Friday, September 20, 2019

ડેમ તો ભરાયો, પાણી કેટલે પહોંચ્યું?

ડેમ તો ભરાયો, પાણી કેટલે પહોંચ્યું?

n  જેમને વિકાસમાં વિશ્વાસ નથી એ સવાલ કરે છેઃ સરદાર સરોવર ડેમથી ગુજરાતને શું લાભ થયો?
n  આ મુદ્દે પક્ષ અને વિપક્ષ દરેકના પોતપોતાના દાવા છે, દરેકનો પોતપોતાનો દૃષ્ટિકોણ છે
n  ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને લોકશાહીની ફરજ બજાવવાનો સંતોષ લે છે

----------------------------------------------
n  અલકેશ પટેલ


આ દેશની કમનસીબી એ છે કે અહીં દરેક બાબતને બે અલગ અલગ માપદંડથી જોવામાં આવે છે. એ માપદંડ રાજકીય વધુ અને રાષ્ટ્રીય ઓછા છે. રાષ્ટ્રવાદ, વિકાસ, ધર્મ, પક્ષ અને સરકાર – બધાને અહીં બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. આ સ્થિતિનું પરિણામ એ આવે છે કે આપણે એકપણ બાબતમાં શિખર ઉપર પહોંચી નથી શકતા, દરેક મામલે અધવચ્ચે લટકતા રહીએ છીએ અને આખી દુનિયામાં હાસ્યાસ્પદ બનીએ છે.
https://echhapu.com/2019/09/21/why-media-produces-false-narrative-for-narmada-canal-situation/ 

આજે આવા જ એક વિષય – સરદાર સરોવર નર્મદા ડેમ અને તેનું પાણી પહોંચાડવા માટેના નહેરના માળખા વિશે વિગતે વાત કરવી છે. આખી વાતમાં અત્યંત કમનસીબી એ છે કે જે શાસકોએ, જે રાજકીય પક્ષોએ દાયકાઓ સુધી કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોને કાયમી ધોરણે પાણી પહોંચાડવાની દિશામાં વિચાર પણ નહોતો કર્યો એ જ લોકો આજની તારીખે આ દિશામાં થઈ રહેલા પ્રયાસોમાં નાના નાના છીંડા શોધ્યા કરે છે.

છીંડા-શોધ-પ્રવૃત્તિ વિશે વાત કરું એ પહેલાં કૅનાલની કામગીરી વિશે થોડી પ્રાથમિક માહિતી મેળવી લઇએ.


સત્તાવાર માહિતી અનુસાર હાલની છેલ્લી પરિસ્થિતિ અને સિંચાઈ વિસ્તાર: આ યોજનાથી વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨ જળાશય, ૩૮ તળાવ અને ૧૪૧ ડેમ ભરવામાં આવ્યા છે. (અહીં આ વર્ષના ભારે વરસાદથી જે કંઈ પાણીસંગ્રહ થયો તેની વાત નથી) યોજનાના બીજા તબક્કામાં રૂ. ૧૭૬૫ કરોડની માતબર રકમ ફાળવીને સૌરાષ્ટ્ર વિસ્તારના ૫૭ જળાશયના ૩.૭૩ લાખ એકર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જામનગર, ગોંડલ અને ભાવનગર માટે અગત્યના ત્રણ ડેમ સુધીની પાઈપલાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

પાઈપલાઈન યોજના અંતર્ગત કુલ ૧૩૭૧ કિલોમીટર પૈકી ૮૬૭.૯૧ કિ.મી.ની પાઇપ લાઇન નાખવામાં આવી છે. ૩૧ મે, ૨૦૧૯ની સ્થિતિએ સૌરાષ્ટ્રનાં જળાશયોને સૌની યોજના દ્વારા પાણીથી ભરવાની યોજના માટે કુલ ૧૮૫૨૩.૨૪ કરોડનો ખર્ચ થવાનો છે જે અન્વયે હાલ ૧૨૯૭૮.૬૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

૨૦૧૯-૨૦ના બજેટમાં રાજ્ય સરકારે ત્રીજા તબક્કા માટે રૂ. ૨૨૫૮ કરોડના ચાર પેકેજના કામો શરૂ કરવાની મંજૂરી આપી છે. સૌની યોજના માટે રૂ. ૧૮૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે. જેના હેઠળ સૌરાષ્ટ્રના ૩૫ જળાશય અને ૧૦૦ ચેકડેમ ભરવામાં આવશે. ભાવનગરનું બોર તળાવ પણ આ વર્ષે સૌની યોજના દ્વારા ભરવામાં આવશે. આ સમગ્ર યોજના વર્ષ ૨૦૨૧માં પૂર્ણ થશે.

કેટલો વિસ્તાર આવરી લેવાશે?

નર્મદાના પૂરના પાણી નર્મદા મુખ્ય કૅનાલ અને સૌરાષ્ટ્ર શાખા નહેર મારફતે સૌરાષ્ટ્ર વિસ્તારની નદીઓ અને ડેમો સુધી પહોંચાડવા કુલ ૧૧૨૬ કિ.મી. લંબાઈની ચાર પાઇપ લાઇન લિન્ક દ્વારા સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશય સુધી પહોંચાડવામાં આવશે, જે દ્વારા આશરે ૧૦,૨૨,૫૮૯ એકર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે. યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૧૬ જળાશયનું જોડાણ કરવામાં આવ્યું છે, પરિણામે ૧,૬૬,૦૦૫ એકરમાં સિંચાઈ તેમજ ચાર શહેરો અને ૪૯૦ ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકી છે.

સિંચાઈ સહિત અન્ય સુવિધાની ઉપલબ્ધિઃ

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાના ૧૧૫ જળાશય તેમજ ૧૦૦થી વધુ ચેકડેમ ભરાવાના પરિણામે પાણીના સ્તર ઊંચા આવતા પીવાના પાણી અને સિંચાઈની સુવિધામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સુજલામ્ સુફલામ્ સ્‍પ્રેડિંગ કૅનાલ : ૩૩૨ કિ.મી. લાંબી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કૅનાલ, મહી નદીથી બનાસ નદી સુધીમાં સાત જીલ્લામાંથી પસાર થાય છે. આ કૅનાલમાં કડાણા જળાશય અને નર્મદાનું વધારાનું પૂરનું પાણી ડાયવર્ટ કરી, પાણીની ઘટ ધરાવતા વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. આ કૅનાલ ૨૧ નદીઓ, બે રાષ્ટ્રીયધોરી માર્ગ અને સાત રેલવે લાઇનને ઓળંગે છે. આ કૅનાલ માર્ગમાં નાળા/ડ્રેઇન પરના ૬૦૦ કરતા વધુ સ્ટ્રક્ચર પૂર્ણ થયેલા છે.

નર્મદા મુખ્ય નહેરથી ઉત્તર ગુજરાત: ઉત્તર ગુજરાત વિસ્તારના નવ જળાશયને નર્મદાના વધારાના પૂરના પાણીથી પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન કરવામાં આવેલું છે. આઠ પાઇપલાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. ત્રણ પાઇપલાઇનનું કામ - જેમાં નર્મદા મેઇન કૅનાલથી દાંતીવાડા, નર્મદા મેઇન કૅનાલથી વાત્રક-માજમ-મેશ્વો પુર્ણતાને આરે છે. જ્યારે કરણનગરથી ધંધુસણ (કડી-અડુન્દ્રાથી ધરોઇ) પાઇપલાઇન પ્રગતિ હેઠળ છે. તેના દ્વારા ધરોઇ, દાંતીવાડા, સીપુ, વાત્રક, માજુમ અને મેશ્વો જળાશયના કમાન્ડ વિસ્તારના ૨૧૦૦૦ હૅક્ટર વિસ્તારને લાભ થશે.

આ તમામ નક્કર માહિતી છે અને અનેક સોર્સમાં ઉપલબ્ધ છે, તેમછતાં રાજકારણીઓ અને ચોક્કસ મીડિયા ગોબેલ્સની જેમ સતત અને વારંવાર કાંતો ખોટી માહિતી ફેલાવીને અથવા કૅનાલ અંગે તમામ જાહેર મંચ ઉપર સવાલો ઊભા કરીને સામાન્ય લોકોમાં આશંકા ઊભી કરી રહ્યા છે, તેના પણ કેટલાક ઉદાહરણ અહીં આપું છું, જેથી ગૂંચવાડો અને આશંકા ઊભી કરવાની ચાલાકી તેમજ જૂઠાણાના પ્રયાસોને પકડી શકાય.



ઇન્ડિયન એક્સપ્રેસના જ એક અહેવાલનો અહીં દાખલો લઇએ. 12 ફેબ્રુઆરી, 2018ના આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમના પ્રતિનિધિએ 300 કિ.મી. પ્રવાસ કર્યો. એ દરમિયાન જે ખેડૂતો સાથે વાત કરી એ બધાએ એમ કહ્યું કે તેમના પરિવારજન કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)માં ખેતમજૂરી માટે સ્થળાંતર કરી ગયા છે. તો ભઈ, સૌરાષ્ટ્રમાં જો કૅનાલ બની જ નથી, સૌરાષ્ટ્રના ખેડૂતો અતિશય દુઃખી અને નોંધારા થઈ ગયા છે એવું કહેનારા તમે જ કેવડિયાના ખેડૂતોને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરીએ શા માટે મોકલો છો! https://indianexpress.com/article/india/gujarat-narmada-river-water-canal-5060274/ ) શું આ કથિત પત્રકારને એટલું સામાન્ય જ્ઞાન પણ નહીં હોય કે કેવડિયા અને નર્મદા જિલ્લાના આદિવાસીઓ સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી માટે જતા હોય તો સ્વાભાવિક રીતે સૌરાષ્ટ્રમાં સારી ખેતી થઈ રહી છે અને ત્યાંના ખેડૂતો બીજાને પણ રોજગારી આપી શકે છે!



અન્ય એક ઉદાહરણ જોઇએ. માત્ર સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર આધારિત ન રહેવા અને જળ સંચય તથા ઉપયોગના અન્ય ઉપાય અને વિકલ્પ વિચારવા ગુજરાતના મુખ્યપ્રધાને વાત કરી એ સ્વાભાવિક રીતે સકારાત્મક બાબત છે તેમ છતાં વિરોધીઓ તેમજ ચોક્કસ મીડિયા એ વાતને એ રીતે રજૂ કરે છે જાણે સરદાર સરોવર ડેમ યોજના નિષ્ફળ ગઈ હોય! વાંચો આ - (https://housing.com/news/gujarat-dams-dry-up-state-government-claims-no-problem-till-july-end/)



એક તરફ સરકારની વાત સ્વીકારવી નથી. સરકારના દાવા અને આંકડા કેટલા સાચા છે તે સંપૂર્ણ વિગતવાર ઑન ધ સ્પૉટ અહેવાલ તૈયાર કરવો નથી, માત્ર તેની સામે સવાલ ઊભા કરવાની વૃત્તિ છે અથવા ખોટી રીતે રજૂઆત કરવામાં આવે છે. જેમ કે (https://www.business-standard.com/article/pti-stories/over-10-000-km-of-narmada-canals-yet-to-be-built-gujarat-govt-119071201135_1.html) આ અહેવાલમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 71,000 કિ.મી. માંથી 61,000 કિ.મી. કૅનાલનું બાંધકામ થયું હોવાનું જણાવ્યું હોવા છતાં અહેવાલના હેડિંગમાં 10,000 કિ.મી. બાંધકામ બાકી હોવાનું જણાવી નકારાત્મકતા ફેલાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.

સવાલ એ છે કે જે લોકો પોતે નિષ્ણાત હોવાનો દાવો કરીને આંકડાબાજીની રમત રમે છે એ કેટલા સાચા છે? સમગ્ર વાતનું તાત્પર્ય એ છે કે, ગુજરાત સરકાર જે આંકડા-માહિતી અને વિગતો રજૂ કરે છે તેમાં વિપક્ષ તથા અમુક મીડિયા માત્ર છીંડા શોધવાના પ્રયાસ કરીને લોકશાહીની ફરજ બજાવવાનો સંતોષ લે છે. લાંબાગાળે આવું વલણ જનસમુદાયમાં હતાશા અને નિરાશા ફેલાવી શકે છે. રાજકીય હિત અને રાષ્ટ્રીય હિત વચ્ચેનો તફાવત ઓળખવો સૌના માટે જરૂરી છે. #અલકેશ
https://echhapu.com/2019/09/21/why-media-produces-false-narrative-for-narmada-canal-situation/

Wednesday, September 18, 2019

#હાઉડી_મોદી નું મહત્ત્વ શું છે?


#હાઉડી_મોદી નું મહત્ત્વ શું છે?
n  22 સપ્ટેમ્બરને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયના 50,000 નાગરિકોને સંબોધશે ત્યારે ત્યાં હાજર રહેવાની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. ટ્રમ્પ ખરેખર હાજર રહેશે કે નહીં એ તો એ દિવસે કાર્યક્રમ શરૂ થાય ત્યારે ખબર પડશે, પરંતુ અમેરિકન પ્રમુખની આટલી જાહેરાત જ ભારતીય નેતૃત્વની તાકાતનો પરિચય છે, કેવી રીતે?


n  અલકેશ પટેલ



વિશ્વના કેટલાક દેશોની રાજધાની હાલ કંઇક વિચિત્ર લાગણી અનુભવી રહી છે. પાકિસ્તાન અને ચીન ભારે બળતરા અનુભવી રહ્યા છે. અને આ તરફ ભારતમાં, ડાબેરીઓ સહિત વિરોધપક્ષો તેમજ કથિત લિબરલ મીડિયા કોઈ એક ઘટના અથવા કોઈ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે. આ તમામ જાતકોને આવાં લક્ષણો હોવાનું કારણ #હાઉડી_મોદી નામની એક જીઓ-પોલિટિકલ ઘટના છે, જે આગામી 22 તારીખે અમેરિકા મધ્યે આકાર લેવાની છે. આ ઘટનામાં એક ધ્રુવ-તારક તો હાજર હશે જ, પરંતુ બીજા શક્તિશાળી ધ્રુવ-તારકની એ સ્થળે પહોંચવાની સંભાવનાને પગલે ઉપરોક્ત જાતકોમાં ઉપર કહ્યા તે મુજબનાં લક્ષણો જોવા મળે છે. 
https://echhapu.com/2019/09/19/why-trumps-presence-in-howdy-modi-has-utmost-importance/

ખેર, હવે આ બધી ગોળ ગોળ વાતો છોડીને સીધા મુદ્દાની વાત ઉપર આવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટન પહોંચવાના છે, જ્યાં અન્ય કાર્યક્રમો ઉપરાંત ઉહાડી મોદી નામના કાર્યક્રમનું આયોજન થયું છે. તેમાં 50,000 ભારતીય મૂળના નાગરિકો એકત્ર થશે અને વડાપ્રધાન મોદી તેમને સંબોધશે.

