Sunday, May 21, 2023

‘સામ્યવાદનું સત્ય’ – હિંસા અને અરાજકતા જ છે

 


 ડાબેરી વિચારધારા તેના જન્મથી દુનિયા માટે અરાજકતા અને અશાંતિનું કારણ બનેલી છે. કોઈ સમજદાર માણસ તેનું સમર્થન કરી શકે નહીં. આ વિચારધારાથી કદી કોઇની પ્રગતિ થઈ નથી, સિવાય કે...

------------------------------------------

n     અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 કોમ્યુનિસ્ટોને હું મળું તે પ્રશ્ન જ ઊભો નથી થતો, પોતાના સ્વાર્થ માટે મજૂરોનું શોષણ કરનારા કોમ્યુનિસ્ટોનો હું કટ્ટર દુશ્મન છું” 

--- ડૉ. ભીમરાવ આંબેડકર

આંબેડકર જેવા વિદ્વાન જ્યારે બેધડક આ સત્યનું ઉચ્ચારણ કરતા હોય ત્યારે મને તો નથી લાગતું કે ડાબેરી વિચારધારા કોઈ ચર્ચાને પણ લાયક હોય. જોકે આમછતાં અરાજકતાવાદી ડાબેરી વિચારધારાનો દુનિયા ઉપર 19મી સદીમાં બે-ત્રણ દાયકા સુધી પ્રભાવ રહ્યો હતો અને તેને કારણે સમજદાર વિદ્વાનોએ આ વિચારધારાની ઝીણવટભરી સમીક્ષા કરી, તેનું મૂલ્યાંકન કર્યું. સમગ્ર દુનિયાના સાહિત્યમાં માનવજાત માટે નુકસાનકારક એવી ડાબેરી વિચારધારા વિરોધી દરિયા ભરીને લખાયેલું છે. ભારતીય સંદર્ભમાં આવું જ વિદ્વત્તાપૂર્ણ લખાણ સ્વર્ગસ્થ સતિશચંદ્ર મિત્તલે કર્યું હતું. તેમના साम्यवाद का सच નામે હિન્દી પુસ્તકનો ભાજપના અગ્રણી શ્રી પશાંતભાઈ વાળાએ કરેલો ગુજરાતી અનુવાદ હમણાં પ્રકાશિત થયો. પુસ્તકમાં નહેરુ અને આંબેડકરથી લઇને પં. દીનદયાળ ઉપાધ્યાય સુધીના મહાનુભાવોના સામ્યવાદ અંગેના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતી વાચકોએ અને ખાસ કરીને યુવાનોએ આ પુસ્તક અનિવાર્યપણે વાંચવું જોઇએ, જેથી અર્બન નક્સલીઓ દ્વારા ફેલાવવામાં આવતા નૅરેટિવને ઓળખવા-સમજવામાં સરળતા રહે.

પુસ્તકના કેટલાક નોંધપાત્ર અંશોઃ-

ડૉ. આંબેડકર માર્ક્સના મુખ્ય સિદ્ધાંત વર્ગ-સંઘર્ષના સખત વિરોધી હતા. તેમણે તેને ભારતના સંદર્ભમાં પોકળ અને આચારહિન દર્શાવ્યો હતો. તેઓ કહેતા, લગભગ 65 વર્ષ પહેલા સર્વહારાના નામ પર સ્ટાલિનની તાનાશાહી ચરમસીમા પર હતી અને લાખો નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. ડૉ. આંબેડકર માર્ક્સવાદની હિંસાત્મક પદ્ધતિઓના કાયમી વિરોધી અને ટીકાકાર રહ્યા હતા. તેમણે 25 નવેમ્બર, 1949ના રોજ બંધારણસભામાં પોતાના અંતિમ પ્રવચનમાં કહ્યું હતું કે, મારા નિર્ણય મુજબ, સૌથી પહેલું આપણે એ કરવું જોઈએ કે આપણે સામાજિક અને રાજનીતિક લક્ષ્યોની પ્રાપ્તિ માટે બંધારણીય વિધિઓને સારી રીતે અપનાવીએ. તેનો અર્થ એ છે કે આપણે ક્રાંતિની ખૂની પદ્ધતિઓને તિલાંજલી આપીએ.

