Saturday, February 9, 2019

રાફેલ વિવાદઃ કોને તારશે? કોને ડુબાડશે?


રાફેલ વિવાદઃ કોને તારશે? કોને ડુબાડશે?

--- દક્ષિણ ભારતના એક અંગ્રેજી અખબારે યુદ્ધ વિમાન રાફેલ સોદાની વાટાઘાટ અંગે તે સમયના સંરક્ષણ સચિવે કરેલી નોંધ પ્રકાશિત કરીને શાંત પડી રહેલા આ વિવાદનો મધપૂડો ફરી છંછેડ્યો છે. હવે આ વિવાદનો ડંખ કોને વાગશે?


-- અલકેશ પટેલ

ફરી એક વખત રાફેલ યુદ્ધ વિમાન વિવાદમાં છે. ફરી એક વખત ઉદ્યોગપતિ અનિલ અંબાણીના ખભે બંદૂક રાખીને નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકવામાં આવી રહ્યું છે. અને આ વખતે સમગ્ર ખેલમાં દક્ષિણ ભારતના એક અખબારનો ઉપયોગ થઈ રહ્યો છે...અથવા કહો કે દક્ષિણ ભારતનું એક અખબાર વાંકું વળીને પોતાની પીઠનો ઉપયોગ કરવા દઈ રહ્યું છે જેથી વિપક્ષો એ પીઠ ઉપર કૂદીને આક્ષેપબાજી કરી શકે. આ અખબારનું નામ છે તો હિન્દુ, પરંતુ હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિ સાથે તેને કેટલું વેર છે એ બાબત જાણકારો સારી રીતે જાણે છે.
ગત આઠ (8) ફેબ્રુઆરીને શુક્રવારે એ અંગ્રેજી અખબારે એક અહેવાલ પ્રકાશિત કરીને થોડા કલાક માટે આખા દેશમાં વિવાદનો વંટોળ જગાવી દીધો. રાફેલ સોદા અંગે 2016માં જે વાતચીત ચાલી રહી હતી તે સમયે સંરક્ષણ ખાતાના એક સચિવને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીઓ એ વાટાઘાટમાં સામેલ થાય એ ગમ્યું નહોતું અને તેમણે એ બાબતે વાટાઘાટો માટેની જે ફાઇલ હોય તેના ઉપર પોતાની નારાજગી દર્શાવતી નોંધ લખી હતી. આ નોંધને આધારે અંગ્રેજી અખબારે એવો દાવો કરી દીધો કે વડાપ્રધાન કાર્યાલયની દખલગીરી ને કારણે રાફેલ સોદો મોંઘો પડ્યો, એટલું જ નહીં પરંતુ આ બધું અનિલ અંબાણીના લાભ માટે કરવામાં આવ્યું હતું..!
ખેર, એ અખબારી સ્વતંત્રતાનો મુદ્દો છે. કયું અખબાર કે મીડિયા ગૃહ કઈ વિચારધારા ધરાવતું હોય છે, તેનો એજન્ડા શું હોય છે- એ બધી અંગત બાબત છે. પરંતુ રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે કોઈ વિચારધારા અને એજન્ડા અંગત ન હોઈ શકે. દેશના સંરક્ષણ દળોની વાત આવે ત્યારે કોઈ વિચારધારા કે એજન્ડા અંગત ન હોઈ શકે. જોકે, કમનસીબે 2014થી આપણો કમનસીબ દેશ - રાજકીય પક્ષોની સાથે સાથે મીડિયાના એક વર્ગ દ્વારા પણ રાષ્ટ્રહિતના વિરોધમાં, સુરક્ષા દળોના વિરોધમાં, હિન્દુત્વ અને સનાતન સંસ્કૃતિના વિરોધમાં અતિશય ઝેરી અપપ્રચારનો અનુભવ કરી રહ્યો છે.
પરંતુ હંમેશાં કહેવાય છે એમ, અસત્યને પગ નથી હોતા અને સત્ય ઢંકાયેલું રહેતું નથી. સત્ય હેરાન થઈ શકે છે. સત્યને મુશ્કેલી પડી શકે છે, પરંતુ સત્ય હારતું નથી. અને એટલે જ શુક્રવારે સવારે દક્ષિણ ભારતના અંગ્રેજી અખબારમાં ભારત સરકારને બદનામ કરીને ભારતીય હવાઈદળનું નૈતિક મનોબળ તોડી નાખવાનો જે હિચકારો પ્રયાસ થયો તેનો રદિયો સાંજ પડતા સુધીમાં ભારતીય હવાઈદળના નિવૃત્ત ઍર માર્શલ એસ.બી.પી. સિંહાએ આપ્યો. ઍર માર્શલ સિંહા પોતે રાફેલ ખરીદવા માટેની વાટાઘાટ સમિતિના ચૅરમેન હતા.
ઍર માર્શલ સિંહાએ જાતે એક ટીવી ચૅનલ ઉપર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અંગ્રેજી અખબારે સંરક્ષણ વિભાગના જે સચિવની નોંધ સાથેનો અહેવાલ પ્રકાશિત કર્યો છે એ શર્મા નામના સચિવ રાફેલ માટેની વાટાઘાટ સમિતિમાં સામેલ જ નહોતા. શર્મા સંરક્ષણ મંત્રાલયમાં કામ કરતા હતા ખરા, પરંતુ રાફેલ વાતચીતમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. તેઓ અન્ય સંરક્ષણ સોદાઓ માટેની સમિતિમાં સંકળાયેલા હતા, રાફેલમાં નહીં.
હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે, વાટાઘાટ કરનારી સમિતિના વડા પોતે જાહેરમાં આવીને સ્પષ્ટતા કરે છે ઉપજાવી કાઢેલો અહેવાલ પ્રકાશિત કરનાર અખબારની વિશ્વસનિયતા કેટલી? અને એ ઉપજાવી કાઢેલા અહેવાલને આધારે પત્રકાર પરિષદ યોજીને નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી ઉપર આક્ષેપબાજી કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિશ્વસનિયતા કેટલી?
રાજકારણ, રાજકીય આક્ષેપબાજી, ચૂંટણી...એ બધું જ તેના સ્થાને છે- પરંતુ વડાપ્રધાન સામે બદલો લેવાના આશયથી, કોઈ ઉદ્યોગગૃહ (રિલાયન્સ) સામે બદલો લેવાના આશયથી રાહુલ ગાંધી પોતે કોઈ અખબારની પીઠ ઉપર ચઢીને દેશની પ્રતિષ્ઠાને નુકસાન થાય, સંરક્ષણ દળોનું મનોબળ તૂટે એ પ્રકારની વાતો કરતા હોય ત્યારે સમજદાર નાગરિકોને ખ્યાલ આવવો જોઇએ કે કોંગ્રેસની દાનતમાં ક્યાંક ખોટ છે. આ તબક્કે નાગરિકોએ એટલું યાદ રાખવું જોઇએ કે, 1) નેશનલ હેરાલ્ડ કૌભાંડમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન ઉપર છે. 2) જમીન કૌભાંડ તેમજ લંડનમાં બેનામી મિલકતોના કેસમાં સોનિયા ગાંધીના જમાઈ અને રાહુલ ગાંધીના બનેવી રૉબર્ટ વાડ્રા (આગોતરા) જામીન ઉપર છે. 3) ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણા પ્રધાન પી. ચિદમ્બરમ્ (કોંગ્રેસ), તેમનાં પત્ની નલિની ચિદમ્બરમ્, તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ – એ ત્રણે ભ્રષ્ટાચાર તેમજ અમર્યાદ સંપત્તિના કેસોમાં જામીન ઉપર છે. 4) કોંગ્રેસ શાસન વખતના વધુ એક કૌભાંડ ઑગસ્ટા વેસ્ટલેન્ડ કેસનો દલાલ ક્રિશ્ચન મિશેલ ભારતની જેલમાં છે. 5) પશ્ચિમ બંગાળમાં અંદાજે 20,000 કરોડ રૂપિયાના શારદા ચીટફંડ કૌભાંડમાં મમતા બેનરજીના ભત્રીજા ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારના કેટલાક પ્રધાનો તેમજ પક્ષના નેતાઓ અને ટીએમસીના ત્રણ સાંસદો સામે કેસ નોંધાયેલા છે.

No comments:

Post a Comment