Sunday, May 14, 2023

ધ કેરલ સ્ટોરીઃ સમાધાન અને બોધપાઠ


જાગ્રતિનું આંદોલન બની ચૂકેલી વાસ્તવિક ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ અનેક લોકોને હચમચાવી દીધા છે. ફિલ્મ જોનાર દરેક જણ કંઇક કહેવા માગે છે, પરંતુ સાવ જૂજ લોકો પાસે સમાધાન અને બોધપાઠ છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

આ સંપૂર્ણ વાસ્તવિક ફિલ્મમાંથી આપણે કયો બોધપાઠ લઇશું? અનેક લોકો લખી રહ્યા છે કે, અમે ધ કેરલ સ્ટોરી જોઈ. જેમનામાં દેશ માટે અને ધર્મ માટે જરા પણ પ્રેમ છે એ બધા એવું કહી રહ્યા છે કે, ફિલ્મ જોવા જેવી છે અને દરેક માતા-પિતાએ તેમની દીકરીઓને આ ફિલ્મ બતાવવી જોઇએ. ભાજપના અમુક નેતાઓ ખાસ શોનું આયોજન પણ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઇએ એ વાત નથી કરી જે મેં ફિલ્મ જોઇને નોટિસ કરી.

શું માત્ર સનાતન વિશેનું જ્ઞાન આપણી દીકરીઓને આપવાથી વાત પૂરી થઈ જશે?

જવાબ છે - ના.

માત્ર સનાતન વિશેનું જ્ઞાન હોવાથી વાત પૂરી નહીં થઈ જાય. એ તો એક આધાર છે. એ જ્ઞાન અને જાણકારી છતાં હિન્દુ છોકરીઓ અને હિન્દુ મહિલાઓ ફસાતી રહેશે, કેમ કે પ્રેમના નામે થઈ રહેલી જેહાદી પ્રવૃત્તિ અતિશય વિકરાળ છે, તેના રંગ – રૂપ - વ્યૂહરચનાઓ અલગ અલગ છે. માત્ર કેરળ જ નહીં, પરંતુ દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, ગીચ હિન્દુ વિસ્તારોની વચ્ચે આ બધું ચાલી રહ્યું છે.

તો મૂળ પ્રશ્ન એ કે, આ ફિલ્મનો બોધપાઠ શો?

જો આ ફિલ્મમાંથી માત્ર બે (હા, માત્ર બે) નાના બોધપાઠ લેવામાં આવે તો મારી દૃષ્ટિએ આ વિકરાળ સ્થિતિને આપણે ઘણે અંશે ઓછી કરી શકીએ તેમ છીએ.

(1) દીકરીઓના મિત્ર-વર્તુળ ઉપર સતત નજર રાખવી.

આ સૌથી પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે. દરેક સ્કૂલ, કૉલેજ, પ્રોફેશનલ કોર્સ, ટ્યુશન ક્લાસમાં - ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં બતાવી છે એવી - ચોક્કસ મિશન સાથે આવેલી એકાદ-બે છોકરીઓ ઘૂસેલી હોય છે. આવી છોકરીઓ અલગ અલગ રીતે હિન્દુ છોકરીઓનું બ્રેઇનવૉશ કરવા સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. ધર્માંતરના મિશન સાથે ઘૂસેલી આવી છોકરીઓ તેમના ભાઈઓ સાથે, તેમના કઝિન્સ સાથે હિન્દુ છોકરીઓની મુલાકાત કરાવતી જ હોય છે. અને પછી બરાબર એ જ થાય છે જે ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

-- અને એટલે પહેલો પાઠ એ શીખવો રહ્યો કે, દીકરીઓના મિત્ર-વર્તુળ ઉપર ચાંપતી નજર રાખવી.

(2) આટલું કરવા છતાં કોઈ હિન્દુ દીકરી લવ-જેહાદનો ભોગ બની હોય તો, અરે એણે કોઇપણ કારણસર ધર્માંતર પણ કરી લીધું હોય તો, અરે એથી આગળ એ કદાચ સગર્ભા થઈ ગઈ હોય છતાં જો એ પરત આવવા માગતી હોય તો હિન્દુ માતા-પિતાએ, હિન્દુ સમાજે તેના પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ રાખીને પૂરા ઉમળકાથી પરત લઈ આવવી.