આ કાર્યક્રમમાં હાજરી આપવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી દર્શાવી છે, એટલું જ નહીં એ અંગેની જાહેરાત પણ કરી દીધી છે. બસ આ જ કારણે વિશ્વના કેટલાક દેશોની રાજધાની હાલ કંઇક વિચિત્ર લાગણી અનુભવી રહી છે. પાકિસ્તાન અને ચીન ભારે બળતરા અનુભવી રહ્યા છે. અને આ તરફ ભારતમાં, ડાબેરીઓ સહિત વિરોધપક્ષો કોઈ એક ઘટના અથવા કોઈ એક નિવેદનની રાહ જોઈ રહ્યા છે. વિશ્વના કેટલાક દેશો ઉપરાંત પાકિસ્તાન અને ચીનની વાત તો સમજાઈ, પણ આ ભારતના વિપક્ષોની શું વાત છે? તો લો, તમને સમજાવું કે ભારતના વિપક્ષો એવી ઘટના અથવા એવા નિવેદનની રાહ જોઈ રહ્યા છે જેને કારણે કાંતો નરેન્દ્ર મોદીના હ્યુસ્ટનના કાર્યક્રમમાં વિક્ષેપ પડે અથવા કમ સે કમ એ ભવ્ય સમારંભમાં ડોનાલ્ડ ટ્રમ્પ હાજર ન રહે! ભારતના વિપક્ષોની અને કેટલાક ચોક્કસ મીડિયાની આવી લાગણી હોય એ સ્વાભાવિક છે, કેમ કે જો નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાય અને તેમાં પ્રમુખ ટ્રમ્પ હાજર રહે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નરેન્દ્ર મોદીનું કદ અનેકગણું વધી જાય તેમ છે. અને ભારતના એક રાષ્ટ્રવાદી નેતાનું કદ આ રીતે વધે એ વાત ભારતીય વિપક્ષો અને કથિત લિબરલ મીડિયા કેવી રીતે સહન કરી શકે!

મેં શરૂઆતમાં કહ્યું છે તે અહીં સવિસ્તાર દોહરાવું છું. ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે ઉપસ્થિત રહેવાની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ શક્ય છે કે છેલ્લી ઘડીએ તેઓ હાજર ન પણ રહે. આવી સંભાવનાના કેટલાક કારણ છે. -- પહેલું કારણ ટ્રમ્પની પોતાની અનિશ્ચિતતા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અનેક વખત જોવા મળ્યું છે કે ડોનાલ્ડભાઈએ તેમનો નિર્ણય ફેરવી તોળ્યો હોય અથવા તેમાં કંઇક અસાધારણ ફેરફાર કરી દીધો હોય. – બીજું કારણ, અમેરિકાનું સ્થાનિક રાજકારણ છે. ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પક્ષમાંથી 2020ની પ્રમુખપદની ચૂંટણી માટે તુલસી ગબાર્ડ ઉમેદવારી કરવા તત્પર છે. તેઓ પ્રથમ હિન્દુ મહિલા છે જેઓ અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યાં છે. (અગાઉ 2016માં બૉબી જિંદાલે રિપબ્લિકન પક્ષમાંથી પ્રમુખપદ માટે દાવેદારી કરી હતી. તેમના નામ પરથી મોટાભાગનાને એવી છાપ હતી કે તેઓ હિન્દુ છે, પરંતુ વાસ્તવમાં તેમણે ધર્માંતર કરીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો હતો. અને તેથી તુલસી ગબાર્ડ ખરા અર્થમાં પ્રથમ હિન્દુ છે જે પ્રમુખપદની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યાં છે.)

હા, તો હવે ટ્રમ્પભાઈને વિપક્ષી હુમલા તેમજ ત્યાંના કથિત લિબરલ મીડિયાની આક્રમકતાનો સામનો કરવો પડે અને એ દરમિયાન તેમને લાગે કે ભારતીય સમુદાયના મતદારોને ખુશ કરવાની લ્હાયમાં તેમને અમેરિકન મૂળના મતદારોનું નુકસાન થઈ શકે છે, તો કદાચ હ્યુસ્ટનમાં મોદીની સભામાં હાજર રહેવાનું છેલ્લી ઘડીએ ટાળી પણ દે! (બીજી એક સંભાવના પણ તમને સૌને વ્યક્તિગત રીતે કાનમાં કહી દઉં કે, શક્ય છે કે કેટલાક ઇસ્લામિક દેશો સહિત દુનિયાના થોડા દેશ ડિપ્લોમૅટિક ચૅનલ દ્વારા ખાનગી રાહે પ્રમુખ ટ્રમ્પને સંદેશો મોકલાવીને હ્યુસ્ટનમાં હાઉડી મોદીમાં હાજર ન રહેવા વિનંતી કરી પણ શકે. હા, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આવું પણ શક્ય છે.)

એવું થાય તો ભારતના વિપક્ષો અને કથિત લિબરલ મીડિયા રાજીના રેડ થઈ જશે. ભલે થતા. પણ બધું આયોજન પ્રમાણે થાય અને હાઉડી મોદી કાર્યક્રમમાં શક્તિશાળી દેશના શક્તિશાળી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાજર રહે તો તેને કારણે જે જીઓ-પોલિટિકલ સમીકરણ રચાશે તે ભારત અને અમેરિકાના ઇતિહાસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લાંબાગાળાની અસરો ઊભી કરશે.

હ્યુસ્ટનના હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પ હાજર રહેશે તો સૌથી પહેલાં તો પાકિસ્તાનની રહી-સહી હવા પણ નીકળી જશે. પ્રમુખ ટ્રમ્પ હાજર રહેશે તો 2020માં તેમની બીજી મુદત માટેની જીત લગભગ નિશ્ચિત થઈ જશે, પરિણામે ચીન પણ ઢીલું પડી શકે. આમેય છેલ્લાં થોડાં વર્ષથી તમામ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર નરેન્દ્ર મોદી મારફત ભારતને જે મહત્ત્વ મળી રહ્યું છે તેનાથી ચીને બૅકફૂટ ઉપર જવું પડ્યું છે તેમાં શંકા નથી. અને હવે પ્રમુખ ટ્રમ્પ પણ જો બીજી મુદત માટે ચૂંટાઈ આવે અને તેમાં હાઉડી મોદી ઘટના મદદરૂપ થાય તો ચીન માટે ડ્રેગનના ફૂંફાડા બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.

વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં એકમાત્ર પાકિસ્તાનને ભારત પ્રત્યે દુશ્મનાવટ છે. ચીન ચાલાક છે. એ ફૂંકીને કરડવામાં માને છે. પરંતુ હાઉડી મોદી પછી (અર્થાત પ્રમુખ ટ્રમ્પની હાજરી પછી) ચીનના વલણમાં પણ પરિવર્તન આવી શકે છે. બાકીની દુનિયાના લગભગ તમામ દેશ ભારતની સાથે છે. ભારતની વૈશ્વિક તાકાત પ્રસ્થાપિત થઈ ચૂકી છે તેનો અંદાજ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હ્યુસ્ટનની સભામાં હાજરી આપવાની જાહેરાત કરી તેના પરથી મેળવી શકાય છે. #હાઉડી_મોદી નું આ જ તો મહત્ત્વ છે. #અલકેશ
https://echhapu.com/2019/09/19/why-trumps-presence-in-howdy-modi-has-utmost-importance/

Saturday, September 14, 2019

ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે


ઉજવણીનો અતિરેક અટકાવીશું તો વિકાસ ગતિ પકડશે
-----------------------------------------------------------------

n  સરકાર દર મહિને નવી સિદ્ધિ હાંસલ કરે અને દર મહિને તેની ઉજવણી સરકાર કરે તો વહીવટીતંત્ર અને અધિકારીઓ પ્રજાલક્ષી કામો ક્યારે કરે? વરસાદ પૂરતો થયો એટલે સરદાર સરોવર ડેમ ભરાયો છે, એમાં સરકારી ઉજવણી પાછળનો તર્ક શો?

n  ઉજવણીના મોડમાંથી કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું?

-----------------------------------------------------------

n  અલકેશ પટેલ



નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતમાં અને 2014માં કેન્દ્રમાં સત્તા ઉપર આવ્યા ત્યારથી આ દેશને સરેરાશ દર છ મહિને એક અગત્યની અને નોંધપાત્ર સિદ્ધિ જોવા મળી છે. એ દરેક વખતે સરકાર ઉજવણીના મોડમાં આવી જાય છે. સૌથી પ્રાચીન અને વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતા આ દેશમાં ધાર્મિક તહેવારોની સંખ્યા પણ ખૂબ મોટી છે, એટલે એ તહેવારોની ઉજવણી પણ ચાલ્યા જ કરતી હોય છે. https://echhapu.com/2019/09/15/if-we-stop-celebrating-small-achievements-then-only-we-can-grow/?fbclid=IwAR1uRuwqMN0ddSTsYSWE4NtKveGXBqL5S8gMQiO03LiNOeLQCYTk_avbOk8

દુનિયાના અન્ય કોઇપણ દેશની સરખામણીમાં ભારતમાં ધાર્મિક સહિત અન્ય રજાઓની સંખ્યા કામગીરીના દિવસો કરતાં વધારે છે. આ સ્થિતિમાં સરકારી તંત્ર અર્થાત સિસ્ટમ પાસે કામ કરવાનો સમય આમેય ઓછો હોય છે. ત્યારે સરકાર પણ જો દરેક નાની-મોટી સિદ્ધિને ઉજવણીમાં ફેરવી દે તો આ દેશ સાચા અર્થમાં પ્રગતિ ક્યારે કરશે?

