Friday, January 28, 2022

સ્વાતંત્ર્યના ખરા લડવૈયાનું 75 વર્ષે સાચું સન્માન થયું

 



– નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં સુભાષચંદ્ર બોઝ અને તેમની આઝાદ હિંદ ફોજનાં સંસ્મરણો હજુ પણ ક્યાંક ક્યાંક સચવાયેલા છે. આઈ.એન.એ.ના એ તમામ વારસદારો દિલ્હીમાં રાજપથ પર નેતાજીની પ્રતિમા જોઇને આજે કેટલા પુલકિત હશે!

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

દિલ્હીમાં જે રાજપથની છાતી ઉપર બ્રિટિશરો ભારતને ગુલામ બનાવવાના અહંકારમાં કૂચ કરતા હતા એ જ રાજપથ ઉપર સ્વતંત્રતાની લડાઈનો એક સાચો વીરયોદ્ધો ઊભો હશે ત્યારે કરોડો રાષ્ટ્રવાદીઓની છાતી ગજગજ ફૂલી જશે એનો અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી. આપણને સ્વતંત્રતા “બિના ખડગ, બિના ઢાલ” મળી છે એવી ભ્રમણામાંથી મુક્ત થવાનો આજે અવસર છે. આજે ભારતના એ સપૂતનો જન્મદિવસ છે જે એક આખા બ્રિટિશ સામ્રાજ્ય સામે સૈન્યદળ સ્થાપીને માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યુદ્ધમાં ઉતર્યા હતા. દેશને સ્વતંત્ર કરાવવા માટેની લડાઈના ખરા લડવૈયાઓ પૈકી એક એવા સુભાષચંદ્ર બોઝને આજે- 2022ની 23 જાન્યુઆરીએ એ રાજપથ ઉપર સ્થાન મળી રહ્યું છે જે સ્થાન મેળવવા માટે તેઓ હકીકતે 1947ની 15 ઑગસ્ટે હકદાર હતા.

ખેર, સાચા વીરોની ઓળખ માત્ર સાચા વીરોને જ થઈ શકે એ વાત આજે નરેન્દ્ર મોદીએ વધુ એક વખત સાબિત કરી છે. આપ સૌ વાચકોને યાદ હશે કે હજુ ત્રણ વર્ષ પહેલાં જ, 2019ની 23 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લામાં ‘આઝાદ હિંદ ફોજ સંગ્રહાલય’નું ઉદ્દઘાટન કર્યું હતું જેમાં નેતાજી બોઝ સાથે જોડાયેલાં તમામ સંસ્મરણો રાખવામાં આવ્યાં છે. આ સ્થળને એક વર્ષ અગાઉ એટલે કે 2018ની 21 ઑક્ટોબરે રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્મારક અને સંગ્રહાલયનું મહત્ત્વ એ છે કે, તે સ્થળે નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના બાહોશ જવાનોને કેદી બનાવીને તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

પરિવારવાદ અને નકલી મહાત્માઓની કિન્નાખોરીને કારણે દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સુભાષચંદ્ર બોઝને યોગ્ય સન્માન મળી રહ્યું છે ત્યારે આઈ.એન.એ.ના એ બાહોશ કમાન્ડરનાં કેટલાંક પરાક્રમને ફરી એક વખત યાદ કરી લેવાં જોઇએ. આ દેશની એ કમનસીબી રહી છે કે નહેરુ-ગાંધી ખાન-દાન પ્રત્યેની ગુલામ માનસિકતાને કારણે માત્ર સ્વતંત્રતા ચળવળ જ નહીં પરંતુ એ સિવાય પણ આ દેશના સેંકડો રાષ્ટ્રવાદી વિદ્વાન નાયકોએ ભારતીય જીવન ઉપર પાડેલા પ્રભાવને ઇતિહાસનાં પાનાઓમાં હાંસિયામાં ધકેલી દેવાનું ઘોર પાપ કરેલું છે. આવી ઉપેક્ષા અને અન્યાયનો ભોગ નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બન્યા હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી, ડૉ. ભીમરાવ આંબેડકર જેવા વિદ્વાન અને બાહોશ સ્વતંત્રતા સેનાનીઓ સાથે શા માટે અને કોના ઈશારે અન્યાયની શરૂઆત થઈ હતી એ વાત દરેક રાષ્ટ્રવાદી ભારતીય સારી રીતે જાણે છે. દેશનો એક ઘણો મોટો વર્ગ આ અને આવા બીજા અનેક સાચા નાયકો પ્રત્યે આજે પણ સાચી શ્રદ્ધા ધરાવે છે, અને હવે તો એ નાયકોને તેમનું યોગ્ય સન્માન પણ મળવા લાગ્યું છે.

દેશની ઘણી મોટી વસતીને હજુ થોડાં વર્ષ પહેલાં જ એ વાતની ખબર પડી કે નેતાજી સુભાષચંદ્ર બોઝે તો 21મી ઑક્ટોબર, 1943ના દિવસે જ, એટલે કે 15 ઑગસ્ટ, 1947ના ચાર વર્ષ પહેલાં જ ભારતને સ્વતંત્ર દેશ જાહેર કરી દીધો હતો એટલું જ નહીં પરંતુ એવા સ્વતંત્ર ભારતના એ પ્રથમ વડાપ્રધાન અને વિદેશપ્રધાન પણ બન્યા હતા. સૌથી અગત્યની વાત એ છે કે 1943ની 21 ઑક્ટોબરે નેતાજી બોઝે તેમની સરકારની રચના કરી તેને વિશ્વના નવ (9) દેશોએ માન્યતા પણ આપી હતી. આ દેશોમાં જાપાન, જર્મની, ફિલિપિન્સ, થાઇલેન્ડ, મંચુરિયા, ક્રોએશિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝની સરકાર 21 ઑક્ટોબર, 1943થી 18 ઑગસ્ટ, 1945 સુધી અસ્તિત્વમાં હતી. 1945ની 18 ઑગસ્ટે તેમના રહસ્યમય નિધન સાથે બધું જ ઇતિહાસનાં પાનાઓમાં માત્ર હાંસિયામાં ધકેલાઈ ગયું.

આઝાદ હિન્દ ફોજના કેટલાક સૈનિકો નવસારી સહિત દક્ષિણ ગુજરાતના અન્ય નગરો-શહેરોમાં હતા અથવા છે એવી જાણકારી મને 2013માં મળી હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે આઈ.એન.એ. સાથે સંકળાયેલા સ્વતંત્રતા સંગ્રામના દસ્તાવેજો એ સેનાનીઓના વારસદારો પાસે સચવાયેલા છે. આશા છે હવે એ વારસદારો એ બધા દસ્તાવેજો ભારત સરકારને સોંપીને દેશના સાચા ઇતિહાસને ઉજાગર કરવામાં તેમજ સુભાષચંદ્ર બોઝ અને તેમના સેનાનીઓને ગૌરવ અપાવવામાં મદદરૂપ થશે...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ! “જયહિંદ.”

