Saturday, August 11, 2018

ભારત સાથે શાંતિ-કરાર છતાં પાકિસ્તાન બેકરાર છે


--- 1947માં ધર્મના નામે અલગ દેશની રચના કર્યા પછી પણ પાકિસ્તાનને કદી ઝંપ નથી વળ્યો. એ જ વર્ષે એટલે કે ઑક્ટોબર 1947થી જ ભારતમાં સતત ઘૂસણખોરી અને હુમલા કરનાર પાકિસ્તાને કદી શાંતિ કરારોનું માન નથી જાળવ્યું

n  70 વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર, સરહદ વિવાદ, વેપાર, નદીના જળની વહેંચણી, યુદ્ધ વિરામ જેવા કેટલાય વિષયો ઉપર ઓછામાં ઓછા 50 સમજૂતી કરાર થયા છે.

n  જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે જોડાણ કર્યું હતું એ આખી દુનિયા જાણતી હોવા છતાં પાકિસ્તાનીઓની બદમાશીને કારણે ભારતને તાશ્કંત કરાર તેમજ શિમલા કરાર કરવા મજબુર થવું પડ્યું હતું.

n  સાત દાયકામાં ભારતમાં અનેક સરકાર બદલાઈ છતાં દેશ પ્રગતિની દિશામાં આગળ વધતો રહ્યો. તેની સામે પાકિસ્તાનમાં હજુ આજે પણ નિશ્ચિત નથી કે ખરી સત્તા સરકાર પાસે છે કે લશ્કર/આઈએસઆઈ પાસે?



-- અલકેશ પટેલ
થોડાં વર્ષ પહેલાં સોશિયલ મીડિયામાં એક જોક ખૂબ વાઇરલ થઈ હતી કેઃ ભારત-પાકિસ્તાનના વિભાજનને 70 વર્ષ થયાં અને આ સાત દાયકા દરમિયાન ભારતે મંગલયાન બનાવી લીધું અને અવકાશ ક્ષેત્રમાં હાલ તેનો ડંકો વાગે છે, ત્યારે સામે પાકિસ્તાનીઓ હજુ પણ ભારતની સરહદમાં ઘૂસવા માટેનાં છીંડા જ શોધે છે. હકીકતે આ માત્ર જોક નથી, વાસ્તવિકતા પણ છે. 15 ઑગસ્ટ, 1947 પછી તેની મૂળભૂત સમસ્યાઓના ઉકેલની દિશામાં વિચારણા અને થોડીઘણી કામગીરી શરૂ કરી દીધી હતી, જ્યારે પાકિસ્તાનનો ડોળો જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન તેમજ ગુજરાતના સરહદી વિસ્તારો ઉપર હતો. પાકિસ્તાનીઓને ગમેતેમ કરીને ભારતના વધુને વધુ વિસ્તારો ઉપર કબજો કરવો હતો. તેની સૌથી પહેલી દાનત તો જમ્મુ-કાશ્મીર ઉપર જ હતી કેમ કે એ રાજ્યમાં, ખાસ કરીને કાશ્મીર ખીણ વિસ્તારમાં મુસ્લિમોની વસ્તી વધારે હતી અને તેથી પાકિસ્તાનને એ બધું હડપ કરી લેવું હતું. આ જ કારણે વિભાજનના વર્ષથી જ એટલે કે ઑક્ટોબર 1947થી જ બદમાશ પાકિસ્તાનીઓએ ક્યારેક તેના લશ્કર મારફત તો ક્યારેક આતંકવાદીઓ મારફત જમ્મુ-કાશ્મીરને સતત અશાંત રાખ્યું છે.
પાકિસ્તાનીઓની આવી અવળચંડાઈને કારણે અશાંતિ તથા હિંસાનો માહોલ ન રહે અને જમ્મુ-કાશ્મીરસ્થિત પોતાની પ્રજાને બચાવીને સુખ-શાંતિ આપી શકાય તે માટે ભારતે વારંવાર નમતું જોખીને પાકિસ્તાનીઓ સાથે શાંતિ-કરાર કર્યા છે, છતાં બદમાશ પાકિસ્તાનીઓ હજુ બેકરાર છે. જમ્મુ-કાશ્મીરમાં રોજ એકાદ હિંસક ઘટના ન બને ત્યાં સુધી ના-પાકિસ્તાનીઓને ખાધેલું પચતું નથી.
યુદ્ધવિરામ સંદર્ભે આમ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સ્તરે બે સીધા કરાર થયા છે – એક તાશ્કંત કરાર અને બીજો શિમલા કરાર.
તાશ્કંત કરારઃ 1966ની 10 જાન્યુઆરીએ રશિયાના શહેર તાશ્કંતમાં તે સમયના ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના પ્રમુખ મહંમદ અયુબ ખાન વચ્ચે યુદ્ધવિરામ માટે સમજૂતી થઈ હતી. એ પહેલાં બંને દેશ વચ્ચે 1965ના ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં યુદ્ધ થયું હતું જે 17 દિવસ ચાલ્યું હતું. ત્યારપછી ભારત-પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય તે માટે રશિયાએ પહેલ કરી હતી અને તત્કાલીન રશિયન પ્રમુખ એલેક્સી કોસજીને બંને દેશના વડાને સમજૂતી માટે ત્યાં બોલાવ્યા હતા. શાસ્ત્રી અને ખાન ત્યાં પહોંચે તે પહેલાં બંને દેશના લશ્કરી તેમજ વહીવટી અધિકારીઓ વચ્ચે 4 થી 10 જાન્યુઆરી દરમિયાન વાટાઘાટ થઈ હતી અને સમજૂતીના મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. સાધના ના મોટાભાગના વાચકોને ખ્યાલ જ હશે કે 1966ની 10 જાન્યુઆરીએ આ શાંતિ કરાર થયા અને બીજા જ દિવસે 11 જાન્યુઆરીએ વહેલી પરોઢે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું ત્યાં જ તાશ્કંતમાં જ નિધન થયું હતું. ભારત સહિત દુનિયા માટે લાલબહાદુર શાસ્ત્રીના નિધનની એ ઘટના આજે પણ રહસ્યમય છે. બસ, ઇતિહાસમાં નોંધાયેલી વિગતો તો એટલું જ કહે છે કે, સમજૂતી થઈ એ દિવસે સાંજે રશિયન પ્રમુખે ભારત-પાકિસ્તાનના વડાઓના માનમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં ભોજન લઈને પોતાની હોટેલ રૂમમાં જઈને શાસ્ત્રીજી સૂઈ ગયા પછી ઊઠી ન શક્યા. સત્તાવાર રીતે તો હૃદય રોગનો હુમલો જાહેર કરી દેવામાં આવ્યો, પરંતુ એ વિશે શાસ્ત્રીજીના પરિવાર સહિત આખા ભારતને આજે પણ આશંકા છે.
શિમલા કરારઃ તાશ્કંત કરારને હજુ માંડ ચાર વર્ષ થયાં હતાં ત્યાં જ ભારતની પૂર્વમાં આવેલા પાકિસ્તાનના બીજા ટુકડા અર્થાત પૂર્વ પાકિસ્તાનમાં અશાંતિ શરૂ થઈ ગઈ. તેનું દેખીતું કારણ એ હતું કે પૂર્વ પાકિસ્તાનના નાગરિકો મૂળ તો ભારતના બંગાળ પ્રદેશના હતા અને તેમની માતૃભાષા બાંગ્લા હતી. પશ્ચિમ પાકિસ્તાનીઓની સરખામણીમાં પૂર્વ પાકિસ્તાનની સંસ્કૃતિ, ભાષા, પહેરવેશ, પરંપરાઓ બધું જ અલગ હતું. પણ પશ્ચિમ પાકિસ્તાનમાં બેઠેલા ના-પાક શાસકો બાંગ્લાભાષી પૂર્વ પાકિસ્તાનીઓ ઉપર પણ ઉર્દુ ભાષા લાદવા માગતા હતા. તેની સામે પૂર્વ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન શરૂ થયાં, જેને ડામી દેવા પશ્ચિમ પાકિસ્તાનીઓએ લશ્કરી દમન શરૂ કર્યું. પરિણામે પૂર્વ પાકિસ્તાનના નાગરિકો વધારે ઉશ્કેરાયા અને તેમણે બાંગ્લાદેશ નામે અલગ દેશની જ માગણી કરી દીધી. પાકિસ્તાનને એમ લાગ્યું કે આ બધું ભારત કરાવે છે તેથી તેણે 1971માં ફરી ભારત ઉપર હુમલો કર્યો, જેને પગલે યુદ્ધ થયું. ત્રીજી વખત પણ (1947, 1965 અને 1971) ભારતની જીત થઈ. પાકિસ્તાને શરણાગતિ સ્વીકારવી પડી અને ત્યારબાદ ભારતનાં તે સમયનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટે વચ્ચે ભારતના શિમલામાં 1972ની બીજી જુલાઈએ શાંતિ કરાર થયા.
આ બંને અગત્યના યુદ્ધવિરામ કરાર ઉપરાંત બંને દેશ વચ્ચે કરાચી સમજૂતી (27 જુલાઈ, 1949), નહેરુ-લિયાકત સમજૂતી (8 એપ્રિલ, 1950), સિંધુ જળ સમજૂતી (19 સપ્ટેમ્બર, 1960), દિલ્હી સમજૂતી (28 ઑગસ્ટ, 1973), લાહોર ઘોષણા (21 ફેબ્રુઆરી, 1999) જેવા બીજા 50 નાના-મોટા કરાર અને સમજૂતી થઈ છે. પરંતુ પીડાદાયક સ્થિતિ એ છે કે પાકિસ્તાને કદી કોઈ સમજૂતી કે કરારનું સન્માન કર્યું જ નથી.
હકીકત તો એ છે કે પાકિસ્તાને જો 1948ના યુએન ઠરાવનું સન્માન કર્યું હોત તો બંને દેશ વચ્ચે ઘણાં વર્ષ પહેલાં શાંતિની સ્થાપના થઈ ગઈ હોત અને ભારતની જેમ પાકિસ્તાન પણ પ્રગતિ કરી રહ્યું હોત. પરંતુ કમનસીબે પાકિસ્તાનની દાનત માત્ર ને માત્ર ભારતને નુકસાન કરવાનાં કાવતરાં પૂરતી સીમિત રહી. ભારત – પાકિસ્તાનના વિભાજનની જે શરતો હતી તેનું પાલન કરીને જ જમ્મુ-કાશ્મીર ભારતમાં જોડાયું હતું તેમ છતાં પાકિસ્તાને કદી તેનો સ્વીકાર ન કર્યો અને આજ સુધી ભારતને શાંતિથી ઝંપવા નથી દીધું. એ ઠરાવ અનુસાર પાકિસ્તાને સૌથી પહેલાં તો તેણે પચાવી પાડેલા જમ્મુ-કાશ્મીરના ક્ષેત્રોમાંથી પાછા હઠવું ફરજિયાત છે. તેનું સૈન્ય, પોલીસ તેમજ તેના નાગરિકો કથિત આઝાદ કાશ્મીર માંથી પરત જાય પછી જ જમ્મુ-કાશ્મીરનો વિવાદ જે નહેરુને કારણે ઊભો થયેલો છે તેના ઉકેલની દિશામાં આગળ વધી શકાય. પણ પાકિસ્તાન યુએનના ઠરાવની પહેલી શરતનું જ પાલન કરવા તૈયારી નથી, તો પછી ભારતનો કોઈ વાંક રહેતો જ નથી. યુએનના ઠરાવ અનુસાર સ્પષ્ટ રીતે કથિત આઝાદ કાશ્મીર ભારતનો જ ભાગ છે, તેથી પાકિસ્તાને ત્યાંથી પહેલાં હઠવું પડે. (આ ઠરાવની વિગતો અહીં વાંચી શકાશે - http://www.un.org/en/ga/search/view_doc.asp?symbol=S/RES/51(1948) તથા http://www.jammu-kashmir.com/documents/jkunresolution.html )
આવતા અઠવાડિયે એટલે કે 25 જુલાઈએ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. આમ તો દુનિયા જાણે છે કે પાકિસ્તાનનું લશ્કર જેને ઇચ્છે તેને જ ચૂંટણી જીતાડે છે જીતનાર પક્ષના વડાપ્રધાને પાકિસ્તાની લશ્કરના ઇશારે જ નાચવાનું હોય છે. આનું પરિણામ એ આવ્યું છે કે પાકિસ્તાન આટલા દાયકામાં આર્થિક-સામાજિક રીતે ખોખલું થઈ જવા ઉપરાંત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એકલું પડી રહ્યું છે. પાકિસ્તાનનું વિદેશી હુંડિયામણ સાવ તળિયે બેસી ગયું છે. પાકિસ્તાની ચલણની કિંમત ડૉલર સામે 100 રૂપિયાથી ઉપર ચાલી ગઈ છે. તેથી દુનિયાને પણ એવી અપેક્ષા છે કે પાકિસ્તાનમાં કોઈ પ્રગતિશીલ પક્ષ અને પ્રગતિશીલ નેતા સત્તા ઉપર આવે. આ ચૂંટણીમાં થોડીઘણી આશા જાગી હતી, પરંતુ હવે એ પણ શક્ય લાગતું નથી કેમકે હાફીઝ સઈદ નામનો ત્રાસવાદી કટ્ટરવાદી પક્ષો મારફત સત્તા ઉપર આવવા પ્રયાસ કરી રહ્યો છે. આ તો પાકિસ્તાન છે – કંઈપણ થઈ શકે. પાકિસ્તાન પોતે અસ્થિર અને અશાંત છે અને તેથી શાંતિપ્રિય ભારતને અશાંત અને અસ્થિર રાખવા સિવાય તેનું બીજું કોઈ ધ્યેય હોય એવું લાગતું નથી, અને એટલે જ આજ સુધી પાકિસ્તાને કદી ભારતના સાથેનો કોઈ કરાર – કોઈ સમજૂતીનું માન પણ જાળવ્યું નથી, પાલન તો કર્યું જ નથી.

Monday, August 6, 2018

દેશ મમતા બેનરજીનો આભારી રહેશે


--- આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે આટલા મોટા પાયે હોબાળો કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેમને નાગરિકોની નહીં પણ ચોક્કસ પ્રકારના મતદારોની વધારે ચિંતા છે 
-- અલકેશ પટેલ

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી કાશ્મીરી પંડિતોના મુદ્દે એક નાનું નિવેદન પણ નહીં કરનાર પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ આસામના ગેરકાયદે ઘૂસણખોરોના મુદ્દે જે હદે હોબાળો કર્યો તેને કારણે આ દેશ તેમનો આભારી રહેશે. શા માટે..!? કેમ કે આ હોબાળા દ્વારા તેમણે એ સાબિત કરી દીધું કે તેમને વાસ્તવમાં દેશ અને દેશના નાગરિકોની નહીં પરંતુ ચોક્ક્સ પ્રકારના લોકોની વધારે ચિંતા છે જેઓ સાત દાયકાથી આ દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી રહ્યા છે. આવા ગેરકાયદે ઘૂસણખોરો પ્રત્યેની તેમની આવી ચિંતા અને હોબાળાને કારણે ભાજપને લાભ થશે એ બાબતમાં કોઈએ શંકા રાખવાની હવે જરૂર નથી..!
સાચી વાત એ છે કે, સેક્યુલારિઝમના નામે મમતા બેનરજી સહિત કોંગ્રેસ તથા અન્ય પક્ષો હવે લઘુમતી ખુશામતની હદ વટાવી રહ્યા છે. જે મુસ્લિમો આ દેશમાં હતા તેઓ રહેવાના જ છે અને તેમને કોઈ કશું જ નુકસાન કરવાનું નથી, પરંતુ છેલ્લા સાત દાયકાથી બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે અને તેને કારણે ભારતમાં બેરોજગારી, સંસાધનોની અછત, બેફામ વસ્તી વધારો, ગંદકી, લાયકાત ધરાવતા લોકોને તકનો અભાવ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમછતાં મમતા બેનરજી તથા અન્ય વિરોધપક્ષોએ આસામની નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશિપ (એનસીઆર) ના નામે છેલ્લા થોડા દિવસમાં જે કંઈ ઊંબાડિયાં કર્યાં છે તેને કારણે આ દેશના સરેરાશ નાગરિકો હતાશ થઈ રહ્યા છે. મમતા, કોંગ્રેસ સહિત અન્ય વિરોધપક્ષો તો એથી આગળ વધીને હજુ રોહિંગ્યાઓને પણ આ દેશમાં ઘૂસાડવા અને તેમને વસાવવાની તરફેણ કરી રહ્યા છે.
શું મમતા બેનરજી, રાહુલ ગાંધી જેવા રાજકારણીઓને રોહિંગ્યા તેમજ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનાં પરિણામોની જરાય ખબર  નથી? શું આ રાજકારણીઓ એ વાત નથી જાણતાં કે ભારતના અન્ય સરેરાશ પરિવારોમાં સભ્યોની સંખ્યા ચાર કે પાંચથી વધારે નથી હોતી? અને તેની સામે બાંગ્લાદેશીઓ તેમજ રોહિંગ્યાઓના પરિવારોમાં સભ્યોની સરેરાશ સંખ્યા 10-12-15થી ઓછી નથી હોતી એ વાત મમતા, રાહુલ નથી જાણતાં? શું મમતા, રાહુલને ખબર નથી પડતી કે ભારતમાં એક કરોડ કરતાં વધુ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા છે જેને કારણે દેશના મૂળ નાગરિકો અનેક પ્રકારની સુવિધા અને તકોથી વંચિત રહે છે?
આસામ જેવા નાના રાજ્યમાં 40 લાખ ગેરકાયદે લોકો વસતા હોય તો વિચાર કરો કે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિળનાડુ, આંધ્રપ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં આવા કેટલા ગેરકાયદે લોકો હશે? આ તમામ લોકોએ આપણા ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે નાગરિકત્વ મેળવી લીધું છે અને સરકારી નોકરીઓ, અન્ય પ્રાઇવેટ નોકરીઓ તેમજ વેપાર-ધંધામાં ઘૂસી ગયા છે. પરિણામે દેશના મૂળ લોકો આ બધાથી વંચિત રહે છે.