ડૉ. રામ મનોહર લોહિયા અમેરિકા પહોંચ્યા ત્યારે સામ્યવાદ વિશે વધુ એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે,સામ્યવાદ એક મહાન ખરાબી છે. હું ચેતવણી આપવા ઇચ્છું છું. અમેરિકાનું મન કોઈ પણ ઘટનાથી ચિંતિત બની જાય છે, ત્યાંની સત્તાધારી શક્તિઓને તે સામ્યવાદી પશુઓનું કાર્ય લાગે છે. તેઓ પશુ હોઈ શકે છે પણ એટલા મોટા નહીં. ચીનની સામ્યવાદી જીતમાં એક મોટી ગાથા છે, જેના માટે આંશિકરૂપે અમેરિકા પણ જવાબદાર છે, પણ ભારતમાં સામ્યવાદની જીત શક્ય નથી. લોહિયાજી સમાજવાદી હતા પરંતુ સામ્યવાદી નહીં. તેમણે માર્ક્સવાદના અનેક મૂળ સિદ્ધાંતોને પડકાર્યા હતા. ખરેખર તો તેઓ 1939થી જ માર્ક્સવાદથી કોપિત હતા. 1942ની આંદોલનમાં ભારતીય કોમ્યુનિસ્ટોની ભૂમિકાથી તેઓ વધુ નારાજ થયા હતા. દેશની આઝાદી પછી તેમનામાં માર્ક્સવાદ અને સોવિયેત વિરોધી વલણ વધ્યું હતું. તેઓ ભારતના પહેલા એવા સમાજવાદી વિચારક હતા જેમણે સોવિયેત સંઘનું કોઈપણ પ્રકારનું પ્રભુત્વ માનવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. લોહિયાજી, માર્ક્સનો વિશ્વનો ઇતિહાસ, વર્ગ સંઘર્ષના ઇતિહાસના સિદ્ધાંતનો સ્વીકાર કરતા ન હતા. લોહિયાજી માર્ક્સની હિંસક ક્રાંતિને વધુ પ્રોત્સાહન આપતા ન હતા. તેમનું માનવું હતું કે માર્ક્સવાદીઓએ વારંવાર હિંસાનો માર્ગ અપનાવાયો હતો, જેનાથી કોઈ ફાયદો થયો ન હતો.

માધવરાવ સદાશિવરાવ ગોળવલકર (ગુરૂજી)એ ભારતીય દર્શન, સંસ્કૃતિ, ધર્મ અને સાહિત્યની સાથે પશ્ચિમી વિચારધારા અને દ્રષ્ટિકોણનું પણ ગંભીર અધ્યયન કર્યું હતું. તેમણે માર્ક્સ, માર્ક્સવાદ અને તેના વ્યવહારિક સ્વરૂપનું સુક્ષ્મતાપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ગુરૂજી સમાજવાદ અથવા સામ્યવાદને દેશની અધોગતિનું લક્ષણ માનતા હતા. તેમણે મનુષ્યના વિકાસ-ક્રમની જડતાથી પરમતત્વ સુધીનું વર્ણન કરતા જોધપુરની એક બેઠકમાં જણાવ્યું હતું, મારી દ્રષ્ટિએ સમાજવાદ અને સામ્યવાદ પ્રગતિ નહીં પરંતુ અધોગતિનું લક્ષણ છે. તેના દ્વારા મનુષ્ય પાછોતરાં પગલાં ભરી રહ્યો છે. શ્રી ગુરૂજી હિંસાત્મક ક્રાંતિના સખત ટીકાકાર હતા. તેઓ ક્રાંતિના નારાઓને પણ અવિવેકપૂર્ણ માનતા હતા. તેમણે એકવાર કહ્યું હતું, ક્રાંતિ અને રક્તપાત જ કોમ્યુનિસ્ટોનો આધાર છે. કારણ તેઓ ઇન્કલાબ ઝીંદાબાદના નારા લગાવે છે, પરંતુ આપણે શું જોઈએ છે? ક્રાંતિ ચિરાયુ બને કે શાંતિ? સદાકાળ ક્રાંતિની ઘોષણા કરતા રહેવું એ સશસ્ત્ર સંઘર્ષ અને અરાજકતાને આંમત્રણ આપવા બરાબર છે. ઇન્કલાબ ઝીંદાબાદનો નારો શોભાસ્પદ નથી.

પુસ્તકમાં બીજા પણ કેટલાક મહાનુભાવોના હિંસાવાદી માર્ક્સવાદીઓ અંગેના, સામ્યવાદ અંગેના, ડાબેરીઓ અંગેના સચોટ વિચારો રજૂ થયા છે. 2014 પછી દેશમાં દર છ મહિને જે આંદોલનો થઈ રહ્યાં છે તેની પાછળ આ અરાજકતાવાદી ડાબેરીઓ જવાબદાર છે એવું આ પુસ્તક વાંચ્યા પછી સમજતા વાર નહીં લાગે. વાંચો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ! (પુસ્તક મેળવવા માટે સંપર્ક - અકિલા પબ્લિકેશન્સ, રાજકોટ)

No comments:

Post a Comment