Showing posts with label Narmada River. Show all posts
Showing posts with label Narmada River. Show all posts

Friday, September 20, 2019

ડેમ તો ભરાયો, પાણી કેટલે પહોંચ્યું?

ડેમ તો ભરાયો, પાણી કેટલે પહોંચ્યું?

n  જેમને વિકાસમાં વિશ્વાસ નથી એ સવાલ કરે છેઃ સરદાર સરોવર ડેમથી ગુજરાતને શું લાભ થયો?
n  આ મુદ્દે પક્ષ અને વિપક્ષ દરેકના પોતપોતાના દાવા છે, દરેકનો પોતપોતાનો દૃષ્ટિકોણ છે
n  ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને લોકશાહીની ફરજ બજાવવાનો સંતોષ લે છે

----------------------------------------------
n  અલકેશ પટેલ


આ દેશની કમનસીબી એ છે કે અહીં દરેક બાબતને બે અલગ અલગ માપદંડથી જોવામાં આવે છે. એ માપદંડ રાજકીય વધુ અને રાષ્ટ્રીય ઓછા છે. રાષ્ટ્રવાદ, વિકાસ, ધર્મ, પક્ષ અને સરકાર – બધાને અહીં બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. આ સ્થિતિનું પરિણામ એ આવે છે કે આપણે એકપણ બાબતમાં શિખર ઉપર પહોંચી નથી શકતા, દરેક મામલે અધવચ્ચે લટકતા રહીએ છીએ અને આખી દુનિયામાં હાસ્યાસ્પદ બનીએ છે.
https://echhapu.com/2019/09/21/why-media-produces-false-narrative-for-narmada-canal-situation/ 

આજે આવા જ એક વિષય – સરદાર સરોવર નર્મદા ડેમ અને તેનું પાણી પહોંચાડવા માટેના નહેરના માળખા વિશે વિગતે વાત કરવી છે. આખી વાતમાં અત્યંત કમનસીબી એ છે કે જે શાસકોએ, જે રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોને કાયમી ધોરણે પાણી પહોંચાડવાની દિશામાં વિચાર પણ નહોતો કર્યો એ જ લોકો આજની તારીખે આ દિશામાં થઈ રહેલા પ્રયાસોમાં નાના નાના છીંડા શોધ્યા કરે છે.

છીંડા-શોધ-પ્રવૃત્તિ વિશે વાત કરું એ પહેલાં કૅનાલની કામગીરી વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઇએ.


સત્તાવાર માહિતી અનુસાર હાલની છેલ્લી પરિસ્થિતિ અને સિંચાઈ વિસ્તાર: આ યોજનાથી વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ જળાશય, ૩૮ તળાવ અને ૧૪૧ ડેમ ભરવામાં આવ્યા છે. (અહીં આ વર્ષના ભારે વરસાદથી જે કંઈ પાણીસંગ્રહ થયો તેની વાત નથી) યોજનાના બીજા તબક્કામાં રૂ. ૧૭૬૫ કરોડની માતબર રકમ ફાળવીને સૌરાષ્ટ્ર વિસ્તારના ૫૭ જળાશયના ૩.૭૩ લાખ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, ગોંડલ અને ભાવનગર માટે અગત્યના ત્રણ ડેમ સુધીની પાઈપલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

પાઈપલાઈન યોજના અંતર્ગત કુલ ૧૩૭૧ કિલોમીટર પૈકી ૮૬૭.૯૧ કિ.મી.ની પાઇપ લાઇન નાખવામાં આવી છે. ૩૧ મે, ૨૦૧૯ની સ્થિતિએ સૌરાષ્ટ્રનાં જળાશયોને સૌની યોજના દ્વારા પાણીથી ભરવાની યોજના માટે કુલ ૧૮૫૨૩.૨૪ કરોડનો ખર્ચ થવાનો છે જે અન્વયે હાલ ૧૨૯૭૮.૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

૨૦૧૯-૨૦ના બજેટમાં રાજ્ય સરકારે ત્રીજા તબક્કા માટે રૂ. ૨૨૫૮ કરોડના ચાર પેકેજના કામો શરૂ કરવાની મંજૂરી આપી છે. સૌની યોજના માટે રૂ. ૧૮૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેના હેઠળ સૌરાષ્ટ્રના ૩૫ જળાશય અને ૧૦૦ ચેકડેમ ભરવામાં આવશે. ભાવનગરનું બોર તળાવ પણ આ વર્ષે સૌની યોજના દ્વારા ભરવામાં આવશે. આ સમગ્ર યોજના વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થશે.

કેટલો વિસ્તાર આવરી લેવાશે?

નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કૅનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઈની ચાર પાઇપ લાઇન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશય સુધી પહોંચાડવામાં આવશે, જે દ્વારા આશરે ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૧૬ જળાશયનું જોડાણ કરવામાં આવ્યું છે, પરિણામે ૧,૬૬,૦૦૫ એકરમાં સિંચાઈ તેમજ ચાર શહેરો અને ૪૯૦ ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકી છે.

સિંચાઈ સહિત અન્ય સુવિધાની ઉપલબ્ધિઃ

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશય તેમજ ૧૦૦થી વધુ ચેકડેમ ભરાવાના પરિણામે પાણીના સ્તર ઊંચા આવતા પીવાના પાણી અને સિંચાઈની સુવિધામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સુજલામ્ સુફલામ્ સ્‍પ્રેડિંગ કૅનાલ : ૩૩૨ કિ.મી. લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કૅનાલ, મહી નદીથી બનાસ નદી સુધીમાં સાત જીલ્લામાંથી પસાર થાય છે. આ કૅનાલમાં કડાણા જળાશય અને નર્મદાનું વધારાનું પૂરનું પાણી ડાયવર્ટ કરી, પાણીની ઘટ ધરાવતા વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. આ કૅનાલ ૨૧ નદીઓ, બે રાષ્ટ્રીયધોરી માર્ગ અને સાત રેલવે લાઇનને ઓળંગે છે. આ કૅનાલ માર્ગમાં નાળા/ડ્રેઇન પરના ૬૦૦ કરતા વધુ સ્ટ્રક્ચર પૂર્ણ થયેલા છે.

નર્મદા મુખ્ય નહેરથી ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાત વિસ્તારના નવ જળાશયને નર્મદાના વધારાના પૂરના પાણીથી પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલું છે. આઠ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્રણ પાઇપલાઇનનું કામ - જેમાં નર્મદા મેઇન કૅનાલથી દાંતીવાડા, નર્મદા મેઇન કૅનાલથી વાત્રક-માજમ-મેશ્વો પુર્ણતાને આરે છે. જ્યારે કરણનગરથી ધંધુસણ (કડી-અડુન્દ્રાથી ધરોઇ) પાઇપલાઇન પ્રગતિ હેઠળ છે. તેના દ્વારા ધરોઇ, દાંતીવાડા, સીપુ, વાત્રક, માજુમ અને મેશ્વો જળાશયના કમાન્ડ વિસ્તારના ૨૧૦૦૦ હૅક્ટર વિસ્તારને લાભ થશે.

આ તમામ નક્કર માહિતી છે અને અનેક સોર્સમાં ઉપલબ્ધ છે, તેમછતાં રાજકારણીઓ અને ચોક્કસ મીડિયા ગોબેલ્સની જેમ સતત અને વારંવાર કાંતો ખોટી માહિતી ફેલાવીને અથવા કૅનાલ અંગે તમામ જાહેર મંચ ઉપર સવાલો ઊભા કરીને સામાન્ય લોકોમાં આશંકા ઊભી કરી રહ્યા છે, તેના પણ કેટલાક ઉદાહરણ અહીં આપું છું, જેથી ગૂંચવાડો અને આશંકા ઊભી કરવાની ચાલાકી તેમજ જૂઠાણાના પ્રયાસોને પકડી શકાય.



ઇન્ડિયન એક્સપ્રેસના જ એક અહેવાલનો અહીં દાખલો લઇએ. 12 ફેબ્રુઆરી, 2018ના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના પ્રતિનિધિએ 300 કિ.મી. પ્રવાસ કર્યો. એ દરમિયાન જે ખેડૂતો સાથે વાત કરી એ બધાએ એમ કહ્યું કે તેમના પરિવારજન કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)માં ખેતમજૂરી માટે સ્થળાંતર કરી ગયા છે. તો ભઈ, સૌરાષ્ટ્રમાં જો કૅનાલ બની જ નથી, સૌરાષ્ટ્રના ખેડૂતો અતિશય દુઃખી અને નોંધારા થઈ ગયા છે એવું કહેનારા તમે જ કેવડિયાના ખેડૂતોને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરીએ શા માટે મોકલો છો! https://indianexpress.com/article/india/gujarat-narmada-river-water-canal-5060274/ ) શું આ કથિત પત્રકારને એટલું સામાન્ય જ્ઞાન પણ નહીં હોય કે કેવડિયા અને નર્મદા જિલ્લાના આદિવાસીઓ સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી માટે જતા હોય તો સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાં સારી ખેતી થઈ રહી છે અને ત્યાંના ખેડૂતો બીજાને પણ રોજગારી આપી શકે છે!



