Wednesday, February 19, 2020

બુદ્ધિજીવીઓ અપરિપક્વ છે કે પછી ટુકડે ગેંગ શક્તિશાળી છે?


બુદ્ધિજીવીઓ અપરિપક્વ છે કે પછી ટુકડે ગેંગ શક્તિશાળી છે?

n  ભૂજની ઘટના અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુના નિવેદનના મુદ્દે સોશિયલ મીડિયામાં વગદાર બુદ્ધિજીવીઓ ફરી એક વખત ડાબી અને જમણી તરફ વહેંચાઈ ગયા છે. ચિંતાનો મુદ્દો એ છે કે ડાબી તરફ ફંટાયેલા બુદ્ધિજીવીઓને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કશી ખબર જ નથી! સ્ત્રીત્વનું સન્માન સર્વોચ્ચ શિખરે છે અને મારી દ્રષ્ટિએ એનાથી ઉપર કશું જ નથી...પરંતુ -

--- અલકેશ પટેલ
બે મહિના કરતાં વધારે સમયથી દિલ્હીના શાહીનબાગમાં ભારત, ભારતીયતા, ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મને ખતમ કરી દેવાના જાહેરમાં નિવેદનો થઈ રહ્યા હોવા છતાં મીઠી ઊંઘ માણી રહેલા બુદ્ધિજીવીઓ એકાએક ખાંડાં લઈને મેદાને આવી ગયા છે.
એક તરફ ભૂજની એક શૈક્ષણિક સંસ્થામાં દીકરીઓના માસિકધર્મના મુદ્દે અને બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ એક સાધુના પ્રવચનમાંથી એકાદ વાક્ય ઉઠાવીને – આ બંને બાબતોને જોડીને શૂરવીરો કાંતો તેની સામે પડ્યા છે અથવા મજાક ઉડાવીને વિકૃત આનંદ લઈ રહ્યા છે.
અને આ બધા ઘટનાક્રમમાં માર્ક્સવાદી-ડાબેરી-અર્બન નક્સલી સાપોલિયાં ફરી સક્રિય થઈ ગયાં છે.
સનાતન-હિન્દુ ધર્મમાં વિવાદની નાની ઘટના પણ ટુકડે ટુકડે ગેંગ માટે ઑક્સિજન સમાન બની જાય છે અને વિવિધ મંચ ઉપર પોતાનો એજન્ડા શરૂ કરી દે છે.
કમનસીબે આવી વિવાદી ઘટનામાં ડાબી તરફ વળી ગયેલા બુદ્ધિજીવીઓને ટુકડે ટુકડે ગેંગના એજન્ડા વિશે જાણ નથી હોતી.
ભૂજની ઘટના અને સાધુના નિવેદનનો કોઈ બચાવ થઈ શકે એમ નથી.
પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે, આવી એકલ દોકલ ઘટના સમગ્ર સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે?
સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન પરંપરામાં રહેલી એક વ્યવસ્થા છે. શું એ સંપ્રદાયને તેની વ્યવસ્થા જાળવી રાખવા માટે નિયમો બનાવવાનો અધિકાર નથી?
જે બુદ્ધિજીવીઓ આ મુદ્દામાં છેક સામે છેડે બેસી ગયા છે એ કમનસીબે એમની અપરિપક્વતા દર્શાવે છે.
અપરિપક્વતા એટલા માટે કે સાધુ-સંતો દ્વારા આપવામાં આવતા ઉપદેશના સંદર્ભ અને એ ઉપદેશના સમયગાળા વિશે લોકો સર્વગ્રાહી વિચાર કરતા નથી.
માસિકધર્મ અંગે અપવિત્રતાનો મુદ્દો હકીકતે અશિક્ષિત અને અણસમજુ પુરુષોથી સ્ત્રીત્વને બચાવવાનો જ મુદ્દો છે.
વધારે સ્પષ્ટતાથી કહું તો, માસિકધર્મ દરમિયાન સ્ત્રીના મૂડ અને શારીરિક ક્ષમતામાં ફેરફાર થાય છે એ સૌ જાણે છે, પણ આ વાત અશિક્ષિત અને અણસમજુ લોકો નથી જાણતા. આવા અણસમજુ લોકો સ્ત્રીઓ પાસે એ દિવસો દરમિયાન પણ સામાન્ય દિવસોની જેમ જ કામ અને શ્રમની અપેક્ષા રાખતા હોય છે. એવા અણસમજુ પુરુષોને વૈજ્ઞાનિક સિદ્ધાંતથી સ્ત્રીની મુશ્કેલી સમજાવી ન શકાય.