વિધાનસભા ચૂંટણીઃ કયું સમીકરણ આદર્શ ગણાય?

 



– હાલ જે 4:1નું સમીકરણ છે તે યથાવત્ રહેશે કે પછી

તે 3:2, 2:3 અથવા 1:4 થશે? દેશ અને પ્રજાનું હિત શામાં છે?

 

*        અલકેશ પટેલ / સ્વર્ણિમ ભારત

 

ભારત “ચૂંટણી-પ્રિય” દેશ છે. સરેરાશ દર ત્રણ મહિને કાંતો કોઈ રાજ્યમાં પંચાયતની અથવા પાલિકા-મહાપાલિકાની અથવા રાજ્ય વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ જ હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થિતિ બદલવા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક સાથે ચૂંટણી યોજાય તે માટે “વન નેશન, વન ઈલેક્શન”નો વિચાર ઘણા વખત પહેલાં આપ્યો હતો, પરંતુ સ્વાર્થી-ભ્રષ્ટ અને ગંદી-ગોબરી માનસિકતા ધરાવતા અન્ય પક્ષો આ વિચારને સમર્થન આપતા નથી અને તેથી આ ક્રાંતિકારી વિચારનો વાસ્તવિક અમલ ક્યારે થઈ શકશે તે કહેવું મુશ્કેલ છે. “વન નેશન, વન ઈલેક્શન” ના અનેક લાભ છે, પરંતુ ઉપર કહ્યા તેવા વિપક્ષો પરિવર્તન સ્વીકારીને ફૂલની સુવાસ લેવા તૈયાર નથી, એમને એમની ગંદકી જ પસંદ છે!

ખેર, તો હાલની સ્થિતિએ સતત “ચૂંટણી-મોડ”માં રહેતા આપણા દેશમાં પાંચ રાજ્ય – ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પાંચમાંથી પંજાબને બાદ કરતાં બાકીના ચાર રાજ્યમાં હાલ ભાજપનું શાસન છે, એટલે એ રીતે 4:1 નું સમીકરણ છે. આ લખાય છે ત્યારે ઉત્તરપ્રદેશમાં કેટલાક કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામાં આપી દીધાં છે અને સપામાં જોડાઈ રહ્યા છે. ભાજપ છોડી જનારા વરસાદી દેડકા એવો આક્ષેપ કરે છે કે, ભાજપમાં તેમને ન્યાય મળ્યો નથી અને ભાજપ શાસનમાં કચડાયેલા વર્ગોનું કલ્યાણ થયું નથી અને બ્રાહ્મણો સાથે પણ અન્યાય થાય છે...વગેરે વગેરે...વગેરે. ખેર, જૈસી જીસકી સોચ! પણ આ વંડી ઠેકનારા પાંચ વર્ષ પહેલાં ભાજપમાં આવ્યા ત્યારે તેમના જૂના પક્ષ બસપા અને સપા માટે આવું જ કહેતા હતા. બીજું, આ કથિત નેતાઓ એ વાતનો જવાબ આપી શકવા સમર્થ નથી અથવા તેમની પાસે એ જવાબ જ નથી કે સપા-બસપાએ કચડાયેલા વર્ગો અને બ્રાહ્મણોનું શું કલ્યાણ કર્યું? એ પક્ષોએ આ વર્ગો માટે એવી કઈ યોજનાઓ અને કયા કાર્યક્રમો આપ્યા જેને કારણે બધાને સમાનતા મળી ગઈ હોય?

પણ આ ડેવલપમેન્ટથી એટલું નિશ્ચિત છે કે સફળતાના શિખર પર બેઠેલા ભાજપ માટે ત્યાં ટકી રહેવાનું એટલું સહેલું નહીં હોય. તમે સફળ થવા લાગો ત્યારે તમામ પ્રકારના લોકો તમારી આસપાસ વીંટળાઈને તમારી વાહવાહ કરે, પરંતુ એ ચુનાવી હજુરિયા તેમને જે કિંમત જોઇએ એ ન મળે ત્યારે તમારી ઉપર કાદવ ઉછાળીને બીજી તરફ કૂદી જતા હોય છે. 2014 પછી કોંગ્રેસ સાથે જે થયું છે એવું ભાજપ સાથે પણ ગમે ત્યારે થઈ શકે છે, ઉત્તરપ્રદેશ એનું ઉદાહરણ છે.

10 જાન્યુઆરીને સોમવારે બે રાષ્ટ્રીય હિન્દી સમાચાર ચેનલે ઓપિનિય પોલ જાહેર કર્યા હતા. આ બંને “ઓપિનિયન પોલ”નું સરેરાશ તારણ એ જ રહ્યું કે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપને ફરી સત્તા મેળવવામાં ખાસ વાંધો નહીં આવે. પણ પંજાબમાં કોંગ્રેસ માટે સત્તા ટકાવવી મુશ્કેલ બનશે. આ બંને ઓપિનિયન પોલ અનુસાર પંજાબમાં ઝાડુ-ટોપીનું પ્રતીક ધરાવતા જૂથને બીજા પક્ષો કરતાં વધારે લાભ થઈ રહ્યો છે. જો એ સાચું હોય તો દેશની એકતા-અખંડિતતા અને સલામતી સામે સૌથી મોટું જોખમ ઊભું થઈ જશે કેમ કે પંજાબ એ ઝેરીલા-જેહાદી પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે.

ઝેરીલા-જેહાદી પાકિસ્તાનને એક દેશ તરીકે તેની પોતાની પ્રગતિમાં કોઈ રસ નથી, પરંતુ તેનો એકમાત્ર કાર્યક્રમ અને ધ્યેય ભારતને અસ્થિર રાખવાનો હોય છે. પંજાબમાં છેલ્લા એકાદ વર્ષથી ખાલિસ્તાની ચળવળ ફરી સક્રિય થઈ છે જેના માટે ઝેરીલું-જેહાદી પાકિસ્તાન ઘણા દાયકાથી પ્રયાસ કરતું હતું. પહેલાં અકાલીદળ-ભાજપની સંયુક્ત સરકારને કારણે ના-પાકીઓને સફળતા મળતી નહોતી અને ત્યારબાદ કેપ્ટન અમરિન્દર સિંહ મુખ્યપ્રધાનપદે હોવાને કારણે ના-પાક ઈરાદા સફળ થતા નહોતા. નવજોત સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહને હોદ્દો અને પક્ષ છોડવા ફરજ પાડી ત્યારથી જેહાદી પાકિસ્તાનીઓ ખુશખુશાલ છે. આમછતાં, કોંગ્રેસમાં હજુ પણ રાષ્ટ્રહિતમાં વિચારતા કેટલાક લોકો છે તેથી ઝેરીલા પાકિસ્તાનીઓ આવા કોંગ્રેસી નેતાઓને જીતવા નહીં દે એ નિશ્ચિત છે. એ સંજોગોમાં ઝાડુ-ટોપી ટોળકી સંપૂર્ણપણે તેમના પીઠ્ઠુની જેમ વર્તવા તૈયાર છે. તેથી જ પંજાબ અંગેના ઓપિનિયન પોલના આંકડા ડરામણા છે. સાવધાન પંજાબ, સાવધાન ભારત.

