Sunday, July 9, 2023

ટ્રાફિક પોલીસ ખરેખર ટ્રાફિક સંચાલન કરે છે ખરી?

 


 એ સાચું કે કાયદાનો ભંગ કરનાર અપ્રામાણિક નાગરિકો પોતાને સ્માર્ટ અને હિંમતવાન ગણે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવા નાગરિકોને સીધા કરવાનું પોલીસ માટે શું અશક્ય છે?

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

થોડા દિવસ પહેલાં કર્ણાવતીમાં પંચવટી પાંચ રસ્તા પાસે એક દૃશ્ય જોયું. એક કારને અટકાવીને તેની ફરતે ઓછામાં ઓછા પાંચ ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઘેરી લીધી હતી. મને ખબર નથી કે એ કારવાળાનો શું વાંક હશે અને એ પાંચ-છ પોલીસકર્મીઓ છેવટે શું નિવેડો લાવ્યા હશે, પરંતુ મને એટલી ખબર છે કે એને કારણે પાછળ પાંચ રસ્તા ઉપર ટ્રાફિકની અંધાધૂંધી થઈ ગઈ હતી.

બીજો કિસ્સો વડોદરાનો છે. બગીખાના પાસે એક એક્ટિવા ઉપરથી પાણીના ત્રણથી ચાર જગ એકાએક રસ્તા પર પટકાયા. બરાબર વળાંક ઉપર આ બનાવ બન્યો હતો અને મારી નજર એ એક્ટિવાળા ઉપર પડી ત્યારે હું રીતસર ફફડી ગયો, કેમ કે એ એક્ટિવા ચલાવનાર યુવક એક હાથે દિવ્યાંગ હતો. તેનો ડાબો હાથ કોણીએથી હતો જ નહીં અને છતાં એ એક્ટિવા ચલાવતો હતો એટલું જ નહીં પરંતુ પાંચ-સાત પાણીના કેરબા લઈને જતો હતો જેમાંથી ત્રણ નીચે પડ્યા. એ દિવ્યાંગ યુવક રાજમહેલ રોડ તરફથી જ આવ્યો હશે જ્યાં ટ્રાફિક પોલીસ જમાદારો કાયમ હાજર હોય છે, છતાં એમાંથી કોઈનું ધ્યાન નહીં પડ્યું હોય અને કોઇએ રોક્યો નહીં? એક હાથ ધરાવતો એ દિવ્યાંગ યુવક એક્ટિવા ચલાવતો હતો અને એ દરમિયાન પાણીના જે કેરબા રસ્તા ઉપર પડ્યા તેને કારણે બીજા કોઇનો જીવ ગયો હોત તો?

વાત માત્ર એક-બે શહેરની નથી પણ ગુજરાતના લગભગ તમામ શહેરમાં રોજેરોજ, કાયમ જોવા મળે છે કે, જ્યાં સિગ્નલ દ્વારા ટ્રાફિકનું સુપેરે સંચાલન થતું હોય ત્યાં બે-પાંચ-સાત ટ્રાફિક પોલિસ જોવા મળે અને જ્યાં સિગ્નલ ન હોય અને અંધાધૂંધી હોય ત્યાં કોઈ જમાદાર જોવા જ ન મળે! અથવા ત્યાં ડ્યૂટી હોય તો પણ એ જમાદારભાઈ કોઈ ખૂણામાં ચાની કિટલી પર કે ગલ્લા પર કે પછી ટ્રાફિકને નડતરરૂપ ઊભેલી રિક્ષામાં બેઠા હોય. અને આવું કશું ન હોય તો પોતપોતાના સ્માર્ટફોનમાં માથું નાખીને ઊભા હોય.

