Sunday, October 6, 2019

લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું! (હિન્દુત્વ ઓળખની કટોકટી (03)


લો બોલો, હિન્દુત્વ 20મી સદીમાં અસ્તિત્વમાં આવ્યું!
(હિન્દુત્વ ઓળખની કટોકટી (03)
--- ગત અઠવાડિયામાં બે આસિસ્ટન્ટ પ્રોફેસરે હિન્દુત્વ વિરુદ્ધ ઝેર ઓકીને સનાતનને નબળો પાડવાના આંતરરાષ્ટ્રીય કાવતરામાં પોતાનો સહયોગ આપ્યો છે!




--- અલકેશ પટેલ
ગયા અઠવાડિયે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે સનાતન હિન્દુ ધર્મ વિશે એવાં નિવેદન કર્યાં છે જે હાસ્યાસ્પદ અને તદ્દન ખોટાં હોવા છતાં તેની ઉપેક્ષા કરીને એ તરફ આંખ આડા કાન ન કરી શકાય. જો ઉપેક્ષા કરીને આંખ આડા કાન કરીએ તો આજની જે #યો_યો_પેઢી છે તેને એમ જ લાગશે કે આ બંને મહિલા પ્રોફેસરની બેહુદી વાતોનો કોઈ જવાબ નથી આપતું એટલે દાલ મેં કુછ કાલા હોગા.
ના યુવા મિત્રો. આપણી દાળમાં કશું જ કાળું નથી. જે કંઈ કાળું છે એ ધર્માંતરના ધંધાદારીઓના પક્ષે છે.
જે બે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરની વાત છે તેમાંનાં એક છે દિવ્યા દ્વિવેદી. તેઓ આઈઆઈટીમાં ભણાવેછે. અને બીજાં છે ઓદ્રે ટ્રુશેક (Audrey Truschke), જે ન્યૂયોર્કમાં છે.
દિવ્યાબહેને ભારતમાં ટૂકડે ગેંગના પ્રવક્તા તરીકે જાણીતી એક સમાચાર ચૅનલની ચર્ચામાં એવું ભવ્ય નિવેદન કર્યું કે, હિન્દુત્વનો પ્રારંભ તો હજુ 20મી સદીના પ્રારંભે થયો. આ દિવ્યાબહેનની અટક દ્વિવેદી છે. બે વેદના જાણકાર પરંપરાના કૂળનાં! અને છતાં તેમણે સનાતન હિન્દુ ધર્મને 20મી સદીનો ગણાવ્યો. બીજી તરફ ઓદ્રે ટ્રુશેકે ન્યૂયોર્કમાં પાંચ-પંદર લોકોની જંગી રેલીમાં નિવેદન ઠપકારી દીધું કે હિન્દુઓ અને નાઝીઓની વિચારધારા એક છે!
હકીકતે આવાં જૂઠાણાં ફેલાવીને ભ્રમ ઊભો કરવાનું એક વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું છે. આ કાવતરાંના સૂત્રધારો વેટિકનમાં અને સાઉદીમાં બેઠા છે. તેઓ નાણાંના જોરે કોઇને પણ ખરીદી શકે છે અને અનેક પ્રકારના દબાણ, લોભ, લાલચ હેઠળ ધર્માંતર કરાવીને પોતે ધારે એ બોલાવી શકે છે.