હકીકતે મુશ્કેલી આ જ છે. આ કરોડો ગેરકાયદે ઘૂસણખોરો નાગરિક બની ગયા છે અને તેમણે મતાધિકાર મેળવી લીધો છે, જેનો ગેરલાભ રાહુલ ગાંધી, મમતા બેનરજી, માયાવતી, અખિલેશ, ચંદ્રબાબુ નાયડુ, ઓવૈસી, લાલુ યાદવ, અરવિંદ કેજરીવાલ જેવા લોકોને લેવો છે. અને આ ટોળકીમાં ડાબેરીઓની પણ સૌથી ભૂંડી ભૂમિકા છે. ડાબેરીઓ પણ આ બધાને છાવરતા રહે છે. આ બધા ભેગા મળીને ગેરકાયદે બાંગ્લાદેશીઓ તેમજ ગેરકાયદે રોહિંગ્યાઓને મતદાર ગણે છે અને તેમના મતના આધારે આ બધા જ રાજકારણીઓ રાષ્ટ્રવાદી પક્ષોને સત્તાથી દૂર રાખવા માગે છે. આ રાજકારણીઓ ચૂંટણીનું રાજકારણ રમે તેમાં કોઈ વાંધો જ નથી, પરંતુ ચૂંટણીના રાજકારણની લ્હાયમાં આ બધા ભેગા મળી દેશ વિરોધી તત્વોનો રમકડાં તરીકે ઉપયોગ કરે છે અને વળતરમાં એ બધાં પોતે દેશ વિરોધી તત્વોનાં રમકડાં બની ગયાં છે.
ઉપર જણાવ્યા એમાંના એકપણ રાજકારણીએ આજ સુધી કાશ્મીરી પંડિતોની તરફેણમાં એક હરફ ઉચ્ચાર્યો હોય એવું યાદ નથી. 1990ના દાયકામાં જમ્મુ-કાશ્મીરમાંથી ત્રાસવાદીઓને કારણે પૂર્વજોનાં ઘર અને જમીન છોડીને દેશના અલગ અલગ રાજ્યોમાં નાસી છૂટવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતો માટે ધરણા કે નિવેદન નહિ કરનાર ઘૃણાસ્પદ રાજકીય તત્વોએ શનિવારે દિલ્હીમાં જંતર-મંતર ખાતે ભેગા થઈને વધુ એક વખત સાબિત કર્યું કે તેમના માટે દેશની પ્રગતિનું કોઈ મહત્ત્વ નથી, પરંતુ પ્રગતિ માટે મથામણ કરનાર નરેન્દ્ર મોદીને 2019માં કોઈપણ ભોગે અટકાવવા જોઈએ..!?
યોગ્ય અને મજબૂત વિરોધપક્ષ વિના કોઈ લોકશાહી પૂર્ણ ન કહેવાય એ સાચું પરંતુ ભારતમાં હાલ જે વિરોધપક્ષો છે તેમની વિચારવાની ક્ષમતા મુસ્લિમો, દલિતો, ઓબીસી, બાંગ્લાદેશી, રોહિંગ્યા – થી આગળ વધતી જ નથી એ સૌથી જોખમી બાબત છે. રાહુલ ગાંધી, મમતા બેનરજી સહિત અન્ય તમામ ભારતને એક પૂર્ણ દેશના સ્વરૂપમાં જોતાં નથી એ હકીકત છે.
દેશના રાજકીય ઇતિહાસમાં આ તમામ પક્ષોને કોઈને કોઈ તબક્કે શાસનની તક મળેલી છે. આ પક્ષોએ કાંતો આખા દેશમાં અથવા પોતપોતાના રાજ્યમાં વર્ષો સુધી શાસન કર્યું છે, પરંતુ તેમણે તમામ વર્ગોનો સર્વાંગી વિકાસ કર્યો નથી એ પણ એટલી જ નગ્ન વાસ્તવિકતા છે. કમનસીબી એ છે કે આ પક્ષો ભાજપ અને નરેન્દ્ર મોદી ઉપર હિન્દુત્વનું રાજકારણ રમવાનો આક્ષેપ કરે છે, પરંતુ એ પક્ષો અને તેમના પ્રત્યે કૂણું વલણ દાખવનારા કહેવાતા બુદ્ધિજીવીઓ એક સામાન્ય તર્ક એ નથી સમજતા કે જો કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, સપા, ડાબેરીઓ એ બધાએ જ્યારે તેમને શાસનની તક મળી ત્યારે હદ વગરની લઘુમતી ખુશામત કરવાને બદલે તમામ નાગરિકોને સમાન ગણીને શાસન કર્યું હોત તો આજે ભાજપ કે નરેન્દ્ર મોદી સત્તામાં આવી જ ન શક્યા હોત..! સંયુક્ત વિપક્ષોની વિખંડિત વિચારધારાને કારણે જ આજે ભાજપ સત્તા ઉપર છે અને છતાં એ જ સંયુક્ત વિપક્ષો હજુ આજે પણ વિખંડિત નીતિ જ અખત્યાર કરી રહ્યા છે. આજે પણ આ વિપક્ષો મહાગઠબંધન કરીને માત્ર નરેન્દ્ર મોદીને અટકાવવાની જ વાતો કરે છે. આ કહેવાતા મહાગઠબંધન પાસે તેમની પોતાની કોઈ વિકાસલક્ષી વાતો કે નીતિ નથી અને એ વાત દેશના નાગરિકો સારી રીતે જાણી-સમજી ગયા છે. ગેરકાયદે ઘૂસણખોરોની તરફેણ કરીને વિપક્ષો જે ભૂલ કરી રહ્યા છે તેનાં પરિણામો આપણે રાજકીય અને સામાજિક બંને રીતે ભોગવવાં પડશે.

Sunday, August 5, 2018

રેલવેની છાપ અને છબિ બદલશે આ ટ્રેન-18


--- આગામી સપ્ટેમ્બરમાં એટલે કે એક મહિના પછી રેલવે ટ્રેક ઉપર એક એવી ટ્રેન દોડતી થશે જે ભારતીય નાગરિકો માટે મુસાફરીનો આખો અનુભવ જ બદલી નાખશે. સ્વદેશી ધોરણે તૈયાર થયેલી આ ટ્રેન-18 ને બુલેટ ટ્રેનનું પ્રારંભિક સ્વરૂપ કહેવામાં ખાસ વાંધો નથી 


n  ભારતીય રેલવે 165 વર્ષની ઉંમરે યુવાન અને ડાયનેમિક થઈ રહી છે. અકસ્માત, ગંદકી, વિલંબ જેવી સમસ્યાઓમાંથી હજુ છૂટકારો નથી મળ્યો એ ખરું, પરંતુ એ માટે નાગરિકો પણ એટલા જ જવાબદાર છે.

n  વર્તમાન સરકારે મેક ઇન ઈન્ડિયાનું માત્ર સ્વપ્ન નહોતું જોયું, પરંતુ તેને સાકાર પણ કર્યું છે અને તેના હેઠળ જ ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર થયેલી અત્યંત આધુનિક ટ્રેન-18 સૌને રોમાંચિત કરી દેશે.

n  એન્જિન વિનાની આ ટ્રેનની ઝડપ 160 કિ.મી. પ્રતિ કલાકની હશે અને નજીકના ભવિષ્યમાં શતાબ્દી જેવી ટ્રેનનું સ્થાન લેશે. આ ટ્રેનનું નવું વર્ઝન 2020માં આવશે જેમાં સ્લિપિંગ કોચ પણ હશે.

