Monday, March 15, 2021

કનૈયાલાલ મુનશીની સાથે ભારતના ભવ્ય ઇતિહાસની યાત્રા

                                                (તસવીર સૌજન્યઃ ગુજરાતી સાહિત્ય પરિષદ)

 

કનૈયાલાલ મુનશીની સાથે ભારતના ભવ્ય ઇતિહાસની યાત્રા

 ----------------------------------------------------------------------

ભારતનો સાચો ઇતિહાસ દેશવાસીઓ જાણે તે માટે

ક.મા. મુનશીએ કરેલા પ્રયાસ અભૂતપૂર્વ અને અસાધારણ હતા

------------------------------

લેખકઃ સંદીપ બાલકૃષ્ણન ( https://www.dharmadispatch.in/ )

અનુવાદઃ અલકેશ પટેલ

 

દરેક સાચા રાષ્ટ્રવાદી અને સનાતની ભારતીય માટે સન્માનજનક એવા સ્વામી વિવેકાનંદે સમગ્ર દેશનો પ્રવાસ ખેડીને તેમનાં વક્તવ્ય અને લખાણમાં ભારતવર્ષનું જે ચિત્ર રજૂ કર્યું હતું કંઇક એવું જ ભવ્ય કામ 20મી સદીના પ્રખર ગુજરાતી સારસ્વત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ઇતિહાસલેખનની બાબતમાં કર્યું છે. કૂલપતિ મુનશીએ આ અંગે જે વિચાર રજૂ કર્યા અને એ દિશામાં પ્રયત્ન શરૂ કર્યા તેને દેશના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોએ 11 વૉલ્યુમમાં વાસ્તવિક સ્વરૂપમાં ઢાળ્યા.

ભારતના ભૂતકાળ, સ્વરૂપ તથા નિરંતરતા અંગેના તેમના વિચારોમાં એ જ ભાવ જીવંત છે જેમાં સનાતન સભ્યતાનો જન્મ થયો હતો. તે અનુસાર આ ઇતિહાસ ભારતનાં સંતાનોએ કરેલા વર્ણન પ્રમાણેનો છે એટલું જ નહિ પરંતુ તેના આત્માને ભારતીયો જે રીતે જૂએ છે એ જ રીતે દુનિયાને પણ જોવા મળે છે. મુનશીનું આ સ્વપ્ન પૂરા 35 વર્ષે પૂર્ણ થયું હતું, પરંતુ પોતે તેને સાકાર થયેલું જોઈ શકે તે પહેલાં આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા.

ભૂતકાળમાં નજર કરતાં એવું સમજાય છે કે ક.મા. મુનશીએ બે કારણસર ઇતિહાસલેખનનું આ ભગીરથ કામ હાથમાં લીધું હશે. એક, આ દેશ, અહીંની સંસ્કૃતિ, વારસો તથા એવી તમામ બાબતો પ્રત્યે તેમનું હૃદયપૂર્વકનું જોડાણ- જેને તેમણે સંખ્યાબંધ પુસ્તકો અને લેખો દ્વારા વાચા આપી હતી તેમજ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેની સાથે સક્રિય રીતે જોડાયા હતા. બીજું પરિબળ ચિંતા હોઈ શકે. ચિંતા એ વાતની કે, જે પ્રકારનો ઇતિહાસ લખાઈ રહ્યો હતો તેને સાચો માની લેવામાં આવતો હતો. જદુનાથ સરકાર, આર.સી. મજુમદાર તથા બીજા જૂજ ઇતિહાસકારોને બાદ કરતાં બાકીના તમામ લેખકો પશ્ચિમી સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી ઇતિહાસ લખતા હોવાનું મુનશી જોઈ શકતા હતા. તેમણે આવા ઇતિહાસકારોને યોગ્ય રીતે જ કહેવાતા ભારતીય ઇતિહાસકારો તરીકે ઓળખાવ્યા હતા.