આ બીજા નંબરનો બોધપાઠ ઘણો અગત્યનો છે. ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં આપણા સમાજની એ ખામી સ્માર્ટલી બતાવવામાં આવી છે. ફિલ્મમાંથી જે મુદ્દો પકડવાનો છે તે આ જ છે.

હિન્દુ સમાજમાં આજથી જ આ બે વાત ખૂબ જોરશોરથી ફેલાઈ જવી જોઇએ કે, (1) દીકરીઓના મિત્ર-વર્તુળ ઉપર ચાંપતી નજર રાખવી, તેમની સાથે નિયમિત વાતચીત કરવી, તેમને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પ્રેમથી સામેલ કરવી અને (2) આ બધા છતાં કોઈ ખોટી જગ્યાએ ફસાઈ જાય તો તેની સાથે સંપર્ક જાળવી રાખવો અને જીવનના કોઇપણ તબક્કે પરત આવવા માગતી હોય તો બે હાથ ખુલ્લા કરીને, કોઈ જાતની ટીકા-ટિપ્પણ વિના પરત લઈ આવવી. 

પ્રશ્ન અતિશય ગંભીર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હકીકતે ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં જે વાસ્તવિકતા બતાવવામાં આવી છે તે તો માત્ર પાશેરામાં પહેલી પૂણી જેટલી જ છે. જમીન પરની હકીકત વધારે મોટી છે. અનેક કિસ્સા નોંધાતા જ નથી. અનેક કિસ્સામાં એવી પણ સ્થિતિ છે તે હિન્દુ પીડિત માતા-પિતા પોતાની દીકરીના ગુમ થવા અંગે અથવા બળજબરીથી કે લાલચથી ધર્માંતર અંગે ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી. ફરિયાદના આધારે તપાસ પોલીસે કરવાની હોય અને પોલીસે પુરાવા એકત્ર કરવાના હોય, પરંતુ આપણે ફિલ્મમાં જોયું તેમ પોલીસ અધિકારી ફરિયાદી પાસે પુરાવા માગે છે! આ અતિશય ગંભીર છતાં વાસ્તવિક સ્થિતિ છે. પોલીસ ધારે એ કરી શકે છે. ગમે તેવો કેસ કલાકોમાં ઉકેલી શકે છે. પણ એ કેમ નથી થતું? ઘણાં કારણ છે.

મીડિયાને પણ આવા કિસ્સાઓની જાણ થાય છે પરંતુ મીડિયા પણ એ કિસ્સાઓને સમાચારમાં મહત્ત્વ આપવાને બદલે તેને દબાવી દેવાના કારસા કરે છે એ વરવી વાસ્તવિકતા હું મારા પોતાના 30 વર્ષ કરતાં વધુ સમયના સક્રિય પત્રકારત્વના અનુભવના આધારે સોગંદપૂર્વક કહી શકું છું. ગુજરાતના મીડિયા પાસે હજુ તક છે. ગુજરાતમાં પણ કેરલ સ્ટોરીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. મીડિયા તેને ઉજાગર કરવાની હિંમત બતાવી શકે છે.

બગાડ વધારે ન થાય એ માટે દરેકે પ્રયાસ કરવા પડશે, પરંતુ સૌથી વધારે પ્રયાસ સાધુ-સંતો અને કથાકારોએ કરવા પડશે. છેક 2015માં મેં મારી #સંદેશ ની કૉલમમાં લખ્યું હતું કે, સાધુ-સંતો અને કથાકારોએ તેમના સંકુચિત આશ્રમ, મઠ કે વાડામાંથી બહાર આવીને મિશનરીઓ અને ડાબેરીઓએ ઘૂસાડેલી જ્ઞાતિ-જાતિ પ્રથાને હિન્દુ સમાજમાંથી દૂર કરવી પડશે. આજે ફરી એ જ વાતનું ઉચ્ચારણ કરું છું. સાધુ - સંતો અને કથાકારો આ દિશામાં સક્રિય થશે તો  ભવિષ્યમાં ધ ગુજરાત સ્ટોરી કે ધ કર્ણાટક સ્ટોરી કે ધ રાજસ્થાન સ્ટોરી કે ધ ઉત્તરાખંડ સ્ટોરી-માંથી બચી શકીશું. વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

No comments:

Post a Comment