તો પછી આ સંજોગોમાં આપણે શું કરવું જોઇએ? આપણે વેદ વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણે ભગવદ્ ગીતા વાંચીને સજ્જ થવું જોઇએ. આપણે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, એની બેસંટ, શ્યામજી કૃષ્ણવર્મા, વીર સાવરકર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય વગેરે સંતો અને મહાનુભાવો હિન્દુત્વ વિશે તેમજ હિન્દુત્વને બચાવવા અંગે શું કહ્યું છે તે વાંચવું જોઇએ, તેનો ફેલાવો કરવો જોઇએ. આ બધાની સાથે સાથે આપણે રાજીવ મલ્હોત્રા તથા અરવિંદન નીલકાનંદન દ્વારા લખવામાં આવેલું બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક વાંચવું જોઇએ જે ભારત વિખન્ડન નામે આ પુસ્તક હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને ખૂબ ટૂંક સમયમાં તે ગુજરાતીમાં પણ વાંચવા મળશે.
આપણી બે પ્રકારની સમસ્યા છે અને તેમાંથી જો બહાર આવી શકીએ તો ઉપરોક્ત બંને મહિલા પ્રોફેસર તેમજ તેમના જેવા બીજા ડાબેરી સમર્થિત લોકો તેમજ અર્બન નક્સલવાદીઓ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ તેમજ આપણી પરંપરાઓ વિશે જે જૂઠાણા ફેલાવે છે તે અટકાવી શકાય.
આપણી પહેલી સમસ્યા- વેદ, ઓમકાર, ભગવદ્ ગીતા વિશે જાણતા નથી એ છે. અને એ જ કારણે ઊભી થતી બીજી સમસ્યા એ છે કે આપણી વિરુદ્ધ ફેલાવાતા જૂઠાણાનો જવાબ આપી શકતા નથી. એક મોટો અનર્થ એ થયો છે કે ઘણા દાયકાથી ગુજરાત સહિત ભારતમાં ઠેરઠેર કથાકારો વધી ગયા છે. આ કથાકારો સનાતન ધર્મ મજબૂત બને એવું કશું કામ કરવાને બદલે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલાની વાતો કર્યા કરે છે. આવી કથાઓથી એ કથાકારો પોતે સેલિબ્રિટી થઈ ગયા, પુષ્કળ ધન કમાયા, મોટા આશ્રમો બનાવી દીધા...અને ભોળી પ્રજા દિવસોના દિવસો સુધી કલાકોના કલાકો એ કથાકારોની સામે બેસી રહી અને નબળી બનતી રહી.
ભોળી પ્રજાએ લાખો માનવ કલાકો આ રીતે માત્ર કૃષ્ણ લીલા અને રામ લીલા સાંભળવામાં વેડફી નાખ્યા. દેશ ગંદકી અને ગરીબીમાં સબડતો રહ્યો. સામે વિદેશીઓની ધર્માંતર પ્રવૃત્તિઓ અટકાવી શકાઈ નહીં. ઉલટાનું નરેન્દ્ર મોદી જેવા નેતાએ આવીને પરિશ્રમ અને સ્વચ્છતાની વાત કરીને દેશને પ્રગતિની દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો તો ધર્માંતરની ધંધાદારી કાવતરા ટોળકીએ નરેન્દ્ર મોદીને જ નિશાન બનાવીને બદનામ કરવાનું શરૂ કર્યું. રાજકીય વિરોધીઓ આવી સ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે તત્પર હોય એ સમજી શકાય, પરંતુ પ્રજા પણ તેમની વાતમાં આવી જશે તો ધર્માંતરના ધંધાદારીઓનાં કાવતરાં સફળ થશે એ નક્કી છે. સનાતન હિન્દુત્વ ઓળખની કટોકટીનું આ પણ એક ચિંતાજનક પાસું છે. તેની સામે ચેતી જવા માટે આ છેલ્લી તક છે.#અલકેશ.

