Thursday, December 13, 2018

ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘૂસાડી અને ફસાયા


ક્રિશ્ચન મિશેલઃ બિઝનેસમાં બ્રાઇબ ઘૂસાડી અને ફસાયા

--- કોઇપણ પ્રકારનો કાનૂની બિઝનેસ કરવો એમાં કશું ખોટું નથી અને એ રીતે દલાલી પણ એક બિઝનેસ છે, પરંતુ એ દલાલી અનૈતિક બની જાય અને તેમાં લાંચનું તત્વ ઘૂસી જાય તો મિશેલ તો ડૂબે જ, સાથે બીજા પણ ઘણા ડૂબે!



--- અલકેશ પટેલ
       
ગ્લોબલ સર્વિસિસ - એફઝેડઈ, દુબઈ, આઈડીએસ, ટ્યુનિશિયા, આઈડીએસ, મોરિસસ તથા એરોમેટ્રિક્સ... આ બધા શેના નામો છે જાણો છો? અગુસ્તાવેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ઝડપાયેલા દલાલ ક્રિશ્ચન મિશેલ અને તેના સાથીદારો દ્વારા સ્થાપવામાં આવેલી બેનામી કંપનીઓના આ નામો છે. આ બેનામી કંપનીઓની સ્થાપના હેલિકૉપ્ટરનો કોન્ટ્રેક્ટ મેળવવા માટે લાંચના નાણાં ભારતમાં લાવવા અને પછી એ નાણાં લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આવા જે સંભવિત લાભાર્થીઓ વિશે માહિતી મળી છે તેમાં ભારતીય એરફોર્સના ભૂતપૂર્વ વડા એસ.પી. ત્યાગી તથા તેમના કેટલાક નજીકના સગાનો સમાવેશ થાય છે અને જે સંભવિત લાભાર્થીઓ ના નામ ગમેત્યારે ખૂલવાની શક્યતા છે તેમાં સંભવતઃ કોંગ્રેસના નેતાઓ તેમજ વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ હોઈ શકે છે. પરંતુ ખેર, આજે અહીં મુદ્દો એ નથી, આજે તો મુદ્દો છે ક્રિશ્ચન મિશેલ. કોણ છે આ વ્યક્તિ? ભારતમાં કૌભાંડના કેસમાં આ ફિરંગી ક્યાંથી આવી ગયો?
ક્રિશ્ચન મિશેલ મૂળે બ્રિટિશ નાગરિક છે અને તેમનું કામ શસ્ત્ર કંપનીઓ માટે કન્સલટન્સી કરવાનું છે. કન્સલટન્સીનો દેશી અર્થ દલાલી થાય, જેમાં વેચનાર અને ખરીદાર વચ્ચે મેળાપ કરાવી આપવાનો અને સોદો પાર પાડવાનો. કન્સલટન્સી અર્થાત દલાલીનો આ બિઝનેસ સદીઓ જૂનો છે અને લાખો લોકો એ કરે છે. ખુદ મિશેલના પિતા વોલ્ગેન્ગ મિશેલે પણ આ જ કામ કર્યું છે. ક્રિશ્ચન પણ પિતા વોલ્ગેન્ગના પરંપરાગત વ્યવસાયમાં જોડાયા અને દાયકાઓ સુધી આ કામ કર્યું, પરંતુ ભારતીય રાજકારણીઓ અને ભારતીય અધિકારીઓ સાથે સોદો કરવામાં તે સપડાયા.
રૂ. 3600 કરોડમાં નક્કી થયેલો અને છેવટે પડતો મૂકાયેલો વીવીઆઈપી હેલિકૉપ્ટરનો આ કેસ આમ ઘણો જૂનો છે, પરંતુ 2004માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએની સરકાર બની પછી એ દિશામાં કામગીરી ઝડપી બની અને તે ખરીદવાની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવી જેથી ટોચના રાજકારણીઓ તેમાં ઉડ્ડયનનો આનંદ માણી શકે.
કોંગ્રેસના નેતૃત્વની આ ઉતાવળ ક્રિશ્ચન મિશેલ પારખી ગયા અને તેમણે મૂળ ઇટાલિયન કંપની ફિનમૅકનિકા (જે હવે લિઓનાર્દો તરીકે ઓળખાય છે) તેની બ્રિટિશ શાખા અગુસ્તાવેસ્ટલેન્ડ પાસેથી અત્યાધુનિક અને વૈભવી હેલિકૉપ્ટર ખરીદવામાં મદદ કરવાની દરખાસ્ત કરી. અને પછી એ દરખાસ્તની સાથે જે કંઈ થયું હશે તેના વિશે કોઈ ખુલાસા કરવાની જરૂર ખરી? પણ તેની ગંધ ઇટાલીને આવી ગઈ અને મિલાનની પોલીસે મિશેલના અન્ય સાથીદાર ગ્વીડો હેશકેને ઝડપી લીધો. આ ઘટના છેક 2012ની છે. ભારતમાં હજુ લોકસભા ચૂંટણી આડે બે વર્ષ બાકી હતા. ઇટાલીની પોલીસે એકઠા કરેલા ભ્રષ્ટાચાર અને લાંચના પુરાવાના આધારે ત્યાંની અદાલતે જેટલા લોકો સંડોવાયેલા હતા તેમની સામે ચુકાદો પણ આપી દીધો. આ સોદામાં લાંચ ચૂકવાઈ છે એવું ત્યાંની અદાલતને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું અને એટલે ઇટાલીની શસ્ત્ર કંપનીના કેટલાક અધિકારીઓને કસૂરવાર ઠેરવ્યા.
હવે મામલો ભારત પાસે હતો. સોદો ભારતને લગતો હતો. સોદો કરાવનાર બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલ હતા. આ સોદામાં મિશેલે અગુસ્તાવેસ્ટલેન્ડ પાસેથી એક 42 મિલિયન યુરો (આશરે રૂ. 337 કરોડ) અને બીજો 28 મિલિયન યુરો (આશરે રૂ. 225 કરોડ)ના બે ગુપ્ત સોદા કર્યા. ભારતીય તેમજ ઇટાલીની તપાસ એજન્સીઓનું તારણ એવું છે કે મિશેલે આ બંને ગુપ્ત સોદા ભારતમાં એરફોર્સના અધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ રાજકારણીઓને રકમ ચૂકવવા માટે કર્યા હતા. મિશેલ આ રકમ સીધે સીધી ભારત લાવ્યો નહોતો. સૌથી પ્રારંભમાં જે કંપનીઓના નામ આપ્યા એવી કંપનીઓ તેણે તેમજ તેના અન્ય મળતિયાઓએ બ્રિટન, ટ્યુનિશિયા, મોરિસસ અને દુબઈ એમ અલગ અલગ દેશોમાં બનાવી અને તેમાં નાણાકીય હેરાફેરી કરીને એ નાણાં ભારતમાં લાવવામાં આવ્યા જેમાંથી લાંચ ચૂકવાઈ.
મિશેલ મૂળ બ્રિટિશ નાગરિક અને ત્યાં જ રહીને પોતાનો બિઝનેસ કરતા હતા પરંતુ ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારની કાર્યવાહી શરૂ કરી પછી તેમને બ્રિટનમાં રહેવાનું સલામત ન લાગ્યું એટલે દુબઈ પહોંચી ગયા. મિશેલ એવા ભ્રમમાં રહ્યા કે યુએઈમાં તેમનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. તેને એવું લાગે એ માટે કારણ પણ છે, કે દુનિયાના અને ખાસ કરીને ભારતના ઘણા અપરાધીઓ ત્યાં જઈને વસી ગયા છે. ત્યાં તેમની ધરપકડ થઈ ગઈ. આ ધરપકડ વિશે બે અલગ અલગ થીયરી ચાલે છે. મિશેલનો પોતાનો દાવો એવો છે કે ભારત સરકારે યુએઈના શાસક ઉપર અંગત સંબંધોનું દબાણ લાવીને તેની ધરપકડ કરાવી. પણ ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે યુએઈમાં મિશેલની ધરપકડમાં ભારતનો કોઈ હાથ નથી. બસ તેની ધરપકડ થયા પછી પ્રત્યાર્પણ કરીને અહીં લાવવા માટે જ સીબીઆઈ સક્રિય થઈ હતી. નરેન્દ્ર મોદી સરકારે રાજદ્વારી પગલાં લેવા ઉપરાંત વડાપ્રધાન મોદીએ અંગત કૂટનીતિક સંબંધોનો ઉપયોગ કરીને મિશેલનું પ્રત્યાર્પણ કરાવી દીધું.
મિશેલ સીબીઆઈની કસ્ટડીમાં છે. સીબીઆઈનો દાવો છે કે આ સમગ્ર સોદામાં થયેલા કૌભાંડ અંગે મિલાનની પોલીસે એકત્ર કરેલા પુરાવા તેની પાસે છે. એ દસ્તાવેજો ઇટાલિયન ભાષામાં હતા અને તેનું અંગ્રેજી ભાષાંતર દિલ્હીની વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાત ભાષાંતરકારો પાસે કરાવવામાં આવ્યું છે. આ બધા પુરાવા ઉપરાંત જે સૌથી નોંધપાત્ર પુરાવો તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો છે તે મિશેલ તેમજ તેના સાથીદારની ડાયરી છે. સામાન્ય રીતે ડાયરીની નોંધ અદાલતમાં પુરાવા તરીકે ટકી શકતી નથી. પરંતુ પૂછપરછ અને રિમાન્ડની કાર્યવાહી દરમિયાન આરોપી જો એ ડાયરીની નોંધો પોતે જ લખેલી છે તે સ્વીકારી લે તથા તેમાં કોડવર્ડમાં લખેલી વિગતોનો ખરેખર અર્થ શો થાય છે એ સ્પષ્ટ કરી દે તો એ પુરાવો માન્ય ગણાય. જોવાનું એ રહે છે કે મિશેલ તેની ડાયરીની કોડવર્ડની ભાષાના સાચા અર્થ જાહેર કરવા તૈયાર છે કે કેમ.
અગાઉ કહ્યું તેમ આ કેસ 2014ની લોકસભા ચૂંટણીના પ્રચારમાં પણ ઊછળ્યો હતો અને ત્યારબાદ પણ સતત તેના વિશે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થતા રહ્યા છે. સીબીઆઈએ માર્ચ 2017માં પહેલી ચાર્જશિટ દાખલ કરી હતી. તેના આધારે એરફોર્સના ભૂતપૂર્વ વડા ત્યાગીની ધકપકડ પણ થઈ હતી. તે સમયે સીબીઆઈએ અદાલતમાં એવી રજૂઆત કરી હતી કે આ કેસનો મુખ્ય આરોપી બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન મિશેલ છે અને તેને પકડીને ભારતમાં લાવવામાં આવે તો આ કેસ આગળ વધી શકે તેમ છે. કેમ કે પોતે કોને કોને લાંચ આપીને અગુસ્તાવેસ્ટલેડ વીવીઆઈપી હેલિકૉપ્ટરનો રૂ. 3600 કરોડનો સોદો પાર પડાવવા માગતો હતો તેનો ખુલાસો તો મિશેલ જ કરી શકે. એ દ્રષ્ટિએ મિશેલનું પ્રત્યાર્પણ ભારત માટે નોંધપાત્ર પુરવાર થઈ શકે તેમ છે. અલબત્ત, સીબીઆઈએ સોમવારે મિશેલના વધુ રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું હતું કે મિશેલ તપાસમાં સહકાર નથી આપતા. હવે ચિંતાજનક વાત એ છે કે મિશેલ તપાસમાં સહકાર ન આપે અને પોતે કોઇને લાંચ ચૂકવી નથી એવું રટણ કર્યા કરે તો આખો કેસ લૂલો પડી જશે અને જેમ બોફર્સ તોપ સોદામાં આજ સુધી કોઈ આરોપી પુરવાર થયો નથી તેમ આ કેસમાં પણ નહીં થાય, એવું જોખમ રહેલું છે.
દેશના નાગરિકો નરેન્દ્ર મોદી સરકાર પાસે એ જ આશા રાખે છે કે બોફર્સ જેવા ભ્રષ્ટાચારના અન્ય કેસોની જેમ અગુસ્તાવેસ્ટલેન્ડ હેલિકૉપ્ટરનો કેસ પણ લૂલો ન પડી જાય એ રીતે તેના સજ્જડ પુરાવા એકત્ર કરવા જોઇએ અને અદાલતમાં રજૂ કરવા જોઇએ. ક્રિશ્ચન મિશેલ નામનો ફિરંગી જો કળા કરીને ફેરવી તોળશે તો ભ્રષ્ટાચારનો વધુ એક કેસ માત્ર રાજકીય મુદ્દો બની રહેશે અને ભારતની પ્રજાના મનમાં પણ એ વાત ઘર કરી જશે કે આ દેશમાં ભ્રષ્ટાચારીઓને કોઈ સજા થતી નથી અને ભ્રષ્ટાચાર માત્ર રાજકીય મુદ્દો જ છે!!

Wednesday, December 12, 2018

વિધાનસભા પરિણામઃ ભાજપના બારે વહાણ ડૂબી નથી ગયાં


વિધાનસભા પરિણામઃ ભાજપના બારે વહાણ ડૂબી નથી ગયાં

--- છેતરપિંડીની સામે પ્રામાણિકતા હારે તો એ હાર ન કહેવાય. જુઠાણાની સામે સચ્ચાઈ હારે તો એ હાર ન કહેવાય. સ્વાર્થી ભારતીયોને ઠગભગતો પસંદ છે, કર્મયોગી નહીં, એવું લાગે – છતાં... સાધુના વેશમાં આવતો રાવણ માતા સીતાનું હરણ કરી શકે, પણ તેમને જીતી ન શકે

-- અલકેશ પટેલ

વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી ઘણી મોટી સંખ્યામાં લોકો સ્તબ્ધ થઈ ગયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ – ત્રણે રાજ્યમાં આ સ્થિતિ શા માટે થઈ એ વાત તેઓ સમજી નથી શકતા, સ્વીકારી નથી શકતા. આવું થવું સ્વાભાવિક છે. જે રાજકીય પક્ષ નાગરિકો વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યા વગર તમામને સાથે લઇને ચાલવા માગતો હોય એ પક્ષ દેશને દાયકાઓથી જ્ઞાતિવાદ-જાતિવાદમાં વહેંચી રહેલા પક્ષ સામે ચૂંટણી હારી જાય તો રાષ્ટ્રવાદી નાગરિકોને આઘાત લાગે એ સ્વાભાવિક છે. જે પક્ષ અને જે નેતા ચોવીસે કલાક માત્ર રાષ્ટ્રને આગળ વધારવાના વિચારો અને આયોજનમાં વ્યસ્ત હોય એ પક્ષ અને એ નેતા અલગ અલગ રાજ્યોમાં બહુરૂપીની જેમ વર્તન કરતા પક્ષ અને નેતા સામે હારી જાય ત્યારે રાષ્ટ્ર પ્રત્યે સાચી લાગણી ધરાવતા લોકોને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પરંતુ બે ક્ષણ રોકાઈને, એક ઊંડો શ્વાસ લઈને પછી વિચારણા કરવામાં આવે તો ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થઈ શકે તેમ છે.
પાંચમાંથી ત્રણ રાજ્યનાં પરિણામમાં – આ શું થઈ ગયું? - એવું વિચારવાને બદલે – આવું કેમ થયું? – એ વિચારણા થવી જોઇએ, એ માટે મંથન થવું જોઇએ. ત્રણ રાજ્યમાં આવાં પરિણામ આવવાના દેખીતી રીતે બે કારણ છે, એક બાહ્ય કારણ છે - બીજું આંતરિક કારણ છે. બાહ્ય કારણો વિશે લગભગ બધાને ખબર છે. મોટાભાગના લોકો જાણે છે કે દેશના સરેરાશ નાગરિકને પેટ્રોલનો ચાર-પાંચ રૂપિયાનો વધારો આકરો લાગે છે. મોટાભાગના લોકો જાણે છે કે દેશના સરેરાશ ખેડૂતની વિચારશક્તિ લોનમાફીથી આગળ વધતી નથી. મોટાભાગના લોકો જાણે છે કે દેશનો સરેરાશ નાગરિક એ હદે સ્વાર્થી છે કે પોતાના અંગત લાભ માટે દેશનું હિત જોખમાતું હોય તો પણ એ વિશે ચિંતા કરતો નથી.
આ અને આવા બીજા અનેક બાહ્ય કારણોની સામે જે આંતરિક કારણો છે તે વધારે જોખમી છે. એ આંતરિક કારણો દેશ માટે વધારે ઘાતક છે. આ આંતરિક કારણો વિશે ખાસ કોઈ ચર્ચા થતી નથી અને જાહેરમાં બોલવાની કોઈ હિંમત કરતું નથી તેથી એ છૂપાવેશમાં જ રહે છે અને મોકો જોઇને ડંખ મારી જાય છે. એ કારણો છે – તીવ્ર જાતિવાદ અને તીવ્ર ધર્મવાદ. આ બંને બાબતોનું તન-મન-ધનથી પાલનપોષણ થાય છે વિદેશી હસ્તક્ષેપ દ્વારા. અગાઉ કહ્યું તેમ, આ દેશનો સરેરાશ નાગરિક એ હદે સ્વાર્થી છે કે પોતાના અંગત લાભ માટે રાષ્ટ્રીય હિતને પણ ધક્કો મારી દેવા તૈયાર હોય છે. પાંચ-પચીસ રૂપિયા માટે ધર્માંતર કરી લેતો ભારતનો સરેરાશ નાગરિક ઢોંગી હિન્દુઓથી છેતરાઈ જાય છે એ આજની વાસ્તવિકતા છે. ભારતનો સ્વાર્થી સરેરાશ નાગરિક સાધુના વેશમાં આવતા રાવણને ભીક્ષા આપવા લક્ષ્મણ રેખા ઓળંગી જાય છે, પરંતુ એક સાચા કર્મયોગીના પ્રયાસોની હાંસી ઉડાવે છે!
આમછતાં, ત્રણ રાજ્યના જે પરિણામ આવ્યાં છે તેના ઉપર સૂક્ષ્મ નજર કરીએ તો પરિસ્થિતિ સાવ નિરાશાજનક નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢનાં પરિણામોને આધારે નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા યોગી આદિત્યનાથને સલાહ આપવા હાલી નીકળેલા કથિત બુદ્ધિજીવીઓ, કથિત નકલી હિન્દુવાદીઓમાં એવું સાચું બોલવાની હિંમત નથી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તો હાર-જીતનું અંતર એ હદે મોટું નથી કે તેને સંપૂર્ણ હારમાં ખપાવી દઈ શકાય.
હા, એ ખરું કે હાર એ હાર છે. પણ ભાજપની આ હાર કેમ થઈ? - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ખેડૂતો વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ દલિત વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ઓબીસી વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ સવર્ણ વિરોધી છે. – ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ મુસ્લિમો વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ મહિલા વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ અનામત વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ ગરીબ વિરોધી છે. - ભાજપની હાર થઈ કેમ કે, વિરોધ પક્ષો એવો ખોટો પ્રચાર કરવામાં સફળ રહ્યા કે નરેન્દ્ર મોદી અને ભાજપ વેપારીઓ વિરોધી છે.
બહુરૂપી રાજકારણીઓના આ બધા અપ-પ્રચારમાં સ્વાર્થી ભારતીયો સપડાઈ રહ્યા છે અને માત્ર પોતાના પગ ઉપર જ નહીં, પોતાની આગામી પેઢીના પગ ઉપર પણ જાતે જ કુહાડા મારી રહ્યા છે.
ચિંતા એ વાતની છે કે મત આપતા પહેલાં સ્વાર્થી ભારતીયો એટલું પણ નથી વિચારતા કે, તેમની સ્થિતિમાં સાત દાયકા સુધી સુધારો નહીં લાવી શકનાર બહુરૂપીયાઓની વાત ઉપર વિશ્વાસ કરવો જોઇએ કે પછી કર્મયોગીની જેમ નિષ્ઠાપૂર્વક મહેનત કરનાર ઉપર વિશ્વાસ જોઇએ? મત આપતા પહેલાં સ્વાર્થી ભારતીયો એટલું પણ નથી વિચારતા કે, મફતની ચીજો કાયમ માટે મળતી નથી, ક્યારેક તો મહેનત કરવી પડતી હોય છે – મહેનત કરવી જોઇએ.
ખેર, આ બધી ચિંતા અને ચિંતન છતાં, એટલું તો નિશ્ચિત છે કે ભાજપના બારે વહાણ ડૂબી ગયાં નથી. દરેક સમય એક સરખો હોતો નથી. આ દેશ સુભાષચંદ્ર બોઝની મહેનત, પ્રામાણિકતા અને નિષ્ઠાને સમજી નથી શક્યો. આ દેશ સરદાર વલ્લભભાઈ પટેલની મહેતન, પ્રામાણિકતા અને નિષ્ઠાને સમજી નથી શક્યો. આ દેશ મોરારજી દેસાઈની મહેનત, પ્રામાણિકતા અને નિષ્ઠાને પચાવી નથી શક્યો. અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની રાષ્ટ્રભાવના હજુ આજ સુધી સમજાઈ નથી એવા આ દેશના અનેક નાગરિકો બહુરૂપિયા રાજકારણીઓની જાળમાં સપડાય ત્યારે ચિંતા તો થાય... છતાં ઊંડે ઊંડે એવી આશા અને શ્રદ્ધા છે કે શ્રીરામ અને શ્રીકૃષ્ણની પરંપરાનો આ દેશ 2019નું મહાભારતનું યુદ્ધ હારશે પણ નહીં અને યોગી-કર્મયોગીને હારવા દેશે પણ નહીં.

Monday, December 3, 2018

ખેડૂતને ‘અન્નદાતા’માંથી ‘મતદાતા’ કોણે બનાવ્યો?


ખેડૂતને અન્નદાતામાંથી મતદાતા કોણે બનાવ્યો?

ગયા અઠવાડિયે રાજધાની દિલ્હીમાં ખેડૂત રેલીના નામે સર્વત્ર લાલ ઝંડા દેખાયા. આવું જ કંઇક દૃશ્ય થોડા મહિના પહેલાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. લાગે છે કે વિપક્ષો ખેડૂતને પણ રાજકીય હથિયાર બનાવી દેશે


--- અલકેશ પટેલ

30 નવેમ્બરને શુક્રવારે સર્વત્ર માત્ર ખેડૂત રેલીની ચર્ચા હતી, પણ વાસ્તવમાં એ રેલી સાચા ખેડૂતોની હતી કે કેમ તે અંગે આશંકા છે. હજુ ગયા મહિને જ, એટલે કે ઑક્ટોબરમાં દિલ્હી આસપાસના ખેડૂતો કૂચ કરીને રાજઘાની પહોંચ્યા હતા અને ચક્કાજામ તથા હિંસાની નાની-મોટી ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ સાથેની ખેડૂત આગેવાનોની મુલાકાત થઈ હતી અને સરકારે ખેડૂતોની મોટાભાગની માગણી સ્વીકારી લીધી છે એવી જાહેરાત સાથે બધા વિખેરાઈ ગયા હતા. એ દિવસે એ ખેડૂત રેલીમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના ઝંડા દેખાતા હતા. જ્યારે ગત શુક્રવારે જે કથિત ખેડૂત રેલી હતી તેમાં સર્વત્ર માત્ર ડાબેરીઓના લાલ ઝંડા દેખાતા હતા.
ખેડૂતોની સમસ્યાઓ અને ખેડૂતોની માગણીઓ પ્રત્યે પૂરી લાગણી છતાં એવું લાગ્યા કરે છે કે ક્યાંક ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમને અન્નદાતામાંથી હવે મતદાતા બનાવવામાં આવી રહ્યા છે! વિરોધ પક્ષોને રાજનીતિ કરવાનો પૂરો અધિકાર છે. વિરોધ પક્ષોને દેશની સાચી સમસ્યાઓ ઉઠાવીને જે તે વર્ગને ન્યાય, અધિકાર અને સમાનતા મળે એ માટે સંઘર્ષ અને આંદોલન કરવાનો પૂરો અધિકાર છે. આમછતાં ખેદ સાથે કહેવું પડે છે કે આ વિરોધ પક્ષો હાલ જે કરી રહ્યા છે તેમાં કોઇપણ વર્ગનું કે પછી દેશનું હિત સચવાયેલું હોય એમ લાગતું નથી. વિરોધ પક્ષો હાલ જે કંઈ કરી રહ્યા છે તેના પરથી તો એવું સ્પષ્ટ થાય છે કે તેઓ હવે ખેડૂતોનો પણ રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા માગે છે.
આવું લાગવાનું સ્પષ્ટ કારણ એ છે કે શુક્રવારે દિલ્હીમાં લાલ ઝંડા સાથે ખેડૂતો આવી પહોંચ્યા ત્યારે એ જાહેરસભાના સ્થળે મંચ ઉપર કોઈ ખેડૂત નેતા ખેડૂત અગ્રણી હોવાને બદલે માત્ર કોંગ્રેસ, ડાબેરીઓ, આમ આદમી પાર્ટી, નેશનલ કૉન્ફરન્સના ફારુક અબ્દુલ્લા જેવા રાજકારણીઓ જ હતા.
હવે તેનાથી વિરુદ્ધની પરિસ્થિતિ જોઇએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતલક્ષી પગલાં લેતી હોય એવું દેખાઈ તો રહ્યું છે. મોદી સરકારે પાક વીમા યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાઓ તો ચાર વર્ષ પહેલાં જ શરૂ કરેલી છે. તે ઉપરાંત બે મહિના પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની જાહેરાત કરી હતી અને તે અનુસાર કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ તેનો અમલ પણ શરૂ થયો છે. કેન્દ્ર સરકારની આ નીતિઓનો અમલ પંદરેક રાજ્યોમાં ભાજપની સરકારોએ પણ કર્યો છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ અર્થાત જમીનની ચકાસણી અનુસાર તેની માવજત અને પાક લેવાની સલાહ ખેડૂતોને આપવાની નીતિ અખત્યાર કરવામાં આવી હતી એ જ નીતિ કેન્દ્રીય સ્તરે સાડા ચાર વર્ષ પહેલાં શરૂ થઈ હતી.
મોદી સરકારે સ્વામીનાથન પંચની ઘણી ખરી ભલામણોનો પણ અમલ કર્યો હોવાનું અનેક ખેડૂત અગ્રણીઓ જાહેરમાં સ્વીકારે છે.
જો ખેડૂતો માટે આટલું થઈ રહ્યું હોય તો પછી વિરોધ પક્ષો વિવિધ રાજ્યમાં તેમજ રાજધાની દિલ્હીમાં જે મોરચા કાઢે છે તેની વાસ્તવિકતાની ચકાસણી તટસ્થ ભાવે કરવી રહી. ફરી એક વખત સ્પષ્ટતા કરું છું કે ખેડૂતોની કોઈ સમસ્યાઓ નથી એવું કહેવાનો કોઈ આશય નથી. ખેડૂતો સિંચાઈના પાણીથી માંડીને વીજળી, ખાતર, ઉપજ અને તેના વેચાણની સમસ્યાઓનો સામનો કરતા હશે તેમાં શંકા નથી. પરંતુ તેનો અર્થ એવો થાય ખરો કે દર બે-ત્રણ મહિને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવે?
2014 પહેલાં શું ખેડૂતો આ રીતે વારંવાર રેલી યોજતા હતા? 2014 પહેલાં શું ખેડૂતોને આજના જેટલી સમસ્યાઓ નહોતી? 2014થી 2018ની વચ્ચે ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે કે ઘટાડો? આ સવાલો અંગે ખેડૂતોએ પોતે, ખેડૂત અગ્રણીઓએ તેમજ સામાન્ય જનતાએ તટસ્થ રીતે વિચાર કરવો પડશે. અને જો તટસ્થભાવે વિચાર કરવામાં આવશે તો ખાતરીપૂર્વક કહું છું કે ખેડૂતોની સમસ્યાના નામે રાજકીય પક્ષો તેમની ખીચડી પકાવવા મથામણ કરી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાના નામે છેલ્લા ચાર-સાડા ચાર વર્ષથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા રાજકારણીઓ પોતાનું રાજકીય જીવન ફરી ચમકાવવા માટે ખેડૂતોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
લાલ ઝંડા હેઠળ, સપાના ઝંડા હેઠળ, બસપાના ઝંડા હેઠળ રેલી કાઢવાથી હકીકતે દેશ જેને અન્નદાતા તરીકે ઓળખે છે તે હવે મતદાતા બની રહ્યો છે, એ વાત ખેડૂતોએ પોતે પણ સમજવી પડશે.