-- અલકેશ પટેલ

1853ની 16 એપ્રિલે ભારતની પહેલી ટ્રેન મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે દોડી હતી. એ ઐતિહાસિક ઘટનાને 165 વર્ષ પૂરા થઈ ગયા છે. 165 વર્ષની ભારતીય રેલવે હવે વધારે યુવાન અને વધારે ડાયનેમિક થઈ રહી છે. ખાસ કરીને છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી રેલવેમાં જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે તેનાથી રેલવે મુસાફરોમાં સંતોષનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે હવે બુલેટ ટ્રેનની વાતો કરી રહ્યા છીએ અને વાસ્તવમાં તેના માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ભારતીય રેલવેનું તંત્ર ખૂબ જ વિશાળ છે તેથી તેમાં એક સાથે અને મોટાપાયે સુધારા થઈ ન જાય, અને જે સુધારા થાય એ તરત દેખાય પણ નહીં. છતાં જે કંઈ થઈ રહ્યું છે તેની નોંધ લેવી રહી. નોંધ લેવી પડે તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય રેલવેમાં હવે જે કોઈ ટેકનોલોજી તેમજ સુવિધાઓ આવી રહી છે સમય અને જરૂરિયાત મુજબની છે. અને તેનું પહેલું ટ્રેલર આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર 2018માં જ જોવા મળશે.
બુલેટ ટ્રેનનો અનુભવ તો આપણે જ્યારે કરીશું ત્યારે કરીશું, પણ ભારતીય રેલવે હાલ જે ટ્રેન તૈયાર કરી છે તેને (હાલના તબક્કે) કોઈ પરંપરાગત નામ નથી આપ્યું પરંતુ તે ટ્રેન-18 અથવા ટી-18 તરીકે ઓળખાશે. આ ટ્રેન સંપૂર્ણપણે મેક ઇન ઈન્ડિયા હેઠળ તૈયાર થઈ છે અને તેમાં વપરાયેલી 80 ટકા સામગ્રી પણ સ્વદેશી છે. માંડ 20 ટકા જેટલી સામગ્રી વિદેશી છે. સંપૂર્ણ એસી ટ્રેન ચૅર-કાર છે. 16 ડબાની આ ટ્રેનમાં બે ડબામાં એક્ઝિક્યુટિવ ચૅર-કાર હશે જેમાં 56-56 મુસાફર બેસી શકશે, જ્યારે 14 ડબા નોન-એક્ઝિક્યુટિવ ચૅર-કારના હશે જેમાં 78-78 મુસાફર બેસી શકશે.
ટ્રેન-18નું નિર્માણ સ્ટેનલેસ સ્ટીલમાંથી થયું છે અને તે 180 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, પરંતુ રોજિંદા વ્યવહારમાં તે 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ દોડશે. સમગ્ર ટ્રેનમાં વાઇફાય સુવિધા હોવાથી મુસાફરો જીપીએસ આધારિત ટ્રેકિંગ પણ કરી શકશે. આ ટ્રેનમાં દરવાજા ઑટોમેટિક સ્લાઇડિંગવાળા હશે. તેમાં દિવ્યાંગોની વ્હીલચૅર મુકવા માટે પણ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. સૌથી નોંધપાત્ર એ છે કે આ ટ્રેન એન્જિન વિનાની હશે અને મેમુ તથા મેટ્રો જેવી સિસ્ટમથી સંચાલિત હશે.
હાલ આ ટ્રેનની નિર્માણ કિંમત 6.5 કરોડની આસપાસ છે, પરંતુ ચેન્નઈમાં તેનું નિર્માણ કરનાર કંપની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીનું કહેવું છે કે મોટાપાયે આ ટ્રેનનું ઉત્પાદન શરૂ થશે પછી તેની નિર્માણ કિંમત છ કરોડ રૂપિયા કરતાં ઓછી આવશે. હાલ વિદેશથી આયાત કરવામાં વતા આવા કોચ પાછળ રૂપિયા 12 કરોડ કરતાં વધારે ખર્ચ થાય છે જેની સામે ભારતમાં નિર્માણનો ખર્ચ અડધા કરતાં ઓછો છે.
ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા હાલ બે ટ્રેનના એક સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આગામી માર્ચ-એપ્રિલ 2019 સુધીમાં બીજા પાંચ સેટ તૈયાર કરી દેવાની તૈયારી છે. આમ તો સત્તાવાર રીતે આ નવી ટ્રેનો કયા રૂટ ઉપર ચાલશે તેની જાહેરત હજુ થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે દિલ્હી – ચંદીગઢ, દિલ્હી – કાનપુર, દિલ્હી – લખનઉ, મુંબઈ – પૂણે, ચૈન્નઈ – હૈદરાબાદ જેવા રૂટ ઉપર પ્રારંભ થશે.