Tuesday, October 1, 2019

મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી


મનુવાદ, આંબેડકરવાદ અને ભીમઆર્મી
(હિન્દુત્વ ઓળખની કટોકટી (02)
--- એક વીડિયો આજકાલ બહુ વાયરલ થયો છે જેમાં કેટલાક તત્વો બંધારણનું નામ આગળ ધરીને મંગળસૂત્ર જેવાં હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. સવાલ એ છે કે કોણ હશે આ તત્વો?

--- અલકેશ પટેલ

મંગળસૂત્રથી પતિનું રક્ષણ ના થાય, એ તો બંધારણથી થાય...આવાં કંઇક સંદિગ્ધ અને તદ્દન ઉપજાવી કાઢેલાં નિવેદનો સાથે કેટલાક તત્વો દ્વારા હિન્દુ સ્ત્રીઓના ગળામાંથી મંગળસૂત્ર ઊતરાવી તોડી નાખવામાં આવે છે, હિન્દુ પુરુષોના હાથમાંથી પવિત્ર નાડાછડી તોડાવી નખાવવામાં આવે છે – આવો એક વીડિયો આજકાલ વાયરલ થયો છે. એ વીડિયો બનાવનારા અને તેને વાયરલ કરનારા એ તત્વો પોતે જ છે જેમને હિન્દુત્વ સામે વાંધો છે.
આશ્ચર્ય, દુઃખ અને આઘાતની વાત એ છે કે કથિત રીતે ભીમ આર્મીના નામે રસ્તા ઉપર નીકળેલા આ લોકો બંધારણના નામે હિન્દુત્વનાં પ્રતીકોનું અપમાન કરી રહ્યા છે. આ તત્વો ડૉ. ભીમરાવ આંબેડકરનું અને બંધારણનું નામ લે છે ત્યારે તેઓ કઈ હદે ગેરમાર્ગે દોરાયેલા છે તેનો ખ્યાલ આવે છે.
કોણ હોઈ શકે આ ભીમ આર્મી વાળા?
ભીમઆર્મી વાળા ડૉ. આંબેડકરનું નામ લે છે. ડૉ. આંબેડકરના ફોટાનો ઉપયોગ કરે છે. પણ હકીકતે શું આ લોકોને ડૉ. આંબેડકર સાથે કોઈ લેવાદેવા હશે ખરી? ના, હરગીઝ નહીં. ડૉ. આંબેડકરે હિન્દુત્વનો ત્યાગ કર્યો હતો, પણ ધર્મનું અપમાન નહોતું કર્યું. મને ખાતરી છે કે આંબેડકરને સાચી રીતે ઓળખનારા લોકો પણ હિન્દુત્વનું અપમાન કરવામાં સામેલ નથી. તો પછી કોણ છે આ બધા?
આ બધા હકીકતે અર્બન નક્સલવાદીઓના રવાડે ચડેલા નિર્દોષ લોકો છે. આ બધા ઓવૈસી જેવા જેહાદી તત્વોના રવાડે ચડેલા મુઠ્ઠીભર ભાંગફોડિયા તત્વો છે જેમને મૂળભૂત રીતે હિન્દુત્વ સામે વાંધો છે. આ બધા ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિથી ભરમાઈ ગયેલા લોકો છે.
અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરીઓ દ્વારા ભારતના આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગોમાં અવિશ્વાસ અને વિખવાદનાં મૂળિયાં રોપવાનું કામ ચાલુ જ છે અને તેનું જ આ પરિણામ છે કે ગેરમાર્ગે દોરાયેલા ભોળા અને નિર્દોષ લોકો ભીમઆર્મીના નામે પોતાના જ મૂળ ધર્મ અને સંસ્કારોનું અપમાન કરવા તૈયાર થઈ ગયા છે. અને વધારે કમનસીબી એ છે કે આ કામમાં મહિલાઓને જ હાથો બનાવવામાં આવી રહી છે! ભીમ આર્મીના ભુરા ખેસ નાખીને મહિલાઓ એ જ મૂળિયાં ઉખાડી રહી છે જેના ઉપર તેમના પોતાના વંશજો જીવ્યા હતા.
બંધારણ તો એમ કહે છે કે દેશમાં દરેક નાગરિકને પોતાના ધર્મનું પાલન કરવાની, પોતાની પરંપરાઓ આગળ વધારવાની સ્વતંત્રતા છે...તો પછી આ અર્બન નક્સલીઓ, જેહાદીઓ તેમજ મિશનરી વાળા હિન્દુ પરંપરાઓ ઉપર શા માટે પ્રહાર કરે છે? કોઈ હિન્દુ સંગઠન અથવા સંસ્થાઓને લાલચ કે ધામધમકીથી કોઈનું ધર્માંતર કરાવતા કે કોઈના ધર્મનાં પ્રતીકો તોડતા જોયા છે કદી?
તો પછી મૂળ હિન્દુત્વના આ દેશમાં આ બધું શું થઈ રહ્યું છે? હિન્દુ તેના પોતાના દેશમાં પોતાના ધર્મનું, પોતાના સંસ્કારોનું, પોતાની પરંપરાઓનું પાલન નહીં કરે તો ક્યાં જઇને કરશે? શું એ શક્ય છે કે કોઈ ખ્રિસ્તી દેશમાં ભીમ આર્મી જેવા કોઈ સંગઠન જાહેરમાં ત્યાંના મૂળભૂત સમુદાયના લોકોને જીસસનો ક્રૉસ ઉતારી નાખવાનું કહી શકે? અથવા કોઈ ઇસ્લામિક દેશમાં ત્યાંની મહિલાઓને બુરખા કાઢીને ફેંકી દેવાનું કહેવાની હિંમત છે?
તો પછી ભારતમાં આવું શા માટે?
ભારતમાં એવું એટલા માટે કે મિશનરીઓ તેમજ જેહાદીઓને હજારો-હજારો વર્ષ જૂનો અને સૌથી પવિત્ર હિન્દુ ધર્મ પસંદ નથી. એમને તો કોઇપણ રીતે સનાતનને ખતમ કરી દેવો છે જેથી તેમની પોતાની ધાર્મિક દુકાનો ચાલી શકે. અને તેમના આ કાવતરાંમાં અર્બન નક્સલીઓ મદદ કરી રહ્યા છે.
અર્બન નક્સલીઓ આ સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોની વચ્ચે જઇને એવી ભ્રમણા ઊભી કરી રહ્યા છે કે તેમની એ સ્થિતિનું કારણ મનુવાદ છે. આ અર્બન નક્સલીઓ અનેક દાયકાથી આ ધંધો કરી રહ્યા છે અને ભલા-ભોળા લોકો અર્બન નક્સલીઓની વાતમાં ફસાઈને ભીમ આર્મી જેવાં સંગઠનો ઊભા કરે છે.
સાચી વાત તો એ છે કે આ ભલા-ભોળા લોકો નથી બંધારણ વિશે કશું જાણતા, નથી આંબેડકર વિશે કશું જાણતા, કે પછી નથી તેમની પાસે હિન્દુત્વ અને મનુવાદ વિશેની સાચી માહિતી.
આ દેશમાં હજુ પણ શિક્ષણનું પ્રમાણ ઓછું છે. પરિણામે સ્વાભાવિક રીતે સામાજિક-આર્થિક રીતે નબળા લોકો વાંચી-લખી ન શકે અને તેથી તેમને કોઇપણ વિષયની પ્રાથમિક અને સાચી માહિતી ન હોય. તેનો ગેરલાભ આ અર્બન નક્સલીઓ-જેહાદીઓ-મિશનરીઓની ત્રેખડ ટોળી ઊઠાવી રહી છે.
મંગળસૂત્ર અને નાડાછડી જેવાં પવિત્ર પ્રતીકો તોડીને તેમાંથી કહેવાતી મુક્તિના નામે ભુરા (બ્લુ) ખેસની ગુલામીમાં સપડાયેલા લોકોને અટકાવવાનું અને પાછા વાળવાનું કામ સાધુ-સંતોએ જ કરવું પડશે. આ અમારું કામ નથી એવું કહીને જો સાધુ-સંતો નિષ્ક્રિય રહેશે તો અર્બન નક્સલો-જેહાદીઓ-મિશનરીઓની ટોળી જે કામગીરી કરી રહી છે તેને કારણે કેટલાક દાયકા પછી તમારી રામાયણ કે ભાગવત્ કથા સાંભળનાર પણ બચશે નહીં એટલી દીર્ઘદ્રષ્ટિ સાધુ-સંતોમાં હોવી જોઇએ એવી અપેક્ષા...#અલકેશ.

