Friday, October 2, 2020

દિલ્હીનાં તોફાનઃ એ સત્ય- જે મીડિયા તમને કહેતું નથી




 

    દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તક સમીક્ષા

------------------------

પુસ્તકઃ દિલ્હી રાયટ્સ 2020, ધ અનટોલ્ડ સ્ટોરી

લેખકોઃ મોનિકા અરોરા, સોનાલી ચિતલકર, પ્રેરણા મલ્હોત્રા

પ્રકાશકઃ ગરુડ પ્રકાશન, ગુરુગ્રામ, ભારત.

કિમતઃ રૂપિયા 299/-

----------------------------------------------

 

n  અલકેશ પટેલ

 

શાહીન બાગ.

15 ડિસેમ્બર, 2019થી શરૂ કરીને 26 માર્ચ, 2020ના રોજ કોરોના લૉકડાઉન થયું ત્યાં સુધી...અને ત્યારપછી પણ ઘણા દિવસ સુધી સવાર-બપોર-સાંજ ચોવીસે કલાક દેશના દરેક નાગરિકના આંખ-કાન ઉપર અથડાતું રહેલું નામ એટલે શાહીન બાગ!

દિલ્હીનો એ વિસ્તાર જ્યાં અર્બન નક્સલવાદીઓની મદદથી મુસ્લિમોએ, ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ તથા બાળકોએ ત્રણ મહિના સુધી કબજો જમાવી દીધો હતો અને તેને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લાખો લોકોનું જીવન નર્ક સમાન બનાવી દીધું હતું. એ વિસ્તારના ધંધા-રોજગાર પડી ભાંગ્યા હતા. એ વિસ્તારની હૉસ્પિટલો સુધી દર્દી પહોંચી નહોતા શકતા. દિવસના 12-12, 14-14 કલાક સુધી એ સ્થળેથી માઇક ઉપર ભારત વિરોધી, સરકાર વિરોધી, હિન્દુઓ વિરોધી સૂત્રોચ્ચાર થયા કરતા હતા.

આ વિરોધ પ્રદર્શનનું કારણ શું હતું?

કારણ નાગરિકતા સંશોધન કાયદો (CAA) હતો.

આ કાયદો શું છે?

આ કાયદો ભારતના ત્રણ ઇસ્લામિક પાડોશી દેશ- અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં ત્યાંની લઘુમતી અર્થાત હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી તથા ખ્રિસ્તીઓ સાથે થઈ રહેલા અત્યાચાર અને અન્યાયથી બચવા તેઓ ભારત આવી ગયા હોય તો તેમને ભારતનું નાગરિકત્વ આપવું. આવું નાગરિકત્વ આપવાનો કાયદો તો અસ્તિત્વમાં હતો જ, માત્ર તેમાં સુધારો એટલો કરવામાં આવ્યો કે, આ નાગરિકોને (જે 31 ડિસેમ્બર, 2014 સુધીમાં ભારતમાં આવી ગયા હોય) તેમને તત્કાળ નાગરિકત્વ આપવું. અગાઉ એ લોકો 14 વર્ષ ભારતમાં રહ્યા હોય પછી નાગરિકત્વ મળતું, જેમાં સુધારો કરી રોકાણનો ગાળો પાંચ વર્ષ કરવામાં આવ્યો.

બસ, આટલો જ મુદ્દો હતો.

સમગ્ર કાયદામાં ક્યાંય મુસ્લિમ શબ્દનો ઉલ્લેખ નથી.

આ કાયદા દ્વારા ભારતના એકપણ (રિપિટ – એકપણ) મુસ્લિમને કોઈ લેવા-દેવા એ દિવસે પણ નહોતી, આજે પણ નથી.

અને છતાં, ડિસેમ્બર 2019માં લોકસભા-રાજ્યસભામાં આ કાયદો પસાર થયો તે સાથે જ મુસ્લિમ તૃષ્ટિકરણના ઑક્સિજન ઉપર જીવતા રાજકીય પક્ષો તેમજ મુસ્લિમ તૃષ્ટિકરણને જ સેક્યુલારિઝમ માનતા અને પ્રેસ્ટિટ્યૂટના નામે વગોવાયેલા કેટલાક ચોક્કસ મીડિયા ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કલા સંસ્થાઓ ઉપર કબજો જમાવી બેઠેલા અને અર્બન નક્સલીઓ તરીકે વગોવાયેલા હિંસાખોર ડાબેરી વિચારધારા ધરાવતા તત્વોએ આ સંશોધિત કાયદા સામે ઝેર ઓકવાનું શરૂ કરી દીધું.

આ તમામ તત્વોએ સામાન્ય મુસ્લિમોની વચ્ચે જઇને એવો અપ-પ્રચાર કર્યો કે, CAAને કારણે હવે ભારતના મુસ્લિમોનું અસ્તિત્વ જોખમમાં આવી જશે અને મુસ્લિમોએ તેમનું નાગરિકત્વ સાબિત કરવા દસ્તાવેજો બતાવવા પડશે અને જે મુસ્લિમો દસ્તાવેજ નહીં બતાવી શકે તેમને કાંતો દેશમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા કોન્સન્ટ્રેશન કૅમ્પમાં ધકેલી દેવામાં આવશે. આ અસત્ય વારંવાર કહેવામાં આવ્યું, મોટે મોટેથી કહેવામાં આવ્યું, દરેક મંચ ઉપરથી કહેવામાં આવ્યું, અને આ લોકો ઇચ્છતા હતા એમ- મુસ્લિમો ગેરમાર્ગે દોરાઈ ગયા.

એવું નથી કે, રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ મીડિયામાં બેઠેલા બદમાશો સાચી વાત નહોતા જાણતા. તેઓ જાણતા જ હતા કે CAA માં કશું જ મુસ્લિમ વિરોધી નથી તથા સી.એ.એ.થી ભારતના એકપણ મુસ્લિમને કશું જ થવાનું નથી. તેમ છતાં, એ બધાએ મુસ્લિમોને ભડકાવવાનું ચાલુ રાખ્યું.

 

પણ...આ લોકો શું માત્ર CAAને કારણે મુસ્લિમોને ભડકાવતા હતા?

ના, સી.એ.એ. તો માત્ર બહાનું હતું. પણ તે પહેલાં ત્રણ એવા મોટાં કારણ બની ગયાં હતાં જે દરમિયાન દેશમાં અશાંતિ ફેલાઈ નહોતી, જેની બેચેની રાષ્ટ્ર વિરોધીઓને અકળાવતી હતી. રાજકીય પક્ષો, અર્બન નક્સલીઓ તેમજ એજન્ડા ધરાવતા મીડિયા- એ ત્રણ પક્ષકારોની બેચેની એ હતી કે 2019ની પાંચ ઑગસ્ટે કલમ-370 નાબૂદ થઈ ગઈ અને છતાં મુસ્લિમો ભડક્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતો કાયદો સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયો અને છતાં મુસ્લિમો રસ્તા ઉપર આવ્યા નહોતા. આ ત્રણે પક્ષકારોની બેચેની એ હતી કે, દેશની સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ વિવાદમાં હિન્દુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને છતાં મુસ્લિમોએ નારાજગી વ્યક્ત કરી નહોતી. અને એટલે હવે આ ત્રણે પક્ષકારોને સીએએનો મુદ્દો મળી ગયો. (પુસ્તક સમીક્ષા – ક્રમશઃ ભાગ-2માં...)

Thursday, October 1, 2020

અયોધ્યા કેસઃ વધુ એક સત્યમેવ જયતે


--- અયોધ્યામાં રામ મંદિર સ્થળે 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ માટે અગાઉથી કાવતરું થયું હોવાની થીયરી વિશેષ અદાલતે ફગાવી દીધી, અને તે સાથે આ કેસમાં રામ સેવકો નિર્દોષ જાહેર થયા

 -- અલકેશ પટેલ

અયોધ્યા કેસમાં સત્યનો વધુ એક વખત વિજય થયો છે. રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય મંદિર ઉપર 16મી સદીમાં બાંધી દેવામાં આવેલા વિવાદી માળખાના વિધ્વંસ કેસમાં ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સંઘના નેતાઓ સહિત તમામ વિરુદ્ધ કાવતરાની વાત સીબીઆઈની વિશેષ અદાલતે સ્વિકૃત રાખી નથી. બીજા શબ્દોમાં વિવાદી માળખાનો વિધ્વંસ એ કોઈ કાવતરું હતું એવું સીબીઆઈ પુરવાર કરી શકી નહોતી, અને તેથી કાવતરા કેસમાં ફસાવવામાં આવેલા રામ સેવકો નિર્દોષ છૂટ્યા.

કાવતરામાં ફસાવવામાં આવેલા રામ સેવકો?

હા, ફસાવવામાં આવેલા રામ સેવકો. જે તે સમયના સત્તાવાળાઓએ, જે તે સમયના રાજકીય પક્ષોએ એક સમુદાયના જેહાદી તત્વોને ખુશ રાખવા માટેનો આખો કેસ હતો, જે હવે પૂરો થયો. રામ જન્મભૂમિ સ્થળે તદ્દન ગેરકાયદે રીતે ઊભેલા માળખાના વિધ્વંસ કેસમાં એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, સાક્ષી મહારાજ, સ્વ. અશોક સિંઘલ, સ્વ. બાળ ઠાકરે, સ્વ. ગિરિરાજ કિશોર, મહંત નૃત્યગોપાલ દાસ સહિત 49 રામ સેવકો વિરુદ્ધ કાવતરાનો કેસ કરી દીધો હતો. તેમાંથી હાલ 32 હયાત છે. તમામ નિર્દોષ છૂટ્યા.

આ કેસમાં સીબીઆઈએ 351 સાક્ષી તથા 600 દસ્તાવેજ રજૂ કર્યા હતા. તેમછતાં વિવાદી માળખાના વિધ્વંસ કાવતરું હતું એવું સાબિત ન થઈ શક્યું. યાદ રહે, છઠ્ઠી ડિસેમ્બર, 1992ના દિવસે આ ઘટના બની ત્યારે કેન્દ્રમાં વડાપ્રધાન નરસિંહ રાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. નરસિંહ રાવ અને કોંગ્રેસનો ઉલ્લેખ ઇરાદાપૂર્વક કરું છું. કેમ કે આજે, ખાસ કરીને મે, 2014 પછી દેશમાં ગમે તે ખૂણામાં કોઈ નાની ઘટના બને તો પણ એ માટે સીધા નરેન્દ્ર મોદી તથા મોદી સરકારને જવાબદાર ઠેરવતાં તત્વો હજુ આજની તારીખે પણ ડિસેમ્બર 1992ની એ ઘટના માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવતા નથી. આવું શા માટે છે? – દરેકે જાતે તેનું વિશ્લેષણ કરીને સમજવું જોઇએ.

આપણી ન્યાય વ્યવસ્થા પણ દુનિયામાં અતિ વિશિષ્ઠ છે. આપણે ત્યાં 10-20-30 વર્ષ કેસ ચાલે એ સામાન્ય બાબત ગણાય છે. વિવાદી માળખાના વિધ્વંસના કેસનો ચુકાદો પણ 28 વર્ષે આવ્યો. આવું શા માટે અને કેવી રીતે થયું હશે? કોઇએ કદી એ સવાલ કર્યો છે? અથવા એ બાબતે વિચાર કર્યો છે?