અન્ય એક ઉદાહરણ જોઇએ. માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આધારિત ન રહેવા અને જળ સંચય તથા ઉપયોગના અન્ય ઉપાય અને વિકલ્પ વિચારવા ગુજરાતના મુખ્યપ્રધાને વાત કરી એ સ્વાભાવિક રીતે સકારાત્મક બાબત છે તેમ છતાં વિરોધીઓ તેમજ ચોક્કસ મીડિયા એ વાતને એ રીતે રજૂ કરે છે જાણે સરદાર સરોવર ડેમ યોજના નિષ્ફળ ગઈ હોય! વાંચો આ - (https://housing.com/news/gujarat-dams-dry-up-state-government-claims-no-problem-till-july-end/)



એક તરફ સરકારની વાત સ્વીકારવી નથી. સરકારના દાવા અને આંકડા કેટલા સાચા છે તે સંપૂર્ણ વિગતવાર ઑન ધ સ્પૉટ અહેવાલ તૈયાર કરવો નથી, માત્ર તેની સામે સવાલ ઊભા કરવાની વૃત્તિ છે અથવા ખોટી રીતે રજૂઆત કરવામાં આવે છે. જેમ કે (https://www.business-standard.com/article/pti-stories/over-10-000-km-of-narmada-canals-yet-to-be-built-gujarat-govt-119071201135_1.html) આ અહેવાલમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 71,000 કિ.મી. માંથી 61,000 કિ.મી. કૅનાલનું બાંધકામ થયું હોવાનું જણાવ્યું હોવા છતાં અહેવાલના હેડિંગમાં 10,000 કિ.મી. બાંધકામ બાકી હોવાનું જણાવી નકારાત્મકતા ફેલાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સવાલ એ છે કે જે લોકો પોતે નિષ્ણાત હોવાનો દાવો કરીને આંકડાબાજીની રમત રમે છે એ કેટલા સાચા છે? સમગ્ર વાતનું તાત્પર્ય એ છે કે, ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને લોકશાહીની ફરજ બજાવવાનો સંતોષ લે છે. લાંબાગાળે આવું વલણ જનસમુદાયમાં હતાશા અને નિરાશા ફેલાવી શકે છે. રાજકીય હિત અને રાષ્ટ્રીય હિત વચ્ચેનો તફાવત ઓળખવો સૌના માટે જરૂરી છે. #અલકેશ
https://echhapu.com/2019/09/21/why-media-produces-false-narrative-for-narmada-canal-situation/

Saturday, September 14, 2019

ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે


ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે
-----------------------------------------------------------------

n  સરકાર દર મહિને નવી સિદ્ધિ હાંસલ કરે અને દર મહિને તેની ઉજવણી સરકાર કરે તો વહીવટીતંત્ર અને અધિકારીઓ પ્રજાલક્ષી કામો ક્યારે કરે? વરસાદ પૂરતો થયો એટલે સરદાર સરોવર ડેમ ભરાયો છે, એમાં સરકારી ઉજવણી પાછળનો તર્ક શો?

n  ઉજવણીના મોડમાંથી કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું?

-----------------------------------------------------------

n  અલકેશ પટેલ



નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં અને 2014માં કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યા ત્યારથી આ દેશને સરેરાશ દર છ મહિને એક અગત્યની અને નોંધપાત્ર સિદ્ધિ જોવા મળી છે. એ દરેક વખતે સરકાર ઉજવણીના મોડમાં આવી જાય છે. સૌથી પ્રાચીન અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં ધાર્મિક તહેવારોની સંખ્યા પણ ખૂબ મોટી છે, એટલે એ તહેવારોની ઉજવણી પણ ચાલ્યા જ કરતી હોય છે. https://echhapu.com/2019/09/15/if-we-stop-celebrating-small-achievements-then-only-we-can-grow/?fbclid=IwAR1uRuwqMN0ddSTsYSWE4NtKveGXBqL5S8gMQiO03LiNOeLQCYTk_avbOk8

દુનિયાના અન્ય કોઇપણ દેશની સરખામણીમાં ભારતમાં ધાર્મિક સહિત અન્ય રજાઓની સંખ્યા કામગીરીના દિવસો કરતાં વધારે છે. આ સ્થિતિમાં સરકારી તંત્ર અર્થાત સિસ્ટમ પાસે કામ કરવાનો સમય આમેય ઓછો હોય છે. ત્યારે સરકાર પણ જો દરેક નાની-મોટી સિદ્ધિને ઉજવણીમાં ફેરવી દે તો આ દેશ સાચા અર્થમાં પ્રગતિ ક્યારે કરશે?