2018ના આ ટ્રેન-18 મોડલ પછી સરકાર ટ્રેન - 20ની પણ તૈયારી કરી રહી છે જે 2020માં તૈયાર થઈને મુસાફરોની સેવામાં પાટા પર દોડતી થશે. ટ્રેન – 20માં ચૅર-કારની સાથે સ્લીપર કોચ પણ જોડવામાં આવશે જેથી ભવિષ્યમાં તે રાજધાની ટ્રેનોનું સ્થાન લઈ શકે.
કેવી સુવિધાઓ હશે ટી – 18 અર્થાત ટ્રેન – 18માં?
--- ઑટોમેટિક દાદર સાથેના ઑટોમેટિક દરવાજા.
--- ટ્રેનમાં જ વાઇફાય તેમજ ઇન્ફોટેઇનમેન્ટની સુવિધા.
--- જીપીએસ આધારિત મુસાફર ઇન્ફર્મેશન સિસ્ટમ,
--- બાયો-વૅક્યુમ સિસ્ટમ સાથેનાં મોડ્યુલર ટોઈલેટ.
--- જર્ક (આંચકા) રહિત અનુભવ માટે વિશેષ કાળજી.
--- સુધારેલી બ્રેક સિસ્ટમ.
--- તમામ કોચ એસી ચૅર-કાર, જેમાં એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ વિભાજન
--- આધુનિક સમયને અનુરૂપ સળંગ વિન્ડો ગ્લાસ.
--- એક્ઝિક્યુટિવ ક્લાસમાં સીટ ગોળ ફેરવી શકાય તેવી હશે જેથી મુસાફરીની દિશામાં ફેરવીને બેસી શકાય.
--- કાચની ફર્શ સાથેનું મોડ્યુલર લગેજ રૅક.
સાચી વાત એ છે કે, આમ તો રેલવેના આધુનિકરણની શરૂઆત એક-દોઢ વર્ષ પહેલાં જ થઈ ગઈ હતી દિલ્હી – ઉત્તરપ્રદેશ વચ્ચે નવી આધુનિક ટ્રેન દાખલ કરવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ દિવસમાં મુસાફરોએ એ ટ્રેનને કબાડીખાના જેવી બનાવી દીધી હતી. લોકોએ જ્યાં ત્યાં વધેલો ખોરાક, પીવાના પાણીની બૉટલો નાખી દીધી હતી. બાથરૂમના નળ તોડી નાખ્યા હતા. જેનાથી જેટલું શક્ય બને એટલું નુકસાન કર્યું હતું. ત્યારબાદ છ મહિના પહેલાં તેજસ નામે વધુ એક આધુનિક ટ્રેન દાખલ કરવામાં આવી હતી. એ ચૅર-કાર ટ્રેન છે અને તેમાં મુસાફરોની સુવિધા માટે પ્રત્યેક સીટ ઉપર એલઈડી સ્ક્રીન આપવામાં આવ્યા છે. પરંતુ આ ટ્રેનની પહેલી જ મુસાફરીમાં આ દેશના મહાન લોકોએ એલઈડી સ્ક્રીન ખેંચીને ચોરી જવાનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ કોઈ તોફાનીઓએ તો બહારથી મોટા પથ્થર મારીને ટ્રેનની બારીના કાચ પણ તોડ્યા હતા.
ભારત કદાચ પરિવર્તનના કાળમાંથી પસાર થઈ રહ્યો છે અને દાયકાઓથી કે સદીઓથી લોકોને આધુનિક – સારી સુવિધાઓનો અનુભવ નથી તેથી આવી તોડફોડ અને ચોરી કરતા હશે એવું માનીને સરકાર અને સિસ્ટમ વધુ એક વખત આપણા માટે નવી, આધુનિક ટ્રેન આપવાની છે. મને, તમને કે સરકારને હાલ ખબર નથી કે નિરાશાવાદી અને નકારાત્મક વિચારો ધરાવતા મુસાફરો ટ્રેન – 18 ની પણ કેવી હાલત કરશે. પણ સાથે એ પણ એટલું જ સાચું છે કે આવા તોડફોડિયા અને ચોરીની દાનતવાળા લોકોનું પ્રમાણ ઓછું જ હોય છે. એ સિવાયના તમારા-મારા જેવા નાગરિકો માટે ટ્રેન – 18 અને ટ્રેન – 20નો અનુભવ રોમાંચક હશે એ વાતમાં શંકાને સ્થાન નથી.
અહીં બીજી એક બાબત એ નોંધવા જેવી છે કે ભારત સરકારે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કર્યો ત્યારપછી તેના હેઠળ દેશ-વિદેશના અનેક ઉત્પાદકો ઉત્પાદન કરી રહ્યા છે. હાલ મેક ઇન ઈન્ડિયા હેઠળ મોબાઇલ હેન્ડસેટથી માંડીને યુદ્ધ માટેનાં આધુનિક શસ્ત્રોનું પણ નિર્માણ થઈ રહ્યું છે.