આજે આ સવાલ ઉપસ્થિત કરવાનું કારણ એ છે કે, ગુજરાત સરકારે સરદાર સરોવર ડેમ છલકાયો એ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અર્થાત આગામી 17 સપ્ટેમ્બરને મંગળવારે નમામિ દેવી નર્મદે ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.
                                           (તસવીર સૌજન્યઃ ઇન્ડિયા ટીવી)

 હે ગુજરાતના નાથ! સરદાર સરોવર ડેમ ભરાયો એમાં સરકારની શી ભૂમિકા? કુદરતી કારણોસર વરસાદ સરેરાશ કરતાં થોડો વધારે પડ્યો એટલે ડેમ છલકાયો છે, પણ એના માટે આખા રાજ્યના તંત્રને ઉજવણીના મોડમાં નાખી દેવા પાછળ કયો તર્ક છે? જો વરસાદ પૂરતો ન થયો હોત અને ડેમ પૂરો ભરાયો ન હોત તો રાજ્ય સરકાર દુઃખ વ્યક્ત કરવાની સભાઓનું આયોજન કરત? કે પછી પાણીની અછત થઈ શકે તેમ છે માટે આયોજન કરવા બેસત? જો અછતની સ્થિતિમાં આયોજન કરવું પડતું હોય તો છતની સ્થિતિમાં પણ લાંબાગાળાના આયોજનમાં સમય અને શક્તિ વાપરવી જોઇએ એ યોગ્ય નથી?

ટૂંક સમયમાં પેટા ચૂંટણી આવી રહી છે. તે સમયે તમારે અધિકારીઓ અને શિક્ષકોની મદદ લેવાની જરૂર પડશે. તો પછી હાલ એ અધિકારીઓ તથા શિક્ષકોને તેમની કામગીરી કરવા દેવી જોઇએ એવું નથી લાગતું? તેને બદલે અત્યારે પણ આ બધાને ઉજવણીના મોડમાં નાખી દેવાના અને પેટા ચૂંટણી વખતે પણ તેમને કામે લગાડવામાં આવશે તો વહીવટીતંત્ર અને શિક્ષણ વ્યવસ્થા કેટલી લથડી પડશે એ વિશે કોઈ વિચાર જ નહીં કરવાનો?

હજુ થોડા સમય પહેલાં આપણે જમ્મુ-કાશ્મીરની કલમ 370માં ફેરફાર કર્યો તેની ઉજવણી કરી હતી. એના થોડા સમય પહેલાં તમારી સરકારે ત્રણ વર્ષ પૂરા કર્યા તેની ઉજવણી કરી હતી. એ પહેલાં ઉત્તરાયણ અને કાંકરિયા કાર્નિવલ ઉજવ્યા હતા. એ પહેલાં એનડીએ સરકારની બીજી મુદતની જીતની ઉજવણી કરી હતી. હવે પછી આ મહિનાના અંતે નવરાત્રિ આવી રહી છે. પછી દશેરા, પછી દિવાળી...ઓ હો હો હો... આટલું બધું છે પછી નમામિ નર્મદાની ઉજવણીનો વિચાર આવી જ કેવી રીતે શકે?

શક્ય છે હજુ કેટલાક ગામમાં શૌચાલયનું કામ બાકી હશે. પાકા અને ટકાઉ રસ્તા હજુ આપણે આપી શકતા નથી. સ્ટ્રીટ લાઇટો હંમેશાં ચાલુ હોય એવું બનતું નથી. ગંદકીમાંથી આપણે પૂરેપૂરા મુક્ત થયા નથી. યાત્રાધામોમાં સારી રીતે આનંદપૂર્વક રહી શકાય એવી સ્થિતિ હજુ પણ નથી. ઠેર ઠેર વિકાસના (રસ્તા, બ્રિજ, મેટ્રો વગેરે) કામો ચાલતા હોવાને કારણે સવારે અને સાંજે પીક અવરમાં અસાધારણ ટ્રાફિક જામ થાય છે તેનો ઉકેલ કેવી રીતે મળે તે વિશે ચર્ચા-વિચારણા-આયોજન કરવાને બદલે નમામિ નર્મદાની ઉજવણી..? આખેઆખી સરકાર અને આખેઆખું વહીવટીતંત્ર નમામિ નર્મદાની ઉજવણીમાં સામેલ થાય એ પાછળનો તર્ક સમજાવી શકશો? સાહેબ, મને લાગે છે કે – આ રીતે સતત અને નિરર્થક ઉજવણીઓના મોડમાંથી આપણે એક પ્રામાણિક કાર્ય-સંસ્કૃતિના મોડમાં આવી જઇએ તો કેવું! ચતુર કરો વિચાર. https://echhapu.com/2019/09/15/if-we-stop-celebrating-small-achievements-then-only-we-can-grow/?fbclid=IwAR1uRuwqMN0ddSTsYSWE4NtKveGXBqL5S8gMQiO03LiNOeLQCYTk_avbOk8

