખ સાથે નોંધે છે કે, એ અરસામાં જાવાના હિન્દુ સમાજમાં ભ્રષ્ટાચારનાં લક્ષણ દેખાવાનું શરૂ થયું હતું. આ સ્થિતિનો લાભ લઈને ત્યાં વેપાર માટે આવેલા આરબો કાયમ માટે રોકાઈ ગયા એટલું જ નહીં પરંતુ એ વેપારીઓએ ધર્માંતર કરાવવાના શરૂ કર્યા હતા. લેખક આગળ લખે છે કે, વેપારમાં તગડી કમાણી કરવા ઉપરાંત રાજકીય પ્રભુત્વ જમાવવા માટે મુસ્લિમ વેપારીઓએ આવી ધર્માંતર પ્રવૃત્તિ શરૂ કરી હતી. સુમાત્રા અને જાવામાં ત્યારપછી હિન્દુઓનું પ્રભુત્વ ઘટતું ગયું અને ઇસ્લામ હાવી થયો. (પૃષ્ઠ 70 – મૂળ નોંધ ડૉ. શુર્ત્ઝ (schurtz) પુસ્તક – ધ વર્લ્ડ્સ હિસ્ટ્રી, વૉલ્યુમ – 3)
બાલી ટાપુ ઉપર પણ હિન્દુઓનું પ્રભુત્વ હતું. અહીં પણ ઇસ્લામીઓએ હાવી થવાનો પ્રયાસ કર્યો હતો અને થોડો સમય માટે સત્તા કબજે કરી લીધી હતી, પરંતુ ભારતીયોએ વળતી લડત આપી અને શાસન પાછું મેળવી લીધું હતું. આ ટાપુ ઉપર એ પ્રાચીન ઐતિહાસિક કાળથી લઇને હજુ હમણાં 100 પહેલાં સુધી ભારતીયો – હિન્દુ પ્રભુત્વમાં હતા. જ્યારે તેની નજીકના બોર્નેઓ (જેને આજે પણ કાલીમંથન તરીકે ઓળખવામાં આવે છે) ટાપુ ઉપર આમ ખાસ કોઈ વસ્તી નહોતી. પરંતુ આ ટાપુના દક્ષિણ પ્રદેશોમાં જાવાના હિન્દુ શાસકોનો પ્રભાવ હતો. બોર્નેઓના મકાનો તેમજ મંદિરો ઉપર હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળતો હતો. જે ઈ.સ. 1600માં ઇસ્લામે કબજે કર્યો.
સરવાળે આ પુસ્તકમાં તારણ કાઢવામાં આવ્યું છે કે, ઇતિહાસના દરેક તબક્કામાં ભારતીયોની હાજરી અને ભારતનો પ્રભાવ જોવા મળે છે. ગ્રીક ઇતિહાસમાં પણ ભારતીય વેપારીઓનો ઉલ્લેખ છે. રોમન શાસનના પ્રારંભિક કાળમાં ઇટાલી અને ઇજિપ્તથી વેપારીઓ ભારત આવતા.

1 comment:

  1. ખૂબ સરસ જાણકારી.જે સામાન્ય રીતે દબાયેલી જ રહી છે....

    ReplyDelete