કનૈયાલાલ મુનશીએ 1938માં ભારતનો વિગતવાર ઇતિહાસ લખવા માટેની રૂપરેખા તૈયાર કરી દીધી હતી. પરંતુ એ માટે વાસ્તવિક કામગીરી શરૂ થતાં છ વર્ષ નીકળી ગયાં. એ બાબતે આગળ અન્ય પ્રકરણમાં વાત કરીશું. તેમણે ભારતનો સર્વગ્રાહી ઇતિહાસ લખવાની પોતાની યોજના વિશે વિસ્તારથી સમજાવ્યું હતું :

ઇતિહાસને તેના સાચા શબ્દાર્થમાં ચરિતાર્થ કરવા માટે તેમાં દેશની મૂળભૂત પ્રજાની વાત હોવી જ જોઇએ. તેમાં એવા લોકોનાં જીવન તેમજ સિદ્ધિઓની વાત હોવી જોઇએ જેમનાં સાહસ પરંપરાની દીવાદાંડી બન્યાં હોય...એ મૂલ્યોનો સ્વીકાર અથવા પ્રતિકાર થયો હોય તથા જેના દ્વારા એક સામૂહિક આત્મબળ સર્જાયું હોય અથવા ઘડાયું હોય, એ પ્રયાસો દ્વારા લોકોમાં એક પ્રકારની સાહજિક એકતા જાગી હોય. આમ, ઇતિહાસનો કેન્દ્રીય હેતુ એવાં મૂલ્યોની તપાસ અને ઉજાગર કરવાનો હોવો જોઇએ જેણે સમયે સમયે દેશવાસીઓને તેમની સામૂહિક ચેતનાને વિકસાવવા તેમજ તેમના જીવનની વિવિધ પ્રવૃત્તિ દ્વારા તે વ્યક્ત કરવા પ્રેરિત કર્યા હોય. ભારતનો આવો ઇતિહાસ હજુ લખાવાનો બાકી છે.

1938માં રોમિલા થાપર જેવા અનૈતિક અને ચોક્કસ વિચારસરણી ધરાવતા લોકોનો હજુ ઉદય થયો નહોતો, પરંતુ મુનશી (તથા તેમના જેવા બીજા વિદ્વાનો) ને સાચા ઇતિહાસને પ્રમાણિત કરવા માટે પ્રાથમિક અને સત્તાવાર સ્રોતો મેળવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. પ્રાથમિક સ્રોતો પણ સાવ અધૂરા હતા, એટલું જ નહીં પરંતુ એ સ્રોતો વિદેશી હોવાથી તેમાં ભારતના વીર નાયકો પ્રત્યે સ્પષ્ટ પૂર્વગ્રહ દેખાઈ આવતો હતો. કનૈયાલાલ મુનશી ખેદ સાથે નોંધે છે કે, બસો વર્ષથી ભારતીયો તેમના વિશે આવો ઇતિહાસ ભણી રહ્યા હતા જેનું નિર્ધારિત પરિણામ એ આવ્યું કે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ ચોક્કસ ઢાંચામાં બંધાઈ ગયો.

વાચકો ભારતમાં એલેક્ઝાન્ડરની અલ્પજીવી અને નિરર્થક ઘૂસણખોરી વિશે વાંચીને સંતોષ માની રહ્યા હતા, પરંતુ એ સમયગાળા દરમિયાન ભવ્ય સામ્રાજ્યો તેમજ ગંગાના સમગ્ર ખીણ વિસ્તારમાં આકાર લઈ રહેલી સંસ્કૃતિ વિશે સાવ અજાણ હતા. દિલ્હીના સુલતાનોના મહેલોની બિનજરૂરી વિગતો આપવામાં આવતી હતી, પરંતુ મધ્ય એશિયાના હિંસાખોર ઘૂસણખોરોનો સદીઓ સુધી વીરતાપૂર્વક સામનો કરનાર વીર સ્ત્રી-પુરુષો વિશે...1857ના ભવ્ય રાષ્ટ્રીય બળવા વિશે જે વર્ણનો હતાં તેના પરથી વાચકોને એવી જ જાણકારી મળે કે, કેવી રીતે હિંમતવાન વિદેશીઓએ ભારતને કચડી નાખ્યું હતું”! માત્ર બાહ્ય કહેવાતા ઐતિહાસિક અભ્યાસ દ્વારા જ વાચકને જાણવા મળતું હતું કે, કેવી રીતે તમામ સમુદાયના રાષ્ટ્રવાદી સ્ત્રી-પુરુષો વિદેશીઓને હાંકી કાઢવા માટે સંગઠિત થયા હતા. આપણી ભાષા તેમજ સમુદાયોના વૈવિધ્યનો વ્યાપક પ્રચાર થયો પરંતુ ભારત ખરેખર શું છે એ વિશેની સચોટ હકીકતો ઉપર સાવ ઓછો ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વતંત્રતા પછી નહેરુના દરબારી ઇતિહાસકારોએ કેવી રીતે ઇતિહાસ સાથે ચેડાં કર્યાં અને આપણી ત્રણ પેઢીને ભ્રષ્ટ કરીને ખતમ કરી નાખી એ બાબતે આપણે હવે સારી રીતે અવગત છીએ. આ સંદર્ભમાં મુનશી દ્વારા સ્થિતિ સુધારવા થયેલા પ્રયાસ ખરેખર દુરંદેશી હતાઃ

ભારતના ઇતિહાસમાં વિદેશી ઘૂસણખોરોની ભૂમિકા જે અત્યાર સુધી વધારી-ચગાવીને કહેવામાં આવી છે તેને કદ પ્રમાણે ઘટાડી દેવી જોઇએ. આ સમયગાળા દરમિયાન પ્રજા અને સંસ્કૃતિએ પોતાની મક્કમતા જાળવી રાખી હતી. વિદેશી આક્રમણ કેવી રીતે થયાં એ કંઈ ભારતનો ઇતિહાસ નથી, પરંતુ ઇતિહાસ એ છે કે  તે સમયના વીર ભારતીયોએ એ આક્રમણોનો સામનો કેવી રીતે કર્યો અને છેવટે કેવી રીતે તેમના ઉપર વિજય મેળવ્યો.

એટલું સ્પષ્ટ છે કે આવો ઇતિહાસ લખવાનો આધાર આપણો વારસાગત ઐતિહાસિક અનુભવ તથા સાંસ્કૃતિક સભાનતા છે, અને એ જ ઐતિહાસિક સામગ્રી છે. મુનશીએ આ અભિગમનો ઉપયોગ ત્રણ મુખ્ય થીમનું વર્ણન કરવા માટે કર્યો જેણે આજની તારીખ સુધી સનાતન સભ્યતાને જીવંત રાખી છે એટલું જ નહીં, તેના આધારે જ 1947માં સામ્રાજ્યવાદ સામેનું યુદ્ધ જીતી શકાયું. આ ત્રણ અભિગમ છેઃ

1. સનાતન સામાજિક માળખા વિશે ચગાવીને કહેવાયેલી તમામ ખામીઓ છતાં તેમાં ઊંડી અધ્યાત્મિકતા અને વ્યક્તિગત ધ્યેયનાં પરિબળ યથાવત્ છે. ક.મા. મુનશીના શબ્દોમાં, જીવનના ધોરણને અનુરૂપ એક એવું આદર્શ જીવન જીવવાનો આ પ્રયાસ હતો જેનાં મૂળિયાં છેક ઉપનિષદો સુધી પહોંચે છે.

2. ધર્મશાસ્ત્રો કદાચ વ્યક્તિગત અને સામાજિક ધારા-ધોરણોનો સૌથી વ્યાપક સિદ્ધાંત છે જે ત્રણ હજાર વર્ષ કરતાં વધુ સમયથી સમગ્ર માનવ સભ્યતા તેમજ તેનાં તમામ પાસાંનું ઘડતર કરે છે, તેને આકાર આપે છે, માર્ગદર્શન આપે છે તથા ટકાવી રાખે છે. આ અમૂલ્ય અને સૌથી વિશ્વસનીય પ્રાથમિક સ્રોત વિના ભારતનો સંપૂર્ણ અને સાચો ઇતિહાસ લખવાનું અશક્ય છે. અન્ય એક ઋષિતુલ્ય વ્યક્તિ પી.વી. કાણેએ આ ક્ષેત્રમાં કરેલા અભૂતપૂર્વ તથા અસામાન્ય પ્રયાસોને પણ આપણે યાદ કરવા જોઇએ.

3. સંસ્કૃત પણ એક અગત્યનું પરિબળ છે. સંસ્કૃત વિના ભારતની કોઈ ચર્ચા શક્ય જ નથી.

ભારતના ઇતિહાસ અંગેના કનૈલાલ મુનશીના આ ત્રણ મુદ્દાના અભિગમને કેન્દ્રમાં રાખીને હકીકતોની ચકાસણી કરીએ તો આપણે વાંચેલા અને ભણેલા ઇતિહાસની પોકળતા છતી થઈ જશે. આ સંદર્ભમાં કોઇપણ ઉદાહરણ લઈ લો તો તરત જ ખ્યાલ આવશે કે ચોપાનિયા લખનારા માર્ક્સવાદીઓએ શું કર્યું છે. ડી.ડી. કોસામ્બીએ પોતે સંસ્કૃત જાણતા હોવા છતાં ભગવદ્ ગીતાનું અનર્થઘટન કર્યું છે. તો સંસ્કૃત જાણ્યા વિના જ રોમિલા થાપરે પ્રાચીન ભારત વિશે આખું પાઠ્યપુસ્તક લખી નાખ્યું. સતીષચંદ્રે હિન્દુ સામાજિક વ્યવસ્થા વિશે લખતાં લખતાં એ પુરવાર કરવાનો પ્રયાસ કર્યો કે, ઇસ્લામ કેવી રીતે મુક્તિદાયક પરિબળ છે! આવાં ઉદાહરણોની યાદી અનંત છે.

ભારતના ઇતિહાસને પોસ્ટ-મોર્ટમ (ચીરફાડ)ની રીતે જોવો એ ઐતિહાસિક રીતે તદ્દન અનૈતિક અને અવૈજ્ઞાનિક છે તેવું મુનશીનું મંતવ્ય પૂર્ણ સત્ય છે. એવો અભિગમ કદાચ સંપૂર્ણ નાશ પામેલી ગ્રીક અથવા રોમન અથવા ઇજિપ્તની સંસ્કૃતિઓ વિશે ઉપયોગમાં લઈ શકાય કેમ કે, તે મૃતઃપ્રાય થઈ ચૂકી છે અને ગમે તેવા ગંભીર પ્રયાસો છતાં તેને પરત લાવી શકાય તેમ નથી.

આટલું કહીને તેઓ ઇતિહાસકારોને પ્રેરણા આપતા કહે છેઃ આધુનિક ઇતિહાસકારે ભારતનો એક જીવંત અને નિરંતર તત્વ તરીકે સ્વીકાર કરવો જ જોઇએ. એવા અભિગમ વિના ભારતને સમજવાનું શક્ય નથી, કેમ કે આજે પણ મજબૂતીથી ઊભેલો આ દેશ તેની પ્રાચીન પરંપરા સાથે એટલી જ સબળ રીતે જોડાયેલો છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આ લખ્યું ત્યારે ભારતે હજુ નવું નવું સ્વતંત્ર્ય મેળવ્યું હતું, એ સમય નવા જાગેલા આશાવાદનો હતો, ભવિષ્યને ઉન્નત બનાવવાનાં સ્વપ્ન સેવવાનો હતો. પણ તે સમયે ભારતનો સાચો ઇતિહાસ ન લખાયો અને ન ભણાવાયો તેનું એક મુખ્ય કારણ એ છે કે, આપણને સાવ સરળતાથી-સસ્તામાં સ્વતંત્રતા મળી ગઈ હતી.

(ગુજરાતી અનુવાદઃ અલકેશ પટેલ)

To read original English article, please visit - https://www.dharmadispatch.in/  

No comments:

Post a Comment