 પંજાબ સરહદી રાજ્ય હોવાને કારણે તથા ઉત્તરપ્રદેશ સૌથી વિશાળ રાજ્ય હોવાને કારણે મહત્ત્વ ધરાવે છે. ઉત્તરપ્રદેશની કુલ વસ્તી 20થી 22 કરોડ છે અને મતદારોની સંખ્યા 18 કરોડની આસપાસ છે. આ આંકડો દુનિયાના ઘણા નાના દેશોની કુલ વસ્તી કરતાં પણ મોટો છે. આવા મહાકાય રાજ્યના મુખ્યપ્રધાન તરીકે યુવાન સંત યોગી આદિત્યનાથે જે મહેનત કરી છે, જે વિકાસ સાધ્યો છે, કોરોનાકાળમાં જે સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કિલ દર્શાવી છે, જેટલી સંખ્યામાં મેડિકલ કૉલેજો સહિત આરોગ્ય સેવાનો વિસ્તાર વધાર્યો છે, જે શ્રદ્ધા અને ભક્તિભાવથી ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે – એ બધું ધ્યાનમાં લેતાં તેઓ બીજી વખત સરકાર બનાવશે એવી આશા અસ્થાને નથી. જામી રહેલી આ ચૂંટણીનો માહોલ જોઈએ...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 9, 2022

વડાપ્રધાન મોદી, પંજાબ, પાકિસ્તાન અને ખાલિસ્તાન

 



 --- 5 જાન્યુઆરી, 2022: એક રાષ્ટ્રવાદીને કાયમ માટે દૂર કરી દેવાની એ ચાલ હતી કે પછી આ તારીખ પંજાબમાં કોંગ્રેસનું આત્મઘાતી પગલું સાબિત થશે? ખાલિસ્તાની ચળવળને કોણ હવા આપી રહ્યું છે? કોણ જીતશે – પંજાબિયત કે વામણા વિપક્ષો?

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

રવિવારે તમે આ લેખ વાંચતા હશો ત્યારે પંજાબની રાજકીય સ્થિતિએ કઈ દિશામાં કરવટ બદલી હશે એનો આજે શુક્રવારે તો કોઈ અંદાજ નથી. હાલની સ્થિતિએ એટલું નિશ્ચિત છે કે, પંજાબની રિમોટ કંટ્રોલ સરકારે હિમાલય જેવડી મોટી ભૂલ કરી દીધી છે. પંજાબના મુખ્યપ્રધાન ચન્નીને આ માટેના દિશા-નિર્દેશ કોના તરફથી, ક્યારે અને કેવી રીતે મળ્યા હતા એ વાત તો કદી બહાર નહીં આવે, પરંતુ એટલું સ્પષ્ટ શબ્દોમાં કહી શકાય કે પાંચ જાન્યુઆરી, 2022ની ઘટનાથી પંજાબ કોંગ્રેસના અંતનો આરંભ થઈ ગયો છે.

આમ તો જે દિવસે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસનો પ્રમુખ બનાવવામાં આવ્યો એ જ દિવસે રાજ્યમાં કોંગ્રેસની ઘોર ખોદાઈ ગઈ હતી, પરંતુ પંજાબ કોંગ્રેસના ઊંટની પીઠ ઉપરનું છેલ્લું તણખલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવને જોખમમાં મૂકવાની ગુસ્તાખી બની રહેશે.

નરેન્દ્ર મોદી નામનું એક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ તમામ સનાતન-વિરોધીઓની આંખમાં કણાની જેમ ખૂંચે છે. આ માણસે કોઈનું પણ અહિત કર્યું નથી. જે કંઈ કર્યું છે તે માત્ર આ દેશના સાચા નાગરિકોને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. દુનિયામાં ભારતીય તરીકેની ઓળખ ગૌરવ બની રહે એવાં કામ નરેન્દ્ર મોદીએ કર્યાં છે. પાકિસ્તાન અને ભારતમાં રહેતા પાકિસ્તાની મળતિયાઓની લાંબાગાળે જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરી દેવાની યોજના ધૂળમાં મળી ગઈ એ દિવસથી પાકિસ્તાનના ઝેરીલા જેહાદીઓ અને ભારતમાં વસતા તેમના સ્લીપર સેલ મોદીના લોહીના તરસ્યા થયા છે.

રાષ્ટ્રદ્રોહીઓએ 2018ની પહેલી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના ભીમા-કોરેગાંવમાં સભા કરી અને ત્યાં હિંસા થઈ. એ હિંસાખોરોની તપાસ દરમિયાન નરેન્દ્ર મોદીની હત્યા માટે માઓવાદીઓ દ્વારા ઘડવામાં આવેલી રહેલા કાવતરાને લગતો એક પત્ર તપાસ એજન્સીઓના હાથમાં આવ્યો હતો. એ પત્રમાં એક વાક્ય હતું કે, – જે રીતે 1991માં તમિળનાડુમાં એલટીટીઈ દ્વારા રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી એવી જ રીતે નરેન્દ્ર મોદીને તેમના રોડશો દરમિયાન... માઓવાદીઓની આ ટૂલકિટ ઉપર કામ કરવા માટે પાકિસ્તાને ખાલિસ્તાની ચળવળને હવા આપી. એક વર્ષ સુધી ચાલેલા નકલી ખેડૂત આંદોલન દરમિયાન અનેક વખત ઉશ્કેરણી કરવામાં આવી જેથી સરકાર આકરાં પગલાં લે અને પછી આખા દેશમાં હિંસા ફેલાવીને મોદીને બદનામ કરીને સત્તાભ્રષ્ટ કરી શકાય. જોકે, રાષ્ટ્રદ્રોહીઓની ચાલ સારી રીતે સમજી ચૂકેલા નરેન્દ્ર મોદીએ એક પણ ગોળી ચલાવ્યા વિના આંદોલન એક વર્ષ સુધી ચાલવા દીધું અને છેવટે ત્રણ કાયદા ખેડૂતોના હિતમાં હતા છતાં પાછા ખેંચી લીધા. એ કાયદા પાછા ખેંચાવાથી ટુણિયાટ અને વામણા વિપક્ષોનો ગરાસ લૂંટાઈ ગયો છે. કાયદામાં પીછેહઠ છતાં મોદીની સ્થિતિ નબળી ન પડતાં વામણા વિપક્ષે જે ખેલ ખેલવાનું દુઃસાહસ કર્યું તે ગત બુધવારે દેશ અને દુનિયાએ જોયું.

જે કંઈ થયું તેનું સત્ય ગમેત્યારે બહાર આવશે, પરંતુ પંજાબની ચન્ની સરકારનો તેમજ કોંગ્રેસના ગાંધી ખાન-દાનનો બચાવ કરનારા લોકો અને એજન્ડાધારી મીડિયા જે કંઈ કરી રહ્યા છે તે માત્ર ખેદજનક જ નહીં પણ અત્યંત જોખમી છે. આ તત્વો મુખ્યપ્રધાન ચન્નીને દલિત બતાવીને એવી છાપ ઊભી કરવા માગે છે કે મોદી સરકાર દલિતને નિશાન બનાવે છે! ભારતીય નાગરિકોએ વામણા વિપક્ષોની આવી ચાલમાં ફસાવું જોઈએ નહીં. આ સમગ્ર કેસમાં વાત કોઈ દલિત મુખ્યપ્રધાનની નથી, પણ એક ચૂંટાયેલી રાજ્ય સરકારે આ વિશાળ દેશના એક શક્તિશાળી વડાપ્રધાનના સંરક્ષણમાં જે કોઈ ગોબાચારી કરી તેની સામે જો આકરાં પગલાં લેવામાં ન આવે તો વિપક્ષ શાસિત બીજાં રાજ્યોના વામણા નેતાઓને પણ આવી ગુસ્તાખી કરવાની છૂટ મળી જાય.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ટીમની તપાસનું શું પરિણામ આવશે, સુપ્રીમ કોર્ટમાં આ અસાધારણ ઘટના અંગેનો જે કેસ ચાલી રહ્યો છે એ કઈ દિશામાં જશે – એ બધા પ્રશ્નોના જવાબ આગામી દિવસોમાં મળશે... પરંતુ ખાલિસ્તાની માનસિકતાની આગમાં પાકિસ્તાન દ્વારા, વામણા વિપક્ષો દ્વારા, ભારતમાં બેઠેલા પાકિસ્તાનના મીડિયા સહિતના સ્લીપર સેલ દ્વારા જે પેટ્રોલ નાખવામાં આવી રહ્યું છે તે ભારતને અને રાષ્ટ્રવાદી ભારતીયોને તો દઝાડશે જ પણ એ આગની જ્વાળાથી એ લગાડનારા પોતે પણ નહીં જ બચી શકે એ એટલું જ નિશ્ચિત છે.

અકાલી દળ અને ભાજપના સંયુક્ત શાસન દરમિયાન જે પંજાબ શાંત અને સુખી હતું એ પંજાબને કોંગ્રેસે, ખાસ કરીને પાકિસ્તાની તરફી માનસિકતા ધરાવતા સિદ્ધુ જેવા તત્વોએ ફરી અશાંતિ તરફ ધકેલી દીધું છે. સિદ્ધુની સાથે બધા નહીં પણ મુઠ્ઠીભર કોંગ્રેસીઓ છે, મુઠ્ઠીભર મીડિયા છે અને આખું પાકિસ્તાન, ચીન તેમજ ભારતમાં વસતા ઝેરીલા માઓવાદીઓ અને અર્બન નક્સલવાદીઓ સિદ્ધુની સાથે છે. આ બધા ભેગા મળીને ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ વાત સારી રીતે જાણતી-સમજતી જ હશે. ભાજપ અને અન્ય રાષ્ટ્રવાદીઓ હંમેશાં સહિષ્ણુતામાં માનતા હોય છે અને તેથી લોકશાહી પદ્ધતિએ ચૂંટણી દ્વારા પંજાબમાં જીત મેળવીને ત્યાં ફરી શાંતિ સ્થાપવાની ગણતરી હશે...પરંતુ પાંચ જાન્યુઆરી, 2022ની ઘટના પછી આવી કોઈ સહિષ્ણુતા રાખવાનું માત્ર ભાજપને જ નહીં, સમગ્ર દેશને મોંઘું પડી શકે છે. એ દિશામાં કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, January 2, 2022

કોંગ્રેસનું “આ મહાપાપ” છાપરે ચડીને પોકારે છે

 


--- લઘુમતી ખુશામતની કોંગ્રેસી નીતિથી આ દેશનો કોઈ નાગરિક અજાણ નથી, પરંતુ 2013માં કોંગ્રેસે વકફ કાયદામાં ફેરફાર કરીને જે પાપ કર્યું છે એ કલમ 370 કરતાં અનેકગણું મોટું છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

તમારામાંથી લગભગ મોટાભાગના અથવા તમામ વાચકો ગયા અઠવાડિયે (26-12-2021ના અખબારોમાં) દ્વારકાના ટાપુ અંગે અદાલતે કરેલી ટિપ્પણીના સમાચારથી વાકેફ હશે. દ્વારકા જિલ્લાના બે બેટ વકફની માલિકીના હોવાના દાવાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલાં આવો જ એક કેસ મધ્યપ્રદેશમાં પણ બન્યો હતો. સાચી વાત એ છે કે, લગભગ દરેક રાજ્યમાં દર ચાર-છ મહિને એક કેસ બનતો રહે છે. અનેક દાયકાથી આ થઈ રહ્યું છે પરંતુ આવા કેસને સામાન્ય અદાલતોમાં જતા રોકવા કોંગ્રેસની સરકારે 2013માં વકફ બોર્ડના કાયદામાં ફેરફાર કરીને વકફની મિલકતના દાવાના કેસ માત્ર વકફની ટ્રિબ્યુનલમાં ચાલે એવું ઠરાવ્યું હતું.

આગળ વધતા પહેલાં વાચકોને અહીં કોંગ્રેસની જ સરકારે લાવવા ધારેલા પરંતુ તે સમયના વિપક્ષ તેમજ પ્રજાના પ્રચંડ વિરોધ બાદ પસાર નહીં થઈ શકેલા એક ખરડાની યાદ અપાવી દઉં. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર કોમી તોફાનોને લગતો એક ખરડો પસાર કરવા માગતી હતી જેમાં દેશમાં ગમેત્યાં કોમી તોફાન થાય તો એ માટેની જવાબદારી માત્ર બહુમતીની અર્થાત હિન્દુઓની જ નિર્ધારિત કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈ અનુસાર જવાબદાર સંદિગ્ધ હિન્દુઓની બિન-જામીનપાત્ર કલમો હેઠળ તત્કાળ ધરપકડ કરી લેવાની, જ્યારે કોમી તોફાનોમાં સંડોવાયેલા લઘુમતી સમુદાયના લોકો સામે કેસ બને છે કે નહીં તેનો નિર્ણય માત્ર જિલ્લા કલેક્ટરે તપાસ કર્યા પછી લેવાનો હતો.