આજે આ સવાલ ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે, ગુજરાત સરકારે સરદાર સરોવર ડેમ છલકાયો એ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અર્થાત આગામી 17 સપ્ટેમ્બરને મંગળવારે નમામિ દેવી નર્મદે ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.
                                           (તસવીર સૌજન્યઃ ઇન્ડિયા ટીવી)

 હે ગુજરાતના નાથ! સરદાર સરોવર ડેમ ભરાયો એમાં સરકારની શી ભૂમિકા? કુદરતી કારણોસર વરસાદ સરેરાશ કરતાં થોડો વધારે પડ્યો એટલે ડેમ છલકાયો છે, પણ એના માટે આખા રાજ્યના તંત્રને ઉજવણીના મોડમાં નાખી દેવા પાછળ કયો તર્ક છે? જો વરસાદ પૂરતો ન થયો હોત અને ડેમ પૂરો ભરાયો ન હોત તો રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરવાની સભાઓનું આયોજન કરત? કે પછી પાણીની અછત થઈ શકે તેમ છે માટે આયોજન કરવા બેસત? જો અછતની સ્થિતિમાં આયોજન કરવું પડતું હોય તો છતની સ્થિતિમાં પણ લાંબાગાળાના આયોજનમાં સમય અને શક્તિ વાપરવી જોઇએ એ યોગ્ય નથી?

ટૂંક સમયમાં પેટા ચૂંટણી આવી રહી છે. તે સમયે તમારે અધિકારીઓ અને શિક્ષકોની મદદ લેવાની જરૂર પડશે. તો પછી હાલ એ અધિકારીઓ તથા શિક્ષકોને તેમની કામગીરી કરવા દેવી જોઇએ એવું નથી લાગતું? તેને બદલે અત્યારે પણ આ બધાને ઉજવણીના મોડમાં નાખી દેવાના અને પેટા ચૂંટણી વખતે પણ તેમને કામે લગાડવામાં આવશે તો વહીવટીતંત્ર અને શિક્ષણ વ્યવસ્થા કેટલી લથડી પડશે એ વિશે કોઈ વિચાર જ નહીં કરવાનો?

હજુ થોડા સમય પહેલાં આપણે જમ્મુ-કાશ્મીરની કલમ 370માં ફેરફાર કર્યો તેની ઉજવણી કરી હતી. એના થોડા સમય પહેલાં તમારી સરકારે ત્રણ વર્ષ પૂરા કર્યા તેની ઉજવણી કરી હતી. એ પહેલાં ઉત્તરાયણ અને કાંકરિયા કાર્નિવલ ઉજવ્યા હતા. એ પહેલાં એનડીએ સરકારની બીજી મુદતની જીતની ઉજવણી કરી હતી. હવે પછી આ મહિનાના અંતે નવરાત્રિ આવી રહી છે. પછી દશેરા, પછી દિવાળી...ઓ હો હો હો... આટલું બધું છે પછી નમામિ નર્મદાની ઉજવણીનો વિચાર આવી જ કેવી રીતે શકે?

શક્ય છે હજુ કેટલાક ગામમાં શૌચાલયનું કામ બાકી હશે. પાકા અને ટકાઉ રસ્તા હજુ આપણે આપી શકતા નથી. સ્ટ્રીટ લાઇટો હંમેશાં ચાલુ હોય એવું બનતું નથી. ગંદકીમાંથી આપણે પૂરેપૂરા મુક્ત થયા નથી. યાત્રાધામોમાં સારી રીતે આનંદપૂર્વક રહી શકાય એવી સ્થિતિ હજુ પણ નથી. ઠેર ઠેર વિકાસના (રસ્તા, બ્રિજ, મેટ્રો વગેરે) કામો ચાલતા હોવાને કારણે સવારે અને સાંજે પીક અવરમાં અસાધારણ ટ્રાફિક જામ થાય છે તેનો ઉકેલ કેવી રીતે મળે તે વિશે ચર્ચા-વિચારણા-આયોજન કરવાને બદલે નમામિ નર્મદાની ઉજવણી..? આખેઆખી સરકાર અને આખેઆખું વહીવટીતંત્ર નમામિ નર્મદાની ઉજવણીમાં સામેલ થાય એ પાછળનો તર્ક સમજાવી શકશો? સાહેબ, મને લાગે છે કે – આ રીતે સતત અને નિરર્થક ઉજવણીઓના મોડમાંથી આપણે એક પ્રામાણિક કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું! ચતુર કરો વિચાર. https://echhapu.com/2019/09/15/if-we-stop-celebrating-small-achievements-then-only-we-can-grow/?fbclid=IwAR1uRuwqMN0ddSTsYSWE4NtKveGXBqL5S8gMQiO03LiNOeLQCYTk_avbOk8