વાચક મિત્રો, એક ખાસ વાત અહીં જાણી લો કે, આ કાવતરા કેસમાં સીબીઆઈએ તમામ કથિત પુરાવા અને મોટાભાગના સાક્ષીઓને મે, 2014 પહેલાં રજૂ કરી દીધા હતા. આ તારીખનું શું મહત્ત્વ છે? આ તારીખનું મહત્ત્વ એ છે કે, મે, 2014 પહેલાં કેન્દ્રમાં ડૉ. મનમોહનસિંહના વડપણ હેઠળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર હતી. તો એનો અર્થ શો થયો? એનો અર્થ એ થયો કે, મોદી સરકાર સત્તામાં આવી એ પહેલાં સીબીઆઈ ઉપર ભાજપ સરકારનું કોઈ નિયંત્રણ નહોતું. અહીં નિયંત્રણ શબ્દ ઇરાદાપૂર્વક વાપરું છું, કેમ કે 30 સપ્ટેમ્બરે આ ચુકાદો આવ્યો તેના બીજા કલાકથી કોંગ્રેસ, ડાબેરીઓ અને બીજા પક્ષો સીબીઆઈને નિશાન બનાવે છે, પણ તમારાથી અર્થાત દેશના નાગરિકોથી આ પક્ષો એ વાત સંતાડે છે કે સીબીઆઈ દ્વારા મોટાભાગના કેસની રજૂઆત તો—કોંગ્રેસના  શાસન દરમિયાન, ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાનપદના ગાળા દરમિયાન, સોનિયા ગાંધીના યુપીએ ચૅરમેનપદના ગાળા દરમિયાન કરી દેવામાં આવી હતી. તો પછી સીબીઆઈને બદનામ કરવાનો શો મતલબ?

પ્રશ્ન તો એ છે કે, કેસ 28 વર્ષ કેમ ચાલ્યો? શા માટે 2014 પહેલાં આ કેસનો ચુકાદો ન આવ્યો? કેસ વર્ષો સુધી લંબાયા કરે તેમાં કોને રસ હતો? અદાલતે સંપૂર્ણ કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને, તમામ પુરાવા ચકાસીને, તમામ સાક્ષીઓની ઊલટતપાસ લઇને પછી 28 વર્ષના લાં....બા ગાળા પછી ચુકાદો આપ્યો એ ચુકાદામાં હવે કોને વિશ્વાસ નથી? જેમને ચુકાદામાં વિશ્વાસ નથી તેમને ખરેખર તો અદાલતી પ્રક્રિયામાં વિશ્વાસ નથી એવો જ અર્થ થાય.

પણ બદમાશ ડાબેરીઓ અને બદમાશ મીડિયા અને એટલા જ શંકાસ્પદ રાજકીય પક્ષો સીબીઆઈ સામે આંગળી ચીંધી રહ્યા છે ત્યારે તમને એટલે કે દેશની પ્રજાને પ્રશ્ન થવો જોઇએ કે આ જ સીબીઆઈ પાંચ-પાંચ, છ-છ દાયકા સુધી અન્ય રાજકીય પક્ષોના તાબામાં હતી ત્યારે શું એ એજન્સી તમારા કહ્યા પ્રમાણે જ માત્ર ચાલતી હતી?

સાચી વાત તો એ છે કે, વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બર, 2020ના તેના ચુકાદામાં 2000 પાનાં ભરીને તમામ વાતો નોંધી છે. છ ડિસેમ્બરનો ઘટનાક્રમ નોંધ્યો છે, ત્યારબાદ એ જ દિવસે દાખલ કરવામાં આવેલી બે એફ.આઈ.આર. વિશે વાત કરી છે, કેસ સીબીઆઈને સોંપાયો અને તેની તપાસની પણ વાત કરી છે. અદાલતે જો આટલો બધો વિસ્તૃત ચુકાદો આપ્યો હોય તો પછી તેને સહર્ષ સ્વીકારીને વધાવી લેવામાં જ સૌનું હિત સમાયેલું છે.

ખેર, મુદ્દો એ છે કે, વિવાદી માળખાનો વિધ્વંસ કાવતરું નહોતું.

મુદ્દો એ છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર અસ્તિત્વમાં હતું એ સુપ્રીમ કોર્ટના 2019ના ચુકાદાથી સાબિત થઈ ગયું છે.