Sunday, September 29, 2019

હિન્દુત્વ માટે ઓળખની કટોકટી ઊભી થઈ રહી છે



હિન્દુત્વ માટે ઓળખની કટોકટી ઊભી થઈ રહી છે
(01)
--- MyIndMakers વેબસાઇટમાં આજે (29-09-2019) વહેલી સવારે એક લેખ વાંચ્યો. વિદેશમાં વસતા ભારતીય હિન્દુ માતા-પિતાની વ્યથા વ્યક્ત કરતો એ લેખ વાંચીને ચિંતા તો થઈ, પણ સાથે ભયનું લખલખું પસાર થઈ ગયું કે...

--- અલકેશ પટેલ

અમને ડર લાગે છે કે અમારાં બાળકો આગળ જતાં ધર્માંતર કરી લેશે. અમને આવું એટલા માટે લાગે છે કે સ્કૂલમાં અન્ય ધર્મના વિદ્યાર્થીઓ હિન્દુ ધર્મની, હિન્દુ દેવી-દેવતાઓની હાંસી ઉડાવે છે અને અમારાં બાળકો તેનો જવાબ નથી આપી શકતાં, ક્યારેક રડી પડે છે અને ઘરે આવે ત્યારે હતાશ હોય છે... (https://myind.net/Home/viewArticle/why-cant-my-child-defend-his-faith-a-hindu-american-father-asks)  
એ સાચું કે આપણે એટલે કે સનાતનીઓ હિન્દુત્વ ખતરામાં છે એવું બોલીને કદી ઉશ્કેરણી કરવાના નથી. એ પણ સાચું કે આપણે અન્ય ધર્મના લોકોને હિન્દુત્વમાં લાવવા કોઇપણ પદ્ધતિ (સામ, દામ, દંડ, ભેદ) નો ઉપયોગ નથી જ કરવાના. અરે, આપણી નજર સામે ધર્માંતર કરી દેનાર આપણા જ સમુદાયના લોકોને ઘરવાપસી કરાવવા માટે પણ આપણે હિંમત નથી કરતા. કદાચ આ જ કારણે આજે આપણે એવા ત્રિભેટે આવીને ઊભા છીએ કે આપણી સાચી ઓળખ કઈ છે એ જ મોટાભાગનાને ખબર નથી.
લેખની શરૂઆતમાં જે કંઈ કહ્યું તે વિદેશમાં વસતા ભારતીય વાલીઓની વ્યથાનો ચિતાર છે. અને વાસ્તવિકતા પણ છે. ભારતની અંદર, આપણી આસપાસ, આપણી શાળાઓમાં, આપણાં પુસ્તકોમાં હિન્દુત્વની હાંસી ઉડાવવામાં આવે છે છતાં આપણે તેનો મક્કમપણે જવાબ આપીને એવાં તત્વોને અટકાવી નથી શકતા, તો વિદેશી ધરતી ઉપર તો એ કેવી રીતે શક્ય બને?
અહીં ઉપર MyIndMakers ની જે લિંક આપી છે તેમાં હિન્દુ વાલીઓની વ્યથા તો છે, સાથે સાથે યહુદી બાળકનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. 10-12-15 વર્ષના હિન્દુ બાળકોની સરખામણીમાં યહુદી બાળકોને તેમના ધર્મ અને તેમની સંસ્કૃતિ વિશે વધારે જાણકારી છે, વધારે ગર્વ છે અને તેથી એ જ ઉંમરનો યહુદી બાળક અન્ય વિધર્મીઓનાં મોં બંધ કરી શકે છે, પણ હિન્દુ બાળકો એવું નથી કરી શકતાં, એટલું જ નહીં પરંતુ ડરી જાય છે અને ધીમે ધીમે હિન્દુ હોવા વિશે શરમ અનુભવવા લાગે છે અને સમય જતાં કદાચ ધર્માંતર પણ કરી લે છે.
મને લાગે છે કે ભગવદ્ ગીતા, આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, વીર સાવરકર, ડેવિડ ફ્રોલી, મારિયા રીથ, કેરોલિના ગોસ્વામી, બ્રેકિંગ ઈન્ડિયા, હિન્દુ મસ્જિદો, સિંહપુરુષ, મારી જન્મટીપ, અવેકનિંગ ભારતમાતા, બિઇંગ ડિફરન્ટ, અવેકન ભારત, આવરણ, હિન્દુ ટેરર  – આ બધાં વ્યક્તિત્વ તેમજ પુસ્તકો વિશેની માહિતી જ્યાં સુધી પ્રત્યેક હિન્દુના ઘરમાં નહીં પહોંચે અને જ્યાં સુધી આટલી બાબતો વિશે પ્રત્યેક પુખ્ત હિન્દુ નહીં જાણે ત્યાં સુધી સનાતન ઉપર જોખમ રહેશે, ત્યાં સુધી સનાતન અને હિન્દુત્વ મજાકનો વિષય બનતો રહેશે, ત્યાં સુધી હિન્દુ બાળકો ડર અને શરમના માર્યા પોતાને હિન્દુ કહેતાં ડરતા રહેશે અને છેવટે ધર્માંતરની દિશામાં ચાલ્યા જશે.
અહીં ઉપર જે વિષયો, વ્યક્તિઓ તેમજ પુસ્તકોની યાદી આપી – એ તમામને તે ઉપરાંત સાચા અર્થમાં હિન્દુત્વને બચાવવા માટે બીજા જે કંઈ પ્રયાસ થઈ રહ્યા છે (અર્થાત એવી વ્યક્તિઓ તથા પુસ્તકોની યાદી હજુ ઘણી લાંબી છે) એ બધાને આગળ વધારવા માટે મારે પણ પ્રયાસ કરવો જોઇએ. હિન્દુત્વના જે બંધ અને સરોવર હું જોઈ રહ્યો છું ત્યાંથી તેની પવિત્ર ધારાને ખોબલે ખોબલે આગળ વધારવાની આજથી શરૂઆત કરું છું. દુનિયાભરના લિબરલ બદમાશો દ્વારા હિન્દુત્વ ઉપર પ્રહાર થઈ રહ્યા હતા ત્યારે તે ખાળવા માટે અલકેશ તેં પોતે શું કર્યું હતું એવો સવાલ ભવિષ્યમાં મારા અંતરમાં ઊભો ન થાય એ માટે આ શ્રેણી શરૂ કરું છું. આશા એવી છે કે હું જે ખોબે ખોબે ઉલેચીને આપું તેને તમે બધા આગળ વધારીને ઝરણું બનાવશો અને એ ઝરણાંને બીજા લોકો આગળ વધારીને એવી ગંગા નદીનું સ્વરૂપ આપશે જે સનાતન હિન્દુત્વ માટે એવું જીવનદાયી બની રહેશે કે ભવિષ્યની પેઢીએ આ લેખની શરૂઆતમાં કહી એવી સ્થિતિનો સામનો જ નહીં કરવો પડે.#અલકેશ. (આસો સુદ એકમ, નવરાત્રી પ્રારંભ)