Friday, February 21, 2020

અસ્પૃશ્યતા નિવારણ માટે ચાલો અલગ રીતે વિચારીએઃ

અસ્પૃશ્યતા નિવારણ માટે ચાલો અલગ રીતે વિચારીએઃ
---------------------------------------------------------------
અસ્પૃશ્યતાની વાતને હજુ પણ વળગી રહેલા હિન્દુ સમાજના આગેવાનોને એક વિનંતી કરવા માગું છું...કે, તમને જો ખરેખર ધર્મની ચિંતા હોય તો એક નાનો પ્રયોગ કરોઃ વધારે નહીં પણ એકાદ વર્ષ માટે તમે જેને અસ્પૃશ્ય ગણો છો (અહીં "તમે" શબ્દ લખ્યો છે, કેમ કે હું તો કોઇને અસ્પૃશ્ય ગણતો જ નથી) તેમાંથી દરેક ગામમાં ઓછામાં ઓછા એક બાંધવને ઓછામાં ઓછા એક મંદિરમાં પૂજારી બનાવો...અને પછી જૂઓ કે જે લોકોએ આપણા મુખ્ય આધાર સમાન આ સમાજ વિરુદ્ધ તમારા મનમાં જે ખોટી વાતોનું ઝેર ભર્યું છે એવું કશું થાય છે કે કેમ? - આ એક વર્ષના પ્રયોગ દરમિયાન તમને જોવા-જાણવા મળશે કે સદીઓથી તમે પોતાના જ જે સમુદાયને દૂર રાખ્યો છે એ તો ખરેખર ઉમદા લોકો છે. હજુ આજે પણ અસ્પૃશ્યતાની વાતને વળગી રહેલા લોકોને ખાતરી આપું છું કે, જો તમે એક વર્ષ માટે આ પ્રયોગ કરશો તો આખો દેશ ફરીથી ગોકુળિયું બની જશે. તમારા મનમાં ધર્મ અને રાષ્ટ્ર બંનેના કલ્યાણની ભાવના હોય તો આ પ્રયોગ કરવો અત્યંત આવશ્યક છે. તમારી આસપાસ જે જોખમ ઊભાં થઈ રહ્યા છે તેનાથી તમે કદાચ પરિચિત હોવ અથવા ન પણ હોવ...પણ એ જોખમોથી હું સંપૂર્ણ વાકેફ છું. અને એટલે જ સદીઓ જૂની માનસિકતામાંથી બહાર આવો, એક પ્રયોગ કરો. આ પ્રયોગ ફરજ તરીકે નહીં, પણ ભાવથી કરવો આવશ્યક છે🙏🏼 મારી આ અપીલની ગુજરાતના કોઈ એકાદ ગામમાં પણ જો અસર થશે તો એ આજના પાવન દિવસે પ્રચંડ પ્રારંભ ગણાશે.
--- અલકેશ પટેલ (મહાશિવરાત્રી, મહાવદ 13, શુક્રવાર) 21--2-2020

No comments:

Post a Comment