મુદ્દો એ છે કે, રાજકીય તથા ધાર્મિક અગ્રણીઓના નેતૃત્વ હેઠળ આખો રામભક્ત દેશ (અર્થાત દેશમાં જેટલા રામભક્ત હોય એ તમામ) રામ મંદિરની જગ્યા પરત લેવા માગતા હતા અને તેથી હજારો લોકો અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારપછી જે કંઈ થયું એ આપણે બધા જાણીએ છીએ.

પણ હવે, આપણા તમામ વયોવૃદ્ધ નેતાઓ, સાધુ-સંતો ઉપરાંત ઉમા ભારતીજી, સાધ્વી ઋતંભરાજી—એ બધાં જ આરોપમુક્ત થયાં છે. સૌએ રાહતનો શ્વાસ લીધો છે. આશા એવી રાખીએ કે, નવેમ્બર 2019ના રામજન્મભૂમિ ચુકાદા પછી જે રીતે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે ધમકી આપી હતી એવી ધમકી હવે ફરી નહીં આપે...તો ચાલો...જય શ્રી રામ

Friday, September 11, 2020

કોરોના-મોદી સરકાર-મીડિયા-વિપક્ષો અને ન્યાયતંત્ર

--- અલકેશ પટેલ

ગરીબ વર્ગઃ ઓ બાપરે...મરી ગયા...સરકાર અમને જીવાડો...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ મોદી સરકારની ઘોર નિષ્ફળતા, ગરીબો સામે જોનાર કોઈ નથી. મોદી મોરને દાણા ખવડાવવામાં વ્યસ્ત.

મધ્યમ વર્ગઃ અમે બધી બાજુથી પીડિત છીએ, સરકાર કંઈક કરે, રાહત પૅકેજ આપે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ મોદી સરકારની ઘોર નિષ્ફળતા, મધ્યમવર્ગ બધી બાજુથી પીસાઈ રહ્યો છે અને મોદી મોરને દાણા ખવડાવવામાં વ્યસ્ત.

ધનિક વર્ગઃ છ મહિનાથી અમારી સ્થિતિ કથળી ગઈ છે, સરકાર આર્થિક પૅકેજ આપે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ અર્થતંત્ર કથળતાં ધનિકોની હાલત કફોડી, પણ મોદી...

નોકરિયાત વર્ગઃ અમારા પગાર ઘટી ગયા છે, સરકાર બધા કરવેરા માફ કરે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ કફોડી સ્થિતિમાં નોકરિયાત વર્ગ સામે જોનાર કોઈ નથી, અને મોદી...

ખેડૂત વર્ગઃ અમે તો કાયમ મુશ્કેલીમાં હોઇએ છીએ, સરકાર અમને બધું આપ્યા કરે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ જગતનો તાત આંસુ સારી રહ્યો છે. દેશનું પેટ ભરનાર ખેડૂત પાસે પોતાનું પેટ ભરવા દાણો નથી અને મોદી મોરને દાણા ખવડાવવામાં વ્યસ્ત.

વેપારી વર્ગઃ અમારે છ મહિનાથી આવક જ નથી, સરકાર જીએસટી માફ કરે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ દેશની કરોડરજ્જુ સમાન વેપારી વર્ગ ઉપર લૉકડાઉનની કારમી અસર. સરકારે જીએસટી ભરવા માત્ર ત્રણ જ મહિનાનું એક્સટેન્શન આપ્યું. વેપારીઓ રાતે પાણીએ રડે છે અને મોદી...

રાજ્ય સરકારોઃ અમારી આવક ઘટી ગઈ છે, મોદી સરકાર અમારો જીએસટીનો હિસ્સો આપે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ રાજ્ય સરકારો પ્રત્યે મોદી સરકારનું હિટલર જેવું વર્તન, જીએસટીનો હિસ્સો આપવાના ફાંફાં... રાજ્ય સરકારો મુશ્કેલીમાં છે પણ મોદી તો...

રાજ્ય સરકારોઃ અતિવૃષ્ટિથી અમને ભારે નુકસાન થયું છે, સરકાર રાહત પૅકેજ આપે...