Friday, September 13, 2019

નાગરિક તરીકે આપણી લાયકાત કેટલી?


નાગરિક તરીકે આપણી લાયકાત કેટલી?
-----------------------------------------------------------------
n  અલકેશ પટેલ


હું જાણું છું કે હવે પછી આગળ આ લેખમાં હું જે એક એક શબ્દ, એક એક વાક્ય લખવાનો છું તેની સાથે કેટલાક લોકો અસંમત હશે તો સામે ખૂબ મોટી સંખ્યામાં લોકો સંમત પણ થશે. જે લોકો અસંમત હશે તેમને સમજાવવા માટે હું લખતો જ નથી. હું તો માત્ર જે લોકો મારા મુદ્દા, મારા તર્ક અને મારી દલીલો સાથે સંમત હોય તેમની માન્યતાને વધારે મજબૂત કરવા માગું છું. સ્વાભાવિક રીતે આજે અહીં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કેન્દ્રીય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા આકરા દંડની જોગવાઈ કરવામાં આવી અને તે અંગે પ્રજા જે રીતે વહેંચાઈ ગઈ છે તેની ચર્ચા કરવા માગું છું.


આપણે એ પ્રજા છીએ જેને તમામ પ્રકારના મોજ-શોખમાં રસ પડે છે. આપણને મોંઘામાં મોંઘાં વાહનો ખરીદવાનો શોખ છે. આપણને સારી રેસ્ટોરામાં જમવાનું ગમે છે. આપણને ઘરે લગ્ન પ્રસંગે ચિક્કાર ખર્ચ કરવામાં હરખ થાય છે, બલ્કે કેટલો ખર્ચ કર્યો તેના આંકડાની ચર્ચા કરીને છાતી ફૂલાવીએ છીએ. મંદિરમાં અને ધાર્મિક કાર્યક્રમોમાં 100-200-500-1000નું દાન રમતાં રમતાં કરી દઈએ છીએ.

--- આમાંનું એકપણ પગલું જરાય ખોટું નથી જ. આ બધું હોવું જ જોઇએ, પ્રજા તરીકે આપણી જીવંતતાનું એ પ્રમાણ છે. કેમ કે ઉપર કહી એ તમામ બાબતોમાં આપણે પરિવાર અને સમાજને પણ સાથે જોડીએ છીએ. આપણા હરખ, આનંદ અને સુખમાં પરિવાર અને સમાજ સામેલ થાય છે અને એ જ રીતે અન્યોના હરખ, આનંદ અને સુખમાં આપણે પણ સામેલ થઈએ છીએ.

સરસ. તો પછી તકલીફ ક્યાં છે?

તકલીફ છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે નિયમ-કાયદાનું પાલન કરવાની વાત આવે. અહીં ઉપર કહી એ તમામ બાબતો સ્વૈચ્છિક છે. તેમાં આપણી મરજી ચાલે છે. આ બધું આપણે સ્વચ્છંદપણે કરીએ છીએ. પણ એથી વિરુદ્ધ આપણને કોઈપણ કામગીરી નિયમ અનુસાર, કાયદા અનુસાર કરવી ગમતી નથી... અથવા કહો કે એ નિયમ અને કાયદા આપણી મરજી મુજબના હોવા જોઇએ, તેમાં આપણે ઇચ્છીએ તે અનુસાર છૂટછાટ અથવા સજાની જોગવાઈ હોવી જોઇએ.

સરકાર, તંત્ર કે પોલીસ નિયમ-કાયદાનું પાલન કરાવે એ આપણને નથી ગમતું.

હાલ જે મુદ્દો છે તે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આકરા દંડ તથા અમુક કિસ્સામાં સજાની જોગવાઈ અંગેનો છે. 65,000 થી 70,000નું ટુવ્હીલર ખરીદનારને 650થી 700 રૂપિયાનું હેલ્મેટ ખરીદવું ગમતું નથી. એ હેલ્મેટ મફતમાં મળે તો પણ એ પહેરવું ગમતું નથી. અને પછી અકસ્માત થાય ત્યારે વળતર મેળવવા માટે રોદણાં રડવા લાગીએ છીએ. ક્યાંક કશુંક મફત મળતું હોય તો એ મેળવવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવામાં આપણને વાંધો નથી હોતો, પણ કોઈ સરકારી કામ માટે લાઇનમાં ઊભા રહેવાનું થાય તો તરત જ સિસ્ટમ અર્થાત સરકારી તંત્રને મનમાં અને જાહેરમાં મણ-મણની દેવા લાગીએ છીએ.

