Sunday, May 28, 2023

ભારતની નવી સંસદ, વીર સાવરકર અને વિપક્ષી રુદન

 

આજે મહાનાયક વીર વિનાયક દામોદર સાવરકર જયંતી છે. આજે જ વર્તમાન સનાતની યોદ્ધા નરેન્દ્ર દામોદરદાસ મોદી નવા સંસદભવનનું લોકાર્પણ કરી રહ્યા છે અને આવા સ્વર્ણિમ અવસરે કજિયાખોર બાળક જેવા વિપક્ષોએ ખૂણે ભરાઇને કજિયો માંડ્યો છે

------------------------------------------

n  અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભારતવર્ષ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. દેશના એક મહાનાયક વીર વિનાયક દામોદર સાવરકરની આજે જયંતી છે અને દુર્ગાષ્ટમીના આવા શુભ દિવસે વર્તમાન સમયના એક સનાતની યોદ્ધા નવા સંસદભવનનું લોકાર્પણ કરી રહ્યા છે. પણ આ દેશની કમનસીબી છે કે કોંગ્રેસ સહિત વિપક્ષો ખૂણે ભરાઇને કજિયો કરી રહ્યા છે.

જે વિરોધપક્ષોએ સાથે મળીને મહામહિમ દ્રૌપદી મૂર્મુની વિરુદ્ધમાં યશવંત સિંહા જેવા વ્યક્તિને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા...જે વિપક્ષોએ ભેગા મળીને જગદીપ ધનખડની સામે માર્ગારેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રાખ્યા હતા—એ બધા વિપક્ષો આજે મહામહિમ રાષ્ટ્રપતિની જાતિના નામે, ઉપરાષ્ટ્રપતિના પદના નામે છાતી કૂટી રહ્યા છે, એક ખૂણામાં ભરાઇને કાળો કકળાટ કરી રહ્યા છે.

આમ તો આ દેશના સમજદાર નાગરિકો આ કોંગ્રેસ અને ટીએમસી અને ડાબેરીઓ અને સપા, એનસીપી સહિત બધાને બરાબર ઓળખી ચૂક્યા છે. બધા જ જાણે છે કે વિપક્ષોના આ કાળા કકળાટનું મૂળ કારણ શું છે. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે આ બધી વિપક્ષી પ્રજાને વીર વિનાયક સાવરકર સામે વાંધો છે—અને એટલે એમના જન્મદિવસે નવા સંસદભવનનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષો બાળક જેવી કજિયાખોરી કરી રહ્યા છે. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે, વર્તમાન સરકારે જ્યારે રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મૂર્મુને ઉમેદવાર બનાવ્યા ત્યારે આ બાળક જેવી કજિયાખોરી કરનાર વિપક્ષોને દ્રૌપદી મૂર્મુની જાતિ યાદ નહોતી આવી. આ દેશનો સરેરાશ નાગરિક જાણે છે કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરોધી પગલાં લઈ રહી છે જેને કારણે લગભગ દરેક વિપક્ષી નેતાઓના પગ નીચે રેલો આવ્યો છે અને એટલે એ વિપક્ષો કોઇપણ રીતે નરેન્દ્ર મોદીને રોકવા તમામ પ્રકારના કાવાદાવા, કાવતરાં, આક્ષેપબાજી કરી રહ્યા છે.

કોંગ્રેસ સહિત વિપક્ષોના આવાં વલણથી શું એવું તારણ નથી નીકળતું કે, આ બધા મૂળભૂત રીતે સનાતન સંસ્કૃતિ વિરોધી છે? શું એવું તારણ નથી નીકળતું એ આ બધા હિન્દુત્વ વિરોધી છે? શું એવું તારણ નથી નીકળતું કે આ બધા લઘુમતી તુષ્ટિકરણમાં જ ગળાડૂબ રહે છે? શું એવું તારણ નથી નીકળતું કે આ બધા વિપક્ષો આ મહાન દેશને એક અખંડિત ભારતવર્ષ તરીકે ગણવાને બદલે ખંડિત ટુકડાઓમાં, જ્ઞાતિ-જાતિવાદમાં જ જૂએ છે? સંગોલની પુનઃસ્થાપનાનો કોંગ્રેસી-વિપક્ષી વિરોધ પણ તેમની સનાતન વિરોધી માનસિકતાનું સ્પષ્ટ ઉદાહરણ છે.

