Friday, March 16, 2018

વિપક્ષોનો વધુ એક સંઘ કાશી તરફ રવાના...

#NDA_V/S_REST

વિપક્ષોનો વધુ એક સંઘ કાશી તરફ રવાના...

(આ સંઘની મંશા અને ક્ષમતા કાશીએ પહોંચવાની છે જ નહીં... એને તો બસ મોદીને રોકવા છે)
--- અલકેશ પટેલ
ગત આઠમી માર્ચે તે સમયના એનડીએના સાથી પક્ષ ચંદ્રબાબુ નાયડુના ટીડીપીએ સરકારમાંથી રાજીનામાં આપીને એનડીએ જોડાણને ઝટકો આપ્યો હતો. તે સમયે તેમણે હજુ એનડીએમાંથી છેડો ફાડી નહોતો દીધો. ત્યારપછી ઉત્તરપ્રદેશ તથા બિહારમાં લોકસભાની પેટાચૂંટણીનાં પરિણામ આવ્યાં અને સાથીપક્ષોનાં બધાં મગતરાંને એવું લાગવા માંડ્યું કે બસ હવે મોદી-શાહનો સમય પૂરો થઈ ગયો અને ભાજપ ખતમ થઈ ગયો...અઅને એટલલે આજે નાયડુભાઈએ છેડો જ ફાડી દીધો -કે, જેથી 2019ની ચૂંટણીમાં બધા બચી જાય..!

--- યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...

ચંદ્રબાબુ નાયડુ હોય કે માયાવતી, અખિલેશ હોય કે લાલુપ્રસાદ, મમતા બેનરજી હોય કે શરદ પવાર...દરેકને પોતાની ભાવિ રાજકીય કારકિર્દીની ચિંતા છે. યાદ રહે અહીં આપણે કોંગ્રેસને ગણતા નથી કેમકે કોંગ્રેસ પાસે હાલ કોઈ નેતૃત્વ નથી, અને જે છે એ પોતે જ કોંગ્રેસને ખતમ કરવા ચોવીસે કલાક મહેનત કરે છે. બાકી રહ્યા એ બધાને ભાજપની વધતી લોકપ્રિયતાનો ડર લાગે છે.

રાજકીય કારણોસર ડર લાગવો સ્વાભાવિક છે. બિઝનેસ હોય કે પત્રકારત્વ – જ્યારે હરીફની વગ વધતી હોય એટલે બીજાને ચિંતા થાય...એ વાસ્તવિક્તા છે. કોઈ એક ઉદ્યોગગૃહ મફતમાં કે સાવ સસ્તામાં કશું આપે તો એ જ ક્ષેત્રનાં બીજા ઉદ્યોગગૃહ ફફડી જવાનાં અને એ બધા એક થઈને પેલા વગદાર ઉદ્યોગગૃહની સામે પડવાના. એ જ રીતે કોઈ મીડિયા હાઉસ અતિશય લોકપ્રિય થવા માંડે એટલે બીજા નાના મીડિયા હાઉસ તેની સામે એક થઈ જાય અને તેને બદનામ કરવા લાગે... બસ એવું જ રાજકારણનું છે.

--- કોંગ્રેસે પણ આવા દિવસો જોયા છેઃ

આખા દેશમાં કોંગ્રેસની વગ હતી ત્યારે પણ અન્ય પક્ષો તેમજ પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની વિરૂદ્ધ મોરચા બનાવતા હતા. માનવસ્વભાવની આ તાસીર છે. કોઈનાથી ન હારે એવા બળવાન વ્યક્તિને હરાવવા માટે નાના-નાના લોકો ભેગા થાય...સ્વાભાવિક છે.

--- પરંતુ અહીં મુદ્દો અલગ છેઃ

દેશમાં હાલ જે થઈ રહ્યું છે તેમાં એવા લોકો સંગઠિત થઈ રહ્યા છે જેમની નીતિમત્તા હંમેશાં શંકાસ્પદ રહી છે. હવે એવા પક્ષો એકત્રિત થવા પ્રયાસ કરી રહ્યા છે જે ગઈકાલ સુધી જાહેરમાં એકબીજાનાં કપડાં ઊતારતાં હતાં. અને એમ કરવામાં બધાં નગ્ન થઈ ગયા પછી હવે એકબીજાને ઢાંકવા ભેગા થઈ રહ્યા છે.

--- આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી અગત્યનો મુદ્દો એ છે કે જે રાજકીય પક્ષો ભાજપને અહંકારી કહીને તેનાથી દૂર થઈ રહ્યા છે તેમાં તેમના પોતાના રાજકીય સ્વાર્થ છે... હોવા જ જોઈએ... પરંતુ એ સાથે તેઓ ભાજપના રાજકીય સ્વાર્થનો સ્વીકાર કરવા તૈયાર નથી..! જો ટીડીપીને, જો માયાવતીને, જો અખિલેશન, જો શરદ પવારને, જો મમતા બેનરજીને તેમનાં પોતાનાં રાજકીય સ્વાર્થ હોય તો ભાજપે શું કોઈ ગુનો કર્યો છે કે તે રાજકીય સ્વાર્થ ન રાખે..??

હવે આ મુદ્દા પર નિયમિત લખવાનું ચાલુ રાખવું પડશે... કેમકે આ વર્ષે કર્ણાટક સહિત કેટલીક રાજ્ય વિધાનસભા ચૂંટણી તેમજ 2019માં લોકસભા ચૂંટણી આવશે તે પહેલાં આવા અનેક પ્રકારના રાજકીય કાવાદાવા જોવા મળશે... અને તેના સાચા ખુલાસા પ્રજા સમક્ષ લાવવા જ પડશે.#AP_16_03_18.


(અહીં નીચે લિંક મૂકી છે તે 8 માર્ચ, 2018ની પોસ્ટની લિંક છે...)

No comments:

Post a Comment