જેમ બાળક નાનું હોય ત્યારે કેટલાક પ્રકારના જોખમ વિશે તેને શાસ્ત્રીય પદ્ધતિથી સમજાવી શકાતું નથી અને તેથી તેને એ વિશે કહેવા માટે ડર ના મનોવિજ્ઞાનનો આશરો લેવામાં આવે છે. બાળક માતા-પિતાની નજરથી દૂર જતું ન રહે એ માટે તેને બાવો લઈ જશે...”, અથવા બાળકને જીદ કરીને રડતું રોકવા જો કીડી મરી ગઈ... જેવી વાતો દરેકે દરેક પરિવારમાં જોઇએ જ છીએ.
કોઈ જોખમ સામે ડરાવવા માટે બાળકને જે કંઈ કહેવામાં આવે છે એવી જ વાતો સાધુ-સંતો અણસમજુ સમાજને કહે ત્યારે તેનો સંદર્ભ બુદ્ધિજીવીઓ પામી શકતા નથી, અને એ જ એમની અપરિપક્વતા છે.
સમાજ તેના પ્રારંભકાળથી વિવિધ ખંડમાં વહેંચાયેલો હોય છે. કેટલાક લોકોમાં સાહજિક સમજ, વ્યવહારુ જ્ઞાન અને પરિપક્વતા હોય છે. કેટલાક લોકો આવા લોકોને જોઇને શીખતા હોય છે. તો કેટલાક લોકો અણસમજુ જ રહી જાય છે. એવા લોકોને સમજાવવા માટે ધર્મ-સંપ્રદાય-કથા-પ્રવચનનો સહારો લેવામાં આવે છે.
અને આવી કથા-વાર્તામાં સાધુ-સંતો શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી જ્ઞાન આપી ન શકે. એમણે સામાન્ય માનવીને સમજાય એવી ભાષામાં અને ક્યારેક આત્યંતિક ડરની ભાષામાં વાત કરવી પડે.
આટલી સામાન્ય વાત શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓને કેમ સમજાતી નહીં હોય?
ધાર્મિક પ્રવચન દરમિયાન આત્યંતિક ઉદાહરણ આપતા સાધુ-સંત ઉપર ગુસ્સે થઈ જતાં બુદ્ધિજીવી માતા કે બુદ્ધિજીવી પિતાને કેમ એ યાદ નથી રહેતું કે તેમણે પોતાનાં બાળકોને આત્યંતિકતાથી ડરાવ્યાં હતાં? અને ત્યારે દેખીતી રીતે આ બુદ્ધિજીવી માતા-પિતાનો ઇરાદો પોતાનાં સંતાનને મુશ્કેલીથી બચાવવાનો જ હતોને?
કમનસીબ હકીકત એ પણ છે કે, શહેરી વિસ્તારોમાં રહેતા બુદ્ધિજીવીઓ તમામ સનાતની-હિન્દુઓ પાસે એક સરખા આઈક્યુની, એક સરખી સમજદારીની, એક સરખી પરિપક્વતાની આશા-અપેક્ષા રાખતા હોય છે. ત્યારે સવાલ એ થાય કે, આવી આશા-અપેક્ષા રાખવી એ બાબત જ બુદ્ધિજીવીઓની અપરિપક્વતા સાબિત નથી કરતી?
અપવિત્રતા, પાપ જેવા શબ્દો સમાજને તેની મર્યાદામાં રાખવા માટે હોય છે. અને એ શબ્દોનો ઉપયોગ કરનાર સાધુ-સંતોનો ઇરાદો સમાજના કલ્યાણનો જ હોય છે. એ પ્રક્રિયામાં ક્યાંક ક્યારેક કોઈ સાધુ-સંત લક્ષ્મણ રેખાની બહાર નીકળી જાય એનો અર્થ એવો નથી હોતો કે આખો સંપ્રદાય કે પછી તમામ સાધુ-સંતોને ખોટા જાહેર કરી દેવા.
લાલ વર્તુળના અભિયાનમાં સપડાઈ ગયેલા બુદ્ધિજીવીઓ શું ખાતરીપૂર્વક કહી શકે એમ છે કે, તેમણે પોતે, અથવા તેમની સંસ્થાએ, અથવા તેમના માતા-પિતાએ, અથવા તેમના ગુરુઓએ...કદી કોઈ ભૂલ કરી નથી?
અંતે, હું ખૂબ મોટેથી ગાઈવગાડીને કહેવા માગું છું કે, સ્વામિનારાયણ સંપ્રદાય અને તેની સાથે સર્વગ્રાહી રીતે સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતો સ્ત્રીઓનું સર્વોચ્ચ સન્માન કરે જ છે. સ્ત્રી સહિત તમામ માનવનું ગૌરવ સ્વામિનારાયણ સંપ્રદાય અને સાથે સાથે સમગ્ર સનાતન સમાજ માટે એક સાહજિક ધર્મ છે. ક્યાંક કોઈ ઘટનાને કે કોઈ એક નિવેદનને ઉપાડીને સમગ્ર સંપ્રદાય અને સમગ્ર ધર્મને બદનામ કરવા નીકળેલા લોકો સામે સામાન્ય પ્રજાએ સાવધ રહેવાની જરૂર છે. અર્બન નક્સલીઓના પ્રભાવમાં આવીને ભરમાશો નહીં. તમારો સંપ્રદાય અને તમારો ધર્મ ખૂબ મજબૂત છે...અને એટલે જ તેને તોડી પાડવા માટે વારંવાર હુમલા થાય છે.

No comments:

Post a Comment