Sunday, July 16, 2023

મીડિયા અને અર્બન નક્સલીઓ પાસે તટસ્થતાની અપેક્ષા?

 


વારંવાર હલાલાનો લાભ લઇને ક્યારેક રાષ્ટ્રવાદી તો ક્યારેક સેક્યુલર બની જતા નીતિશકુમારનું બિહાર પણ હવે ભાજપ માટે જીવલેણ બની રહ્યું છે. દેશમાં કોઈ જગ્યા હિન્દુઓ માટે સલામત બચશે ખરી?

------------------------------------------

n      અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

અષાઢ વદ, 11 (13-07-2023)ને ગુરુવારે બિહારમાં વિવિધ મુદ્દે આંદોલન કરી રહેલા ભાજપના નેતાઓ ઉપર બિહાર પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાજપના એક નેતાનું અવસાન થયું. કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ પછી હવે બિહારનો પણ એ યાદીમાં સમાવેશ થયો છે જ્યાં ભાજપના નેતાઓ સલામત નથી. અગાઉ ત્રિપુરામાં હિંસક-ડાબેરીઓનું શાસન હતું ત્યારે ત્યાં પણ એવી જ સ્થિતિ હતી. વિવિધ રાજ્યમાં ભાજપના નેતાઓની આવી હત્યા બાદ અનેક રાષ્ટ્રવાદી, સનાતની વિદ્વાનો, પત્રકારો, લેખકો એવા ટોણા મારતા હોય છે કે, -- "જૂઓ ભાજપના નેતાની હત્યા થાય છે પરંતુ કહેવાતા તટસ્થ મીડિયા કશું બોલતા નથી!"

મુદ્દો એ છે કે, તટસ્થ મીડિયા તમારી તરફેણમાં શા માટે બોલે? તમે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકો? મીડિયા તટસ્થ છે એવું તમે માની લીધું છે, એ લોકો પોતે તો કદી એવું માનતા જ નહોતા. એમનો એજન્ડા પહેલેથી જ મિશનરીઓ તરફી, જેહાદીઓ તરફી હતો. એમને આ એજન્ડા ચલાવવા માટે આ બંને ઉપરાંત ડાબેરીઓ તેમજ અર્બન નક્સલી તત્વો તરફથી ચિક્કાર નાણા મળે છે... તો પછી એ તમારી વિચારધારાના નેતાઓની હત્યા અંગે શા માટે શોક વ્યક્ત કરે?

મુદ્દો એ છે કે, વિદેશી-ભંડોળના જોરે ભાજપ-સંઘ-વિહિપ-બજરંગ દળ વિરુદ્ધ અભિયાન ચલાવતા મીડિયા કે બીજા એવા કોઇપણ તત્વો તમારી તરફેણમાં બોલે એવી અપેક્ષા રાષ્ટ્રવાદીઓએ, સનાતનીઓએ શા માટે રાખવી જોઇએ? તમે આવી અપેક્ષા રાખો છો એનો અર્થ એ છે કે તમને મિશનરી જેહાદી ડાબેરી - કોંગ્રેસી સાંઠગાંઠ અને કાવાદાવા વિશે પૂરી જાણકારી નથી!

આ ચારેય પરિબળો ઓછામાં ઓછી એક સદીથી સનાતની સંસ્કૃતિને ખતમ કરવા લાકડી, હથોડી, પાવડા, કોદાળી, તલવારો, છરી-ચાકુ, પિસ્તોલ, બંદૂક, બોંબ - બધાનો ઉપયોગ કરી રહ્યા છે. એ સાચું કે તમારી આંખ ઉઘડેલી છે એટલે જ તમે આવી અપેક્ષા રાખો છો કે તમારી ઉપર, અથવા તમારાં ધર્મસ્થાનો ઉપર અથવા તમારા નેતાઓ ઉપર હુમલા થાય ત્યારે કહેવાતા તટસ્થ લોકો તમારી તરફેણમાં એકાદ નિવેદન કરે. પણ આવી અપેક્ષા રાખવી એ વાંઝણી વિચારણા છે. દરેકે દરેક શાળા-કૉલેજ, કળા સંસ્થાઓ, મીડિયા ગૃહો સહિત કલ્પના કરી ન હોય એવી જગ્યાઓ પર અર્બન નક્સલીઓ અડ્ડો જમાવીને બેસી ગયેલા છે. સ્વીકારી લો કે આ તત્વો કદી તમારો પક્ષ લેવાના નથી.

ઝેર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણું મૃત્યુ ન થાય, વીંછી પાસે અપેક્ષા રાખવી કે એ આપણને ડંખ ન મારે, વીજળીના જીવતા તાર પાસે અપેક્ષા રાખવી કે તેનાથી આપણને કરંટ ન લાગે... બસ આવી જ અપેક્ષાઓ સનાતની વિદ્વાનો તથા અન્ય સામાન્ય નાગરિકો પણ ઉપર જણાવ્યા એ ચાર પ્રકારનાં તત્વો પાસે રાખે છે, અને એટલે જ એવી અપેક્ષા વાંઝણી છે, એ કદી ફળીભૂત થવાની નથી.

આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થશે કે, તો પછી શું કરવું?

જવાબ એ જ છે, રસ્તા ઉપર ઉતરો. ના, હિંસા કરવા નહીં પરંતુ એકતા દર્શાવવા. પ્રચંડ માત્રામાં રસ્તા ઉપર ઉતરશો અને સંખ્યાબળ દર્શાવશો તો જ ઉપર જણાવી એ ચાર ચંડાળોની ટોળી અને તેમને હવા આપનાર મીડિયા તમારી નોંધ લેશે.

કેરળમાં વર્ષોથી ભાજપ-સંઘના કાર્યકરોની હત્યા થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યમાં હિન્દુઓ રસ્તા ઉપર ઉતર્યા

તમિલનાડુમાં મંદિરો પર આક્રમણ થાય છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યોના સનાતનીઓ, સાધુઓ, મહંતો કે કથાકારો રસ્તા ઉપર ઉતર્યા

પશ્ચિમ બંગાળમાં છેલ્લા પાંચ વર્ષથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ ભાજપના સમર્થક સામાન્ય નાગરિકો રહેંસાઈ રહ્યા છે-- તેની સામે દેશના બીજા કયા રાજ્યના ભાજપ-સંઘના નેતાઓ, હિન્દુવાદી કાર્યકરો, રાષ્ટ્રવાદી નાગરિકો રસ્તા ઉપર ઉતર્યા

હિન્દુઓને સડક ઉપર ઉતરીને સંખ્યબળ બતાવવાની વાત ગળે ઊતરતી જ નથી અને એ જ સૌથી મોટી ફૉલ્ટલાઇન છે. સંખ્યાબળ નહીં દર્શાવો ત્યાં સુધી કોઈ ભોજિયોભઈ પણ તમારી નોંધ લેશે નહીં, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ડાબેરીના ફંડથી ચાલતા, ડાબેરી-પ્રેરિત, જેહાદી-મિશનરી શિક્ષણ મેળવીને આપણી તમામ વ્યવસ્થા, આપણી તમામ સંસ્થાઓમાં ઘૂસી ગયેલા લોકો કદી આપણો પક્ષ લેશે એવી અપેક્ષા રાખવી એ તો ઝેરને અમૃત માનીને તેની સામે મોં વકાસીને બેસી રહેવા જેવી વાત છે. દુર્યોધન કે રાવણ કદી સુધરવાના હોત તો સુદર્શનધારી શ્રીકૃષ્ણ કે પછી ધનુર્ધારી શ્રીરામ કદી મહાભારત કે રામાયણ થવા જ ન દેત! આટલી સરળ વાત સમજીને કમ-સે-કમ સંગઠન બતાવવા માટે રસ્તા ઉપર નહીં ઉતરો ત્યાં સુધી કપાતા રહેશો, ઘટતા રહેશો અને નષ્ટ થઈ જશો. કોઈ નહીં બચાવી શકે. વિચારો...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment