Tuesday, August 21, 2018

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ

સંઘ (વિરુદ્ધ) સેક્યુલર કોમવાદીઓ
---------------------------------
સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે
---------------------------------------------
આજના જ (21-08-18 – મંગળવાર) દાખલાથી શરૂઆત કરું કે સંઘ અને સેક્યુલર કોમવાદીઓ વચ્ચે કેટલો તફાવત છે –
... આજના એક સેક્યુલર કોમવાદી અખબારે બકરી ઇદ વિશે અહેવાલ આપ્યો છે (https://indianexpress.com/article/cities/chandigarh/goats-for-eid-baahubali-competes-with-karan-arjun-salmaan-for-buyers-attention-5316555/) જેમાં નિર્દોષ-ભોળા મુસ્લિમ વેપારીઓ બકરાઓના નામ બાહુબલી, કરણ, અર્જુન એવા હિન્દુ નામ રાખ્યા છે. આ અખબારે તેના આ અહેવાલમાં ખૂબ પ્રેમથી મુસ્લિમ વેપારીઓની વાત મૂકી છે, અને તેમના વેપારને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
----- પણ સંઘ આવો જરાય નથી. સંઘ તદ્દન નિર્દોષ છે. આવા અહેવાલ પ્રત્યે સંઘે જરાય ધ્યાન જ નથી આપ્યું એ જ તો તેની મહાનતા છે.
---------------------------------------------
... થોડા સમય પહેલાં ઉત્તરપ્રદેશના ઓરૈયામાં શાંતિદૂતોએ ત્રણ સાધુઓને મંદિરની અંદર જ રહેંસી નાખ્યા છતાં સેક્યુલર કોમવાદીઓએ એ વિશે જરાય હોબાળો કે ચિંતા ન કરી. તેમને મન આ સામાન્ય ઘટના હતી, કોઈ મોબ લિન્ચિંગ નહોતું.
---- પણ સંઘ એવો જરાય નથી. ઓરૈયાની ઘટના વિશે સંઘે જરાય ચિંતા વ્યક્ત કરી નથી. સંઘ પૂરી રીતે સમાનતામાં માને છે. આવી ઘટનાઓથી સંઘ વિચલિત ન થઈ શકે, સંઘની મહાનતા જ એ છે.
---------------------------------------------
... ગયા મહિને (જુલાઈમાં) કેરળ તેમજ ઝારખંડમાં કેટલાક પવિત્ર પાદરીઓ દ્વારા નન (ખ્રિસ્તી સાધ્વીઓ) ઉપર દુષ્કર્મ કરવાના આરોપ મૂકાયા અને કેસ પણ થયા. છતાં સેક્યુલર કોમવાદીઓની સ્થિતપ્રજ્ઞતા ઊડીને આંખે વળગે એવી હતી. આ સેક્યુલરવાદીઓએ એ પવિત્ર પાદરીઓને સાવ માફ કરી દીધા. એમના વિશે ખાસ લખવા જેવું કે બોલવા જેવું સેક્યુલર કોમવાદીઓને ન લાગ્યું.
---- પણ સંઘ એવો જરાય નથી. સંઘે તો એ દિશમાં મોં પણ ન ફેરવ્યું. એવાં પાપકર્મો તરફ જોવાય જ કેવી રીતે? સંઘની મહાનતા જ એ છે.
------------------------------------------------
... આ દેશના સેક્યુલર કોમવાદીઓ આખો દિવસ નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથજી, ગીરીરાજ સિંહ તથા અન્ય હિન્દુ સાધુ-સાધ્વીઓના છોતરા કાઢી નાખે છે. આ લોકો જો હિન્દુવાદની તરફેણમાં એક વાક્ય પણ બોલે તો સેક્યુલર કોમવાદીઓ વડાપ્રધાન મોદી સહિત બધાની ધૂળ કાઢી નાખે છે.
---- પણ સંઘને એવું કંઈ નહીં. સંઘ તદ્દન સ્થિતપ્રજ્ઞ છે. તેને કોઈ હિન્દુવાદીઓની ટીકાથી જરાય ચિંતા નથી થતી. એ જ તો એની મહાનતા છે. અરે સાહેબ, આ બાબતમાં સંઘની સૌથી મોટી મહાનતા તો એ છે કે તેને મન “વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ...” સંઘનું સર્વોચ્ચ વૈચારિક ભાથું તો એ છે કે તે એમ માને છે કે વ્યક્તિ વિના દલ એટલે કે પક્ષ ચાલી શકે અને દલ અને વ્યક્તિ બંને વિના દેશ પણ ચાલી શકે. એ જ તો સંઘની મહાનતા છે.
--- આ દુનિયાએ તો સંઘનું સન્માન કરવું જોઈએ કેમકે, હું કશું ખોટું જોતો નથી 🙈, હું કશું ખોટું બોલતો નથી 🙊 અને હું કશું ખોટું સાંભળતો નથી 🙉 એ સિદ્ધાંતનું પાલન દુનિયાનું બીજું કોઈ સંગઠન કે સંસ્થા કરી શકી નથી. આ જ તો સંઘની મહાનતા છે.

Monday, August 20, 2018

ઇમરાનની ચોટલી પણ પાકિસ્તાની લશ્કરના હાથમાં જ રહેશે


 --- પાકિસ્તાન આખી દુનિયાની આંખમાં ધૂળ નાખવા જ ચૂંટણી અને લોકશાહીનું નાટક કરે છે, બાકી ત્યાં આઇએસઆઇ - લશ્કર અને ત્રાસવાદીઓ જ શાસન કરે છે. ઇમરાનને 22મા વિઝિટિંગ વડાપ્રધાન કહી શકાય


-- અલકેશ પટેલ

ઇમરાન ખાને શનિવારે ભાંગ્યા-તૂટ્યા ઉર્દુ સાથે પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે શપથ લીધા. એ સાથે આપણા પાડોશી ઇસ્લામિક દેશમાં વધુ એક વખત કહેવાતી લોકશાહી સરકાર અસ્તિત્વમાં આવી. એ જ કારણ છે કે 70 વર્ષમાં એ દેશમાં 22મા વડાપ્રધાને શપથ લીધા અને ભારતમાં એટલાં જ વર્ષોમાં 14મા વડાપ્રધાન શાસન કરી રહ્યા છે. અર્થાત 70 વર્ષમાં ના-પાકિસ્તાનીઓએ ભારતની સરખામણીમાં બીજા સાત બેસાડ્યા અને ઉઠાડી મૂક્યા. હવે ઇમરાન ખાન કેટલા મહિના કે કેટલાં વર્ષ વડાપ્રધાન રહેશે એ જોવાનું રહ્યું, કેમ કે વિઝિટિંગ પ્રોફેસર, વિઝિટિંગ ફૅકલ્ટીની જેમ પાકિસ્તાનમાં વડાપ્રધાનો પણ વિઝિટિંગ વડાપ્રધાન હોય છે, જે બે-ચાર મહિનાથી માંડીને બે-ત્રણ વર્ષ સુધી હોદ્દા ઉપર રહે અને કાંતો લશ્કર અથવા આઈએસઆઈ અથવા કટ્ટરવાદીઓ-ત્રાસવાદીઓ અને નહીં તો છેવટે અદાલત દ્વારા ઘરે રવાના કરી દેવામાં આવે.
પ્રારંભમાં પાકિસ્તાન માટે ઇસ્લામિક દેશ શબ્દ પ્રયોગ કર્યો છે, તે ખાસ ઇરાદાપૂર્વક અને મુખ્ય ત્રણ કારણસર કર્યો છે. પ્રથમ કારણ, શનિવારે જે લોકોએ ઇમરાનને વડાપ્રધાનપદના શપથ લેતા સાંભળ્યા હશે તેમણે એક વાક્ય અચૂક સાંભળ્યું હશે... કે “…મૈં મુસલમાન હું... – આ શબ્દો અતિશય સૂચક છે. પાકિસ્તાનના વડાપ્રધાન બનવા માટે તમે મુસલમાન છો અને કુરાનનું પાલન કરીશ એવું શપથ લેતી વખતે બોલવું પડે છે, એ શપથ ઉપર સહી કરવી પડે છે. ભારતમાં કમનસીબે કહેવાતા સેક્યુલારિઝમના નામે હિન્દુ અને ભગવદ્ ગીતાના નામનો ઉલ્લેખ પણ કોઈ રાજકારણી કરી નથી શકતા, નહીં તો સેક્યુલર-કોમવાદીઓ એવા રાજકારણી-નેતાની ચામડી ઉતરડી નાખે. બીજું કારણ, સમારંભની શરૂઆત મૌલવી દ્વારા ધાર્મિક પાઠ દ્વારા થયો હતો. અને ત્રીજું કારણ, એ સમારંભમાં ઇમરાનનાં ત્રીજાં પત્ની હાજર હતાં, પરંતુ તેમની આંખો પણ જોઈ ન શકાય  હદે શરીર અને મોં ઢાંકેલું હતું. આ બાબત સૂચક પણ છે અને જોખમી પણ છે, કેમકે જે ઇમરાન ખાન એક ક્રિકેટર તરીકે આખી દુનિયામાં પ્રસિદ્ધ થયા, તેમને આજ સુધી દુનિયા એક પ્રગતિશીલ વ્યક્તિ માનતી રહી એ જ ઇમરાનનાં પત્ની તાલિબાન શાસનમાં સ્ત્રીઓએ જે રીતે બુરખા પહેરવા પડે એ રીતે પહેરીને શપથગ્રહણમાં આવે એ દેશનો વડાપ્રધાન કયા મોઢે ઉદારતા અને લોકશાહીની વાત કરશે..!?
25 જુલાઈની ચૂંટણીમાં ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પક્ષને વધારે બેઠકો મળી, બહુમતી નહીં પરંતુ વધારે બેઠકો મળી ત્યારે પોતે 18 ઑગસ્ટે વડાપ્રધાન બનશે એવા પૂરા વિશ્વાસ સાથે ખાને એક વિડીયો જારી કર્યો હતો. તેમાં તેણે પાકિસ્તાનની પ્રગતિના મોટાં મોટાં બણગાં ફૂંકવા સાથે ભારત સંદર્ભે જે વાતો કરી હતી તેના ઉપર આજે ફરી ધ્યાન આપવા જેવું છે. તે સમયે ઇમરાને કહ્યું હતું કે પોતે પાડોશી દેશો સાથે, અને ખાસ કરીને ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે... પરંતુ એ માટે કાશ્મીરનો ઉકેલ જરૂરી છે. આનો સીધો અર્થ જ એ કે પાકિસ્તાનના રાજકારણીઓ, પાકિસ્તાનનું લશ્કર, પાકિસ્તાની આઇએસઆઇ અને પાકિસ્તાની ત્રાસવાદીઓ રોજે રોજ, સવાર-સાંજ-બપોર પાકિસ્તાની પ્રજાને માત્ર એક જ બાળાગોળી પીવડાવ્યા કરે છે, અને એ ગોળીનું નામ છે – કાશ્મીર. આ બાળાગોળી વિના પાકિસ્તાનીઓ નથી શ્વાસ લઈ શકતા, નથી પાણી પી શકતા અને નથી ખાધેલું હજમ કરી શકતા.
અને એટલે જ એ દેશ કે એ દેશના કોઈપણ રાજકારણી ઉપર હજુ સુધી ભરોસો રાખી શકાય એવી સ્થિતિ જ નથી. પાકિસ્તાનમાં ઇમરાન ખાન વડાપ્રધાન બન્યા તેનાથી ભારતમાં કેટલીક ચોક્કસ પ્રકારની પ્રજા ખુશ છે. આ પ્રજાને ભારતના વડાપ્રધાન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પાકિસ્તાન બાબતે એવું લાગે છે કે ઇમરાન જાદુઈ લાકડીથી ઉદ્ધાર કરી દેશે.
ખેર, જે લોકો ના-પાકિસ્તાનનો ઇતિહાસ જાણે છે, જે લોકોને પાકિસ્તાની લશ્કરના ઇરાદા વિશે ખબર છે, જે લોકોને પાકિસ્તાની આઇએસઆઇના કાવતરાંની જાણ છે અને જે લોકોને પાકિસ્તાનના તાલિબાની કટ્ટરવાદીઓ વિશે ખબર છે એ તો બધાને ખબર જ છે કે જ્યાં સુધી ના-પાકિસ્તાનીઓ કાશ્મીરનો રાગ આલાપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી બંને દેશ વચ્ચે સંબંધો સુધરવાની કોઈ આશા રાખી શકાય એમ નથી. પરંતુ એ સિવાયની મણિશંકર ઐયર જેવી પાકિસ્તાન-પરસ્ત જે વસ્તી છે તે વસ્તીને પોતાને ખાધાની અને પચાવવાની ખબર પડતી ન હોવા છતાં ભારતના વડાપ્રધાનને તથા ભારત સરકારને સલાહ આપવાનું બંધ નહીં કરે કે ભારતે પાકિસ્તાન સાથે વાટાઘાટ કરવી જોઈએ અથવા તો ભારતે પાકિસ્તાનને સબક શીખવાડી દેવો જોઈએ...બ્લા બ્લા બ્લા.

Thursday, August 16, 2018

“આઈ ન્યુ ધ ડોર આઈ વૉન્ટેડ, એન્ડ આઈ નૉક્ડ”



--- આપણી સદીના એક મહાન લેખક વી એસ નાઇપૉલે સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. સાહિત્યના બે સર્વોચ્ચ સન્માન નોબેલ અને બૂકર વિજેતા - ભારતીય મૂળના પણ ટ્રિનિદાદમાં જન્મેલા અને આજીવન ઈંગ્લેન્ડમાં રહેલા નાઇપૉલ અક્ષર-દેહે હંમેશાં આપણી વચ્ચે રહેશે

--- અલકેશ પટેલ

       
“I knew the door I wanted, I knocked.” – આવા પ્રખ્યાત વિધાન દ્વારા ભાગ્યને પડકારીને પોતાના માટે ખ્યાતિનો મબલખ પાક લઈને 11 ઑગસ્ટને શનિવારે આપણી વચ્ચેથી સદેહે વિદાય થયેલા વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ 17 ઑગસ્ટે આવી રહેલો તેમનો 86મો જન્મદિવસ ઊજવવા ન રહ્યા તેને પણ કંઇક વિશિષ્ઠ યોગાનુયોગ જ ગણવો જોઈએ. જોકે, સાથે સાથે કડવી વાસ્તવિકતા એ પણ છે કે પોતાના જન્મ સ્થળ (ટ્રિનિદાદ)ને નકારનાર, પોતાના પૂર્વજોની માતૃભૂમિ (ભારત)ને નકારનાર અને પોતાને આશ્રય અને શિક્ષણ આપનાર બ્રિટનને નકારનાર વી એસ નાઇપૉલનું વ્યક્તિત્વ તેમજ તેમનાં લખાણો ઘણીબધી રીતે વિરોધાભાસી હતાં. કદાચ એ જ કારણે સલમાન રશ્દીએ આપેલી અંજલિ શબ્દશઃ નાઇપૉલના વ્યક્તિત્વને વ્યક્ત કરે છે. રશ્દીએ ટ્વિટ કરીને અંજલિ આપતા લખ્યું હતું, અમારી વચ્ચે દરેક મુદ્દે વિવાદ અને વિરોધાભાસ હતો, છતાં તેમને ચાહનાર કોઇપણ વ્યક્તિ જેટલા જ હું પણ તેમને ચાહું છું. મને એક મોટાભાઈ ગુમાવ્યા જેટલું દુઃખ થાય છે.
34 જેટલાં પુસ્તકો દ્વારા સાહિત્યની દુનિયામાં ડંકો વગાડનાર નાઇપૉલની જીવનકથાને જો સાવ ઓછાં વાક્યોમાં કહેવી હોય તો આ રીતે કહી શકાય, ભારતમાં પોતાના વતનથી મૂળ સમેત ઊખડી ગયેલો એક માણસ, જે ટ્રિનિદાદ અને ટૉબેગોમાં પગ જમાવી નથી શકતો... છેવટે લંડનમાં માંડ પા-પા પગલી કરવા મથે છે ત્યાં ફરી ગોરો સમાજ તેમને એકલતામાં ધકેલી દે છે. પત્ની પેટ્રિશિયાનો સહારો ન હોત તો આપણે જાણતા નથી કે આજે આપણે જે નાઇપૉલને ઓળખીએ છીએ તેમનું અસ્તિત્વ દુનિયામાં એ જ ઓળખથી હોત કે નહીં..! સંઘર્ષ અને પીડાએ જે સાહિત્યને જન્મ આપ્યો એ જ સાહિત્યે તેમને ઓળખ આપી અને નોબેલ – બૂકર સહિત સાહિત્યના લગભગ તમામ મુખ્ય પુરસ્કારો પણ! 1950ના દાયકાના પ્રારંભ જે લંડને તેમની ઉપેક્ષા કરી હતી એ જ લંડનના ટોચના સાહિત્ય વર્તુળોમાં પછી તો તેમનો દબદબો હતો અને એ જ બ્રિટિશ સરકારે તેમને નાઇટહૂડથી નવાજ્યા હતા. વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ હવે સર વી એસ નાઇપૉલ તરીકે ઓળખાતા હતા.
નાઇપૉલનું વ્યક્તિત્વ જેટલું અઘરું છે એટલો જ તેમનો સાહિત્યપ્રકાર પણ જટિલ છે. કદાચ એટલે જ એક વિવેચકે સર નાઇપૉલના સાહિત્યને ફિક્શન - નોન-ફિક્શન તેમજ જીવનકથાના મિશ્રણ સમાન ગણાવ્યું છે. પણ એવા એકાદ અપવાદને બાદ કરતાં આખી દુનિયામાં એક ઉમદા સાહિત્યકાર તરીકે નાઇપૉલનો સ્વીકાર થયો છે.
સાહિત્યકાર અને પત્રકાર પિતા શ્રીપ્રસાદ નાઇપૉલના આ પુત્ર વિદ્યાધર પણ લેખક બનવા માગતા હતા. તેમના પોતાના શબ્દોમાં, હું એવા કેટલાક લોકો પૈકી એક હતો જેને લખવાની અતિશય તમન્ના હતી, પરંતુ લખવા માટે કશું (વિષય) નહોતું. આવી દ્વિધા અનુભવનાર યુવાન નાઇપૉલને બીબીસીના વેસ્ટ ઇન્ડિઝના સાહિત્યલક્ષી કાર્યક્રમો તૈયાર કરવાની અને તેમાં ચર્ચા કરવાની તક મળી તે સાથે જ તેમનો સાહિત્ય સાથેનો નાતો જોડાઈ ગયો. બીબીસી સાથેના આ સમય દરમિયાન જ તેમણે એક વાર્તા લખી અને તેમનું લેખન શરૂ થયું. અને 1957 આવતાં આવતાં તેમણે તેમની પહેલી નવલકથા ધ મિસ્ટિક મેસર લખી. નવલકથાનો પ્લૉટ ટ્રિનિદાદમાં લાવવામાં આવેલા નિર્ધન અને નબળા લોકોના હાડમારીભર્યા જીવન વિશેનો હતો. તે સમયે આ નવલકથા લોકપ્રિયતાના માપદંડમાં નહોતી આવતી છતાં પુરસ્કાર માટે યોગ્ય ઠરી હતી અને તેમને પહેલી જ નવલકથા માટે જ્હોન લેવેલીન હેઇસ મેમોરિયલ પ્રાઇઝ મળ્યું હતું. આ પછી તેમની વાર્તાઓનું એક પુસ્તક મિગ્યુલ સ્ટ્રીટપ્રકાશિત થયું અને તેને પણ 1959માં સમરસેટ મૉમ અવોર્ડ મળ્યો. યુવાન નાઇપૉલ તેમના ત્રીજા પુસ્તક એ હાઉસ ફૉર મિ. બિસ્વાસ થી ખૂબ લોકપ્રિય થયા. 1961માં તેઓ 29 વર્ષના હતા ત્યારે તેમણે આ નવલથા લખી હતી અને તેમાં મુખ્યત્વે તેમના પિતાના જીવનના પ્રસંગો જોડાયેલા છે. આટલી નાની ઉંમરમાં ત્રણ પુસ્તક અને બે પુરસ્કાર મળવા છતાં સાહિત્યિક વર્તુળોમાં સ્થાન ન મળતાં અકળાયેલા નાઇપૉલે ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટમાં આ શબ્દોમાં બળાપો કાઢ્યો હતો, પાંચ વર્ષમાં મેં ત્રણ પુસ્તક લખ્યાં છે અને તેમાંથી 300 ડૉલર કમાયો છું. અમેરિકનો મને સ્થાન નથી આપતા કેમ કે તેઓ મને બ્રિટિશ ગણે છે. બ્રિટિશરો મને સ્થાન નથી આપતા કેમ કે તેઓ મને વિદેશી ગણે છે. જોકે એ જ બ્રિટને પછી 1990માં વિદ્યાધર નાઇપૉલને નાઈટહૂડથી નવાજ્યા હતા અને તેઓ હવે સર વી એસ નાઇપૉલ બન્યા.
ત્યારપછી તો વી એસ નાઇપૉલનો સાહિત્યિક પ્રવાસ અવિતર ચાલુ રહ્યો. તેમણે દુનિયાના વિવિધ દેશોમાં ફરીને એક લેખક-પત્રકારની જેમ સંશોધન કર્યાં અને વિગતો મેળવી અને તેને આધારે પુષ્કળ નિબંધ લખ્યા જેને પરિણામે દુનિયાને વિવિધ દેશો વિશે જાણવા મળ્યું. નોબેલ પુરસ્કાર સમિતિએ પણ નાઇપૉલને 2001માં સાહિત્યનો નોબેલ આપતી વખતે આ જ બાબતની નોંધ તેમના પ્રશસ્તિપત્રમાં લીધી છે. નોબેલ સમિતિએ તેમના સાહિત્યને વખાણતાં લખ્યું, ...આ સાહિત્યમાં એક સુગ્રથિત સંવેદનશીલ વર્ણન અને વિશુદ્ધ નિરીક્ષણ જોવા મળે છે જે અમને કચડાયેલા (લોકોના) ઇતિહાસ તરફ નજર કરવા ફરજ પાડે છે. સર નાઇપૉલના સાહિત્યની આવી તાકાતની નોંધ ગૌરવ સમાન છે તેમાં શંકાને સ્થાન નથી. તેમનું આવું જ મજબૂત અને યાદગાર પુસ્તક ઈન એ ફ્રી સ્ટેટછે જેને  1971માં બૂકર પ્રાઇઝ મળ્યું હતું. ભારતમાંથી બંધક મજૂરો બનાવીને આફ્રિકન દેશોમાં લઈ જવાયેલા ભારતીયો ઉપરાંત અન્ય બ્રિટિશ કૉલોનીઓમાંથી આફ્રિકન દેશોમાં લવાયેલા એવા જ બંધક મજૂરોની દયનીય સ્થિતિ વિશેના એ પુસ્તકમાં એ બંધકો માટે કોઈ મુક્ત દેશની કલ્પના ઈન એ ફ્રી સ્ટેટ માં કરવામાં આવી છે.
નાઇપૉલે પાકિસ્તાન સહિત કેટલાક મુસ્લિમ દેશોની મુલાકાત લઈને અમંગ ધ બિલિવર્સઃ એન ઇસ્લામિક જર્ની (1981) તથા બિયોન્ડ બિલિફઃ ઇસ્લામિક એક્સર્સન્સ (1998) એમ બે પુસ્તક લખ્યાં છે. ઇસ્લામ વિશેનાં તેમનાં લખાણોને કારણે સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રના ઘણા લોકો તેમનાથી નારાજ થયા હતા.
આટલું બધું લખનાર વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલ તેમના પૂર્વજોના વતન ભારતને તો કેવી રીતે ભૂલે! સમગ્ર જીવન દરમિયાન તેઓ માંડ ચાર વખત ભારત આવ્યા હતા અને ભારત વિશે તેમણે ત્રણ પુસ્તક લખ્યાં છે – એન એરિયા ઑફ ડાર્કનેસ, ઈન્ડિયાઃ અ વુન્ડેડ સિવિલાઇઝેશન અને ઈન્ડિયાઃ અ મિલિયન મ્યુટિનિઝ નાઉ. તેમણે 1961ના અરસામાં પ્રથમ વખત ભારતની મુલાકાત લીધી હતી અને પરત ગયા પછી 1964માં એન એરિયા ઑફ ડાર્કનેસ લખ્યું હતું જેમાં અંગ્રેજોના ગયા પછી ભારતની થયેલી દુર્દશાનું વર્ણન છે. ત્યારપછી તેઓ 1975ના અરસામાં ભારત આવ્યા હતા. તે સમયે દેશમાં ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનું વાતાવરણ હતું. અને એ અનુભવોને આધારે તેમણે ઈન્ડિયાઃ અ વુન્ડેડ સિવિલાઇઝેશન લખ્યું. તેઓ હજુ વધુ એક વખત ભારતને જોવા માગતા હતા. ભારતમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે નહીં તે જાણવા માગતા હતા અને તેથી 1988ના અરસામાં ફરી અહીં આવ્યા. એ વખતે તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો અને લોકોને વ્યક્તિગત રીતે મળીને તેમના અનુભવો જાણ્યા અને તેને આધારે ભારત અંગેનું ત્રીજું પુસ્તક ઈન્ડિયાઃ અ મિલિયન મ્યુટિનિઝ નાઉ લખ્યું.
છેલ્લે ચોથી વખત તેઓ 2015માં ભારત આવ્યા હતા. તે સમયે તેમણે ખાસ જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. તે વખતે માધ્યમોએ નોંધ પણ લીધી હતી કે 2015માં જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં નાઇપૉલને સાંભળવા આવનાર લોકોની જે ભીડ હતી તે અગાઉના લિટરેચર ફેસ્ટિવલમાં મહાનાયક અમિતાભ બચ્ચન અને સેલિબ્રિટી ઓપરા વિનફ્રેના કાર્યક્રમોમાં જામેલી ભીડ કરતાં વધારે હતી. નાઇપૉલના સાહિત્યની એ જ તો તાકાત છે. સર વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપૉલના સાહિત્ય વિશે આજે અહીં આટલું આચમન પૂરતું છે.

Monday, August 13, 2018

સબસિડી અને રાહતોથી કોઈ દેશ મહાન ન બની શકે


--- દુનિયાનું સૌથી જોખમી દૂષણ સમાજવાદ છે. આ દૂષણે જ આર્થિક સહાય, સબસિડી, રાહતો, અનામતવાદ, લઘુમતીવાદ, સેક્યુલારિઝમ જેવા કૅન્સર-જન્ય રોગ ભારતને આપ્યા છે


-- અલકેશ પટેલ

બે દિવસ પછી આપણે આપણો 71મો સ્વતંત્રતા દિવસ ઊજવીશું... પરંતુ સાથે કમનસીબી એ છે કે આપણને હજુ આજે પણ સબસિડી, રાહતો, અનામતવાદ, લઘુમતીવાદ, નકલી-સેક્યુલારિઝમ – જેવી માનસિકતાઓમાંથી સ્વતંત્રતા મળતી નથી. આપણા રાજકારણીઓ અને આપણી સરકારોએ હજુ આજે પણ રાહત પૅકેજોની જાહેરાત કરવી પડે છે. આ તમામ બાબતો સમાજવા અંગેની અધકચરી સમજમાંથી પેદા થઈ છે અને ભારતીય સમાજ વ્યવસ્થા, ભારતીય રાજકારણ તેમજ ભારતીય વહીવટીતંત્રમાં આ બધી બાબતોએ કૅન્સર જેવું સ્વરૂપ લઈ લીધું છે... ખૂબ મોટી સર્જરી વિના બીજો કોઈ ઉપાય નથી.
નહેરુ-ગાંધી પરિવારની તદ્દન ખોખલી, અવિચારી, સ્વાર્થી રાજકારણપ્રેરિત નીતિઓને કારણે દેશ આજે એવી સ્થિતિએ આવીને ઊભો છે કે ભાજપમાં પણ સુધારો કરવાની હિંમત રહી નથી. સમાજના નબળા વર્ગો માટે પૂરી સંવેદના અને લાગણી છે તેમ છતાં કહેવું પડે છે કે અનામત નીતિને કારણે દેશ પ્રગતિ કરવાને બદલે જાણે પીછેહઠ કરી રહ્યો છે. પીછેહઠ અનામતને કારણે નહીં પરંતુ એ નીતિ સાત દાયકા સુધી ચાલુ રહી તેને કારણે થઈ રહી છે. એ નીતિ હજુ સુધી ચાલુ રહેતાં હવે જે સમુદાયોનો અનામતમાં સમાવેશ નથી થયો એ લોકો પણ છેલ્લાં કેટલાક વર્ષથી અનામતની માગણી કરવા લાગ્યા છે અને તેથી જ નીતિની નિષ્ફળતા છે, અનામતની નહીં. હવે આજે તેનું એ પરિણામ આવ્યું છે કે ગુજરાત સરકારે બિન-અનામત વર્ગો માટે આર્થિક પૅકેજની જાહેરાત કરવી પડી છે.
ગુજરાત સરકારે બિન-અનામત વર્ગો માટે જે યોજનાઓ જાહેર કરી તેને કારણે એક તરફ એવું લાગે છે કે હાશ, ચાલો હવે સાત દાયકાની પ્રથાને કારણે અન્યાયનો અનુભવ કરતા બાકીના તમામ સમાજને પણ આર્થિક સહાય મેળવીને આગળ વધવાની તક મળશે. પરંતુ તરત જ સાથે બીજો વિચાર એવો પણ આવે છે કે, દેશના તમામ નાગરિકોને એક સમાન તક મળે અને તંદુરસ્ત સ્પર્ધા દ્વારા બધા સમાજ – બધા નાગરિકો મજબૂત અને મક્કમ મનોબળથી પ્રગતિ કરી શકે એવી સ્થિતિ હજુ સુધી આપણે શા માટે નથી લાવી શક્યા?
આ ગંભીર સવાલનો જવાબ શોધવા પ્રયાસ કરું છું ત્યારે આવીને બધી વાત કોંગ્રેસ અને ડાબેરીઓ ઉપર અટકે છે. માત્ર ભૂતકાળની વાતો કરીને એવું કહેવાનો કે એવું સાબિત કરવાનો કોઈ આશય નથી કે સમાજની પ્રગતિ માટે તેમણે જે પગલાં લીધાં તેનાથી આપણે આજે આ સ્થિતિએ છીએ. મારે તો ભારપૂર્વક એ કહેવું છે કે એ જ કોંગ્રેસ અને એ જ ડાબેરીઓ અને એ જ સમાજવાદી પાર્ટી અને એ જ બહુજન સમાજ પાર્ટી અને એ જ એનસીપી અને એ જ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) હજુ પણ સમાજને પ્રગતિની દિશામાં લઈ જવાનો વિચાર શા માટે નથી કરી શકતા..?!
મને ચિંતા એ વાતની છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૅસ સબસિડી છોડવા લોકોને અપીલ કરી અને તેમાંથી થયેલી બચતમાંથી ગ્રામ્ય વિસ્તારની પાંચ કરોડ મહિલાઓને રાંધણ ગૅસની સુવિધા પૂરી પાડી તેમછતાં વિરોધ પક્ષો હજુ પણ જાતિવાદી રાજકારણ શા માટે નથી છોડી શકતા..?! આખો દેશ જાણે છે કે જે પાંચ કરોડ મહિલાઓને રાંધણ ગૅસના બોટલ પૂરા પાડવામાં આવ્યા ત્યાં મુસ્લિમ મહિલાઓ પણ છે, ખ્રિસ્તી મહિલાઓ પણ છે, આદિવાસી મહિલાઓ પણ છે... ટૂંકમાં તમામ ધર્મ-સમુદાયની અત્યંત ગરીબ મહિલાઓને ગૅસની સુવિધા આપવામાં આવી છે જેમણે અત્યાર સુધી લાકડા અને કોલસા બાળીને રસોઈ કરવી પડતી હતી. આટલું કર્યા પછી પણ નરેન્દ્ર મોદીએ નછૂટકે જ્ઞાતિ-જાતિ-ધર્મની વાતો કરવી પડે છે તેનું કારણ એવા વિપક્ષોની નીતિ જ છે જે આ બધી બાબતમાંથી છૂટતા નથી.
કમનસીબે મીડિયા પણ આવી બાબતો ઉજાગર કરતું નથી કેમ કે તેમના પોતાના પણ ચોક્કસ એજન્ડા છે. વાત ગુજરાત સરકારે જાહેર કરેલા બિન-અનામત આયોગમાંથી ઊભી થઈ છે તો તેના વિશે પણ વિગતે વાત કરી લઉં. મુદ્દો એ છે કે 100 કરોડથી માંડીને 1000 કરોડના ખર્ચે મંદિરો બાંધનાર પાટીદાર સમાજે કોંગ્રેસ-ડાબેરીઓના દોરીસંચારથી અનામતની માગણી ઉપાડી એટલું જ નહીં પરંતુ વારંવાર હિંસા કરીને પ્રજાની જાહેર સંપત્તિને ભારે નુકસાન કર્યું. સરકારે સમાધાનના ભાગરૂપે આર્થિક પૅકેજની જાહેરાત કરી. કૂવાના દેડકા સમાન ટૂંકી દૃષ્ટિના તત્વો હવે તેમાં એવો વાંધો ઉઠાવી રહ્યા છે કે સરકાર વ્યાજ શા માટે લે છે..?! સરકાર જામીન શા માટે માગે છે..?! સરકાર મિલકત ગીરે મૂકવાની વાત કેમ કરે છે..?!
આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકા શું એ જાણતા નથી કે બધાને બધું મફત આપવું એ સાચું અર્થતંત્ર નથી..?! આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકા શું એ જાણતા નથી કે ગુજરાતની છ કરોડની વસ્તીમાંથી માંડ 50 લાખ લોકો જ અંગત કરવેરો ભરે છે, બાકીના બધા કાંતો કરચોરી અથવા સરકારી રાહતો ઉપર જ આધાર રાખે છે..?! આ ટૂંકી દૃષ્ટિના કૂવાના દેડકાઓને શું એ ખબર નથી કે મહાન દેશ બનવા માટે સખત મહેનત કરવી પડે, સ્પર્ધા કરવી પડે..?! મફતની સબસિડી અને રાહતોથી દુનિયાનો કોઈ દેશ સુપરપાવર બન્યો છે ખરો..?!
આશ્ચર્ય અને આઘાતની વાત તો એ છે કે જે કહેવાતા બુદ્ધિજીવીઓ દુનિયાના મહાપુરુષોના જીવન અને સંઘર્ષની વાતો કરે છે, જે કહેવાતા બુદ્ધિજીવીઓ સંઘર્ષ દ્વારા સિદ્ધિ મેળવવાનાં ભાષણ ઠપકારતા રહે છે, જે કહેવાતા બુદ્ધિજીવીઓ પ્રેરણાદાયક પુસ્તકો લખીને મહેનત અને સમાનતાના ગુણગાન કરતા રહે છે એ જ બુદ્ધિજીવીઓ સબસિડી અને રાહતો અને આર્થિક પૅકેજોની માગણી કરનારા વર્ગોના સમર્થનમાં પણ ઝંડા લઈને રસ્તા પર ઊતરે છે. ભારતના આ કહેવાતા બુદ્ધિજીવી વર્ગના દંભ અને બેવડાં ધોરણોએ પણ પારાવાર નુકસાન કર્યું છે.
ખેર, પ્રજામાં જ્યાં સુધી ખુમારી નહીં આવે, પ્રજામાં જ્યાં સુધી પ્રામાણિકતા અને મહેનત દ્વારા દેશને સુપરપાવર બનાવવાની ઇચ્છા નહીં જાગે ત્યાં સુધી આશાનું કિરણ ધૂંધળું જ રહેશે..!