ભારતીયોના સદ્દનસીબે આ ખરડો પસાર થઈને કાયદો ન બન્યો, પરંતુ 1995ના વકફ કાયદામાં 2013માં સુધારો કરીને દેશને અત્યંત ભયાવહ સ્થિતિમાં નાખી દેવામાં આવ્યો છે. આ “સુધારા” અનુસાર જે મિલકત ઉપર વકફ દ્વારા પોતાની મિલકત છે એવો “દાવો” કરી દેવામાં આવે પછી એ મિલકતના માલિકે પોતાની વાતની રજૂઆત માત્ર વકફ બોર્ડ સમક્ષ જ કરવી પડે. વકફ બોર્ડમાં મામલાનું સમાધાન ન આવે તો કેસ ટ્રિબ્યુનલમાં જાય, પરંતુ આ કાયદાની જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલમાં પણ વકફના સભ્ય હોવા જોઇએ.

ટૂંકમાં મિલકતો અંગેના વકફના કાયદાને એ હદે જટિલ બનાવી દેવામાં આવ્યો છે કે એક વખત કોઇપણ જમીન કે મિલકત ઉપર વકફના નામે દાવો થઈ ગયો તો પછી તેમાંથી નીકળવાનું લગભગ અશક્ય બની જશે.

આવી સ્થિતિ આવે તે પહેલાં મોદી સરકારે વકફના કાયદા અંગે પગલાં લેવા જરૂરી છે. તે સાથે રાષ્ટ્રવાદી વકીલોએ પણ આ કાયદાનો યોગ્ય અભ્યાસ કરીને તેના વિશે ગુજરાતના અને દેશના નાગરિકોમાં જાગ્રતિ ફેલાવવી જોઇએ. દેશનો સરેરાશ નાગરિક કોઇની સાથે સંઘર્ષ ઈચ્છતો નથી. સરેરાશ નાગરિકો સંઘર્ષ કરી પણ શકતા નથી કેમ કે તેમને પરિવારની ચિંતા હોય છે અને તે સાથે અદાલતોમાં કેસ લડવા માટેની આર્થિક ક્ષમતા અને સમય પણ બધા નાગરિકો પાસે હોતા નથી. આ સંજોગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પણ વકફ કાયદાનો અભ્યાસ કરીને વહેલામાં વહેલી તકે લોકજાગ્રતિનું કામ કરે એ જરૂરી છે. પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ અને તેની ટીમના સભ્યો આવી લોકજાગ્રતિનું કામ કરી જ રહ્યા છે, પરંતુ 135 કરોડની વસ્તીના દેશમાં માત્ર બે-પાંચ વ્યક્તિ મથામણ કરે એ પૂરતું નથી. આ બાબતમાં સંઘે એની શક્તિ વહેલામાં વહેલી તકે કામ લગાડવી જોઇએ. અન્યથા આજે દ્વારકાના બે બેટ ઉપર દાવો થયો છે, આવતીકાલે મંદિરોની જમીનો પર દાવા કરવાનું શરૂ થશે ત્યારે બંને સમાજ વચ્ચે જે તણાવ ઊભો થશે એ બધા માટે અસહ્ય હશે. ભવિષ્યમાં હિન્દુ-મુસ્લિમ ઘર્ષણ ટાળવું હોય તો દરેકે અત્યારથી જ આ દિશામાં કામ શરૂ કરી દેવું પડશે. (આ કાયદા વિશે આ લિંક પર જઇને અભ્યાસ કરો - https://www.indiacode.nic.in/show-data?actid=AC_CEN_44_74_00001_199543_1517807323904&orderno=41  ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 26, 2021

પંજાબમાં ઘરના ભેદી અને ઘાતકી પાડોશી

 

 


--- કેન્દ્ર સરકારે નકલી ખેડૂત આંદોલનની હવા કાઢી નાખી એ દિવસથી પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાનવાદીઓ બેચેન છે. તેમની એ બેચેની હતાશામાં પલટાઈ રહી છે અને એટલે જ સાવ સામાન્ય બાબતમાં હત્યા અને બોંબ વિસ્ફોટ થઈ રહ્યા છે

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

પંજાબમાં છેલ્લા થોડા દિવસથી જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તે અતિશય ચિંતાજનક છે. આ ચિંતા કામચલાઉ નથી પણ લાંબાગાળાની છે. લોકો 30 વર્ષ પહેલાંના પંજાબની હાલતને યાદ કરીને વિચારમંથન કરવા અને ઉકેલ શોધવા લાગી ગયા છે. ત્રણ દાયકા પહેલાં એવા કયાં કારણો અને પરિબળો હતાં જેને કારણે સામાન્ય નાગરિકોએ સતત ભયમાં જીવવું પડતું હતું? એવા કયા રાજકારણીઓ હતા જે સ્થિતિ કથળાવવા માટે જવાબદાર હતા? શું એવા જ રાજકારણીઓ અને એવી જ રાજકીય વિચારધારા ફરી આકાર લઈ રહી છે? ધીમે ધીમે ફરી ચિંતાજનક સ્થિતિ માથું ઊંચકી રહી છે ત્યારે જૂની ઘટનાઓ અને જૂની વાતોને યાદ કરીને પંજાબના અને એ થકી દેશનું ભવિષ્ય ફરી અંધકાર તરફ ન ધકેલાય એ માટે ભૂતકાળ અને વર્તમાનની સાંકળો જોડવી જરૂરી છે.

ઘરના ભેદી તરફથી કિલ્લાની દીવાલમાં અથવા દરવાજામાં તિરાડ પાડવામાં ન આવે ત્યાં સુધી બહારની દુશ્મન તાકતો એ કિલ્લાને નુકસાન પહોંચાડી શકતી નથી. બીજા શબ્દોમાં ઘરના ભેદીની મદદ વિના દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી. પંજાબની ભૌગોલિક સ્થિતિ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. એક તો પાકિસ્તાન જેવો ઘાતકી પાડોશી, બીજું દેશમાં બેઠેલા પાકિસ્તાનવાદી દુશ્મનો, ત્રીજું ખાલિસ્તાનવાદીઓ, ચોથું આ બધાનો સામૂહિક દૂરુપયોગ કરવા માગતી ધર્મની રાજનીતિ અને પાંચ, માઓવાદીઓથી ખદબદતું મીડિયા.

પાકિસ્તાન જેવા ઘાતકી પાડોશીનો “ગેરલાભ” ગુજરાત (512 કિ.મી), રાજસ્થાન (1035 કિ.મી.), પંજાબ (547 કિ.મી.) અને જમ્મુ-કાશ્મીર (1216 કિ.મી.)ને મળે છે. આ ચારેય રાજ્યો મળીને કુલ 3,300 કિલોમીટર કરતાં વધુ ભૌગોલિક વિસ્તાર ના-પાક. સાથે જોડાયેલો છે. પરંતુ સાત દાયકા કરતાં વધારે સમયથી સતત અશાંતિ અને હિંસાનો ભોગ પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો બન્યા છે – કેમ કે એ બંને રાજ્યોમાં ઘરના ભેદી ઉપરાંત પાકિસ્તાન-પ્રેમીઓ વધારે છે!

આ જ કારણોસર 1980 અને 1990ના દાયકાઓમાં આ બંને રાજ્ય આતંકવાદનો ભોગ બન્યા. હજારોની સંખ્યામાં નિર્દોષ નાગરિકોએ જીવ ખોયા, અર્થતંત્ર નબળું પડી ગયું અને એના કરતાં વધારે ખતરનાક સ્થિતિ એ થઈ કે વિવિધ સમુદાયો વચ્ચે અવિશ્વાસની કાયમી ખાઈ રચાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સહિત છ-સાત જિલ્લામાં તો જેહાદી માહોલ હતો એટલે આખી સ્થિતિ જૂદી હતી, પરંતુ પંજાબમાં જે કંઈ થઈ રહ્યું હતું એ અનેક લોકો માની શકતા નહોતા. જે સંપ્રદાય અને જે સમુદાય દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સૌથી અગ્રેસર હતો અને આજે પણ છે - એ જ સમુદાયમાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં અને એ ત્રાસવાદી ઘટનાઓ સુધી વિસ્તરી ગયાં હતાં એ બાબત શેષ ભારત માટે અકલ્પનીય હતી.

સંપૂર્ણ તટસ્થ નિરીક્ષણ અને સમીક્ષા કરીએ તો વાત ફરી 2014 અને 2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો ઉપર જ આવીને અટકે છે. આ બંને ચૂંટણીમાં રાષ્ટ્રવાદી સરકારને મળેલો વિજય- ઘાતકી પાડોશી દેશોને અને એ સાથે ભારતની અંદર બેઠેલા તેમના સ્લીપર સેલ જેવા લોકોને હજુ પચતો નથી. રાષ્ટ્રવાદી સરકાર દ્વારા દેશના હિત માટે, તમામ જાતિ-ધર્મ-સંપ્રદાયના હિત માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે, કાયદા ઘડવામાં આવી રહ્યા છે એ વાત ઘાતકી પાડોશી દેશો અને ભારતમાં તેમના સ્લીપર સેલ તરીકે કામગીરી કરતા લોકોને પચતી નથી. આવા સ્લીપર સેલમાં માત્ર એકલદોકલ વ્યક્તિ જ નહીં પરંતુ કેટલાક રાજકીય પક્ષો અને તેમના ટોચના નેતાઓનો પણ સમાવેશ થાય છે. લઘુમતીઓની બગલ ખંજળવામાં જન્નતનું સુખ માનતા આ કહેવાતા સેક્યુલર રાજકીય પક્ષો કેન્દ્રની રાષ્ટ્રવાદી સરકારના એકપણ પગલાંને સમર્થન નથી આપતા...ત્યાં સુધી તો વાત સમજી શકાય, પરંતુ જેહાદી માનસિકતા ધરાવતા આ સેક્યુલર પક્ષો તો રાષ્ટ્રહિતના કાયદા કે પગલાંની વિરુદ્ધ રીતસર શહેરો અને દેશને બાનમાં લઈ લે છે.

એક વર્ષથી ચાલતું નકલી ખેડૂત આંદોલન આ જેહાદી સેક્યુલરોના અપપ્રચારનું જ પરિણામ હતું જેને આધાર બનાવીને ખાલિસ્તાનવાદી લાગણી ફરી ભડકાવવામાં આવી. સામાન્ય પંજાબીઓ જે શાંતિથી જીવતા હતા એ ફરી ઉગ્ર બનવા લાગ્યા છે. નાની સામાન્ય વાતમાં ઉશ્કેરાઈને હત્યાઓ થઈ રહી છે અને ગુરુવારે અદાલતના મકાનમાં બોંબ વિસ્ફોટ થયો.

દેશ માટે જરાસરખી પણ લાગણી ધરાવનાર કોઇપણ વ્યક્તિ એટલું તો વિશ્વાસપૂર્વક કહી જ શકે કે, કેન્દ્રની વર્તમાન સરકારના દરેકે દરેક પગલાં દેશહિતમાં છે...પરંતુ કથિત સેક્યુલર પક્ષો તેમના ટૂંકા સ્વાર્થમાં તોડફોડ કરાવવા માટે ઉશ્કેરણી કરતા રહે છે અને એ દ્વારા ઘાતકી પાડોશીઓના ઈશારે નાચતા રહે છે. આ સ્થળે હું તમને વારંવાર એક બાબતની ચેતવણી આપતો રહીશ કે, જો તમે સાવધાન નહીં રહો તો લઘુમતીઓની ખુશામતમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો આ દેશમાં ગમેત્યારે પંજાબ-કાશ્મીર જેવી સ્થિતિ પેદા કરશે અથવા દેશને ગૃહયુદ્ધ (સિવિલ વૉર) તરફ ધકેલી દેશે. તમારી રાજકીય વિચારધારા ગમે તે હોઈ શકે, તમે ગમે તે પક્ષના સમર્થક હોવ એમાં કોઈ વાંધો નથી, પરંતુ એ રાજકીય પક્ષની નીતિ, કાર્યક્રમો અને પગલાં રાષ્ટ્રહિતના છે કે નહીં એ વિચારો ત્યાં સુધી... મિલતે હૈ બ્રેક કે બાદ!

Monday, December 13, 2021

પ્રાચીન નગરી કાશીને એનું ગૌરવ પાછું મળ્યું

 


--- આપણી શ્રદ્ધાના કેન્દ્રબિંદુ સમાન બાબા કાશીવિશ્વનાથ મંદિર ફરતે રહેલાં અન્ય પ્રાચીન મંદિરો તેમજ ઘાટ સુધી જવાના માર્ગ ઉપરનાં દબાણો દૂર થઈ ગયાં છે, આવતીકાલે માગસર સુદ દસમે બાબાની ભવ્યતાના દર્શન કરવાનું ન ચૂકશો...

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે, અર્થાત સંવત 2078ની માગસર સુદ દસમે કાશી વિશ્વનાથ ધર્મપથ ખુલ્લો મૂકવાના છે. અને એ સમયે તમે સૌ દેવાધિદેવ કાશી વિશ્વનાથના દર્શન કરવાનું જરાય ન ચૂકશો. આ સ્થળને અંગ્રેજીવાળા કાશી વિશ્વનાથ “કોરિડોર” કહે છે, પણ મને લાગે છે કે આ સંદર્ભમાં એનો અનુવાદ “ધર્મપથ” થવો જોઇએ. આ ધર્મપથ ખુલ્લો મૂકાવા સાથે પ્રાચીન નગરી કાશીની મૂળ ઓળખ પરત આવી જશે એ નિશ્ચિત છે.

કાશી વિશ્વનાથ મંદિર અને ત્યાંથી આગળ મણિકર્ણિકા તથા લલિતા ઘાટ તરફ જતા માર્ગો ઉપર અનેક દાયકાથી થઈ ગયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા ત્યારે આપણા સૌના ધ્યાનમાં આવ્યું હતું કે આ સમગ્ર વિસ્તારમાં બીજાં અનેક નાના-મોટાં પ્રાચીન મંદિરો અસ્તિત્વ ધરાવતાં હતાં. પરંતુ સ્વાર્થી, ભ્રષ્ટ અને અપ્રામાણિક લોકોએ મંદિરોને ફરતે જ ઘર બનાવી દઈને તેના નામે આવક કરવાનું શરૂ કરી દીધું હતું. અલબત્ત, એ સિવાય પણ એવાં કેટલાંક મંદિર મળ્યાં જે મકાનોની નીચે દબાયેલાં હતાં જેના વિશે ત્યાં રહેનારાઓને પણ “કદાચ” ખબર નહોતી.

પહેલી વાત તો એ છે કે, સનાતન ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ સ્થળે દબાણ થવું જોઈતું નહોતું. જ્યારે પણ દબાણ શરૂ થયાં હશે ત્યારે તત્કાલીન સરકારે એ અટકાવવાં જોઇતા હતાં, પરંતુ હિન્દુઓના જાતિવાદનો દૂરુપયોગ કરવામાં અને લઘુમતી રાજકારણમાં રચ્યાપચ્યા રહેતા રાજકીય પક્ષોએ સતત નષ્ટ થઈ રહેલી મંદિરની પવિત્રતા અને સુંદરતાને પુનઃસ્થાપિત કરવા કોઈ પ્રયત્ન જ કર્યા નહોતા. મોદી સરકાર 2014થી જ આ કામ કરવા માગતી હતી, પરંતુ તે સમયે ઉત્તરપ્રદેશમાં એવા તત્વોની સરકાર હતી જેને હિન્દુઓના સન્માનમાં કોઈ રસ નહોતો. છેવટે 2017માં યોગી મહારાજની સરકાર શાસનમાં આવી પછી આ દિશામાં કામ શરૂ થયું અને ધર્મપથનું કામ પૂર્ણ થયું છે.

ખેર, હવે એ બધી વાતોનો અર્થ નથી. મૂળ વાત એ છે કે, આવતીકાલથી બાબા વિશ્વનાથના દર્શન અને ત્યાંથી પવિત્ર ગંગા નદી સુધી પહોંચવાનું શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ માટેનો જે ધર્મપથ છે તે 50 ફૂટ પહોળો કરી દેવામાં આવ્યો છે. એક અંદાજ મુજબ સામાન્ય દિવસોમાં દરરોજ ચારથી પાંચ હજાર શ્રદ્ધાળુઓ કાશી વિશ્વનાથના દર્શને પહોંચતા હોય છે અને મહાશિવરાત્રી તેમજ શ્રાવણ મહિનામાં એકાદ લાખ જેટલા શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા પહોંચે છે.

સનાતન ધાર્મિક સ્થળ હોય કે પછી પ્રવાસન સ્થળ હોય, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી એમની વિશેષતા રહી છે કે, આવી દરેક યોજનામાં બીજી ઘણી બાબતો જોડી દે છે જેને કારણે સમાજના વિવિધ પ્રકારના લોકોને રસ પડે. એ જ અનુસંધાનમાં કાશી વિશ્વનાથ ધામનો પણ વિકાસ થઈ રહ્યો છે. બાબાના પ્રાચીન મંદિરની આસપાસ હવે સંગ્રહાલય અને ભવ્ય હૉલ બન્યા છે જ્યાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસ પ્રદર્શિત કરવામાં આવશે. ધાર્મિક તહેવારો દરમિયાન હવન અને યજ્ઞ થઈ શકે તે માટે નવી યજ્ઞશાળાઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અહીં આવનાર શ્રદ્ધાળુઓ, અન્ય સામાન્ય પ્રવાસીઓ માટે ધર્મશાળાઓ બનાવવામાં આવી રહી છે તે ઉપરાંત સાધુ-સંતો માટે ખાસ રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે. સાધુ-સંતો આપણા ધર્મના મુખ્ય આધાર છે અને તેથી તેમના માટે થઈ રહેલી આવી વ્યવસ્થા ગૌરવપ્રદ છે. મંદિરની બરાબર સામે વિશાળ જગ્યામાં ભોગશાળા પણ તૈયાર થઈ રહી છે. ટૂંકમાં કેદારનાથ ધામને અન્ય સંલગ્ન યોજનાઓ દ્વારા ભવ્યતા બક્ષવામાં આવી એવી જ રીતે બાબા વિશ્વનાથ ધામ પણ હવે ફરી ભવ્યતા મેળવી રહ્યું છે. આવતીકાલે આ અલૌકિક પ્રસંગ માણો...પછી મિલતે હૈ બ્રેક કે બાદ!

Sunday, December 5, 2021

વિપક્ષો પણ હવે “કોંગ્રેસ-મુક્ત” થવા માગે છે?

 


--- લોકસભા ચૂંટણી આડે પૂરા સાડા ત્રણ વર્ષ બાકી છે, પરંતુ જાતિવાદી અને લઘુમતી ખુશામતના રાજકારણમાં ગળાડૂબ રહેતા રાજકીય પક્ષો ગઠબંધન બનાવવાની કવાયતમાં લાગી ગયા છે, અને એમાં નોંધપાત્ર મુદ્દો એ છે કે- અન્ય વિપક્ષો કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર નથી

 

સ્વર્ણિમ ભારત - અલકેશ પટેલ

 

દેશની પ્રગતિની ચિંતા કરવાને બદલે, પોતપોતાના રાજ્યના વિકાસ અંગે વિચારવાને બદલે, લોકકલ્યાણનાં કામો ઉપર ધ્યાન આપવાને બદલે વિરોધ પક્ષો ગઠજોડ - તડજોડ અને ગઠબંધન માટેની વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં માનવકલાકો, નાણા તેમજ અન્ય સ્ત્રોતોનો ગુનાઇત બગાડ કરી રહ્યા છે. વિવિધ રાજ્યોમાંથી તેમજ કેન્દ્રમાંથી ભાજપ તથા નરેન્દ્ર મોદીને દૂર કરવાના શેખચલ્લી વિચારોમાં રચ્યા-પચ્યા રહેતા આ વિરોધ પક્ષોએ લોકસભા ચૂંટણીને આડે હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે ત્યારથી જ મથામણ શરૂ કરી દીધી છે... પરંતુ આ મથામણમાં અન્ય વિપક્ષો કોંગ્રેસને તરછોડી રહ્યા છે. આ વિપક્ષોને કોંગ્રેસ મંજૂર નથી કે પછી ગાંધી ખાન-દાન મંજૂર નથી?

રાજકીય પક્ષો રાજકારણ રમે એમાં કશું ખોટું નથી. એક-બીજા ઉપર આક્ષેપબાજી કરે એ પણ સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓ પર સમાન વિચાર ધરાવતા પક્ષો ચૂંટણીલક્ષી જોડાણ કરે એ સમયની માંગ છે...પણ આ બધું જ જો પ્રજા-હિતના ભોગે, દેશ-હિતના ભોગે થતું હોય તો નાગરિકોએ – મતદારોએ સમજવું જોઇએ કે તેમનું હિત ક્યાં છે?

યાદ રહે, મોટાભાગના આ રાજકીય પક્ષો કોંગ્રેસમાંથી જ અલગ થયેલા છે. અને આશ્ચર્યજનક રીતે સમાનતા એ છે કે કોંગ્રેસમાંથી છૂટા પડીને અલગ પક્ષ રચનારા પ્રાદેશિક નેતાઓને ગાંધી ખાન-દાન સામે જ વાંધો હતો. મમતા બેનરજી સાથે આ અઠવાડિયે મુલાકાત કરનાર શરદ પવાર તો સોનિયા ગાંધીના વિદેશીકૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને કોંગ્રેસમાંથી નીકળ્યા હતા. આમ છતાં આ જ બધા પક્ષો આટલાં વર્ષ સુધી કોંગ્રેસના જ ખોળામાં બેસીને કેન્દ્રમાં પરોક્ષ સત્તા ભોગવતા રહ્યા. પરંતુ 2014 પછી અને ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણી પછી આ બધા રાજ્ય સ્તરના નાના નાના વિપક્ષોને ખ્યાલ આવી ગયો કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી અને કોંગ્રેસનું વર્તમાન પારિવારિક નેતૃત્વ અર્થાત ગાંધી ખાન-દાન કોંગ્રેસને પુનઃજીવિત કરવા સક્ષમ નથી.

હકીકતે આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. માત્ર સ્થાનિક સ્તરના નાના નાના પ્રાદેશિક પક્ષો જ નહીં પરંતુ કોંગ્રેસના ખૂબ મોટી સંખ્યામાં ટોચના નેતાઓ સમજી ચૂક્યા છે કે ગાંધી ખાન-દાન હવે કોંગ્રેસને પુનઃજીવિત કરી શકે તેમ નથી. જોકે કોંગ્રેસના એ કહેવાતા વરિષ્ઠ નેતાઓમાં પક્ષમાંથી બહાર નીકળીને અલગ પક્ષ રચવાની હિંમત કે ક્ષમતા નથી. એ નેતાઓ અત્યાર સુધી માત્ર ગાંધી ખાન-દાનના ખીલે બંધાઈને કૂદતા રહ્યા છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને જ ટીએમસી અને આપ પાર્ટી જેવા કટ્ટરવાદી પક્ષો બીજા રાજ્યોમાં ચૂંટણી લડીને પોતાને રાષ્ટ્રીય પક્ષ ગણાવવાની ફિરાકમાં છે. એ વાત જૂદી છે કે એ પક્ષોના નેતાઓ તેમના દેખીતા લઘુમતી તરફી વલણ અને નીતિઓને કારણે બીજા રાજ્યોમાં સફળ થઈ શકે તેમ નથી. અને એ જ કારણે બેનરજી અને કેજરીવાલ જેવા લોકો ભોળા હિન્દુઓને વધારે મુર્ખ બનાવવા રામનામ જપવા લાગ્યા છે, બેનરજી તો હવે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાતો કરવા લાગ્યા છે. આ એ જ બેનરજી છે જેમણે પશ્ચિમ બંગાળમાં ટાટા નેનોના પ્લાન્ટ ન સ્થપાય એ માટે ખેડૂતોને ઉશ્કેરીને હિંસક આંદોલન કરાવ્યું હતું. તો બીજી તરફ દિલ્હીમાં મુલ્લા-મૌલવીઓને જંગી વેતન આપનાર કેજરીવાલ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની વાતો કરે છે.

દરમાં છૂપાયેલા ઝેરી સાપ કરતાં વધારે જોખમી લોકોને ઓળખવા જોઇએ, તેમનાથી સાવધાન રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત ચૂંટણી જીતનાર બેનરજીને તો હવે એવું લાગે છે કે, પોતે વિપક્ષોને એકત્ર કરીને 2024ની લોકસભા ચૂંટણી જીતીને વડાપ્રધાન બની શકે તેમ છે! પરંતુ કોંગ્રેસી કૂળ અને મૂળ ધરાવતા આ બધા રાજકારણીઓ કદી લઘુમતી તુષ્ટિકરણ છોડી શકવાના નથી એ હકીકત છે, એટલે વ્યૂહાત્મક રીતે અથવા બીજા કોઈપણ કારણસર આ ટુણિયાટ વિપક્ષો કોંગ્રેસથી છેડો ફાડે તો પણ રાષ્ટ્રીય સ્તરે કશું ઉકાળી શકે તેમ નથી. બીજો એક અગત્યનો મુદ્દો તમે સૌ વાચકો જાણો છો એમ આ બધા વામન પ્રાદેશિક પક્ષો ભેગા ભલે થાય પરંતુ વડાપ્રધાનપદની વાત આવશે ત્યારે બધા એકબીજાના પગ ખેંચવાના છે. એક નેતા માટે આ બધા સંમત થવાના જ નથી, પરંતુ ત્યાં સુધી સમજદાર નાગરિકોએ આ ટુણિયાટ વિપક્ષોના અપ-પ્રચારથી સાવધાન રહેવાની જરૂર છે. અને જેઓ સમજદાર નથી એમણે અહીં ઉપર જણાવી એ સ્થિતિનો થોડો વિચાર કરવાની જરૂર છે. વિચારો...ત્યાં સુધી મિલતે હૈ બ્રેક કે બાદ!