મુદ્દો એ છે કે, જો આપણે ટ્રાફિક નિયમો અને કાયદાનું પાલન કરતા હોત તો શું સરકારે નિયમો આકરા કરવા પડત?

મુદ્દો એ છે કે, રોંગ સાઇડમાં ન ચલાવીએ, ગમેતેમ આડુંઅવળું વાહન ચલાવીને બીજાની આગળ નીકળી જવાના પ્રયાસમાં પોતાની અને બીજાની જિંદગી જોખમમાં ન મૂકતા હોત તો શું સરકારે નિયમો આકરા કરવા પડત?

હકીકત એ છે કે નિયમો અને કાયદાની બીક માત્ર એવા લોકોને જ લાગે છે જે તેનો ભંગ કરવાની દાનત રાખતા હોય. નિયમ-કાયદાનું પાલન કરનારને કદી તેનો ડર લાગતો નથી.

કેટલાક ભોળા લોકો એવી દલીલ કરે છે કે સરકાર કમાણી કરી લેવા માગે છે એટલે દંડની રકમ આટલી વધારી દીધી. આવી દલીલ એટલા માટે ભોળપણ છે કે સરેરાશ 1000 વાહનચાલકોએ એકાદ-બે વાહનચાલક દંડાય છે, અને તેના પોતાના વાંકે. હવે આ એકાદ-બે વાહનચાલકના દંડની રકમથી શું સરકારી તિજોરી ભરાઈ જાય? આ સરેરાશની વાત છે. માની લો કે તમામ 1000 વાહનચાલકો કોઈ નિયમ-કાયદાનો ભંગ કરતા નથી, તો કોઈને દંડ પણ થવાનો નથી. તો પછી સરકારે કમાઈ લેવાની વાત ક્યાં આવી?

કેન્દ્ર સરકારે વાહનચાલકોમાં શિસ્ત અને સંયમ આવે તે હેતુથી નિયમભંગ કરનાર ઉપર આકરા દંડની જોગવાઈ કરી તેની સામે ગુજરાત સરકારથી શરૂ કરીને ઘણી રાજ્ય સરકારોએ રાહત નું રાજકારણ રમવાની ઉતાવળ કરી. ગુજરાત સરકારને લાગ્યું કે આપણે સવર્ણ અનામત લાગુ કરવાની પહેલ કરીને જેમ ઇડરિયો ગઢ જીતી લીધો હતો તેમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડમાં રાહત આપીને પણ ઇડિરિયો ગઢ જીતી લઈશું. પરંતુ માફ કરજો રૂપાણી સાહેબ, તમે આ ગંભીર ભૂલ કરી છે. શાસક તરીકે તમારે મક્કમતા દાખવીને પ્રજાને નિયમોનો ભંગ ન કરવા અને એ રીતે દંડમાંથી બચવા માટે સમજાવવાની જરૂર હતી, તેના બદલે તમે કેજરીવાલ જેવી નીતિ અપનાવીને રાહતની જાહેરાતો કરી દીધી. તમારા પગલે અન્ય રાજ્ય સરકારોએ પણ કેન્દ્રીય કાયદા સામે બંડ પોકારી દીધો.

સાથે, છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં તથા અન્યત્ર ભોળી પ્રજામાં એક પ્રકારનું ગાંડપણ પણ જોવા મળ્યું. કેટલાક લોકો ટ્રાફિક પોલીસને નિશાન બનાવીને તેમને નિયમોનું પાલન કરવા ફરજ પાડતા હોવાનું જોવા મળ્યું. વાસ્તવમાં આવી પ્રજાનું આ એક પ્રકારનું ભોળપણ છે. ટ્રાફિક પોલીસની ફરજ પ્રજાનું ધ્યાન રાખવાની છે, પ્રજા નિયમ-કાયદામાં રહે તે જોવાની છે. પણ ભોળી પ્રજા પોલીસને જ નિશાન બનાવે એ તો એના જેવું છે કે, દરેક વિદ્યાર્થીની દરેક પરીક્ષા વખતે તેના શિક્ષકે પણ પરીક્ષા આપવી! ચતુર કરો વિચાર. https://echhapu.com/2019/09/13/why-are-we-not-ready-to-obey-new-traffic-rules/?fbclid=IwAR3eDmCRRHP8Q_-8UtP5HoIQyFWGs2fbHJkDBxQPQZ89UX7f32gBx7r8uuU