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ રાજ્યોમાં કુદરતી આફતનો માર, ઉપરથી લૉકડાઉનની અસર છતાં મોદી સરકાર દ્વારા રાહત પૅકેજ જાહેર કરવામાં ઠાગાઠૈયા.

ન્યાયતંત્રઃ શું છે આ બધું?

મોદી સરકારઃ મિ. લોર્ડ, ગરીબોને બધું મફતમાં આપ્યું. મધ્યવર્ગને આટલું-તેટલું માફ કર્યું.

ધનિકોને આર્થિક પૅકેજ આપ્યું.

નોકરિયાત વર્ગને આટલી-તેટલી રાહતો આપી.

મિ. લોર્ડ, ખેડૂતોને ટેકાના ભાવ વધારી આપ્યા, પાક વીમો આપ્યો, સાધનોની ખરીદીમાં સબસિડી આપી.

વેપારી વર્ગને જીએસટી ભરવામાં ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું.

મિ. લોર્ડ, ચીન અને પાકિસ્તાન સરહદે તંગદિલી છે, દેશની સુરક્ષા માટે પણ ખર્ચ કરવો પડે છે.

ન્યાયતંત્રઃ ચૂપ... જવાબ આપો, વ્યાજ માફ કરશો કે નહીં?

મોદી સરકારઃ પણ મિ. લોર્ડ... આ બધું કોરોનાને કારણે...

ન્યાયતંત્રઃ ચૂપ... જવાબ આપો, વ્યાજ માફ કરશો કે નહીં?

(ડાબેરીઓ અને કોંગ્રેસઃ મોદી સરકાર હાય-હાય, મોદી રાજીનામું આપે...)

મીડિયાઃ ન્યાયતંત્રની મોદી સરકારને જોરદાર લપડાક, પણ મોદી મોરને દાણા ખવડાવવામાં વ્યસ્ત...

Sunday, July 12, 2020

ભાજપ માટે સાવધાન થવાનો સમય આવી ગયો છે

ગુજરાતમાં કોંગ્રેસે તેના સંગઠનમાં કેટલીક નિમણૂક કરીને સંદેશો આપી દીધો છે કે તેને રાજકીય શુદ્ધિમાં કોઈ રસ નથી. ભાજપ માટે જાણે બગાસું ખાતાં પતાસું મોંમાં આવી ગયા જેવી સ્થિતિ છે...પરંતુ ના, સાવધાની હવે ભાજપે જ રાખવાની છે, રાજ્યમાં અને રાષ્ટ્રીય સ્તરે

n  અલકેશ પટેલ

 હવે ભાજપની જવાબદારી વધે છે. સાવધાન ભાજપે થવું પડશે કેમ કે, આટલી પછડાટ પછી પણ કોંગ્રેસ કોઈ પાઠ શીખવા તૈયાર નથી. ગુજરાત કોંગ્રેસમાં શનિવારે 11 જુલાઈ, 2020ના રોજ થયેલી નવી નિમણૂક પ્રજાને, મતદારોને સ્પષ્ટ સંકેત છે કે એક બ્રિટિશ વ્યક્તિના માર્ગદર્શન અને તેની સૂચના અનુસાર સ્થાપિત 140 વર્ષ જૂના આ પક્ષને માત્ર જૂથવાદી અને ભાંગફોડિયા લોકો પસંદ છે.

એ વાત તો સાચી છે કે, કોની નિમણૂક કરવી અને કોની ન કરવી એ નિર્ણય લેવાનો જે તે પક્ષને અધિકાર છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું પ્રજાએ આવી નિમણૂક સ્વીકારી લેવાની? જે વ્યક્તિએ તદ્દન ખોટી માગણી સાથે હજારો યુવાનોને ગેરમાર્ગે દોરીને હિંસા થાય એવું વાતાવરણ ઊભું કર્યું હોય અને તેને કારણે શાંતિપ્રિય અને પ્રગતિશીલ રાજ્ય ગુજરાત અનેક દિવસ સુધી અશાંતિમાં લપેટાઈ ગયું હોય, જાહેર મિલકતોને નુકસાન થયું હોય, નિર્દોષ લોકોએ જીવ ખોયા હોય - એવા લોકો હજુ પણ પ્રજાનું નેતૃત્વ કરશે? જે લોકોને કારણે અનેક દિવસ સુધી પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હોય, કાયદો અને વ્યવસ્થા જાળવવા પરસેવો વહાવતી પોલીસ બદનામ થઈ હોય એ જ પોલીસે ભવિષ્યમાં આવા લોકો શપથ લે પછી તેમને સલામ કરવાની?

આ સ્થિતિ ક્યાં સુધી ચાલશે? અનેક દાયકાથી ભારતીય માનસમાં એક ખોટી માન્યતા ઘૂસાડી દેવામાં આવી છે કે, રાજકારણમાં તો આવા જ લોકો ચાલે, સજ્જનોનું કામ નથી! તો મને લાગે છે આ માન્યતા બદલવાની જવાબદારી અને ફરજ ભાજપની છે.

ગુજરાત કોંગ્રેસમાં જે કંઈ ફેરફાર થયા તેને કારણે ભાજપને એમ લાગતું હશે કે તેમની પાસે હવે કોંગ્રેસને ઘેરવાની તક આવી ગઈ છે. ભાજપને એમ લાગતું હશે કે કોંગ્રેસના નવા નિમાયેલા લોકોને તેમના ભૂતકાળને કારણે માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં શરમજનક સ્થિતિમાં મૂકી શકાશે. તેની સાથે રાજ્યની ખૂબ મોટી સંખ્યામાં શાણી પ્રજા પણ સોશિયલ મીડિયામાં એવી વાતો કરી રહી છે કે, ગુજરાત કોંગ્રેસના આવા નિર્ણયોથી ભાજપને ફાયદો થશે...તો મને કહેવા દો કે ભાજપ સહિત બધા જ ભૂલ કરે છે.

કારણ?

કારણ એટલું જ કે, હવે રાજકીય શુદ્ધિની ભાજપની જવાબદારી વધી જાય છે.
ભાજપે મીડિયામાં તેમજ સોશિયલ મીડિયામાં કોંગ્રેસની ટીકા કરવાની અસરકારકતા જાળવવી હશે તો શુદ્ધ વિકલ્પ આપવા જ પડશે. ભ્રષ્ટાચાર અને ચારિત્ર્યહીનતા જો નેતા બનવાનાં લક્ષણ ગણાતા હોય તો અમારે એવા કોઈ રાજકીય પક્ષની જરૂર નથી જ. અને આ જ સંદેશ ભાજપ માટે પણ છે.

ટૂંકાગાળાના રાજકીય લાભ માટે સાંસદો કે ધારાસભ્યો કે તેથી નીચેના નેતાઓનું આયારામ-ગયારામ થતું હોય ત્યાં સુધી વાંધો નથી. એ અનિવાર્ય અનિષ્ટ છે અને પ્રજા અમુક અંશે એ ચલાવી લેશે...પરંતુ મુદ્દો રાજકીય શુદ્ધિકરણનો છે. ચૂંટણી જીતવા માટે બાહુબલીઓને ટિકિટ આપવી એ મજબૂરી છે એવી માનસિકતામાંથી કમ સે કમ ભાજપે બહાર નીકળવું જ પડશે. (તમામ પ્રકારના અનિષ્ટ ધરાવતા લોકો માટે હિન્દીમાં બાહુબલી શબ્દ છે, એ અર્થમાં ગુજરાતીમાં શબ્દ નથી. ગુજરાતીમાં એ માટેના સચોટ શબ્દ વાપરીએ તો કાનૂની ચક્કરમાં ફસાવાનું જોખમ છે એટલું હું અહીં ઇરાદાપૂર્વક બાહુબલી શબ્દ વાપરું છું...અર્થ બધાને ખબર જ છે.) કોઇની સામે રાજકીય કેસો હોય એ અલગ બાબત છે, પરંતુ ભ્રષ્ટાચાર, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા હોય એવા લોકોને ટિકિટ આપવામાંથી કમ સે કમ ભાજપે તો બચવું જ પડશે. અને તો જ તે અન્ય પક્ષો સામે આંગળી ચીંધી શકશે, અન્યથા તરત જ તમને કહેવામાં આવશે કે, તમે એક આંગળી ચીંધી પણ ત્રણ આંગળી તમારા તરફ છે...ત્યારે એનો જવાબ ભાજપ આત્મવિશ્વાસપૂર્વક નહીં આપી શકે. અને એ દિવસે કોઈ તમને પેલા સાધુ-મહાત્માની વાત યાદ અપાવશે કે એક પાપીને બીજા પાપી ઉપર પથ્થર ફેંકવાનો અધિકાર નથી.

એટલે જ પ્રજાની હંમેશાં અપેક્ષા રહેશે કે કોંગ્રેસની ખરાબીઓનું પુનરાવર્તન ભાજપ ન કરે.

યાદ રહે, ભાજપ માટે લડાઈ સહેલી નથી. ભાજપની સ્થિતિ અભિમન્યુ જેવી છે. તેણે એક સાથે અનેક બાજુ લડવાનું છે. સાત દાયકા કરતાં વધુ સમયથી રાજકારણમાં ઘૂસી ગયેલી ભ્રષ્ટ માનસિકતા સામે, જાતિવાદી રાજકીય માનસિકતા સામે, મુસ્લિમ તૃષ્ટિકરણની રાજકીય માનસિકતા સામે, સગાવાદની રાજકીય માનસિકતા સામે, જૂથવાદી રાજકારણ સામે – ભાજપે લડવાનું છે. પ્રજાએ તમને સત્તા આપી છે અને તમારી સત્તા ટકાવી રાખી છે તેનો સ્પષ્ટ સંદેશો એ જ છે કે ભાજપે આ બધા સામે લડવાનું છે...પણ આ બધી બદીઓની સામે લડતાં લડતાં બહાર નીકળતી વખતે જો તમે પણ બાહુબલીઓના ખભાનો ટેકો લેશો તો એ છેલ્લો કોઠો સાબિત થશે જેને તમે ભેદી નહીં શકો અને અભિમન્યુ બની જશો. ભાજપ વિજેતા અભિમન્યુ બને એમ મોટાભાગની પ્રજા દિલો-દીમાગથી ઇચ્છે છે.

ભાજપ આ કમનસીબ દેશનો એવો અભિમન્યુ છે જ્યાંના અખબાર, સામયિકો તેમજ ટીવી અને હવે વેબપોર્ટલ જેવા પરંપરાગત મીડિયા ઉપર ઘણેખરે અંશે બદમાશોનો કબજો છે. એ બદમાશોને વેટિકન અને જેહાદી નાણા મળે છે. અને તેથી એ બધા મીડિયા કદી તમારી સારી બાબતોને મહત્ત્વ આપે અથવા તમારા સારાં પાસાં પ્રજા સમક્ષ રજૂ કરીને સાચું પત્રકારત્વ કરે એ શક્યતા જ નથી. તમારી સાથે માત્ર આ દેશની શાંત અને શાંતિપ્રય બહુમતી પ્રજા જ છે. અને એટલે જ ભારતવર્ષની બહુમતી પ્રજા પ્રત્યે ભાજપે પણ જવાબદારી નિભાવવી પડશે. કોંગ્રેસ અથવા અન્ય પક્ષોના આંતરિક વિખવાદ કે પછી એ પક્ષોની ભૂલો ઉપર આધાર રાખીને નૌકા પાર નહીં થઈ શકે. તોરલ-નામે-પ્રજા વિશુદ્ધ છે અને તે ભાજપની નૌકા પાર ઊતારવા સક્ષમ છે કેમ કે તેને તેના ઉપર વિશ્વાસ છે. જવાબદારી હવે ભાજપની છે કે એ તોરલના સંકેત સમજે છે કે નહીં.તો ચાલો અલકેશ પટેલના હરિઓમ.