થોડા સમય પહેલાં આ જગ્યાએ એક વાત કહી હતી તેનું પુનરાવર્તન કરું છું. મેં કહ્યું હતું કે વિપક્ષો ભ્રષ્ટાચાર વિરોધી પગલાંથી ફફડી ગયા છે. વિપક્ષો એટલા માટે પણ ફફડી ગયા છે કે મોટાભાગના (બધા નહીં હોં) હિન્દુ મતદારો જાગી ગયા છે. જાગી ગયેલા હિન્દુ મતદારોને પોતાના વારસાનો, પોતાની પરંપરાઓનો, પોતાના મહાન પૂર્વજોનો ખ્યાલ આવી ગયો છે અને સાથે એ પણ ખ્યાલ આવી ગયો છે કે સાત દાયકાથી કોંગ્રેસ અને તેના જેવા પક્ષોએ આ બધી બાબતોથી આ દેશને વંચિત કરી દીધો હતો, વંચિત કરવાનાં વ્યાપક કાવતરાં કર્યાં હતા, પણ છેવટે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ જે કંઈ રહ્યું-સહ્યું છે એ બધું બચાવ્યું એટલું જ નહીં પરંતુ પુનઃનિર્માણ અને નવસર્જન દ્વારા સ્વર્ણિમ ભારતની ભાવનાને ફરી જીવંત કરી દીધી છે. મોદીનો આ અશ્વમેધ 2024 પછી પણ ચાલુ રહે તેમ કોંગ્રેસ-પ્રેરિત વિપક્ષો ઇચ્છતા નથી અને એટલે જ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી સુધી આ કમનસીબે દેશે વિપક્ષ-પ્રેરિત અનેક આંદોલન, ધરણા, હિંસક દેખાવો, રસ્તા રોકો અને ચક્કાજામની સ્થિતિનો સામનો કરવો પડશે. મરણિયા થયેલા વિપક્ષો આ બધું જ કરાવશે.

કોંગ્રેસ સહિત વિપક્ષોને આ નવજાગૃતિ પસંદ નથી. વિપક્ષો તો એવું જ ઇચ્છે છે કે દેશની પ્રજા કાયમ માટે જ્ઞાતિ-જાતિના વિવાદ અને અથડામણમાં સંડોવાયેલા રહે. આ જ કારણે તદ્દન હીન કક્ષાએ જઇને આ વિપક્ષો મહામહિમ રાષ્ટ્રપતિની જાતિને નવા સંસદભવનના લોકાર્પણ સાથે જોડી રહ્યા છે. એ જ કારણે આ વિપક્ષો હીન કક્ષાએ જઇને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની જાતિને નવા સંસદભવનના શિલાન્યાસ સાથે જોડી રહ્યા છે.

સાચી વાત તો એ છે કે, ભારતીય શ્રમયોગીઓ દ્વારા, ભારતીય કંપની દ્વારા બનેલા આ નવા સંસદભવનનો વિરોધ કરનારા કોંગ્રેસ સહિત વિપક્ષો જો પોતે પોતાની વિચારધારામાં સાચા અને મક્કમ હોય તો લોકસભાની ચૂંટણીમાં જ ભાગ ન લેવો જોઇએ. વાચકમિત્રો, તમે શું કહો છો આ બાબતે? વિચારો, ત્યાં સુધી...મિલતે હૈ બ્રેક કે બાદ!

1 comment: