Tuesday, March 16, 2021

કોરોનાની રસી એ ચોથું સુરક્ષા કવચ છે





 

 

કોરોના રસીકરણઃ સાથી હાથ બઢાના

--- કોરોનાની રસી એ ચોથું સુરક્ષા કવચ છે

-     અલકેશ પટેલ

-------------------------------

 કોરોના વાયરસ અને તેની રસી અંગે જાતજાતની વાતો પ્રવર્તે છે. આ વાયરસનું મૂળ પકડાતું પણ નથી અને છતાં કેટલાય સાજા-નરવા માણસો મૃત્યુ પામે છે. કોરોના છે એવું વિજ્ઞાનીઓ અને ડૉક્ટરો કહે છે. તો પછી તેનો ઉપાય તો કરવો પડે. એ માટે જ રસી શોધી લેવામાં આવી છે અને ભારતમાં આજની તારીખ સુધીમાં ત્રણ કરોડ કરતાં વધુ લોકોને રસી આપવામાં આવી છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ દોઢ લાખ કરતાં વધુ લોકોને રસી આપવામાં આવે છે. ગયા મહિને શરૂ થયેલી રસીકરણની પ્રક્રિયાના અલગ અલગ તબક્કા પાડવામાં આવ્યા છે એ વિશે સૌ જાણે છે તેથી તેની ચર્ચા કરવાનો અર્થ નથી. પણ મૂળ વાત એ છે કે, આજે (ફાગણ સુદ ત્રીજ (16 માર્ચ, 2021)ને મંગળવારે) આ વિષય ઉપર પત્રકારો માટે ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન થયું હતું.

આ દરમિયાન જે કેટલાક મુખ્ય મુખ્ય મુદ્દાની જાણકારી મળી તે મુજબઃ

(1)   કોરોનાની રસી એ ચોથું (4થું) સુરક્ષા કવચ છે. બાકીના ત્રણ સુરક્ષા કવચમાં (અ) માસ્ક, (બ) સોશિયલ ડિસ્ટન્સ તથા (ક) સેનિટાઇઝેશનનો સમાવેશ થાય છે.

(2)   રસી લેવા માટે ઑનલાઇન નોંધણી ફરજિયાત છે અને એ માટે ફોટો સાથેનું ઓળખકાર્ડ હોવું જરૂરી છે.

(3)   પોલિયો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હોવા છતાં હજુ રસીકરણ ચાલુ છે, તેનો અર્થ એ કે કોઈ રોગ કે વાયરસ હંમેશ માટે ખતમ નથી થતો, પરંતુ તેની સામે રસીકરણ જેવાં પગલાંથી તેની ઘાતક અસરો ઓછી કરી શકાય છે. કોરોનાના કેસમાં રસીકરણથી જ મૃત્યુદર ઘટાડી શકાશે.

(4)   હાલ જેમને રસી આપી શકાય તેમ નથી એવા લોકોમાં (એ) 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, (બી) સગર્ભા મહિલાઓ, (સી) સ્તનપાન કરાવતી માતાઓ તથા (ડી) ગંભીર એલર્જીવાળા લોકો જેમને દવા કે ઇન્જેક્શનથી રિએક્શન આવતા હોય.

(5)   આ સિવાય, જે સંપૂર્ણ દિવ્યાંગ અથવા અશક્ત નાગરિકો જેમના માટે ઘરની બહાર નીકળવાનું જ શક્ય નથી અને હૉસ્પિટલ જઇને રસી લઈ શકે તેમ નથી તેમના રસીકરણ અંગે ઉચ્ચસ્તરે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. હાલ આવા લોકોને ઘરે જઇને રસી આપવાનું શક્ય નથી, તેનું કારણ એ છે કે, હજારો લોકોએ એકાદ જણને રસીનું રિએક્શન આવે તો તેની સારવાર માટે AEFI (Adverse events following immunization) કિટની જરૂર પડે. આવી કિટ હૉસ્પિટલ અથવા જ્યાં રસીકરણ થતું હોય ત્યાં જ ઉપલબ્ધ રાખી શકાય, દરેકના ઘરે લઈ જવાનું શક્ય નથી. આ ઉપરાંત રસીને ચોક્કસ તાપમાનમાં રાખવી પડે, જે સુવિધા હૉસ્પિટલ થવા જ્યાં રસીકરણ ચાલતું હોય ત્યાં ઊભી કરી શકાય, પરંતુ ઘરે રસી આપવા જવામાં કોલ્ડ-ચેઇન જાળવી ન શકાય અને રસીનો હેતુ માર્યો જાય.

(6)   રસીના બે ડોઝ છે. પહેલો ડોઝ લીધા પછી 28 થી 45 દિવસમાં બીજો ડોઝ લેવો જરૂરી છે. તેનો અર્થ એ કે રસીનું યોગ્ય પરિણામ મેળવવું હોય તો પહેલો ડોઝ લીધા પછી યોગ્ય સમયે બીજો ડોઝ લેવો જરૂરી છે.

(7)   રસીકરણ અંગે (તેની કથિત આડઅસરો અંગે) સોશિયલ મીડિયામાં વહેતી વાતોને માની લેવાને બદલે સરકારી વેબસાઇટ અથવા હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને સાચું માર્ગદર્શન મેળવવું જોઇએ. ( www.cowin.gov.in  /  www.mohfw.gov.in  ) ટોલફ્રી હેલ્પલાઇન નંબર (1075).

 

આ વર્કશોપનું આયોજન Centre for Child Rights of Communications - PDPU & UNICEF  તથા  Gujarat Media Club દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં ડૉ. નયન જાની, ડૉ. નિશ્ચલ ભટ્ટ, ડૉ. અનિકેત રાણા, ડૉ. નારાયણ ગાંવકર વગેરેએ ખૂબ વિસ્તૃત અને જરૂર માહિતી પૂરી પાડી હતી. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિએ પણ ઑનલાઇન ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

કોઈ જો એવી દલીલો કરવા માગતા હોય કે, રાજકીય પક્ષોની રેલી અને સભાઓમાં આ વાયરસનો કોઈ ભય હોય એવું દેખાતું નથી. ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે હજારો લોકો ભેગા થાય છે (જોકે, હવે એ બંધ કરવામાં આવ્યું), દિલ્હી સરહદે ત્રણ મહિના કરતાં વધુ સમયથી રાજકીય કાર્યકરો અડ્ડો જમાવીને બેઠા છે. શ્રમિક વસાહતોમાં લાખોની સંખ્યામાં લોકો રહે છે. આ તમામ જગ્યાએ મૃત્યુના એવા કોઈ ભયાવહ આંકડા જોવા મળ્યા નથી. તો એનો જવાબ એ છે કે, રોજેરોજ કોરોનાથી સેંકડો મૃત્યુ તો થાય જ છે!

અહીં ઉપર હેડિંગમાં મેં લખ્યું છે- સાથી હાથ બઢાના. તેના બે અર્થ થાય છે. એક તો મીડિયા તરીકે અમે અમારી જવાબદારી સમજીને કોરોના રસીકરણ અંગે સામાન્ય પ્રજાને શક્ય એટલી સાચી માહિતી આપીને ફરજ બજાવીએ અને બીજું, નાગરિકોએ હાથ આગળ લાવીને રસી લેવી જોઇએ.અલકેશ.

1 comment:

  1. કોરોના રસી વિશે જાતજાતની અફવાઓ ચાલી રહી છે. જેને રોકવા માટે રસી લેવાના ફાયદા તથા રસીકરણ પછી એની આડ અસર વિશે સામાન્યમાં સામાન્ય માણસ સુધી માહિતી પહોચાડી શકીએ તો અતિ ઉત્તમ.

    ReplyDelete