મને આજ સુધી એ વાત સમજાતી નથી કે, ટ્રાફિક પોલીસતંત્રમાં કોઈ આગોતરી વિચારણા થતી હશે કે કેમ! તહેવારો સમયે તો વિચારણા થાય છે અને એ દિવસ પૂરતું ટ્રાફિક પોલીસતંત્ર કામ કરતું દેખાય છે, પરંતુ રોજેરોજનું શું? શા માટે સંચાલન માટે આગોતરું આયોજન નથી થતું? કર્ણાવતી શહેરમાં અનેક ચાર રસ્તે સિગ્નલની ડિજિટલ ઘડિયાળ કોઈ થાંભલા પાછળ અથવા કોઈ જાહેરાતના પાટિયા પાછળ દબાઈ ગઈ હોય છે. આ વિશે મેં પોતે અનેક વખત ફોટા સાથે (ખાસ કરીને લાલબંગલા ચાર રસ્તે) ટ્વિટર દ્વારા જાણ કરી હોવા છતાં કોઈ ફેર પડતો નથી. પરિણામે એવું લાગે છે કે ટ્રાફિક પોલીસના તેમજ ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સોશિયલ મીડિયા એકાઉન્ટ માત્ર પોતપોતાની વાહવાહી કરતી પોસ્ટ મૂકવા માટે જ છે, ફરિયાદ કે સૂચનો તરફ ધ્યાન આપવાની કોઇને પડી નથી. સરેરાશ પ્રત્યેક દસ ડિજિટલ ક્લોકમાંથી પાંચ-છ તો ચાલુ હોતી જ નથી. એટલું જ નહીં પરંતુ એકપણ ડિજિટલ ક્લોક દૂરથી દેખાય એવી જગ્યાએ રાખવામાં આવી નથી. આ બધું ટ્રાફિક પોલીસતંત્રને કેમ નહીં સમજાતું હોય?

સાચી વાત તો એ છે કે, મારા સહિત કોઇએ પણ ફરિયાદ કે સૂચન કરવાં જ ન પડે... જો ટ્રાફિક પોલીસતંત્ર જાતે આ બધું વિચારીને એ દિશામાં પગલાં લે. પોલીસતંત્ર પાસે જ આંતરિક રીતે એવી વ્યવસ્થા હોવી જોઇએ કે આવી બધી બાબતો અંગે આગતરું નિરીક્ષણ કરે, આગોતરી વિચારણા કરે અને એ પ્રમાણે આયોજન કરે. ક્યારેક તો ચિંતા થાય છે કે શું ટ્રાફિક પોલીસતંત્રમાં નિરીક્ષણ, વિચારણા અને આયોજન કરી શકે એવા અધિકારીઓ જ નહીં હોય?

શું ટ્રાફિક પોલીસ એમ માને છે કે બધા સીસીટીવી કૅમેરા ગોઠવી દેવાથી અને તેના આધારે ટ્રાફિક ચલણ જારી કરી દેવાથી બધું આપોઆપ સુધરી જશે? શું ટ્રાફિક પોલીસતંત્રને એ વાતનો જરાય અંદાજ નથી કે, આપણા મોટાભાગના વાહનચાલકો કાંતો અભણ અથવા ઓછું ભણેલા અને તુમાખીવાળા હોય છે? શું ટ્રાફિક પોલીસ આવા લોકોને કદી કાબુમાં લેવા માગતી જ નથી? અગણિત લોકો રોજેરોજ, ખાસ કરીને સ્કૂલો છૂટે ત્યારે વાલીઓ તેમનાં બાળકોને ટુ-વ્હીલર ઉપર બેસાડી રોંગસાઇડમાં જ નીકળે છે. આ સ્થિતિ પોલીસની નબળાઈનું પરિણામ છે. રોંગસાઇડ વાહન ચલાવનારા બદમાશ નાગરિકોને રોકી ન જ શકાય એવું નથી. બસ જરૂર છે ટ્રાફિક પોલીસે તેનું કામ નિષ્ઠાપૂર્વક કરવાની.

સરકારે પણ નેતાઓના બંદોબસ્ત માટે બેફામપણે ટ્રાફિક પોલીસનો ઉપયોગ કરવાને બદલે એમને એમનું ટ્રાફિક સંચાલનનું મૂળ કામ કરવા દેવા, તેમને ટ્રાફિક સંચાલનમાં ઈનોવેશન લાવવા, નવું વિચારવા, નવાં પગલાં લેવા પ્રોત્સાહિત કરવા પડશે. સરકાર અને ટ્રાફિક પોલીસે ટ્રાફિકની સમસ્યા પેદા થાય ત્યારે તેનો ઉકેલ લાવવા માટે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પ્રવૃત્તિ કરવાને બદલે સમસ્યા ન થાય, અથવા ઓછામાં ઓછી સમસ્યા થાય એ માટે આગોતરી વિચારણા અને ઈનોવેશન કરવાં પડશે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment