Sunday, January 2, 2022

કોંગ્રેસનું “આ મહાપાપ” છાપરે ચડીને પોકારે છે

 


--- લઘુમતી ખુશામતની કોંગ્રેસી નીતિથી આ દેશનો કોઈ નાગરિક અજાણ નથી, પરંતુ 2013માં કોંગ્રેસે વકફ કાયદામાં ફેરફાર કરીને જે પાપ કર્યું છે એ કલમ 370 કરતાં અનેકગણું મોટું છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી લગભગ મોટાભાગના અથવા તમામ વાચકો ગયા અઠવાડિયે (26-12-2021ના અખબારોમાં) દ્વારકાના ટાપુ અંગે અદાલતે કરેલી ટિપ્પણીના સમાચારથી વાકેફ હશે. દ્વારકા જિલ્લાના બે બેટ વકફની માલિકીના હોવાના દાવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં પણ બન્યો હતો. સાચી વાત એ છે કે, લગભગ દરેક રાજ્યમાં દર ચાર-છ મહિને એક કેસ બનતો રહે છે. અનેક દાયકાથી આ થઈ રહ્યું છે પરંતુ આવા કેસને સામાન્ય અદાલતોમાં જતા રોકવા કોંગ્રેસની સરકારે 2013માં વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરીને વકફની મિલકતના દાવાના કેસ માત્ર વકફની ટ્રિબ્યુનલમાં ચાલે એવું ઠરાવ્યું હતું.

આગળ વધતા પહેલાં વાચકોને અહીં કોંગ્રેસની જ સરકારે લાવવા ધારેલા પરંતુ તે સમયના વિપક્ષ તેમજ પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પસાર નહીં થઈ શકેલા એક ખરડાની યાદ અપાવી દઉં. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કોમી તોફાનોને લગતો એક ખરડો પસાર કરવા માગતી હતી જેમાં દેશમાં ગમેત્યાં કોમી તોફાન થાય તો એ માટેની જવાબદારી માત્ર બહુમતીની અર્થાત હિન્દુઓની જ નિર્ધારિત કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈ અનુસાર જવાબદાર સંદિગ્ધ હિન્દુઓની બિન-જામીનપાત્ર કલમો હેઠળ તત્કાળ ધરપકડ કરી લેવાની, જ્યારે કોમી તોફાનોમાં સંડોવાયેલા લઘુમતી સમુદાયના લોકો સામે કેસ બને છે કે નહીં તેનો નિર્ણય માત્ર જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા પછી લેવાનો હતો.

ભારતીયોના સદ્દનસીબે આ ખરડો પસાર થઈને કાયદો ન બન્યો, પરંતુ 1995ના વકફ કાયદામાં 2013માં સુધારો કરીને દેશને અત્યંત ભયાવહ સ્થિતિમાં નાખી દેવામાં આવ્યો છે. આ “સુધારા” અનુસાર જે મિલકત ઉપર વકફ દ્વારા પોતાની મિલકત છે એવો “દાવો” કરી દેવામાં આવે પછી એ મિલકતના માલિકે પોતાની વાતની રજૂઆત માત્ર વકફ બોર્ડ સમક્ષ જ કરવી પડે. વકફ બોર્ડમાં મામલાનું સમાધાન ન આવે તો કેસ ટ્રિબ્યુનલમાં જાય, પરંતુ આ કાયદાની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલમાં પણ વકફના સભ્ય હોવા જોઇએ.

ટૂંકમાં મિલકતો અંગેના વકફના કાયદાને એ હદે જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે એક વખત કોઇપણ જમીન કે મિલકત ઉપર વકફના નામે દાવો થઈ ગયો તો પછી તેમાંથી નીકળવાનું લગભગ અશક્ય બની જશે.

આવી સ્થિતિ આવે તે પહેલાં મોદી સરકારે વકફના કાયદા અંગે પગલાં લેવા જરૂરી છે. તે સાથે રાષ્ટ્રવાદી વકીલોએ પણ આ કાયદાનો યોગ્ય અભ્યાસ કરીને તેના વિશે ગુજરાતના અને દેશના નાગરિકોમાં જાગ્રતિ ફેલાવવી જોઇએ. દેશનો સરેરાશ નાગરિક કોઇની સાથે સંઘર્ષ ઈચ્છતો નથી. સરેરાશ નાગરિકો સંઘર્ષ કરી પણ શકતા નથી કેમ કે તેમને પરિવારની ચિંતા હોય છે અને તે સાથે અદાલતોમાં કેસ લડવા માટેની આર્થિક ક્ષમતા અને સમય પણ બધા નાગરિકો પાસે હોતા નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પણ વકફ કાયદાનો અભ્યાસ કરીને વહેલામાં વહેલી તકે લોકજાગ્રતિનું કામ કરે એ જરૂરી છે. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ અને તેની ટીમના સભ્યો આવી લોકજાગ્રતિનું કામ કરી જ રહ્યા છે, પરંતુ 135 કરોડની વસ્તીના દેશમાં માત્ર બે-પાંચ વ્યક્તિ મથામણ કરે એ પૂરતું નથી. આ બાબતમાં સંઘે એની શક્તિ વહેલામાં વહેલી તકે કામ લગાડવી જોઇએ. અન્યથા આજે દ્વારકાના બે બેટ ઉપર દાવો થયો છે, આવતીકાલે મંદિરોની જમીનો પર દાવા કરવાનું શરૂ થશે ત્યારે બંને સમાજ વચ્ચે જે તણાવ ઊભો થશે એ બધા માટે અસહ્ય હશે. ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ ઘર્ષણ ટાળવું હોય તો દરેકે અત્યારથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું પડશે. (આ કાયદા વિશે આ લિંક પર જઇને અભ્યાસ કરો - https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_44_74_00001_199543_1517807323904&orderno=41  ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 26, 2021

પંજાબમાં ઘરના ભેદી અને ઘાતકી પાડોશી

 

 


--- કેન્દ્ર સરકારે નકલી ખેડૂત આંદોલનની હવા કાઢી નાખી એ દિવસથી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ બેચેન છે. તેમની એ બેચેની હતાશામાં પલટાઈ રહી છે અને એટલે જ સાવ સામાન્ય બાબતમાં હત્યા અને બોંબ વિસ્ફોટ થઈ રહ્યા છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબમાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે અતિશય ચિંતાજનક છે. આ ચિંતા કામચલાઉ નથી પણ લાંબાગાળાની છે. લોકો 30 વર્ષ પહેલાંના પંજાબની હાલતને યાદ કરીને વિચારમંથન કરવા અને ઉકેલ શોધવા લાગી ગયા છે. ત્રણ દાયકા પહેલાં એવા કયાં કારણો અને પરિબળો હતાં જેને કારણે સામાન્ય નાગરિકોએ સતત ભયમાં જીવવું પડતું હતું? એવા કયા રાજકારણીઓ હતા જે સ્થિતિ કથળાવવા માટે જવાબદાર હતા? શું એવા જ રાજકારણીઓ અને એવી જ રાજકીય વિચારધારા ફરી આકાર લઈ રહી છે? ધીમે ધીમે ફરી ચિંતાજનક સ્થિતિ માથું ઊંચકી રહી છે ત્યારે જૂની ઘટનાઓ અને જૂની વાતોને યાદ કરીને પંજાબના અને એ થકી દેશનું ભવિષ્ય ફરી અંધકાર તરફ ન ધકેલાય એ માટે ભૂતકાળ અને વર્તમાનની સાંકળો જોડવી જરૂરી છે.

ઘરના ભેદી તરફથી કિલ્લાની દીવાલમાં અથવા દરવાજામાં તિરાડ પાડવામાં ન આવે ત્યાં સુધી બહારની દુશ્મન તાકતો એ કિલ્લાને નુકસાન પહોંચાડી શકતી નથી. બીજા શબ્દોમાં ઘરના ભેદીની મદદ વિના દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી. પંજાબની ભૌગોલિક સ્થિતિ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. એક તો પાકિસ્તાન જેવો ઘાતકી પાડોશી, બીજું દેશમાં બેઠેલા પાકિસ્તાનવાદી દુશ્મનો, ત્રીજું ખાલિસ્તાનવાદીઓ, ચોથું આ બધાનો સામૂહિક દૂરુપયોગ કરવા માગતી ધર્મની રાજનીતિ અને પાંચ, માઓવાદીઓથી ખદબદતું મીડિયા.

પાકિસ્તાન જેવા ઘાતકી પાડોશીનો “ગેરલાભ” ગુજરાત (512 કિ.મી), રાજસ્થાન (1035 કિ.મી.), પંજાબ (547 કિ.મી.) અને જમ્મુ-કાશ્મીર (1216 કિ.મી.)ને મળે છે. આ ચારેય રાજ્યો મળીને કુલ 3,300 કિલોમીટર કરતાં વધુ ભૌગોલિક વિસ્તાર ના-પાક. સાથે જોડાયેલો છે. પરંતુ સાત દાયકા કરતાં વધારે સમયથી સતત અશાંતિ અને હિંસાનો ભોગ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો બન્યા છે – કેમ કે એ બંને રાજ્યોમાં ઘરના ભેદી ઉપરાંત પાકિસ્તાન-પ્રેમીઓ વધારે છે!

આ જ કારણોસર 1980 અને 1990ના દાયકાઓમાં આ બંને રાજ્ય આતંકવાદનો ભોગ બન્યા. હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ જીવ ખોયા, અર્થતંત્ર નબળું પડી ગયું અને એના કરતાં વધારે ખતરનાક સ્થિતિ એ થઈ કે વિવિધ સમુદાયો વચ્ચે અવિશ્વાસની કાયમી ખાઈ રચાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત છ-સાત જિલ્લામાં તો જેહાદી માહોલ હતો એટલે આખી સ્થિતિ જૂદી હતી, પરંતુ પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ અનેક લોકો માની શકતા નહોતા. જે સંપ્રદાય અને જે સમુદાય દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સૌથી અગ્રેસર હતો અને આજે પણ છે - એ જ સમુદાયમાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં અને એ ત્રાસવાદી ઘટનાઓ સુધી વિસ્તરી ગયાં હતાં એ બાબત શેષ ભારત માટે અકલ્પનીય હતી.

સંપૂર્ણ તટસ્થ નિરીક્ષણ અને સમીક્ષા કરીએ તો વાત ફરી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઉપર જ આવીને અટકે છે. આ બંને ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સરકારને મળેલો વિજય- ઘાતકી પાડોશી દેશોને અને એ સાથે ભારતની અંદર બેઠેલા તેમના સ્લીપર સેલ જેવા લોકોને હજુ પચતો નથી. રાષ્ટ્રવાદી સરકાર દ્વારા દેશના હિત માટે, તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે, કાયદા ઘડવામાં આવી રહ્યા છે એ વાત ઘાતકી પાડોશી દેશો અને ભારતમાં તેમના સ્લીપર સેલ તરીકે કામગીરી કરતા લોકોને પચતી નથી. આવા સ્લીપર સેલમાં માત્ર એકલદોકલ વ્યક્તિ જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓનો પણ સમાવેશ થાય છે. લઘુમતીઓની બગલ ખંજળવામાં જન્નતનું સુખ માનતા આ કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષો કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકારના એકપણ પગલાંને સમર્થન નથી આપતા...ત્યાં સુધી તો વાત સમજી શકાય, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા આ સેક્યુલર પક્ષો તો રાષ્ટ્રહિતના કાયદા કે પગલાંની વિરુદ્ધ રીતસર શહેરો અને દેશને બાનમાં લઈ લે છે.

એક વર્ષથી ચાલતું નકલી ખેડૂત આંદોલન આ જેહાદી સેક્યુલરોના અપપ્રચારનું જ પરિણામ હતું જેને આધાર બનાવીને ખાલિસ્તાનવાદી લાગણી ફરી ભડકાવવામાં આવી. સામાન્ય પંજાબીઓ જે શાંતિથી જીવતા હતા એ ફરી ઉગ્ર બનવા લાગ્યા છે. નાની સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને હત્યાઓ થઈ રહી છે અને ગુરુવારે અદાલતના મકાનમાં બોંબ વિસ્ફોટ થયો.

દેશ માટે જરાસરખી પણ લાગણી ધરાવનાર કોઇપણ વ્યક્તિ એટલું તો વિશ્વાસપૂર્વક કહી જ શકે કે, કેન્દ્રની વર્તમાન સરકારના દરેકે દરેક પગલાં દેશહિતમાં છે...પરંતુ કથિત સેક્યુલર પક્ષો તેમના ટૂંકા સ્વાર્થમાં તોડફોડ કરાવવા માટે ઉશ્કેરણી કરતા રહે છે અને એ દ્વારા ઘાતકી પાડોશીઓના ઈશારે નાચતા રહે છે. આ સ્થળે હું તમને વારંવાર એક બાબતની ચેતવણી આપતો રહીશ કે, જો તમે સાવધાન નહીં રહો તો લઘુમતીઓની ખુશામતમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો આ દેશમાં ગમેત્યારે પંજાબ-કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે અથવા દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ ધકેલી દેશે. તમારી રાજકીય વિચારધારા ગમે તે હોઈ શકે, તમે ગમે તે પક્ષના સમર્થક હોવ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ રાજકીય પક્ષની નીતિ, કાર્યક્રમો અને પગલાં રાષ્ટ્રહિતના છે કે નહીં એ વિચારો ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ “કોરિડોર” કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ “ધર્મપથ” થવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ “કદાચ” ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 5, 2021

વિપક્ષો પણ હવે “કોંગ્રેસ-મુક્ત” થવા માગે છે?

 


--- લોકસભા ચૂંટણી આડે પૂરા સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ જાતિવાદી અને લઘુમતી ખુશામતના રાજકારણમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગી ગયા છે, અને એમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે- અન્ય વિપક્ષો કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની પ્રગતિની ચિંતા કરવાને બદલે, પોતપોતાના રાજ્યના વિકાસ અંગે વિચારવાને બદલે, લોકકલ્યાણનાં કામો ઉપર ધ્યાન આપવાને બદલે વિરોધ પક્ષો ગઠજોડ - તડજોડ અને ગઠબંધન માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં માનવકલાકો, નાણા તેમજ અન્ય સ્ત્રોતોનો ગુનાઇત બગાડ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી તેમજ કેન્દ્રમાંથી ભાજપ તથા નરેન્દ્ર મોદીને દૂર કરવાના શેખચલ્લી વિચારોમાં રચ્યા-પચ્યા રહેતા આ વિરોધ પક્ષોએ લોકસભા ચૂંટણીને આડે હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે ત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે... પરંતુ આ મથામણમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને તરછોડી રહ્યા છે. આ વિપક્ષોને કોંગ્રેસ મંજૂર નથી કે પછી ગાંધી ખાન-દાન મંજૂર નથી?

રાજકીય પક્ષો રાજકારણ રમે એમાં કશું ખોટું નથી. એક-બીજા ઉપર આક્ષેપબાજી કરે એ પણ સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓ પર સમાન વિચાર ધરાવતા પક્ષો ચૂંટણીલક્ષી જોડાણ કરે એ સમયની માંગ છે...પણ આ બધું જ જો પ્રજા-હિતના ભોગે, દેશ-હિતના ભોગે થતું હોય તો નાગરિકોએ – મતદારોએ સમજવું જોઇએ કે તેમનું હિત ક્યાં છે?

યાદ રહે, મોટાભાગના આ રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ અલગ થયેલા છે. અને આશ્ચર્યજનક રીતે સમાનતા એ છે કે કોંગ્રેસમાંથી છૂટા પડીને અલગ પક્ષ રચનારા પ્રાદેશિક નેતાઓને ગાંધી ખાન-દાન સામે જ વાંધો હતો. મમતા બેનરજી સાથે આ અઠવાડિયે મુલાકાત કરનાર શરદ પવાર તો સોનિયા ગાંધીના વિદેશીકૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. આમ છતાં આ જ બધા પક્ષો આટલાં વર્ષ સુધી કોંગ્રેસના જ ખોળામાં બેસીને કેન્દ્રમાં પરોક્ષ સત્તા ભોગવતા રહ્યા. પરંતુ 2014 પછી અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પછી આ બધા રાજ્ય સ્તરના નાના નાના વિપક્ષોને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી અને કોંગ્રેસનું વર્તમાન પારિવારિક નેતૃત્વ અર્થાત ગાંધી ખાન-દાન કોંગ્રેસને પુનઃજીવિત કરવા સક્ષમ નથી.

હકીકતે આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. માત્ર સ્થાનિક સ્તરના નાના નાના પ્રાદેશિક પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં ટોચના નેતાઓ સમજી ચૂક્યા છે કે ગાંધી ખાન-દાન હવે કોંગ્રેસને પુનઃજીવિત કરી શકે તેમ નથી. જોકે કોંગ્રેસના એ કહેવાતા વરિષ્ઠ નેતાઓમાં પક્ષમાંથી બહાર નીકળીને અલગ પક્ષ રચવાની હિંમત કે ક્ષમતા નથી. એ નેતાઓ અત્યાર સુધી માત્ર ગાંધી ખાન-દાનના ખીલે બંધાઈને કૂદતા રહ્યા છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને જ ટીએમસી અને આપ પાર્ટી જેવા કટ્ટરવાદી પક્ષો બીજા રાજ્યોમાં ચૂંટણી લડીને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવવાની ફિરાકમાં છે. એ વાત જૂદી છે કે એ પક્ષોના નેતાઓ તેમના દેખીતા લઘુમતી તરફી વલણ અને નીતિઓને કારણે બીજા રાજ્યોમાં સફળ થઈ શકે તેમ નથી. અને એ જ કારણે બેનરજી અને કેજરીવાલ જેવા લોકો ભોળા હિન્દુઓને વધારે મુર્ખ બનાવવા રામનામ જપવા લાગ્યા છે, બેનરજી તો હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરવા લાગ્યા છે. આ એ જ બેનરજી છે જેમણે પશ્ચિમ બંગાળમાં ટાટા નેનોના પ્લાન્ટ ન સ્થપાય એ માટે ખેડૂતોને ઉશ્કેરીને હિંસક આંદોલન કરાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીમાં મુલ્લા-મૌલવીઓને જંગી વેતન આપનાર કેજરીવાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની વાતો કરે છે.

દરમાં છૂપાયેલા ઝેરી સાપ કરતાં વધારે જોખમી લોકોને ઓળખવા જોઇએ, તેમનાથી સાવધાન રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ચૂંટણી જીતનાર બેનરજીને તો હવે એવું લાગે છે કે, પોતે વિપક્ષોને એકત્ર કરીને 2024ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બની શકે તેમ છે! પરંતુ કોંગ્રેસી કૂળ અને મૂળ ધરાવતા આ બધા રાજકારણીઓ કદી લઘુમતી તુષ્ટિકરણ છોડી શકવાના નથી એ હકીકત છે, એટલે વ્યૂહાત્મક રીતે અથવા બીજા કોઈપણ કારણસર આ ટુણિયાટ વિપક્ષો કોંગ્રેસથી છેડો ફાડે તો પણ રાષ્ટ્રીય સ્તરે કશું ઉકાળી શકે તેમ નથી. બીજો એક અગત્યનો મુદ્દો તમે સૌ વાચકો જાણો છો એમ આ બધા વામન પ્રાદેશિક પક્ષો ભેગા ભલે થાય પરંતુ વડાપ્રધાનપદની વાત આવશે ત્યારે બધા એકબીજાના પગ ખેંચવાના છે. એક નેતા માટે આ બધા સંમત થવાના જ નથી, પરંતુ ત્યાં સુધી સમજદાર નાગરિકોએ આ ટુણિયાટ વિપક્ષોના અપ-પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. અને જેઓ સમજદાર નથી એમણે અહીં ઉપર જણાવી એ સ્થિતિનો થોડો વિચાર કરવાની જરૂર છે. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, November 29, 2021

શું નકલી ફેમિનિસ્ટો હવે નરેન્દ્ર મોદીની પીઠ થાબડશે?

 

--- આ અઠવાડિયે “રાષ્ટ્રીય સરવે”ના આંકડા જાહેર થયા, તે અનુસાર દેશમાં પ્રથમ વખત પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે હોવાનું તારણ નીકળ્યું. “બેટી બચાવો, બેટી પઢાઓ” – એ માત્ર સૂત્ર નથી એ સાબિત થયું!

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની સામાજિક – આર્થિક સ્થિતિ દર્શાવતો પાંચમો ‘રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવે’ (NFHS) આ અઠવાડિયે જાહેર થયો. આ સરવેના અન્ય કેટલાંક તારણોની સાથે સૌથી મોટું એક તારણ એ નીકળ્યું કે, ભારતમાં હવે પુરુષો અને મહિલાઓની સંખ્યાનો રેશિયો બદલાઈ ગયો છે. અર્થાત દેશમાં પુરુષોની સંખ્યા કરતાં મહિલાઓની સંખ્યા વધી છે. હવે ભારતમાં પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 છે.

આ સ્થિતિ કંઈ એમ જ નથી આવી ગઈ. આ માટે 20 વર્ષ પહેલાં ગુજરાતે જ પહેલ કરી હતી. આવો પ્રથમ સરવે 1992-93માં કરવામાં આવ્યો હતો, ત્યારબાદ બીજો સરવે 1998-99માં કરવામાં આવ્યો હતો. બીજા સરવેનાં પરિણામો સમયે ગુજરાતમાં પ્રથમ વખત ભાજપે બહુમતી સાથે સરકાર બનાવ્યાને માંડ બે-ત્રણ વર્ષ થયાં હતાં. તે સમયે ગુજરાતમાં 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યાનું પ્રમાણ (અંદાજે) 930 આસપાસ હતું. 1990ના દાયકાના અંતિમ વર્ષોના એ ગાળામાં કેરળ જેવાં એકાદ-બે અપવાદરૂપ રાજ્યોને બાદ કરતાં લગભગ તમામ રાજ્યોમાં પુરુષો અને મહિલાઓની સંખ્યામાં આવું જ અસંતુલન હતું. પરંતુ કમનસીબે ગુજરાત, ભારત અને દુનિયાભરના નકલી ફેમિનિસ્ટો અને નકલી માનવ અધિકારવાદીઓએ માત્ર ગુજરાતને નિશાન બનાવીને કાગારોળ મચાવી મૂકી હતી. તેનું કારણ દેખીતું હતું – આ નકલી ફેમિનિસ્ટ-માનવ અધિકારવાદી પ્રજાતિને ભાજપનું શાસન પસંદ નહોતું.

1990ના દાયકાની આ વાતને વર્તમાન સાથે જોડવાનું તાત્પર્ય શું છે?

તાત્પર્ય એ જ છે કે, ત્યારપછી ગુજરાતમાં ભાજપની સરકારે અને ખાસ કરીને 2001માં નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા ત્યારપછી મહિલા સશક્તિકરણની દિશામાં સાચા અર્થમાં પ્રયાસો શરૂ થયા હતા, અને છતાં પેલા નકલી ફેમિનિસ્ટો તેમજ નકલી માનવ અધિકારવાદીઓએ તેમની એકતરફી કાગારોળ ચાલુ રાખીને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ થઈ રહેલા મહિલા સશક્તિકરણના પ્રયાસોને વખોડવાનું અને એથી આગળ વધીને ક્યારેક તો એ પ્રયાસોને ખોરવી નાખવાનાં કાવતરાં પણ કર્યા હતાં.

ટુકડેગેંગના આ કાવતરાખોરો હિન્દુત્વ વિરોધી હતા અને છે, એ તત્વોને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવાદી ભાજપ સામે વાંધો હતો અને છે અને એ કારણે જ દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ સિવાયના પક્ષોની સરકારો હતી છતાં એ રાજ્યોમાં પુરુષ - મહિલા વસ્તી અસંતુલ વિશે કશું બોલતા નહોતા, પરંતુ ભાજપની સરકાર હોય તો એને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવામાં કશું બાકી રાખતા નહોતા.

નરેન્દ્ર મોદી ટુકડેગેંગના આ મલીન ઈરાદાને સારી રીતે સમજતા હતા અને તેથી જ ગુજરાતમાં સત્તા પર આવ્યા પછી તેમણે મહિલા સશક્તિકરણની દિશામાં ધરમૂળથી નીતિગત ફેરફારો કર્યા. આ ફેરફારોને તેઓ 2014માં વડાપ્રધાન બન્યા પછી કેન્દ્રીય સ્તરે પણ લઈ ગયા. એનું જ પરિણામ છે કે સાત વર્ષના ગાળામાં પુરુષ – મહિલા વસ્તીનો રેશિયો બદલાઈ ગયો છે. શરૂઆતમાં કહ્યું તેમ ભારતમાં હવે પ્રત્યેક 1000 પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા 1020 થઈ છે. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સરવેના છેલ્લા અહેવાલ અનુસાર લગભગ તમામ પેરામીટરમાં મહિલાઓની સ્થિતિ સુધરી છે. ખુલ્લામાં ટોઇલેટ જવાની વાત હોય કે ઈંધણ માટે લાકડાને બદલે ગૅસના ઉપયોગની વાત હોય; મહિલાઓને મળતા વીમા કવચની વાત હોય કે પછી બેંક ખાતાંનો જાતે ઉપયોગ કરવાની બાબત હોય – દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ વધ્યું છે.

આ સંજોગોમાં સૌથી મહત્ત્વના પ્રશ્નો એ ઉપસ્થિત થાય છે કે, નકલી ફેમિનિઝમના ઝંડાધારીઓ અને નકલી માનવ અધિકારવાદીઓ શું હવે નરેન્દ્ર મોદી સરકારના પ્રયાસોને સ્વીકારી તેને આવકારશે? હિન્દુત્વને, રાષ્ટ્રવાદને, ભાજપને મનુવાદી કહીને ઊતારી પાડવાના નીચ પ્રયાસો કરનારા રાજ્ય સ્તરના, રાષ્ટ્રીય સ્તરના અને આંતરરાષ્ટ્રીય સ્તરના હિંસાખોર અર્બન નક્સલીઓ શું હવે મહિલા સશક્તિકરણની બદલાયેલી આ સ્થિતિ બદલ નરેન્દ્ર મોદીનો આભાર માનશે? આમ તો આવી આશા રાખવી નિરર્થક છે કેમ કે અર્બન નક્સલીઓનું લક્ષ્યાંક માત્ર ભાજપને સત્તાથી દૂર કરવાનું છે...એ તત્વોને મહિલા સશક્તિકરણ કે ખેડૂત સશક્તિકરણમાં કોઈ રસ નથી. તેથી જ આ સરવેનાં પરિણામોની સર્વગ્રાહી સારપને જોવાને બદલે ટુકડેગેંગના તત્વો તેમાંથી છીંડા શોધીને ચગાવશે એ નિશ્ચિત છે. આગામી એક અઠવાડિયા દરમિયાન ટુકડેગેંગના આવા પ્રયાસોને સમજદાર નાગરિકો ઓળખી લે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 21, 2021

કૃષિ કાયદાઃ આ પીછેહઠ નથી, માસ્ટર સ્ટ્રોક પણ નથી!

 


--- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી. સમર્થકો અને વિરોધીઓ પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. બંનેમાંથી કોઇને આખા કેસની સંપૂર્ણ જાણકારી નથી...એટલું નિશ્ચિત છે કે નકલી ખેડૂત આંદોલન પાછળના આંતરરાષ્ટ્રીય કાવતરાની ચેઇન એક વખત તો તોડવી પડે એમ હતી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી ત્યારપછીના થોડા કલાક બાદ આ લેખ લખી રહ્યો છું. લેખ રવિવારે પ્રકાશિત થવાનો છે એટલે શુક્રવાર બપોરથી શનિવાર રાત સુધી આ મુદ્દે તમે ઘણું બધું વાંચ્યું હશે, ઘણું બધું સાંભળ્યું હશે. દરેક લખનાર અને દરેક બોલનાર પોતે નિષ્ણાત છે એ રીતે રજૂઆત કરતા હશે, તેથી ખૂબ મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થકો મુંઝવણમાં છે કે- કોણ સાચું અને કોણ ખોટું?

મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના આ નિર્ણય પાછળની બધી વિગતો ખબર છે એવું નથી. પરંતુ હું એટલું ચોક્કસ જાણું છું કે, સરકારે કોઈ અસાધારણ મજબૂરી વિના આ નિર્ણય નહીં જ લીધો હોય. ખેર, મુદ્દો એ પણ નથી. ચાલો આ બાબતે અહીં એક સર્વગ્રાહી ચર્ચા કરી લઈએ.

વાત એમ છે કે, ખેડૂત આંદોલનના નામે વિપક્ષો તેમજ ભારત વિરોધી આંતરરાષ્ટ્રીય લૉબી જે રીતે સક્રિય થઈ હતી એને ક્યાંક અટકાવવી પડે તેમ હતી. નકલી આંદોલન શરૂ થયાના એક વર્ષ પછી પણ જો એ ટોળકી સક્રિય હતી તો તેનો અર્થ એ હતો કે એ લોકોને ભંડોળ મળવા સહિત બીજી તમામ સુવિધાઓ ઘણા લાંબા સમય સુધી મળવાની ખાતરી હતી (અને ટિકૈત એવું વારંવાર બોલતો પણ હતો) અને એ સંજોગોમાં દેશ-વિરોધી તત્વોને ભાંગફોડ કરવાની વધારે તક મળત.

જો આ કથિત ખેડૂત આંદોલન સાચા અર્થમાં હોત તો આખા દેશના ખેડૂતો તેમાં જોડાત, પરંતુ બધા જ જાણીએ છીએ કે માત્ર સ્થાપિત હિતો ધરાવતા રાજકીય પક્ષોના સમર્થક એવા ખેડૂતોને બાદ કરતાં કોઈ સાચા ખેડૂતો જોડાયેલા નહોતા. બાકી જે કોઈ બચ્યા હતા એ ખાલિસ્તાની સમર્થકો હતા એ વાત આંદોલનના સ્થળે લાગેલાં પોસ્ટરો તેમજ બેનરોના આધારે સ્પષ્ટ સમજી શકાતું હતું.

મોદી સરકારે એક વર્ષ સુધી આ નકલી ખેડૂતો તેમજ આંતરરાષ્ટ્રીય માઓવાદી ટોળકીઓને મચક ન આપી એના પરથી સરકારનો ઇરાદો સ્પષ્ટ થાય છે, અને છતાં હવે આ નિર્ણય લેવો પડ્યો એના પરથી વિચારો કે સરકાર કેવાં પરિબળો સામે લડી રહી હતી! એ પરિબળોને સફળ નહીં થવા દેવા માટે પણ અણગમતો નિર્ણય કરવો પડે તેમ હતું. સામાન્ય નાગરિકોએ એ વાત પણ સમજવી જરૂરી છે કે આ નકલી ખેડૂત આંદોલન પાછળ જે કોઈ પરિબળો કામ કરી રહ્યાં હશે તેના વિશે મોદી સરકારને ગુપ્તચર અહેવાલ મળ્યા હશે, પરિણામે દેશહિત ખાતર પણ આવો નિર્ણય લેવાની ફરજ પડી હોઈ શકે!

કેટલાક તત્વો એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની સરકારને ફરજ પડી છે તેથી CAA તથા કલમ 370-A જેવા કાયદા અંગેના નિર્ણયોનો જે લોકો વિરોધ કરે છે તેઓ હવે રસ્તા પર આવશે અને સરકારને તેના નિર્ણય પરત ખેંચવા ફરજ પાડશે. આવું તારણ કાઢવું એ હકીકતે અધકચરી સમજનું પરિણામ છે. અગાઉ કહ્યું તેમ, રાષ્ટ્રહિતમાં માનતા જૂજ પક્ષોને બાદ કરતાં બાકીના તમામ વિપક્ષો કૃષિ કાયદાના વિરોધમાં હતા. તેમની સાથે ખેત પેદાશોની દલાલી કરતા માફિયા ઉપરાંત ખાલિસ્તાનીઓ, માઓવાદીઓ અને એજન્ડાધારી મીડિયા એ બધા જ જોડાઈ ગયા હતા. આ તમામ રાષ્ટ્ર-વિરોધી તત્વો ભેગા મળીને દેશને નુકસાન કરી જ રહ્યા હતા, પરંતુ તેના કરતાં વધારે જોખમ આવી રહેલી પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઊભું થઈ શકે તેમ હતું.

નકલી ખેડૂત આંદોલનકારીઓ વારંવાર હિંસા કરતા હતા. આ વર્ષની 26 જાન્યુઆરીએ શરૂ કરેલી હિંસા ગયા મહિને છેક લખીમપુર સુધી ભાજપના કાર્યકરોના લિંચિંગ સુધી પહોંચી હતી. તેથી હવે એવી પૂરી શક્યતા હતી કે, પાંચ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ હિંસાખોર તત્વો વધારે ઉગ્ર બનીને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા પણ ખોરવી નાખી શકે. કોરોનામાંથી માંડ ઉભરી રહેલો દેશ આ તબક્કે ખાલિસ્તાની-માઓવાદી હિંસાની સંભાવનાનું જોખમ ઉઠાવી શકે નહીં. હકીકતે કૃષિ કાયદાના બહાને આ હિંસાખોર તત્વો એક રાષ્ટ્રવાદી સરકારને ઉખાડી ફેંકવા શસ્ત્રો સજાવી રહ્યા હતા અને તેથી જ તેમના શસ્ત્રોને બુઠા કરી દેવા જરૂરી હતા. જે વડાપ્રધાન ચીન જેવા દેશને ઝુકાવી શકતા હોય એ ટુણિયાટ જેવા નકલી ખેડૂતોને તો ઝુકાવી જ શકે...છતાં એ જ વડાપ્રધાને પોતે પોતાનો નર્ણય પાછો ખેંચ્યો છે ત્યારે એના ઘણા સૂચિતાર્થ હશે જ. થોભો અને રાહ જૂઓ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, November 14, 2021

સંવત 2078માં આટલું તો કરજો જ...કરશો ને?

 


 --- ગુજરાતમાં શુક્રવારથી વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે. હિન્દુ સભ્યતા-સંસ્કૃતિ ઉપર બેસુમાર આક્રમણ થઈ રહ્યાં છે. સૌથી આધુનિક વિચારો ધરાવતા સૌથી પ્રાચીન સનાતન ધર્મને ખતમ કરવા કારસા ઘડાઈ ગયા છે, ત્યારે તેના રક્ષણની અને આગળ વધારવાની જવાબદારી આપણે જ પૂરી કરવાની છે

 સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

સૌપ્રથમ તો નવા વર્ષના સૌને રામ રામ.

વિક્રમ સંવત 2078માં મારે, તમારે, આપણા સૌએ કેટલાક સંકલ્પ લેવા જ પડશે. મારી આ કૉલમમાં વારંવાર ચેતવણી આપું છું કે, બધું ઠીક નથી ચાલી રહ્યું. સ્હેજ આંખ ઉઘાડો, સ્હેજ ઊંઘમાંથી બહાર આવો તો ખબર પડશે કે સનાતન હિન્દુ ધર્મને કોતરી-કોતરીને, તોડીફોડીને, વેરવિખેર કરી નાખીને સંપૂર્ણ ખતમ કરી દેવાના કારસા એક સાથે અનેક તરફથી ઘડાયા છે. વળી પીડાદાયક કમનસીબી એ છે કે, આપણામાંથી જ અનેક લોકો જાણે-અજાણ્યે એ કારસામાં સામેલ થઈ ગયા છે. આપણા જ ઘરના પાયાને તોડી રહેલી ટોળકીમાં આપણમાંના ઘણા જાણે-અજાણ્યે સામેલ છે.

એટલે જ આજે વધુ એક વખત ચેતવું છું. સમાજને તેની આસપાસનાં જોખમોથી, આવી રહેલા મોટાં જોખમોથી ચેતવવો એ લેખકોની માત્ર ફરજ જ નહીં જવાબદારી પણ છે.

તેથી આ નવા વર્ષે સંકલ્પ કરો કે, કોઇપણ ભોગે આપણી પોતાની ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરાઓ જાળવીશું.

સંકલ્પ કરો કે, આપણી ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પરંપરા વિશે આપણને “જ્ઞાન” આપવા નીકળી પડતા વિધર્મીઓની વાતોમાં સપડાઈશું નહીં.

સંકલ્પ કરો કે, રોજેરોજ લાખો-કરોડો જીવોની હત્યા કરીને ખાઈ જતા માંસાહારીઓ જ્યારે આપણા તહેવારોમાં જીવદયા બતાવવા આવશે ત્યારે એમને જડબાતોડ જવાબ આપીશું.

સંકલ્પ કરો કે, પોતાના એક દિવસના તહેવારમાં લાખો-કરોડો જીવની હત્યા કરી દેતા લોકો આપણા તહેવારમાં જીવદયા વિશે ડહાપણ ડહોળવા આવશે તો એમને એમની અસલિયતનો અરીસો બતાવીને પરત જવા ફરજ પાડીશું.

સૌથી મોટો સંકલ્પ તો એ કરો કે, હિન્દુ તહેવારો ઉપર સુફિયાણી સલાહ આપવા હાલી નીકળતા બોલિવૂડની ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કથિત સ્ટાર, જુગારના અડ્ડા સમાન ક્રિકેટની રમતના કથિત ખેલાડીઓ કે પછી સનાતન પરંપરાઓને તોડવામાં સૌથી અગ્રેસર ટીવી શ્રેણીઓના કથિત સ્ટાર બાબલા-બેબલીઓની વાતો માનીશું નહીં...એટલું જ નહીં પરંતુ એવી સલાહ આપવા નીકળી પડતા લોકોની ફિલ્મ, રમત તેમજ શ્રેણીનો અને એ જે પ્રોડક્ટની જાહેરાત કરે તેનો બહિષ્કાર કરીશું.

બીજો સૌથી મોટો સંકલ્પ એ પણ કરવો જોઇએ કે, હિન્દુ પરંપરાઓને તોડવા માગતા તત્વોને મહત્ત્વ આપતી સમાચાર ચેનલો, મીડિયાનો બહિષ્કાર કરો. યાદ રાખો, આર્થિક ફટકો માર્યા વિના કદી કોઈ સુધરતું નથી. તમે જોયું હશે કે, ભાજપને બાદ કરતાં તમામ રાજકીય પક્ષો હજુ 2014 સુધી હિન્દુઓને ગણતરીમાં નહોતા લેતા, હિન્દુ તહેવારોમાં કદી શુભેચ્છા પણ નહોતા પાઠવતા- એ બધા 2014 પછીની હિન્દુ એકતા જોઇને હવે મંદિરોના આંટા મારતા થઈ ગયા છે. આ વટલાયેલા નકલી હિન્દુ રાજકારણીઓ છે. એમણે એમની લઘુમતી મતબેંકને દગો કર્યો છે અને હવે હિન્દુઓને છેતરવા આવી પહોંચ્યા છે. એમનાથી ભોળવાઈ નહીં જવાનો પણ સંકલ્પ લેવાની ખાસ જરૂર છે.

જરા વિચાર તો કરો કે તમે પોતે એ પરંપરાના વંશજ છો જે પ્રત્યેક કણમાં જીવ અને પ્રત્યેક જીવમાં શિવના અસ્તિત્વને માને છે. માત્ર માને છે એટલું નહીં, પરંતુ એ પ્રત્યેક જીવને જીવનના વિવિધ પાસાં સાથે એવી રીતે વણી લીધા છે જેથી તમારા પોતાના વિકાસની સાથે સાથે એ જીવોનો પણ વિકાસ થાય. સનાતન હિન્દુ પરંપરા ઉપભોગ અને ઉપભોકતાવાદી નથી. છેક વેદકાળથી સનાતન પરંપરા રહી છે કે સૃષ્ટિમાંથી જે કંઈ લેવામાં આવે એ તેને પરત કરવું.

આ સનાતન પરંપરા હજુ સુધી જળવાઈ છે એમાં કોઈ બેમત નથી. બસ ફેર એટલો પડ્યો છે કે, આવી પરંપરા જાળવનારા સાચા સનાતનીઓની સંખ્યા ઘટી ગઈ છે. સાચા સનાતની હિન્દુઓ ઘટી ગયા છે, ઘટી રહ્યા છે. જો આ જ પ્રવાહ ચાલુ રહશે તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, થાઇલેન્ડ, બર્મામાંથી જેમ આપણે લૂપ્ત થઈ ગયા અથવા લૂપ્ત થઈ રહ્યા છીએ...એમ જ એક દિવસ આપણી પોતાની ભૂમિ ભારતવર્ષમાંથી લૂપ્ત થઈ જઇશું.

આપણા તહેવારો, આપણી ધાર્મિક પરંપરા અને માન્યતાઓ, આપણા ઉત્સવો, આપણી બોલચાલ અને ખાણીપીણી આ બધા ઉપર ઉર્દુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ટીવી શ્રેણીઓ, મીડિયા ઉપરાંત દંભી વટલાયેલા રાજકારણીઓ અવળો પ્રભાવ પાડી રહ્યા છે. એટલે સુધી કે આપણા પોતાના તહેવારમાં, આપણા પોતાના ધર્મમાં શુભેચ્છા પાઠવવાની પરંપરામાં “મુબારક” જેવો શબ્દ ઘૂસાડી દેવામાં આવ્યો છે. આવી ગુલામીમાંથી બહાર નીકળવાનો સંકલ્પ લેવો જ પડશે. કોઈ વિકલ્પ નથી. જેમ વંશવેલો આગળ વધારવા માટે ગોત્રનું મહત્ત્વ છે એમ જ ધર્મનું રક્ષણ કરવા અને તેને આગળ વધારવા સાધર્મીઓનો મજબૂત કિલ્લો જોઇએ. આટલું સમજાશે તો તમને – આપણને વિખેરી નાખવા માગતાં પરિબળોને ઓળખવાનું વધારે અઘરું નહીં રહે. આ લેખના એક-એક વાક્ય ઉપર વિચાર કરો, ફેલાવો ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!